Sahiyar

દાંપત્યજીવનને ડામાડોળ કરતી ઊંઘની તકલીફ

By GS Team
6 Jul 20264 mins read
દાંપત્યજીવનને ડામાડોળ કરતી ઊંઘની તકલીફ

આધુનિક જીવનની અનેક આડઅસરોમાંની એક સ્લીપ ડિસઓર્ડર એટલે કે પૂરતી ઊંઘ લેવાની અક્ષમતા અને ઊંઘને લગતી વિવિધ તકલીફો. ઉપરથી નાની લાગતી આ બાબત હકીકતમાં અનેક સંબંધોને વેરવિખેર બનાવી દે છે.
ઊંઘને લગતી તકલીફોને કારણે અનેક જીવનસાથીઓ અલગ રૂમમાં સૂવાનું પસંદ કરે છે જેથી તેમને ઊંઘમાં ખલેલ ન પહોંચે, જ્યારે ઊંઘની તકલીફ ધરાવતા કેટલાક સમજુ લોકો પોતે જ અલગ રૂમમાં સૂવાનું પસંદ કરે છે જેથી અન્યોને તકલીફ ન થાય.
કેટલાક લોકો અન્યોને ખલેલ ન પહોંચે એટલે સફળ કારકિર્દીની લાયમાં સતત મથતા રહેવાને કારણે તથા અન્ય સામાજિક બંધનોને નિભાવવા માટે સમયની પાછળ સતત દોડતા રહે છે અને ખૂબ થાકી જાય છે. એને કારણે તેઓ પૂરતો આરામ નથી કરી શકતા.
બ્રિટિશ સ્લીપ સોસાયટીના એક ડોક્ટરે આ વિશેનો એક અભ્યાસ કરવા માટે લગભગ ચાર હજાર લોકોના ઈન્ટરવ્યુ લીધા હતા. ડોક્ટર કહે છે, 'આ સમસ્યાને કારણે લોકોની કારકિર્દી અને સંબંધો છિન્નભિન્ન થઈ જાય છે.'
આ ડોક્ટર વધુમાં કહે છે, 'ઊંઘમાં નસકોરાં બોલાવવાની તથા પલંગ પરથી પડી જવાની વાત જોક બની ગઈ છે અને લોકો એ વાતે હસતા હોય છે, પરંતુ આ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે.'
ઊંઘને લગતી તકલીફ ધરાવતા બેતૃતીયાંશ લોકોએ કહ્યું, 'આ તકલીફ તેમના સંબંધોને ખતમ કરી રહી છે.'
જેમના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા એમાંના અડધા ભાગના લોકોએ કહ્યું કે 'અમને અલગ રૂમમાં સૂવાની ફરજ પાડવામાં આવે છે.'
ડોક્ટર મેલિસા કહે છે, 'વિશ્વભરમાં લાખો લોકોે ઊંઘને લગતી તકલીફો ધરાવે છે, પરંતુ મોટા ભાગના લોકો એને અવગણે છે અને ઈલાજ નથી કરતા.'
ઊંઘને લગતી સૌથી સામાન્ય અને વ્યાપક તકલીફ સ્લીપ એપ્નોઈયા નામની બીમારીની છે.
સ્લીપ એપ્નોઈયામાં માણસની ઊંઘમાં રાત્રે સતત ખલેલ પહોેંચતી રહે છે. થાકને કારણે ઓક્સિજનનો અભાવ પેદા થાય છે અને મગજ જ્યારે આ ક્ષતિ અનુભવે ત્યારે એ એક ક્ષણ માટે નસકોરાં બોલાવતી વ્યક્તિની હવાની અવરજવર કરતી નળીને ફરીથી ખોલી નાખવા માટે પ્રેરે છે.
આ રોગ અનુભવતી વ્યક્તિનાં સામાન્ય લક્ષણોમાં નસકોરાં બોલાવવા, રાત્રે ઊંઘમાં ચાલવું, ડિપ્રેશન અને સતત થાક અનુભવવાનો સમાવેશ થાય છે. આ બીમારીથી પીડાતા લોકો સતત એવું અનુભવતા રહે છે કે તેઓ પોતાની કારકિર્દી તથા સંબંધોમાં નિષ્ફળ જઈ રહ્યા છે.
એપ્નોઈયા આમ તો જીવલેણ નથી, પરંતુ એને કારણે હાર્ટએટેક, સ્ટ્રોક તથા હાઈપરટેન્શનનું જોખમ વધી જતું હોવાનું માનવામાં આવે છે.
બ્રિટિશર ડોક્ટર કહે છે, 'એપ્નોઈયાથી પીડાતા લોકો અકસ્માતનો ભોગ બને એવી શક્યતા બાર ગણી વધુ હોય છે.' તેઓ કહે છે, 'ઊંઘની બીમારીઓનું પ્રમાણ ડાયાબિટીઝ જેટલું જ અને અસ્થમા કરતાં બમણું છે. આ સમસ્યા પ્રત્યે ડોેક્ટરોે તથા નર્સોને વધુ જાગ્રત બનાવવાની જરૂર છે. આ ખરેખર એક મોટી સમસ્યા છે હકીકતનું લોકોેને ભાન થાય એ જરૂરી છે અને એ બાબતે તેમને જાગ્રત કરવાની જરૂર છે.'
કેમ્બ્રિજની પેપવર્થ હોસ્પિટલના ઊંઘને લગતી તકલીફોના નિષ્ણાત ડોેક્ટર જૉન સ્નિયર્સન કહે છે, 'ઊંઘને લગતી તકલીફો માટે આધુનિક જીવનશૈલી જવાબદાર છે. સામાજિક વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે લોકોએ સતત કામ કરતા રહેવું પડે છે અને સોશ્યલાઈઝ્ડ થતા રહેવું પડે છે. એને કારણે લોકો ઓફિસમાં કે અન્ય સ્થળે ખૂબ ઊંઘ આવતી હોય તો પણ એ કબૂલ નથી કરતા અને એના ઈલાજ માટે ડોેક્ટર પાસે પણ નથી જતા.'
ડોક્ટર સ્નિયર્સન વધુમાં કહે છે, 'આમ છતાં સતત ઊંઘનો અભાવ અનુભવવાથી માણસોનું જીવન અને તેમના અન્ય લોકો સાથેના સંબંધો મુશ્કેલીમાં આવી રહ્યાં છે.'
ઊંઘ વિશે આટલું જાણી લો

  • ડાયેટિંગ અને કસરતની જેમ પૂરતી ઊંઘ તંદુરસ્તી માટે આવશ્યક છે. અપૂરતી ઊંઘ માનસિક અને શારીરિક બંને પ્રકારની સમસ્યાઓ પેદા કરી શકે છે.
  • ઊંઘના સતત અભાવને પરિણામે ઊંઘની ખાદ્ય એકઠી થતી રહે છે. જે લોકોે વધુ સમય ઊંઘથી વંચિત રહે છે તેઓ હંમેશ માટે ઊંઘની તકલીફથી પીડાતા રહે છે.
  • સ્લીપનેસ એટલે કે ઘેનમાં રહેવું એક એવી અવસ્થા છે જેમાં તમારે જાગવાની જરૂર હોય છતાં તમે જાગેલા અને સતર્ક નથી રહી શકતા. કામ કરતી વખતે કે ડ્રાઈવિંગ કરતી વખતે કે ઘણી વાર આવી તકલીફ અનુભવાતી હોય છે.
  • થાક એવી અવસ્થા છે જેમાં તમને અસ્વસ્થતા લાગે છે, ચીડ ચડતી રહે છે અને હાથ પરના કામમાં તમે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. આખી રાત ઊંઘ્યા પછી પણ તમે આવું અનુભવો છે.
  • ઈન્સોમ્નિયા એટલે કે અનિદ્રાની વ્યાખ્યા એ છે કે તમારી પાસે ઊંઘવાની તક હોય છતાં તમે ઊંઘી જવામાં તથા ઊંઘતા રહેવામાં તકલીફ અનુભવતા હો. થોડાં અઠવાડિયા સુધી ચાલતા ઈન્સોમ્નિયાને ટૂંકા ગાળાની અનિદ્રાની કે ટ્રાન્ઝિસ્ટન્ટ કહેવાય છે. જો અનિદ્રા લાંબા સમય સુધી ચાલતી રહે તો એને ક્રોનિક ઈન્સોમ્નિયા કહે છે.
  • ઈન્સોમ્નિયાની બીમારી પુરુષો કરતાં સ્ત્રીઓને થવાની શક્યતા વધુ હોય છે. શરીરની અંદરના તાપમાનમાં ફેરફાર થવાથી તેમ જ હોર્મોન્સમાં પરિવર્તન આવવાથી ઊંઘવાની રીત બદલાઈ જતી હોય છે.