Sahiyar
માર્ગ અકસ્માત નિવારવા સાવચેતી જરૂરી
By GS Team
5 Oct 20263 mins read

અમીષાના મિત્રની વેડિંગ પાર્ટી હતી. હોટલના બેઝમેન્ટ પાર્કિંગમાં કાર પાર્ક કર્યા પછી તેણે બેગમાંથી અરીસો કાઢ્યો અને તેનો મેકઅપ ઠીકઠાક કરવા લાગી. એટલામાં તેની ફ્રેન્ડ લીનાનો ફોન આવ્યો. તેણે ઝડપભેર મેકઅપ ચેક કર્યો અને ફોન કાન પર મૂકી તે પાર્ટી હોલ તરફ ચાલવા લાગી. તેણે કારને બરાબર લોક કરી છે કે નહીં તેની પણ કાળજી લીધી નહીં. શું તમે પણ આ પ્રકારની ભૂલ કરી ચૂક્યાં છો? મોટાભાગે ગુનેગાર આ પ્રકારની તકની રાહ જોઈને જ બેઠો હોય છે. તેના માટે તો આવી સ્થિતિ સોનામાં સુગંધ ભળે તેવી બની રહે છે. આવો, આપણે જાણીએ કે, જ્યારે એકલાં ક્યાંક આવવાજવાનું હોય ત્યારે તમારી અને કારની સુરક્ષા કેવી રીતે કરશો:
- કારને પાર્ક કરતી વખતે હંમેશાં ગાડીનાં બારીબારણાં જરૂર ચેક કરો કે તે બરાબર બંધ છે નહીં.
- કાર પાર્ક કર્યા પછી ક્યારે પણ તેમાં કિંમતી ચીજવસ્તુ ન રાખો.
- કારની ઓટોલોક સિસ્ટમ લગાવી લો, જેથી ગમે ત્યાં પાર્ક કરો છતાં કાર સુરક્ષિત રહેશે.
- કાર ડ્રાઈવિંગ કરતી વખતે કારનાં પેપર્સ અને તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ જરૂર સાથે રાખો.
- જો કારની બારીના કાચ તમે ખોલ્યા હોય તો તેને બંધ કરવાનું ભૂલતા નહીં, નહીં તો બારીના ગેપમાં કોઈ પણ હાથ નાખીને દરવાજો સહેલાઈથી ખોલી શકે છે અને કારની ચોરી થઈ શકે છે.
- એકલાં હો ત્યારે રસ્તા પર દેખાતા કોઈ પણ અજાણ્યા દ્વારા સહાયતા કે લિફ્ટ માંગવામાં આવે ત્યારે તેને લિફ્ટ ન આપો. મદદ કરવી એ સારી વાત છે, પરંતુ પહેલાં તમારા જીવની પરવા પણ કરો.
- નજીકથી પસાર થતી કારનો ચાલક રસ્તો પૂછે ત્યારે તમારે જે સ્થળે જવાનું છે એ વિશે જરા પણ કહેશો નહીં.
- એકલાં હો તેવી સ્થિતિમાં હંમેશાં તમારી સાથે મોબાઈલ રાખો અને તેમાં તમારી નજીકની વ્યક્તિના ઘરનો ફોન નંબર તથા સ્થાનિક પોલીસ સ્ટેશનનો નંબર જરૂર ફીડ કરી રાખો, જેથી અસામાન્ય સ્થિતિમાં તરત તેમનો સંપર્ક કરી શકાય.
- રાતે અથવા નિર્જનતામાં કોઈ પણ એવા સ્થળે તમારી કારને ન ઊભી રાખો, જ્યાં કશું ન બનવાનું બન્યું હોય, નહીં તો મદદના ચક્કરમાં તમે ફસાઈ જઈ શકો છો. જો મદદ કરવા ઈચ્છો છો તો બનાવની ખબર પોલીસને આપો અને એમ્બ્યુલન્સ માટે ફોન કરો.
- જો કોઈએ પાછળથી તમારી કારને ટક્કર મારી હોય તો તરત તેની સાથે ઝઘડશો નહીં. એ સમયે સમજણથી કામ લો. જે કારે તમારી કારને નુકસાન કર્યું છે તે કારનો નંબર નોંધી લો અને તેનો રિપોર્ટ પોલીસમાં લખાવો.
- જો શોપિંગ, ઓફિસ, બેન્ક અથવા બીજી કોઈ જગ્યાએ જતાં કે આવતાં કોઈ તમારો પીછો કરી રહ્યું હોય તો તમારા ઘરે અથવા જ્યાં તમારે જવાનું છે, ત્યાં ન જશો. સમજદારી એમાં જ રહેશે કે પહેલાં તેને ચકમો આપો. પછી પણ તે ન માને તો તમારી કાર સીધી પોલીસ ચોકી પર લઈ જાઓ.
- જો થોડું પણ એવું લાગે કે તમારો જીવ અને માલસામાન જોખમમાં છે ત્યારે નજીકમાંથી પસાર થતી ગાડીઓનું ધ્યાન તમારા તરફ આકર્ષાય તેમ કરો અને મદદ માટે કારનું હોર્ન બજાવો તથા લાઈટને ફ્લેશ કરો.
- જો ક્યાંય કાર બગડી જાય અને તમારાથી ઠીક ન થાય તો 'ટો' કરાવીને તેમની મદદ લઈ ઘરે પહોંચો.
યાદ રાખો, તમારી સમજદારી એમાં જ છે કે જે વિપરીત પરિસ્થિતિમાં યોગ્ય સમજણ અને તત્પરતાથી કામ લેવામાં આવે.




