Sahiyar

વાચકની કલમ

By GS Team
5 Oct 20263 mins read
વાચકની કલમ

વિનંતી
હે મારી સખી, સહેલી, સહિયર
તારા વાચકને મારે મળવું છે
તું મળવા દે
કાંઈક એમને મારે કહેવું છે
તું કહેવા દે
મારા શબ્દોને તું વાચા આપી દે
મારી લાગણીઓ એમને પહોંચાડી દે
મને વિસ્તરવું છે વિસ્તરવા દે
મારા મનને હળવું થાવા દે
વાંચું છું વરસોથી તને મનભરીને
કદીક તો મારા શબ્દોને
મારા વાચક સુધી તું પહોંચવા દે
મારી અમૂલખ મૂડીને
તું સારી જગ્યાએ ખરચવા દે
વ્હાલું છે મને મારું નામ
મારી કવિતા સાથે મારા નામને
તું છાપી દે
બસ આટલી વાત તું મારી માની લે
આભાર!
શારદા અરવિંદ કોટક (મુલુંડ)

કાનાની મીરા
કાનાની ભક્તિમાં
ડૂબીડૂબીને
મીરા બનવું છે મારે
જીવનની હર પળે
નજર મારી જ્યાં ફરે
કાનાનું મુખડું દીસે
મને…….મીરા
મંદિરના ઘંટારવમાં
મંજીરાના મધુર નાદમાં
ખંજરીના ખનખનમાં
સમીરની
સન્ન્ન્ લહેરમાં
સરિતાના વહેતાં નીરમાં
કાનાની બંસરીનો
રણકાર…….મીરા
કાનો મારો સર્વેસર્વા
મારા દર્દેદિલની દવા
કાનામય બનીને જીવવું મારે
સંસારનૈયા પાર કરવી
ત્યારે…….. મીરા
સમાજબંધન
તોડી દીધા ક્ષણમાં
ઝેરના ઘૂંટડા ઉતર્યા પળમાં
દુનિયાને ત્યાગી દીધી ક્ષણમાં
કાનાને સમાવી દીધો
દિલમાં……….મીરા
કાનાની હું તો છું દિવાની
ભક્તિમાં ડોલું મસ્ત બની
કાનાના ચરણે ઝૂકી ઝૂકી
જીવન સાર્થક કરવું
મીરાને………. મીરા
ભારતી પી. શાહ (અમદાવાદ)

સંગીન સાથીદાર છું
હું એટલો બધો વગદાર-દમદાર છું,
એનો પ્રેમનો સંપૂર્ણપણે હકધર છું.
મારા ખામોશ પ્રેમને
ભલેએ લાખ છુપાવે,
એનો પ્રેમને પૂર્ણપણે
હું વફાદાર છું.
ગાલે પડતાં ખંજનથી
ભલે મને એ લલચાવે, એના તન, મન,
જિગરનો હું પૂર્ણ દાવેદાર છું.
રસ્તે જતાં-આવતાં કદી કોઈ એને ન કનડે,
એનો ચોવીસ કલાકનો હું પહરેદાર છું.
મારા દિલમાં કાયમ વસી, ઘડીભર દે હસી,
એના ભાગ્યનો હવે અડધો હું ભાગીદર છું.
મેલી દે રિસામણા કરી દે ઝટ મનામણાં,
એનો ભવોભવનો હું સંગીન સાથીદાર છું.
દેવેન્દ્ર કે. ચૌધરી (કમલાપુરવાળા)

પાનું
આજે કેલેન્ડરનું પાનું ફાડયું
હાશ! દિવસ થયો પૂરો
પણ વિચાર્યું નહીં કદી
જિંદગીનો દિવસ એક થયો ઓછો
જીવનમાં શું કર્યું? શું ન કર્યું?
શું રહી ગયું કરવાનું બાકી
તે કદી વિચાર્યું છે ખરું?
બાકી જિંદગી જીવી જાણ્યા સારી
સમય ઘણો વહી ગયો
ઘણું કરવાનું રહી ગયું બાકી
ને 'રાજ' જાગ્યા ત્
યાંથી સવાર સમજીને
બાકી રહી ગયેલા સારા કામો કરીએ પુરા
બાકી જિંદગી પૂરી થઈ જશે સારી
ઝાલા સુરસિંહ વીરભાઈ 'રાજ' (કોડીનાર, ગીર સોમનાથ)

દીકરી
આંગણાનો ઉલ્લાસ દીકરી
લક્ષ્મી કેરો વાસ દીકરી
ઝાંઝરનો ઝણકાર દીકરી
હૃદયનો ધબકાર દીકરી
થાક્યાનો વિસામો દીકરી
સામો પાડે સાદ દીકરી
પુણ્ય કર્મોનો પાક દીકરી
પ્રભુ તણો પ્રસાદ દીકરી
મમતાનો મેરામણ દીકરી
ઉજળું કુળ કરનાર દીકરી
પાડે છે પોકાર દીકરી
ગર્ભમાં ના મારો દીકરી
'સંહાર નહીં, પણ સર્જન' છે દીકરી
જન્મવા દો ને જગમાં દીકરી
હોય ભલે એ પારકી થાપણ…
પણ પિતાનો તો 'પ્રાણ' છે દીકરી
મનોહરસિંહ જાડેજા (મોઢેરા-સૂર્યમંદિર)

પ્રેમ
હૃદય મંદિરમાં વાગે છે
ઘંટડી તારા પ્રેમ
અને આગમનની
મારી કલ્પનામાં હમેશા
રહે છે તુ, આ છે
બલિહારી કુદરતની
જોઈને તારા ગાલોની લાલિમા
ઉષાનો રંગ થયો ગુલાબી
તારા અધરોની મુશ્કાનમાં
ખિલી ઉઠી આ ઉપવનની કળી
તન આપણા જુદા હોવા
છતાં મન છે એક
આ જ તો છે કુદરતની
તને અને મને અમૂલ્ય દેન
તારા લીલા રંગની ચૂંદડી જોઈ
વૃક્ષોએ પરિધાન કર્યો લીલો વેશ
કાળા ડિબાંગ વાદળો શરમાઈ ગયા
જોઈને તારા શ્યામ કેશ
આવે છે ઇર્ષા જ્યારે પવન કરે છે
શરારત, તારા કોમ અંગ સાથે
દિલમાંથી નિકળે છે ઠંડી આહ
એક અકલ્પનીય દર્દ સાથે
નમન કરું છું હું તને અને
તારી અપ્રતિમ સુંદરતાને
ઈશ્વર કરે કબુલ, મારી
આ નિ:સ્વાર્થ પ્રાર્થનાને
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
ચાંદને મળી એ
ચાલને આજ સમય લઈને
ચાંદને મળી લઈએ
ડાઘ શાના પડયા છે
વચમાં કહેવાનું કહી દઈએ
દરીયો કેમ ઉછળે છે
તને દેખીને ઓ ચાંદલિયા
એકલો જ ફરે છે કેમ?
આજ તારી સાથે રહીએ
ચંદરવો તો ઓઢ્યો આખા
આભલાનો અગાઘ
ચારેકોર ચાહત કરી ચળકતી
ચાંદનીમાં નહીએ
રસ્તાના રજકરણોમાં
રમે રશ્મિ રજનીશનાં
કેમ હરખાઈ ગયું હૈયું
ચાને હિમાંશુને કહીએ
વિનમ્ર વાદળ સાથે
અમૃત આભ ઓરાં થઈએ
સખાવત સિતારા સંગ
ચકોર ચંદ્રિકા ચહીએ
ચાલને આજ સમય લઈને
ચાંદને મળી લઈએ
શાંત થઈને શશી સંગાથે
સુખને દુ:ખ સહીએ
અમૃત શ્રીમાળી (મહેસાણા)