તો એ તમારી ભૂલ છે

- ઝાઝાં પ્રશ્નો પૂછતાં બાળકોથી ત્રાસી ગયા છો?
કેટલાંક બાળકોને પુષ્કળ પ્રશ્નો પૂછવાની ટેવ હોય છે. તેઓ વાતવાતમાં પ્રશ્નોનો મારો ચલાવે છે. તેમાંય એક સવાલના જવાબમાંથી તેઓ બીજો પ્રશ્ન શોધી કાઢે ત્યારે તેમના માતાપિતા અને શિક્ષકો સુધ્ધાં કંટાળી જાય છે. એટલું જ નહીં, તેમની ધીંગામસ્તી પણ અન્ય બાળકો કરતાં જુદી હોય છે. તેઓ પોતાના માટે કોઈક એવી પ્રવૃત્તિ શોધી કાઢે છે કે તેમના પરિવારજનોને આંચકો લાગે છે. કેટલીક વખત તેમને એવી ચિંતા પણ સતાવે છે કે તેમનું ભૂલકું અન્ય બાળકો જેવું કેમ નથી?
જોકે મનોચિકિત્સકો કહે છે કે જો તમારું બાળક અન્ય ભૂલકાઓ કરતાં નોખું તરી આવતું હોય તો એ ચિંતાનો નહીં, બલ્કે રાજીપાનો વિષય છે. જો તેઓ સતત કંઈક અલગ-નોખું કરતાં હોય, ઉત્સુકતાપૂર્વક પ્રશ્નો પૂછતાં હોય તો એ તેમની બુધ્ધિમત્તાનો પુરાવો છે. તેઓ વધુમાં કહે છે કે બાળકોના વધારે પડતાં સવાલોથી માતાપિતા અને શિક્ષકો પણ કંટાળી જતાં હોય છે. પરંતુ જ્યારે તેમને આવા ભૂલકાઓના પ્રશ્નોના જવાબ આપવાનો કંટાળો આવે ત્યારે તેમણે પોતાની જાતને જ પ્રશ્ન પૂછવો જોઈએ કે આટલા નાના બાળકને આવા સવાલો પૂછવાનું સૂઝ્યું શી રીતે? જો તેમનું મગજ ઝપાટાભેર ન દોડતું હોય, તેઓ તેજસ્વી-મેઘાવી ન હોય તો તેમના મનમાં આટલા બધા સવાલો પેદા જ ન થાય.
એક મનોચિકિત્સક પોતાનો અનુભવ જણાવતાં કહે છે કે મારી પાસે એક યુગલ તેમના ત્રણ વર્ષના પુત્રને લઈને આવ્યું. તેમણે મને કહ્યું કે તેમનો દીકરો એટલા બધા સવાલ પૂછે છે કે તેઓ તેના જવાબો આપતાં આપતાં ત્રાસી જાય છે. કેટલીક વખત તો તેઓ મૂંઝાઈ જાય છે કે તેમના આ 'બાળવિદ્વાન'ને જવાબ શો આપવો. તેમણે મને એમ પણ કહ્યું હતું કે અમારો પુત્ર બીજા બાળકોથી અલગ છે તેથી અમને તેના ભવિષ્યની ચિંતા થાય છે. મેં તેમની વાત એકદમ શાંતિથી સાંભળ્યા પછી એક ઉદાહરણ સાથે તેમની ચિંતા દૂર કરી હતી.
આ મનોવૈજ્ઞાાનિકે સંબંધિત યુગલને કહ્યું હતું કે જાપાની અભિનેત્રી, લેખિકા તેત્સુકો કુરોયાનાગી (તોતો ચાન)ની કહાણી પણ કાંઈક આવી જ છે. સવાલોનો મારો ચલાવવાની આદતને પગલે તોતોને સંખ્યાબંધ શાળાઓમાંથી કાઢી મૂકવામાં આવી હતી. બધા તેને બેશિસ્ત છોકરી માનતા હતા. સંખ્યાબંધ શાળાઓમાંથી રવાના કરી દેવામાં આવેલી તોતોને તેની માતાએ છેવટે રેલવેના નકામા પડી રહેલા ડબ્બામાં ચાલતી તોમાએ શાળામાં દાખલ કરી. ૧૯૩૭માં આ શાળા જાપાનના જાણીતા શિક્ષણવિદ્ સોસાકૂ કોબાયાશીએ શરૂ કરી હતી. તોતોની માતા તેને નવું ફ્રોક પહેરાવીને શાળામાં દાખલ કરવા ઘરેથી નીકળી. પરંતુ તોતોએ સીધા રસ્તેથી શાળામાં જવાને બદલે ઝાડીઝાંખરામાંથી સ્કૂલમાં જવાની જિદ્ કરી. માતા-પુત્રી શાળાએ પહોંચ્યા ત્યારે તોતોનું ફ્રોક ફાટી ગયું હતું. પુત્રીના હાલ જોઈને તેની માતાને લાગ્યું કે તોતોને અહીં પણ એડમિશન નહીં મળે. પરંતુ તોમાએના પ્રિન્સિપાલ સોસાકૂ પોતાની વિશિષ્ટ શિક્ષણ પધ્ધતિ માટે જાણીતા હતાં. તેમણે તોતોની માતાને પોતાની ઓફિસની બહાર બેસવાનું કહ્યું અને તેઓ તોતો સાથે વાતો કરવા બેઠાં. બંનેએ કલાકો સુધી વાતો કર્યાં કરી. તોતો બહુ ખુશ હતી. તેને એમ લાગ્યું કે કોઈએ પહેલી વખત તેની વાતો આટલા ધ્યાનથી સાંભળી. તોતોને જો સોસાકૂ જેવા શિક્ષક ન મળ્યા હોત તો તે આટલી સારી અભિનેત્રી, લેખિકા ન બની શકી હોત. તોતોએ પોતાની આ શાળાની સ્મૃતિ અકબંધ રાખવા એક પુસ્તક લખ્યું. 'તોતો ચાન' નામના આ પુસ્તકનો દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદ થયો. અને આ તમામ ભાષાના લોકોએ આ પુસ્તક વાંચ્યું. જોકે ૧૯૪૫માં બીજા વિશ્વયુધ્ધ વખતે આ શાળા હતી-નહતી કરી દેવામાં આવી.
મનોચિકિત્સકની આ વાત સાંભળીને એ ખેપાની બાળકના માતિપાતાના શિરેથી જાણે કે મોટો બોજો ઉતરી ગયો. તેમણે આ યુગલને સમજાવતાં વધુમાં કહ્યું હતું કે કેટલાંક બાળકોને હોમવર્ક પૂરું કરતાં કલાકો લાગે છે. જ્યારે કેટલાંક બાળકો ગણતરીના સમયમાં હોમવર્ક પૂરું કરી લે છે. તેમને સિલેબસ સિવાયનું વાંચન કરવું ગમે છે. આવા બાળકો હકીકતમાં અન્ય ભૂલકાઓ કરતાં વધુ તેજસ્વી હોય છે. જોકે કેટલીક વખત શિક્ષકો પાસે પણ આવા બાળકોના સવાલોના જવાબ નથી હોતાં. આવી સ્થિતિમાં તેમને ત્રાસ થાય તે સમજી શકાય એવી વાત છે. પરંતુ તેમણે બાળકને વઢી નાખવાને બદલે તેના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરવો જોઈએ. આવા બાળકોને કેટલીક વખત વર્ગમાં કંટાળો આવતો હોય છે. તેનું કારણ એ હોય છે કે તેમણે પોતાના પુસ્તકો અગાઉથી જ વાંચી લીધાં હોય છે. અને જ્યારે શિક્ષક ક્લાસમાં તેમને ભણાવે ત્યારે તેમને પોતાના પાઠમાં કાંઈ નવું નથી લાગતું. આવામાં તેઓ ક્લાસરૂમમાં કંટાળે છે. અને જ્યારે તેમનું ધ્યાન વર્ગમાં નથી હોતું ત્યારે શિક્ષક તેમને વઢે છે, તેમને શિક્ષા કરે છે. જોકે શિક્ષકોને એ સમજવું જોઈએ કે આવા બાળકોને અભ્યાસમાં પણ કાંઈક પડકારજનક જોઈતું હોય છે. ખરેખર તો તેમના માટે ખાસ ક્લાસ હોવા જોઈએ જેમાં તેમને નવા નવા ચેલેન્જ મળે અને તેમની તેજસ્વીતાની પ્રશંસા થાય.
મનોચિકિત્સકો ઝાઝાં સવાલો પૂછતા, અસામાન્ય બાળકોના માતાપિતાને ચોક્કસ બાબતો પર ધ્યાન આપવાનું કહે છે. જેમ કે..,
- બાળકોના પ્રશ્નોના મારાથી ત્રાસ ન અનુભવવો.
- ભૂલકાની તર્ક-વિતર્ક કરવાની આદતને રોકવાનો પ્રયાસ ન કરવો. તેમને ક્યારેય ન કહેવું કે ખોટે ખોટી ચર્ચાઓ ન કર.
- બાળકની દરેક વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. અને જો તેના સવાલનો જવાબ ખબર ન હોય તો તેને કહેવું કે તેઓ જવાબ શોધીને જણાવશે.
- જો આવું ભૂલકું પોતાના વિચારોમાં ખોવાયેલું હોય તો ચિંતા ન કરો. હકીકતમાં તે કોઈક સર્જનાત્મક વિચાર કરતું હશે.
- આવા બાળકો નવી નવી કહાણીઓ ઘડી કાઢતાં હોય છે જે સારો સંકેત છે.
- બાળક કાંઈક નવું જાણવા-શીખવાનો પ્રયાસ કરે તો તેને સાથ આપો.









