Sahiyar

'લવ'ની લાગણીમાં આવેશનું 'એક્ઝિબિશન' કેટલું ઉચિત ગણાય?

By GS Team
10 Aug 20266 mins read
'લવ'ની લાગણીમાં આવેશનું 'એક્ઝિબિશન' કેટલું ઉચિત ગણાય?
  • ઈફ યૂ હેવ ઈટ, ધેન શો ઈટ!
  • જાહેરમાં 'હૈયે તેવું હોઠે' લાવવામાં આજની પેઢીને છોછ-સંકોચ નથી. પણ આવા વર્તનમાં 'પ્રેમ' કરતાં 'પ્રદર્શન' વધુ હોય છે

મુક્ત વેપાર (ફ્રી ટ્રેડ), વૈશ્વીકરણ (ગ્લોબલાઈઝેશન) અને ઉદારીકરણ (લિબરલાઈઝેશન)ના વાયરા હવે અર્થતંત્રના દાયરા પૂરતા મર્યાદિત રહ્યા નથી. ઉત્પાદનોની સાથોસાથ હવે માનવીના મનોવ્યાપારમાં અને જાહેર વ્યવહાર-વર્તણૂકમાં પણ મુક્ત અભિવ્યક્તિની મોસમ છાશવારે છલકાય છે. ઉત્તેજનાનું ઉદારીકરણ કહો કે વાસનાનું વૈશ્વિકરણ, ફિલ્મ અને ટીવીના પડદા ચીરીને ચોરે-ચૌટે ચર્ચાનો વિષય બની રહ્યાં છે.
રાખી સાવંત - મિકાની બર્થ-ડે પાર્ટીની કિસનો કિસ્સો કે શાહીદ કપૂર-કરીનાના ચુંબનની એમએમએસ ક્લિપના ઊહાપોહની વાત જવા દઈએ, કારણ કે એમના જેવી બૉલીવૂડ સાથે સંકળાયેલી હસ્તીઓ માટે એ કોઈ ચોંકાવનારી ઘટના ન ગણાય. આવાં દ્રશ્યોને ચગાવવા પાછળ મિડિયા અને ચેનલોની ચડસાચડસી તેમ જ સસ્તી પ્રસિદ્ધિનાં સ્ટન્ટ પણ મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે.
પરંતુ થોડાક વર્ષ પહેલાં રાજસ્થાનના રાજવી પરિવારનાં વસુંધરા રાજે સિંધિયા અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ કિરણ મજુમદાર શૉ, નવી દિલ્હીમાં 'ઈન્ડિયા ઈકોનોમિક સમિટ' દરમિયાન આકસ્મિક રીતે મોઢામોઢ કિસ કરતાં દેખાયાં તેના અહેવાલોએ દેશભરમાં અનેક લોકોને અચંબામાં મૂકી દીધા હતા. વરિષ્ઠ કોંગ્રેસી નેતા રઘુ શર્માએ તો આ ચુંબનને લોકો માટે એક 'સાંસ્કૃતિક આઘાત' ગણાવ્યો હતો.
પણ ભારતનાં મહાનગરો અને બીજાં શહેરોમાં લોકો હેતની હેલી કે પ્રેમના જાહેર પ્રદર્શનને જે રીતે જુએ છે તેમાં ચોક્કસ પરિવર્તન આવ્યું છે. સ્ત્રી અને પુરુષ દ્વારા એકબીજાના હાથમાં હાથ ઝાલીને હરવું ફરવું, એકબીજાને ગળે મળવું, કે એકમેકના ખભા કે ગાલ અડાડવા અથવા ચૂમવું -આવી વર્તણૂકો અગાઉ અસભ્યતા, અવિવેક કે ઉચ્છૃંખલતામાં ખપતી. પરંતુ હવે મધ્યમવર્ગ અને સુશિક્ષિત સમાજમાં પણ લાગણીઓના મુક્ત પ્રદર્શનનો કશો છોછ-સંકોચ રહ્યો નથી. આજે મોબાઈલ અને ઈન્ટરનેટમાં પ્રચલિત બનેલી ટૂંકાક્ષરી કે સંક્ષિપ્ત ભાષાની ફેશનમાં આવા વર્તનને 'પીડીએ' (પબ્લિક ડિસ્પ્લે ઓફ એફેકશન) કહે છે અને આજની પેઢી 'પીડીએ'માં પાવરધી બનતી જાય છે.
એક મલ્ટિનેશનલ કંપનીના ટોચના અધિકારી અને પાર્ટીપ્રેમી મહાનુભાવ કહે છે કે લોકો હવે જુદી રીતે વિચારવા લાગ્યા છે. ભારત જ્યારે તમામ ક્ષેત્રોમાં આગે કદમ કરી રહ્યું છે ત્યારે આ બાબતમાં પણ પાછળ કેમ રહેવું જોઈએ? 'ઈફ યુ હેવ ઈટ, ધેન શો ઈટ! (તમારી પાસે જો હોય, તો બિન્ધાસ્ત તે દેખાડો!)
સન્માન-સમારંભોે, મિલન-મેળાવડા અને પાર્ટી-પિકનિકોમાં લોકો સ્થળ, કાળ, વય અને વસતિની પરવા કર્યા વગર ખુલ્લેઆમ પોતાના મનોભાવો પ્રગટ કરવામાં ખચકાતા નથી એટલું જ નહિ, પણ 'હૈય ે તેવું હોઠે' ની માફક પોતાના હૈયાનો ઊમળકો બીજાના હોઠે વ્યક્ત કરવામાં એક પ્રકારનું ગૌરવ અનુભવે છે. (વીડિયો જોકી) અને અભિનેત્રી પૂજા મિશ્રાના મતે એકબીજાના હાથ પકડવા એ સારું છે. તેમાં આત્મીયતા અને હૂંફ અનુભવાય છે. પરંતુ સ્થળ અને સંજોગ મુજબ તેમાં થોેડીક મર્યાદા હોવી જોઈએ. દાખલા તરીકે, કેટલાક લોકો અમુક પ્રસંગે બધાની 'નજરે પડવા' માટે જ અમુક હાવભાવ કરે છે ત્યારે તેઓ શોભાસ્પદ લાગતા નથી. સૌજન્ય કે સદ્વર્તનના સીમાડા તોડયા વગર ઊર્મિઓ વ્યક્ત કરવામાં કશું ખોટું નથી પણ સામી વ્યક્તિ અને આસપાસ ઊભેલા મહેમાનો 'ઓકવર્ડ ફીલ' કરે કે અકળામણ અનુભવે એટલી હદે હૈયાના ઊભરા ઠાલવવાના અભરખામાં અદબ જાળવવી જોઈએ.
કેટલાકને કદાચ એવો પ્રશ્ન થાય કે બીજી વ્યક્તિઓને અકળામણ થઈ રહી છે કે થશે તેનો અહેસાસ કેવી રીતે થાય? જો કે એનો જવાબ દરેકે પરિસ્થિતિ કે માહોલ પરથી મેળવવો પડે. જેમ સતત ગાળો બોલનારી વ્યક્તિ પણ પોતાના વડીલો કે ઉપરીઓ સમક્ષ હૈયાવરાળ ઠાલવતી વખતે જીભ પર લગામ મૂકે છે અને રોષ-આક્રોશના આવેગને ફાવે તેમ વહેવા દેતી નથી તેમ સ્નેહ-પ્રેમની સંવેદનાને પણ સમય-સંજોગ મુજબ કાબૂમાં રાખી શકાય.
પરંતુ કેટલીકવાર દેખાદેખીથી કે લોકોેમાં વટ પાડવા માટે અને 'જરા હટકે' દેખાવા માટે યુગલો રિક્ષા-ટેક્સી, બસ-ટ્રેન અને બસ-સ્ટોપ-રેલવે સ્ટેશન પર પોતાના ઘરમાં કે એકાંતમાં બેઠાં હોય એવું વર્તન કરે છે ત્યારે સૌૈની નજરે ચડે છે. મુંબઈના કેટલાક રિક્ષા-ડ્રાઈવરો અને ટેક્સી-ડ્રાઈવરો કહે છે કે હાથમાં હાથ પરોવીને કે ગળામાં હાથ પરોવીને બેસવું, વારંવાર એકમેકને કિસ કરવી અને બાહુપાશમાં જકડાવું જેવાં દ્રશ્યો એટલાં જોવા મળે છે કે અમે હવે તેનાથી ટેવાઈ ગયા છીએ.
થોડાં વર્ષ પૂર્વે ફિલ્મ 'ધૂમ-ટુ'માં દર્શાવાયેલા હૃતિક રોશન અને ઐશ્વર્યા રાયના ચુંબન દ્રશ્ય સામે મધ્યપ્રદેશના એક વકીલ શૈલેન્દ્ર દ્વિવેદીએ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરીને હૃતિક -ઐશ્વર્યા પર ભારતીય સ્ત્રીઓની શાલીનતાનું અપમાન કરવાનો અને યુવાવર્ગમાં અશ્લીલતાને ઉત્તેજન આપવાનો આરોપ મૂક્યો હતો.
રાજસ્થાનની સરકારે પણ તાજેતરમાં વિદેશી ટુરિસ્ટો માટે ભારતમાં જાહેરમાં સ્ત્રી-પુરુષોએ કેવી રીતે વર્તવું તેની સલાહ આપતી ૨૦ પાનાંની એક આચારસંહિતા બહાર પાડી છે. 'ઈન્ડિસન્સી ગાઈડ' નામની આ પુસ્તિકામાં અસભ્ય વર્તનનાં દ્રષ્ટાંતો આપી તેવાં વર્તનને સજાપાત્ર ગુનો ગણાવ્યો છે, જેમાં પુરુષોએ ક્યારેય જાહેરમાં સ્ત્રીઓને અડવું નહિ અને સ્ત્રી વૃધ્ધા કે અપંગ ન હોય, તો તેને કારમાંથી બહાર ઊતરવામાં પણ હાથ પકડીને ઉતારવી નહિ એવી જોગવાઈઓ કરાઈ છે. એરપોર્ટ કે સ્ટેશન પર સ્ત્રીને ભેટવા પર પણ પ્રતિબંધ ફરમાવયો છે!
ભારતની સર્વોચ્ચ અદાલતે પણ જાહેરમાં પીડીએ (પબ્લિક ડિસ્પ્લે ઓફ એફેકશન)ને કઢંગી અને બેહૂદી હરકત ગણાવીને તેને માન્યતા આપી નથી. આવા વર્તનને સાર્વજનિક ખલેલ (પબ્લિક ન્યૂસન્સ) ઠરાવતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આવું કૃત્ય કરનારી વ્યક્તિઓની ધરપકડ થઈ શકે છે અને અમુક સંજોગોમાં તેમની પાસેથી દંડ પણ વસૂલ કરી શકાય છે.
જો કે 'અશ્લીલતા વિરોેધી મંચ'ની કન્વીનર વર્ષા, કેટલાક ચોખલિયા અને રૂઢિચુસ્તોની માફક ચાહકોના જાહેર ચેનચાળાની ઉગ્ર વિરોધી નથી. પરંતુ તે દ્રઢપણે માને છે કે પ્રેમની અભિવ્યક્તિ ઘરની ભીતર કે એકાંતમાં થાય એ બહેતર છે. પ્રેમ એ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી. કોઈકને માટે બહુ લાગણી ઊભરાઈ જાય, તો તેને 'કિસ' કરવામાં કશું ખોટું નથી.પણ જાહેરમાં, બસો-પાંચસો માણસોની હાજરીમાં શા માટે કરવી? વળી કહે છે કે 'અશ્લીલ' અને 'અશ્લીલ'ની કોઈ ચોક્કસ ભેદરેખા નથી. કોઈપણ વ્યક્તિ, તેનો પરિવાર, તેનો ઉછેર અને તેનો દ્રષ્ટિકોણ આ બધાનો સામુહિક પ્રભાવ વ્યક્તિના વર્તનમાં પ્રગટે છે. 'ખૂલવું' અને 'ઉઘાડા પડવું' એમાં ફરક છે.
ભારતમાં લોકો એકબીજાને જાહેરમાં ભેટવામાં ઉંમર કે જાતિનો બાધ ગણતા નથી, પરંતુ સાર્વજનિક સ્થળોઅ ે ચુંબન કરવુ ં અને તેય મોઢામોઢ ચુંબન કરવું એ અભદ્ર ગણાય છે.
અલબત્ત, આજની પેઢી પશ્ચિમની પ્રજાના વાદે વધુ બિન્ધાસ્ત બની છે. 'બુશશર્ટ કરતાં બનિયાન મોટું' અથવા 'પ્રોડક્ટ' કરતાં 'પેકિંગ' વધુ આકર્ષક હોય તેમ મોહના ક્ષણિક આવેગને ગાઢ પ્રેમમાં ખપાવવાની વૃત્તિ વધી રહી છે. એટલે જ વેશ, વાણી અને વર્તનમાં લટકાંમટકાંનુ ં છડેચોક પ્રદર્શન કરવામાં તેઓ પોતાને 'આધુનિક' માને છે. પણ 'લવ' કરતાં 'લવારો' વધુ કરનારી આ પેઢીને ખબર નથી કે ''દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.''
આજે પણ ભારતમાં લાખ્ખો પરિવારોમાં લગ્ન પૂર્વે સ્ત્રી-પુરુષ વચ્ચેનો સમાગમ સ્વીકાર્ય મનાતોે નથી. નવી પેઢી ભલે દલીલ કરતી હોય કે લાગણીઓને દબાવી રાખવી એ માંદલા મનની નિશાની છે. અને તેના નિસ્સંકોચ પ્રદર્શનમાં એક નિખાલસતા છે. પરંતુ ઉષ્મા, હૂંફ કે હેતની અભિવ્યક્તિમાં શાલીનતા અને સંસ્કારિતાની લક્ષ્મણરેખા ઓળંગવાથી સ્ત્રી-પુરુષુના સંબંધોમાં કેટલો તનાવ પેદા થાય છે તેના કિસ્સા ગોતવા પડે તેમ નથી.
જાતીય શોષણ અને જાતીય વિકૃતિઓના વધતા જતા કિસ્સાઓ પાછળ આવેગ-આવેશનું ખુલ્લેઆમ એક્ઝિબિશન અને સંવેદનાઓનું સંયમહીન પ્રદર્શન ઘણું જવાબદાર છે.