કામિનીઓની કમનીય કટિને શોભાવે સ્કર્ટ ચાર્મ

ફેશનેબલ માનુનીઓમાં સ્કર્ટ હમેશાંથી પ્રિય રહ્યાં છે. કોલેજગર્લ્સથી લઈને ઓફિસે જતી રમણીઓ સુધ્ધાં સ્કર્ટ તરફ આકર્ષાયા વિના નથી રહેતી. અને સેલિબ્રિટી પામેલાઓની તો વાત જ શી કરવી?
જો કે છેલ્લાં કેટલાક સમયથી પર વિવિધ પ્રકારની એક્સેસરીઝ લગાવવાની ફેશન પુરબહારમાં ખિલી છે. હોલીવૂડ અને બોલીવૂડસેલિબ્રિટીઓથી લઈને સામાન્ય યુવતીઓ સુધ્ધાં સ્કર્ટ પર આકર્ષક એક્સેસરી પહેરે છે. ફેશન જગતમાં તેને સ્કર્ટ ચાર્મ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટાઈલિસ્ટો તેના વિશે જાણકારી આપતાં કહે છે…..
સ્કર્ટ, ચાહે તે મીની હોય કે મીડી. જે તે મહિલાને આકર્ષક લુક આપે છે. પરંતુ જો તેના ઉપર કોઈ એક્સેસરી પણ પહેરી લેવામાં આવે તો તે વધુ ચાર્મિંગ, મોહક લાગે. તમે સ્કર્ટ પર કમરની ડાબેથી લઈને જમણે સુધી એક અથવા તેનાથી વધુ મેટલ ચેન લગાવી શકો. તમારા સ્કર્ટના રંગને અનુરૂપ મેટલ પસંદ કરો. તેઓ વધુમાં કહે છે કે આજે બજારમાં તમને હૃદયાકાર, કાર્ટુન કેરેક્ટર્સ ધરાવતાં કી-ચેન જેવા, ફૂમતાવાળાં, તાળા-ચાવી ધરાવતાં એટલે સુધી કે રસોડાની વસ્તુઓના રમકડાં બનાવીને તૈયાર કરવામાં આવેલા સ્કર્ટ ચાર્મ્સ અચૂક મળી આવશે. બસ, તમને તે ઓફિસના આઈકાર્ડની જેમ સ્કર્ટ પર લટકાવી દેવાના છે. વળી વિવિધ પ્રકારના બેલ્ટ અને કમરબંધ - કમરપટ્ટા તો ઓલટાઈમ ફેવરિટ જ છે.
તેઓ મહત્ત્વની વાત જણાવતાં કહે છે કે આપણા દેશમાં આ ફેશન કંઈ નવી નથી. આપણે ત્યાં મહિલાઓ કમરબંધ અને કંદોરા, ઝૂડો સદીઓથી ઉપયોગમાં લેતી આવી છે. નવોઢાઓની કમર કંદોરા વિનાની ભાગ્યે જ જોવા મળતી. અને ઘરની મોભી મહિલાની કમર પર ચાવીઓનો ઝૂડો ન હોય એવું ભાગ્યે જ બનતું. શ્રીમંત ઘરની મહિલાઓનો ઝુડો ભલે સોનાનો હોય, પણ સામાન્ય પરિવારની સ્ત્રીઓ પણ ચાંદીનો ઝુડો અચૂક ખોસતી. આજે તે સ્કર્ટ ચાર્મના નામે રમણીઓની કટિ શોભાવી રહી છે.









