Sahiyar

મૂશળધાર મોસમમાં ડેનિમને બદલે નવા પેન્ટ અપનાવો

By GS Team
7 Jul 20263 mins read
મૂશળધાર મોસમમાં ડેનિમને બદલે નવા પેન્ટ અપનાવો

મુંબઇમાં વરસાદ એકવાર વરસવાનું શરૂ કરે પછી તેને ધોધમાર વરસતો અટકાવી શકાય નહીં. આવી હાલતમાં તમારા સુંદર મજાના ડેનિમ પેન્ટ્સ પહેરવાની અને તેને બગાડવાની તો તમે કલ્પના પણ ન કરી શકો, એ સ્વાભાવિક છે. કીચડવાળા રસ્તા, પાણીથી ભરેલા ખાબોચિયાં, કાદવ ભરેલા ખાડા તમારા ડેનિમને બગાડવા માટે પૂરતાં છે. નસીબજોગે, આજે પેન્ટ્સ એટલે માત્ર ડેનિમ સુધી જ મર્યાદિત રહ્યું નથી પણ તેના વિકલ્પરૂપે વપરાતા જાતજાતનાં પેન્ટ્સથી માર્કેટ ઉભરાઇ રહી છે. તમે તમારા ભારે ભરખમ અને સાચવવામાં અઘરાં હોય તેવા ડેનિમ બાજુ પર મૂકીને બરમ્યુડા, કુલોટ, હારેમ પેન્ટ્સ, કેપ્રી, એન્કલ લેન્થ ટ્રાઉઝર્સ કે રૂચડ પેન્ટ્સ અપનાવી શકો છો.
બરમ્યુડા અથવા ટુ-ફોર્થ :
બરમ્યુડાની સુધારેલી આવૃત્તિ જેવા પેન્ટ્સને ટુ-ફોર્થ કહે છે. આમ તો એ સ્પોર્ટ્સ અને કેપ્રી વચ્ચેની લંબાઇનું પેન્ટ છે, જે લગભગ તમારા ઘૂંટણ ઉપર પૂરું થાય છે. વાંદરાની અમુક દુકાનોમાં કેટલાંક ફંકી પ્રકારના બરમ્યુડા મળે છે. થોડા સમય પહેલાં અમૃતા અરોરા પણ આવા પ્રકારના પેન્ટ્સમાં દેખાઇ હતી. તેણે ઉપર બેબી પીંક કલરનું ટયુબ ટોપ પહેર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં મુંબઇ અને દિલ્હીના ફેશનવીક દરમિયાન કેટલીક મોડેલોએ પણ જુદા જુદા શેડ અને કાપડના બરમ્યુડા પહેર્યા હતાં. આ વર્ષે ટુ-ફોર્થ આંતરરાષ્ટ્રીય રેમ્પ ઉપર પણ જોવા મળ્યું છે. મોટેભાગે આ પેન્ટ્સ હજારથી દોઢ હજારમાં મળી રહે છે.
કુલોટ અથવા ગાઉચો :
આ ટ્રેન્ડી ઘેરવાળા પેન્ટ્સ આમ તો પહેલી નજરે સ્કર્ટ જેવા લાગે છે. હીપ ઉપર ટાઇટ હોય અને સાથળ તરફ ઘેર હોય તેવા આ સ્કર્ટ જેવા પેન્ટ્સ તમે ખૂબ આરામદાયક રીતે પહેરી શકો છો. બ્રાઉન, બેઇઝ, બ્લેક, બોટલ ગ્રીન જેવા રંગો ધરાવતાં કુલોટ પસંદ કરી શકાય. તેની કિંમત રૂ. ૯૫૦થી ૧૨૦૦ સુધીની હોય છે.
રૂચડ પેન્ટ્સ :
રૂચડ અથવા ટાઇઅપ પેન્ટ્સ નીચેની તરફ બાંધી શકાય તેવા અને કેપ્રી જેટલી કે ફૂલ પેન્ટની લંબાઇ ધરાવતાં હોઇ શકે. ક્રીસ્ટીના એગ્વીલીરા અને ગ્વેન સ્ટેફની જેવી આંતરરાષ્ટ્રીય હિરોઇનોથી માંડીને સુશ્મા રેડ્ડી અને સુમન રંગનાથન જેવી હિન્દી અભિનેત્રીઓ પણ આ પ્રકારના પેન્ટ્સ પહેરતી દેખાય છે. આ પ્રકારના પેન્ટ્સ આમ તો એકદમ સરસ ફીટિંગ ધરાવતાં હોય છે. જેના સાઇડમાં આવેલી દોરીથી તેને બાંધીને વધુ ફીટ કરી શકાય અથવા તેને પગના છેડે બાંધીને ટાઇટ કરી શકાય. તેની ઉપર સ્પેગેટી ટોપથી પીઝન્ટ બ્લાઉઝ સુધીના બધાં જ વસ્ત્રો પહેરી શકાય છે. રૂચડ પેન્ટ્સ કોઇપણ જાણીતી દુકાનમાં રૃા. ૭૦૦થી ૧૫૦૦ની કિંમતે મળી શકે છે.
પણ જો રૂચડ પેન્ટ્સને બદલે તમારે સાદા દેખાવું હોય તો તમે કેપ્રી, એન્કલ ટ્રાઉઝર્સ અને સ્ટ્રેટ અથવા પેન્સીલકટ પેન્ટ્સ પહેરી શકો.
હારેમ પેન્ટ્સ :
હેલનનાં જમાનામાં '૭૦ના દાયકામાં જે પેન્ટ્સ હતાં, તે હવે હારેમ પેન્ટ્સ સ્વરૂપે આવ્યા છે. આજકાલ ઘણી બધી સેલિબ્રિટીઓ આ પેન્ટ્સમાં જોવા મળે છે. કોલેજ સ્ટુડન્ટ્સમાં પણ હારેમ પેન્ટ એટલું જ લોકપ્રિય થઇ રહ્યું છે. જેનીફર લોપેઝે પોતાના હાલમાં રજૂ થયેલા આલ્બમ ગેટ રાઇટ માટે હારેમ પેન્ટ પહેર્યું હતું. માર્કેટમાં તે ઘણાં રંગોમાં ઉપલબ્ધ છે પણ સ્ટાઇલીશ દેખાવા માટે ગોલ્ડ, સિલ્વર અથવા કોપર રંગ પસંદ કરી શકાય. તેની કિંમત રૃા. ૭૦૦થી હજાર સુધીની હોય છે.
એક ડિઝાઇનરનું કહેવું છે કે થ્રી-ફોર્થ પેન્ટ્સ, ખાસ કરીને ગાઉચો આ સીઝનમાં ખૂબ જ લોકપ્રિય બનશે. તે ખૂબ જ આરામદાયક અને સગવડભર્યું વસ્ત્ર છે. જોકે, તે સલાહ આપે છે કે ગાઉચો બને ત્યાં સુધી ઘેરા રંગો જેવા કે બ્લેક, બ્રાઉન જેવા ખરીદો. વરસાદની સિઝનમાં આછા રંગના ગાઉચો જામશે નહીં.

  • નયના