આધુનિક વર- વધૂઓ વિવાહના વસ્ત્રો માટે ખર્ચેલા નાણા વસૂલ કરવામાં પાવરધા

આધુનિક યુવા પેઢીને વયસ્કો મોટાભાગે વખોડી કાઢતાં હોય છે ખાસ કરીને તેમની બેફામ ખર્ચ કરવાની ટેવ માટે. આ વાત વત્તાઓછા અંશે સાચી હોઇ શકે, પણ શતપ્રતિશત નહીં. વાસ્તવમાં આજના યુવાનો અને યુવતીઓ તેમના માતા- પિતા કે દાદા- દાદી કરતાં ઘણાં વધુ હોશિંયાર છે. ખરેખર તો તેઓ વહેવારું છે. પોતાના શોખ પૂરા કરવા માટે પાછું વળીને ન જોતા યુવકો અને યુવતીઓ એટલી જ કરકસર પણ કરી જાણે છે. તેમને પોતાના ખર્ચેલા નાણાને સારી પેઠે વસૂલી જાણે છે. તેમના વિવાહ વખતના વસ્ત્રોની જ વાત કરીએ તો તેમાં રોકેલા નાણાનું વળતર શી રીતે મેળવવું તે તેમની પાસેથી શીખવું રહ્યું.
ફેશન ડિઝાઇનરો પણ આ વાત માનતા કહે છે કે એ સમય વિતી ગયો જ્યારે વર- વધુ માત્ર પોતાના વિવાહના દિવસે પહેરવા માટે લહંગા અને શેરવાની ખરીદતા એ દિવસે પહેરવા હોંશે હોંશે ખરીદેલા તેમના મોંઘાદાટ વસ્ત્રો પછીથી વરસો સુધી કબાટમાં પડયાં રહેતા. તેઓ એમ વિચારતાં કે આટલા ભારે કપડાં પહેરીને બીજે ક્યાં જવું? પરંતુ આજના યુવકો અને યુવતીઓ વહેવારુ બનીને વિચારે છે. તેઓ માને છે કે દિવસરાત એક કરીને કમાવેલા પૈસા ખર્ચ કરવામાં વાંધો નહીં, પણ એ નાણાનું મૂલ્ય તો મળવું જોઇએ ને. લગ્ન માટે બનાવડાવેલા પરિધાન માત્ર એક વખત પહેરીને મૂકી દેવાનું શી રીતે પોસાય? વળી તે કબાટમાં જગ્યા રોકી રાખે તે જુદું. બહેતર છે કે તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે અન્ય કોઇ પ્રસંગે પણ પહેરી શકાય. અને તે પણ તદ્દન નોકી રીતે.
તેઓ આ વાત સમજાવતાં કહે છે કે આજના વર- વધૂઓ તેમના વિવાહના દિવસે પહેરવાના પોશાકને પછીથી અલગ રીતે પણ પહેરી શકાય એ રીતે ડિઝાઇન કરાવે છે. તેઓ તેને ડિટેચેબલ, એટલે કે તેમાંનો એક ભાગ કાઢી નાખીને અથવા તેને ઉંધો ઉથલાવીને પહેરી શકાય એવી રીતે ડિઝાઇન કરાવે છે, જેથી અન્ય કોઇ પ્રસંગે પહેરતી વખતે તે નવું લાગે. આને માટે તેઓ ઓવર સ્કર્ટસ, કેપ્સ પણ બનાવડાવે છે. તેમનું વસ્ત્રોની ડિઝાઇનનું આયોજન એટલું સરસ હોય છે કે તેઓ આ પોશાક અન્ય પ્રસંગે પહેરીને પોતાના રોકેલા નાણા સારી રીતે વસૂલે છે. આમ તેઓ અન્ય પ્રસંગે થતો ખર્ચ ટાળી શકતા હોવાથી વેડિંગ ડેના પરિધાન તેમને લગભગ અડધા ભાવે પડે છે.
મઝાની વાત એ છે કે જેમને પોતાના આ વસ્ત્રો સાચવી રાખવામાં રસ ન હોય તેઓ પોતાના લગ્નમાં પહેરેલા વસ્ત્રો પછીથી વેંચી નાખે છે. આમ તેમને ભારે વસ્ત્રોની જાળવણી જંજાળમાંથી પણ મુક્તિ મળી જાય છે. અને એક જ વખત પહેરેલા પરિધાન નવા- નક્કોર લાગતાં હોવાથી તેમને તેના ૬૦ ટકા જેટલા દામ મળી રહે તોય ઘણું.
ઘણાં વર-વધૂ ભાડાંના વસ્ત્રો લેતા પણ નથી અચકાતા. તેઓ અગાઉથી જ ખરીદી કરતાં હોય એ રીતે ભાડાંના વસ્ત્રો પસંદ કરી રાખે છે. વળી આવા પરિધાન ભાડે આપતાં લોકો તેનું યોગ્ય ઓલ્ટ્રેશન કરાવવાની સુવિધા પણ આપતાં હોવાથી તેમને પોતાના પોશાકની ફિટિંગની ચિંતા પણ નથી રહેતી. આ રીતે લગ્નના પરિધાનનું આયોજન તેમને નવા વસ્ત્રો કરતાં માત્ર ચાળીસ ટકા જેટલા ભાવમાં પડે છે. અને પછીથી તેની જાળવણીની ચિંતા પણ નથી રહેતી.
ફેશન ડિઝાઇનરો કહે છે કે નવોઢાઓ તેમના લહંગા એવી રીતે ડિઝાઇન કરાવે છે કે તેમાનું એક પીસ અલગ કરીને અન્ય પરિધાન સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય. આમ તે અન્ય પ્રસંગે તેમાંથી નવો પોશાક તૈયાર કરી શકે. તેના સિવાય તેઓ લહંગાના ફેબ્રિક બાબતે પણ એટલી જ જાગૃત રહે છે. નવવધૂઓ હળવા વજનનું અને હેન્ડવર્ક કરેલું, સદાબહાર રંગનું ફેબ્રિક પસંદ કરે છે. આવા લહંગાને વર્ષો પછી પણ નવી સ્ટાઇલમાં તબદીલી કરીને પહેરી શકાય છે.
નવવધૂઓ પોતાની મમ્મી કે દાદીની સાડીમાંથી પણ ચણિયા- ચોળી સીવડાવે છે. એ વાતમાં બે મત નથી કે તેમની મમ્મી અને દાદીના સમયમાં જેવું ટકાઉ મટિરિયલ મળતું હતું તેવું હવે શોધ્યુંય જડે તેમ નથી. અને તેમાં કરેલા વર્કની ચમક વર્ષો પછી પણ અકબંધ રહે છે તેનો યશ તેમાં ઉપયોગમાં લેવાયેલી સાચી જરીને જાય છે. જો તે વત્તાઓછા અંશે ઝાંખી પડી ગઇ હોય તોય તેને ફરીથી નવી જેવી બનાવી શકાય છે. વાત તેમાં મમ્મી અને દાદીની મમતા છલકાતી હોય તે છોગામાં. આધુનિક યુવતીઓ આ રીતે પોતાની વંશ પરંપરાને જાળવી રાખવા બદલ ગર્વ અનુભવે છે. તેમને એ વાતની ખાતરી હોય છે કે પુષ્કળ ખર્ચ કર્યા પછી પણ તેમને આવી વસ્તુ નહીં મળે. વળી તેમના ભાગે માત્ર તે સીવડાવવાનો જ ખર્ચ આવશે. અને તેના માટે બનાવવામાં આવેલી ઓઢણી તેઓ સલવાર- કુરતાના દુપટ્ટા તરીકે પણ પહેરી શકશે. તેમને માટે તો મમ્મી- દાદીની સાડી 'સસ્તી સુખડી અને સિદ્ધપુરની જાત્રા' જેવી બની રહે છે.
હવે એ વાત માનવી જ રહી કે આધુનિક વર-વધૂઓ સમજી- વિચારીને ખર્ચ કરે.









