Sahiyar

વાર્તા : બદચલન ઔરત

By GS Team
5 Oct 20269 mins read
વાર્તા : બદચલન ઔરત
  • દરરોજ ઓફિસમાં ચીલાચાલુ સાડી પહેરીને આવે છે. તે મારા ધ્યાનમાં છે. એટલે જ મારે તને એક સાડી ભેટ આપવી હતી. જેમાં તારું સૌંદર્ય વધુ મોહક બને. આઇ લાઇક યુ પ્રતિક્ષા. તું મને ખૂબ જ ગમે છે.' એમ માદક સ્વરમાં બોલતાં-બોલતાં મહેતાનો હાથ પ્રતિક્ષાના બ્લાઉઝ સુધી પહોંચી ગયો અને તેનું મોઢું પ્રતિક્ષાના હોઠ ચૂમવા નજીક આવી ગયું હતું.

ચર્ચગેટથી સાંજના ૫.૫૫ની બોરીવલી ફાસ્ટ પકડવા પ્રતિક્ષા દોડતી હતી. છેક છેલ્લી મિનિટે તેણે દોડીને ડબ્બામાં પગ મૂક્યો. ચર્નીરોડ, ગ્રાંટ રોડ તથા દાદર ઉતરનારી મહિલા મુસાફરોએ થોડી બૂમાબૂમ કરી, પરંતુ ધક્કામુક્કી કરીને પ્રતિક્ષાએ ડબ્બાની અંદર પોતાની જગ્યા બનાવી લીધી. ટ્રેન ચાલી અને હવાની લહેરખી આવતા પરસેવે રેબઝેબ પ્રતિક્ષાને થોડો હાશકારો થયો. હજી તો બે-ત્રણ સ્ટેશન ગયા ત્યાં તેની નજર એક મહિલા ઉપર પડી. તે મહિલાએ પણ તેને જોઈ લીધી હતી. એટલે વાત કરવા તે મોઢુ ખોલવા ગઈ કે પ્રતિક્ષા એ પોતાનું મુખ અન્યત્ર ફેરવી લીધું.
એક અઠવાડિયામાં છઠ્ઠી વખત તે આ મહિલાને મળી રહી હતી. ક્યારેક ઓફિસ જતા તો ક્યારેક ઓફિસેથી આવતા લોકલ ટ્રેનમાં તે અવશ્ય ભટકાઈ જતી. જોકે બંને વચ્ચે હજી સુધી વાતચીતનો દોર શરૂ થયો નહોતો. પ્રતિક્ષાએ તેની સાથે વાત કરવાનો ક્યારેય ઉમળકો બતાવ્યો નહોતો. પ્રતિક્ષાએ તેને જોઈ પહેલી નજરે જ ધારી લીધું હતું કે આવી સ્ત્રીઓ મેકઅપ, હાવ-ભાવ તથા ભાવ-ભંગિમાંથી જ ઓળખી શકાય છે. આવી સ્ત્રીઓ નોકરિયાત મહિલા બનીને દૂરદૂરના પરામાંથી ફોર્ટ, ચોપાટી કે અન્ય વિસ્તારોમાં પોતાના અડ્ડે પહોંચે છે. ઓળખીતાઓની દ્રષ્ટિથી દૂર આખો દિવસ તેઓ દેહનો વ્યવસાય કરે છે અને સાંજે ઓફિસ છૂટવાને સમયે પાછી ઘરે ફરે છે. આવી સ્ત્રીઓ સાથે બોલવાથી પોતાની પ્રતિષ્ઠા ઉપર પણ આંચ આવી શકે છે. એટલે પ્રતિક્ષા તેની સાથો બોલવાનું ટાળતી હતી.
હજી તો પ્રતિક્ષા તેના વિશે આગળ કંઈ વિચારે તે પૂર્વે તો પેલી સ્ત્રી ગરદીમાંથી જગ્યા કરીને પ્રતિક્ષાની સામે આવી ગઈ. 'હાય, આજે ફરી તમારી સાથે મુલાકાત થઈ ગઈ.' આગંતુક સ્ત્રીે વાતચીતનો દોર આરંભ્યો આખરે પ્રતિક્ષાએ પણ તેની સામે હસવું જ પડયું. પ્રતિક્ષાએ પોતાની વેધક દ્રષ્ટિથી તેને ઉપરથી નીચે સુધી નિહાળી બરોબર ધંધો કરનારી સ્ત્રી જેવો જ દેખાવ હતો તેનો. શરીરમાંથી સસ્તા સેંટની સુગંધ, લિપસ્ટિકથી રંગેલા લાલ ચટ્ટાક હોઠ, આંખમાંથી બહારની બાજુ કાઢેલી કાજળની લાંબી રેખા, લો-કટ ગળાનું બ્લાઉઝ અને એકદમ પારદર્શક સાડી. આવી સ્ત્રીઓને ઓળખવામાં પ્રતિક્ષા ક્યારેય ભૂલ નહોતી કરતી. હાથમાં એક મોટું પર્સ અને કપાળ ઉપર મરુન રંગનો ચાંદલો જોતા પ્રથમ દ્રષ્ટિએ તે સારા કુટુંબની કુળવધુ લાગતી હતી. પુરુષોની દ્રષ્ટિએ શારીરિક રીતે તે સુંદર અને માંસલ દેખાતી હતી. તેને દેહનો વ્યવાસય કરતા કોઈ શરમ નથી આવતી? પ્રતિક્ષાએ મનોમન મોઢું બગાડતા બીજી બાજુ મુખ ફેરવી લીધું.
'પ્લીઝ, જરા છાપું આપશો.' થોડીવાર પછી તે મહિલાએ પ્રતિક્ષાના હાથમાં રહેલા અખબાર તરફ સંકેત કરી ફરી વાતચીત શરૂ કરવાની પહેલ કરી. પ્રતિક્ષાએ તેને છાપું આપ્યું. હેડલાઇન્સ ઉપર નજર ફેરવીને પ્રતિક્ષાને પેપર પાછું આપતા તેણે પૂછ્યું, 'તમે સરકારી ખાતામાં કામ કરો છો?'
પ્રતિક્ષાને તેના ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો પણ તે વ્યક્ત ન કરી શકી.
'હું ફોર્ટમાં ગ્લોબલ ફાયનાન્સ કંપનીમાં કામ કરું છું. તમે?' પ્રતિક્ષાએ તેને પૂછ્યું.
'હું એક કોસ્મેટિક કંપનીમાં સેલ્સગર્લ છું.' જવાબ આપતા-આપતા તે મહિલા જરા નજર ચોરી ગઈ. પ્રતિક્ષા મનોમન બોલી, 'સેલ્સ ગર્લ કે કોલગર્લ.'
'તમારે તો ઘણી મહેનત કરવી પડતી હશે. આખો દિવસ ઘરાક શોધવાના, માલ વેચવાનો. બહુ મહેનત કરવી પડતી હશે નહીં.' પ્રતિક્ષાએ તેને ચીડવવા અને તેની પ્રત્યે વ્યંગ કરતા કહ્યું. 'અરે બેન વાત પૂછો નહીં. આખા દિવસની ભાગદોડમાં તો શરીર થાકી જાય છે. પણ શું થાય પેટ માટે બધું કરવું પડે છે.'
'તમારા હસબન્ડ શું કરે છે?'
'મારા હસબન્ડ એક પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઇવર હતા. એક વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં તેઓ મૃત્યુ પામ્યા. ઘરમાં કોઈ પુરુષ નથી અને ચાર ખાનારી વ્યક્તિ છે. સારી નોકરી શોધવાની ઘણી કોશિશ કરી પણ કંઈ વળ્યું નહીં છેવટે મજબૂરીમાં આ નોકરી કરવી પડે છે.' વાત કરતા-કરતા તેની આંખમાં પાણી ભરાઈ આવ્યા.
પ્રતિક્ષાનો પતિ દેવાંગ હાઇ સ્કૂલમાં શિક્ષક હતો અને પોતે પણ નોકરી કરતી હતી પરંતુ ઘર ચલાવવાની તકલીફ તો તેને પણ થતી હતી. પેલી સ્ત્રીની વાત સાંભળીને તે પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ. દેવાંગના બંને ભાઈઓ જુદા રહેતા હતા. નાનો ભાઈ ભણતો હતો અને બહેન લગ્નને લાયક થઈ ગઈ હતી. ભાઈઓએ ઘરની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હતા. ઘરમાં સતત પૈસાની ખેંચ રહેતી. ત્યાં ઘરમાં નવું કંઈ વસાવવાની વાત દૂર રહી. દેવાંગ ખૂબ જ સમજદાર હતો. તે માબાપ, ભાઈ-બહેન બધાની જવાબદારી નિભાવતો હતો. આ બધામાં તે પ્રતિક્ષાના સ્વપના પૂરા નહોતા કરી શકતો. પ્રતિક્ષાને મોંઘા વસ્ત્રો-આભૂષણો તથા સુખ-સાહ્યબીથી હર્યાભર્યા ઘરનું સ્વપનું હતું. પરંતુ વાસ્તવિક્તા કંઈક જુદી જ હતી અને તે કારણે તેનું મન સતત અસંતોષથી ભર્યું જ રહેતું. દેવાંગ તેની ભાવના સમજતો હતો અને તેની ભાવનાને પૂર્ણપ્રેમથી ભરી દેવા મથતો હતો. પરંતુ પ્રતિક્ષાની પ્રતિક્ષાનો ક્યારેય અંત આવતો નહોતો. તે સતત આવા બધા વિચારોમાં જ ખોવાયેલી રહેતી.
બીજે દિવસે ઓફિસમાં આવીને તે બેઠી અને પછી પાછી પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ.
'મિસિસ શાહ… ક્યા વિચારોમાં છો?' પ્રતિક્ષા એકદમ ચમકી ગઈ. તેના ઉપરી મિસ્ટર મહેતા તેની એકદમ પાસે ઊભા રહીને પૂછતા હતા. અને આખો સ્ટાફ તેની તરફ જોતો હતો.
'કંઈ નહીં સર. બસ, આમ જ…' તેણે થોથવાતા જવાબ આપ્યો.
'તમારી તબિયત તો સારી છેને?'
'હા, હા સર.'
'મારી કેબિનમાં આવજો. એમ કહીને મિ. મહેતા તેમની કેબીનમાં જતા રહ્યા. પ્રતિક્ષા જરા સ્વસ્થ થઈને તેમની કેબિનમાં ગઈ. 'મારે આજે એક સાડી ખરીદવાની છે. જો તમને વાંધો ન હોય તો તમે બપોરે લંચ પછી મારી સાથે આવશો?'
'એમાં વાંધો શું હોય સર? હું આવીશ તમારી સાથે.' પ્રતિક્ષાએ પ્રત્યુતર આપ્યો.
બપોરે લંચ પછી પ્રતિક્ષા મિ. મહેતાની સાથે તેમની કારમાં બેસી ગઈ. આજે ઘણા વખત પછી તે ગાડીમાં બેઠી અને જાણે તેના દિલને ટાઢક વળી. મિ. મહેતાએ ગાડીને એક મોલ પાસે ઊભી રાખી એટલે તે ચમકી. આજસુધી તેણે મોલનું બોર્ડ જ જોયું હતું તેમાં પ્રવેશવાનો મોકો આજે મળશે એવું વિચારીને તે હરખાઈ ગઈ.
મિ. મહેતા સાથે મોલમાં પ્રવેશી ત્યારે તેની ગરદન ટટાર થઈ ગઈ. ગેટ પરના ગુરખાએ જ્યારે તેને સલામ મારી ત્યારે તે મનોમન ખુશ થઈ ગઈ. સાડીના શો-રૂમમાં તેને ગમતી સાડીઓનો ઢગલો મિ. મહેતાએ કરાવ્યો. એમાંથી રૃા. ૪૫૦૦/-ની કિંમતની એક સાડી તેણે પસંદ કરી. આજે કદાચ લગ્ન બાદ જીવનમાં પહેલીવાર આટલી મોંઘી સાડીની પસંદગી તેણે કરી હતી. દેવાગં તો હંમેશાં કોઈ પણ સેલમાં લઈ જઈને તેને ૫૦૦-૬૦૦ રૂપિયાની જ સાડી અપવાતો હતો. આટલી મોંઘી સાડીનું બોક્સ હાથમાં પકડીને તે જાણે મિસિસ મહેતા હોય તેટલા રુઆબથી દુકાનથી બહાર નીકળી.
પ્રતિક્ષા તો સાડીના વિચારોમાં ને વિચારોમાં બોક્સને બે હાથમાં દબાવીને ગાડીમાં બેસી ગઈ. નાનકડા બાળકને મનગમતું રમકડું મળવાથી જે આનંદ થાય એ પ્રતિક્ષાના ચહેરા ઉપર હતો.
'આજે જો તમને વાંધો ન હોય તો એકાદુ પિક્ચર જોઈ નાખીએ?'
'હં… હં… ફિલ્મ… મને કંઈ વાંધો નથી પણ ઓફિસમાં કામ પડયું છે…'
'તેની તમે ચિંતા ન કરો.' એમ કહી મૂછમાં હસતા મિ. મહેતાએ ગાડીને મેટ્રોની દિશામાં દોડાવી.
આજે મિ. મહેતાના સાનિધ્યમાં તે આનંદસાગરમાં હિલોળા લેતી હતી. થિયેટર આવતા તે સંભાળીને બોક્સ લઈને નીચે ઉતરી. થોડીવારમાં તો બંને બાલ્કનીના એકાંત ખૂણામાં બેઠા હતા. ફિલ્મ શરૂ થતા થોડીવારમા જ મિ. મહેતાએ પ્રતિક્ષાની ગરદન ફરતે હાથ વીંટાળીને તેને પોતાની નજીક લાવવાનો પ્રયાસ કર્યો અને જાણે પ્રતિક્ષા પણ ચુંબકની જેમ ખેંચાઈ ગઈ. હવે તે મહેતાસાહેબની એટલી નજીક હતી કે તેમના ગાલ ઉપરના આફટર શેવ લોશનની માદક ખુશ્બૂ માણી રહી હતી. તેને પોતાને કંઈ સમજ જ પડતી નહોતી. જાણે તે સ્વર્ગ સુખનો અનુભવ કરતી હતી.
'તું પૂછીશ નહીં કે આ સાડી કોના માટે લીધી છે.' મિ. મહેતાએ તેના કાન પાસે મોઢું લાવીને હળવેથી ચુંબન કરતા કહ્યું.
'એમાં પૂછવાનું શું? તમારી પત્ની માટે જ હોય ને?'
'જો હું એમ કહું કે આ સાડી તારા માટે છે તો…' મહેતાએ પ્રતિક્ષાનું બાવડુ દાબતા પૂછ્યું.
'મારા માટે…' પ્રતિક્ષાનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું.
હા. દરરોજ ઓફિસમાં ચીલાચાલુ સાડી પહેરીને આવે છે. તે મારા ધ્યાનમાં છે. એટલે જ મારે તને એક સાડી ભેટ આપવી હતી. જેમાં તારું સૌંદર્ય વધુ મોહક બને. આઇ લાઇક યુ પ્રતિક્ષા. તું મને ખૂબ જ ગમે છે.' એમ માદક સ્વરમાં બોલતાં-બોલતાં મહેતાનો હાથ પ્રતિક્ષાના બ્લાઉઝ સુધી પહોંચી ગયો અને તેનું મોઢું પ્રતિક્ષાના હોઠ ચૂમવા નજીક આવી ગયું હતું. 'શું આ બરોબર છે સર? તમારી પત્ની મારો પતિ. આપણે પરણીત છીએ.'
'શું આપ્યું છે તને તારા લગ્નજીવને અભાવ અને અસંતોષ. મારી પત્ની ક્યારેય મને જોઈતું સુખ આપી શકી નથી. શા માટે દુનિયાદારીની ફિકર કરવી જોઈેએ. આપણને પણ આપણી રીતે આનંદ મેળવવાનો હક છે.'
મિ. મહેતાના શબ્દો જાણે તેને નવજીવન બક્ષતા હતા અને તે શબ્દોના ઘોડાપુરમાં ગાંડી બનીને વહી જતી હતી. મહેતા તેનું કામ કરી રહ્યા હતા અને પ્રતિક્ષા તેમના સ્પર્શસાગરમાં ડૂબી રહી હતી.
'આપણે કોઈ હોટેલમાં જઈએ. મારે તને આ સાડી પહેરેલી જોવી છે.' મહેતાએ ફરી તેના કાનમાં કહ્યું અને તે પાડોશી કન્યાની જેમ તેમની પાછળ ચાલી નીકળી.લાંબા ડગલા ભરતી જ્યારે તે સ્ટેશન પર પહોંચી તો હજી સાંજના ૫.૧૫ વાગ્યા હતા.
તેને નિરાંત થઈ. જોકે મહેતાસાહેબ પોતે જ હોટેલમાંથી સ્ટેશન ઉપર ગાડીમાં મૂકી ગયા હતા. એટલે ચાલવાનો સમય બચી ગયો હતો. તેને ચા પીવાની ઇચ્છા થઈ અને તે સ્ટોલમાં પ્રવેશી. પ્રવેશતાપૂર્વે તેણે સાડી સરખી કરી અને વાળ ઉપર હાથ ફેરવ્યો. ચા લઈને તે પ્લેટફોર્મ તરફ આવી રહી હતી. ત્યાં તેની પીઠ ઉપર હળવી ટપલી પડી.
'શું સંયોગ છે ને આપણે વહેલા કે મોડા સાથે થઈ જઈએ છીએ. વળી પાછી તે જ મહિલા તેને મળી. તે જેટલું અંતર રાખવા માગતી હતી તેટલી જ તે સ્ત્રી તેની પાછળ પડી ગઈ હતી. તે મહિલાની લિપસ્ટીક આજે સુકાયેલી હતી અને તેના મોઢા ઉપર થાક વર્તાતો હતો. આજે તેની પાસે એક પ્લાસ્ટિકની બેગ પણ હતી. બેગ થોડી ભરેલી હતી. પ્રતિક્ષાને થયું શું હશે આ બેગમાં?
'આજે ભીડ કંઈક વધારે જ છે નહીં.' પણ પ્રતિક્ષાએ તેને જવાબ આપ્યો નહીં. પરંતુ આજે તો તેના હાથમાં પણ એક ભારેખમ બોક્સ હતું. તેના ઉપર હાથ ફેરવતા-ફેરવતા તે આગળ વધી ગઈ. ત્યાં તો ટ્રેન પ્લેટફોર્મમાં પ્રવેશી અને બધી મહિલાઓએ ટ્રેનમાં ચડવાની તૈયારી કરી. પ્રતિક્ષાએ પોતાના બોક્સને બે હાથ અને છાતી વચ્ચે દવાબી દીધું. પાછળથી બધી સ્ત્રીઓએ ધક્કો માર્યો અને પ્રતિક્ષા ડબ્બામાં તો ચડી ગઈ પણ તે સંતુલન ન રાખી શકી અને પોતાની પાછળ ચડતી પેલી મહિલા ઉપર પડી. બંને એકમેક સાથે ભટકાયા અને બંને નીચે પડયા. જેવી તે મહિલા નીચે પડી તે સાથે જ તેના હાથમાં રહેલી બેગ નીચે પડીને ફાટી ગઈ. અને બેગમાંથી 'શિશુ આહાર'નો ડબ્બો નીચે પડી ગયો.
આ જોઈને પ્રતિક્ષાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેના માનસપટ પર પેલી સ્ત્રી વિશેના પૂર્વાગ્રહ છતા થવા લાગ્યા. પ્રતિક્ષાએ તેની જાતને ઢંઢોળી જોઈ અને આંતરઆત્માને પૂછ્યું કે જેને તે બદચલન ઔરત માનતી હતી એ સ્ત્રી ખરેખર તો લાચાર મા હતી. તેના સંતાન માટે વેશ્યાવૃત્તિ કરતી હતી. પરંતુ તે પોતે શું કરે છે. તેનો સુખી સંસાર છે છતાં તે મિ. મહેતાની મોહમાયામાં લપસી ગઈ.
પોતાની વાતને સતી સાવિત્રી સમજતી જઈ રહી હોવાનો અહેસાસ થયો. બે ઘડી એ શૂન્ય મનસ્ક ઊભી રહી. પછી મોં ફેરવીને ચૂપચાપ ડબાનાના એક ખૂણામાં ઊભી રહી વિચારમગ્ન બની ગઈ.