પુરૂષોને સજાવવા માટે દુનિયાભરની ગુ્રમિંગ કંપનીઓ મેદાને પડી છે

- એક લાખ ડોલરનું રેઝર અને એક હજાર ડોલરનું દાઢી કરવાનું બ્રશ
એક જમાનામાં પુરૂષો એટલે ભડવીર અને તેમની મર્દાનગીનો પુરાવો મૂછના આંકડાઓમાં આવી જતો હતો. નો મોર. હવે મેટ્રોપોલિટન શહેરમાં વસતાં પુરૂષો ટાપટીપના મામલે રૂપાળી યુવતીઓની સમકક્ષ બની રહ્યા છે. શાહરૂખખાને ફેર એન્ડ લવલીની એડ કરી આ ટ્રેન્ડને વધારે લોકપ્રિય બનાવ્યો છે. પુરૂષોને સજાવવાનો બિઝનેેસ ૨૦૧૮માં ૬૦ ંકરોડ રૂપિયાનો હતો તે ૨૦૨૪માં ૭૫ અબજ રૂપિયે પહોંચવાની ધારણાં છે. પરંતુ દુનિયામાં આ બિઝનેસ ૨૦૨૪માં ૮૦૦ કરોડ રૂપિયાનો થવાનો અંદાજ છે. આમ, ભારતનું બજાર આંતરરાષ્ટ્રીય ગુ્રમિંગ બિઝનેસની સરખામણીમાં પાપા પગલી ભરી રહ્યું છે.
ભારતમાં હવે મૂછો માટે ખાસ તેલ અને મીણથી માંડી કોલોન સોપ અને ફેસવોશનો બિઝનેસ તો ફૂલ્યો ફાલ્યો જ છે પણ હવે લકઝરી બ્રાન્ડ્સે પણ આ બિઝનેસમાં મોટાપાયે ઝંપલાવ્યું છે. સામાન્ય રીતે પુરૂષો દાઢી કરે ત્યારે તેમને ટાપટીપની પહેલી જરૂર પડે. તમે દાઢી સફાચટ કરતાં હો કે તેને કાપીને ફેન્ચ કટ બનાવતા હો, તમારે માટે અસેખ્ય વિકલ્પેો બજારમાં મોજૂદ છે.
પરંતુ થાડા વર્ષો પહેલાં યુએસની એક નાનકડી કંપની ઝાફિરોએ ઇરિડિયમમાંથી બનાવવામાં આવેલા રેઝરને બજારમાં મુકીને તહલકો મચાવી દીધો હતો. પૃથ્વી પર મળતી સૌથી સઘન ધાતુ ઇરિડિયમમાંથી તેનું હેન્ડલ બનાવવામાં આવ્યું હતું. તેમાં બ્લેડ તરીકે હીરા વાપરવામાં આવ્યા હતા. જેના સ્ક્રુ પ્લેટિનમમાંથી બનાવાયેલાં હતા. વળી વીસ વર્ષ સુધી ચાલે તેટલી બ્લેડ અને સર્વિસીંગ મફત હતું. ઇરિડિયમમાંથી બનાવવામાં આવેલાં આ રેઝરના માત્ર ૯૯ નંગ બનાવવામાં આવ્યા હતા. તેની કિંમત હતી માત્ર ૭૫ લાખ રૂપિયા. આ ઉપરાંત કંપનીએ ઝાફિરો ગોલ્ડ નામના ૫૦૦ નંગ રેઝર પણ બજારમાં મુક્યા હતા. જેમાં રેઝરનું હેન્ડલ ૧૮ કેરેટ સોનામાંથી બનાવવામાં આવ્યું હતું. આ ઝાફિરો ગોલ્ડની કિંમત હતી બાર લાખ રૂપિયા.
દાઢી કરવા માટે બીજી મહત્વની વસ્તુ છે શેવિંગ બ્રશ. તેમાં પણ બે હિસ્સા છે, એક તેના રેસા અને બીજું તેના હેન્ડલ. જો ખિસ્સાને પરવડે તેવા શેવિંગ બ્રશ શોધતા હો તો તમારે માટે સિન્થેટિક બ્રિસ્લ્સ ઉત્તમ છે પણ જો શાહી દાઢી કરવાનો ઇરાદો હોય તો ચાંદીની ટીપ ધરાવતાં બેજર નામના પ્રાણીના વાળમાંથી બનેલું શેવિંગ બ્રશ તમારે વાપરવું જોઇએ. બ્રશના હેન્ડલમાં ઇકોફ્રેન્ડલી વાંસથી માંડીને કાષ્ટ અને પોર્સિલિનના હેન્ડલ પણ મળે છે.
જર્મનીની કંપની મુહલ હાથે બનાવવામાં આવતાં શેવિંગ બ્રશ અને રેઝરની દુનિયામાં અનોખું સ્થાન ધરાવે છે. તેઓ ઓક, પોર્સિલિન અને ચાંદી વાપરીને વિવિધ પ્રોડક્ટ ઓર્ડર અનુસાર બનાવી આપે છે. તમે આ કંપની પાસે ચાંદીની ટીપ ધરાવતાં બજરના વાળમાંથી બનેલું શેવિંગ બ્રશ ઓર્ડર આપીને બનાવો તો તમારા નામના પ્રથમાક્ષરો તેના પર કોતરીને મોકલવામાં આવશે.
પણ જો તમને દાઢી-મૂછનો શોખ હોય તો તમારે વધારે સરંજામની જરૂર પડશે. સુવ્યવસ્થિત દાઢી આપોઆપ ચહેરા પર ઉગતી નથી. તેને માટે દાઢી માટેનેા તેલ, શેમ્પુ અને ટ્રીમર્સની જરૂર પડે છે. ટ્રીમર પસંદ કરતી વખતે ચોકસાઇ અને ઝડપ મહત્વના બની રહે છે. બેવેલથી માંડી ફિલિપ્સ અને રેમિંગ્ટન કંપનીના ટ્રીમર્સ બજારમાં મળે છે. દાઢીને પોષણ આપવા માટે તેમાં રોજ સુગંધિત તેલ વાપરવું જોઇએ. જેથી દાઢી અને તેની નીચેની ત્વચા પણ સુરક્ષિત જળવાઇ રહે.
ચહેરાની ત્વચાને ચળકતી રાખવી તે માત્ર યુવતીઓનો ઇજારો રહ્યો નથી. પુરૂષો પણ હવે ફેસ માસ્ક વાપરતાં થયા છે. ફેસમાસ્ક વાપરવાથી તમારી ત્વચાને પોષણ મળે છે અને નુકસાન પામેલા કોષો સાજા થઇ જાય છે. પુરૂષો માટે બજારમાં ત્રણ પ્રકારના માસ્ક મળે છે, એેપ્લિકેશન માસ્ક, શીટ માસ્ક અને પીલ-ઓફ્ફ માસ્ક. ૨૪ કેરેટ સોનાના માસ્કથી માંડીને કેવિયારના માસ્ક બજારમાં ઉપલબ્ધ છે. એવા પણ માસ્ક મળે છે જે યુવતી અને યુવક બંને વાપરી શકે છે.પણ પુરૂષોએ કોરિયન કંપની જેક્સોન લેનના બ્રો માસ્ક અજમાવવા જોઇએ. કંપનીના દાવા અનુસાર આ માસ્ક પુરૂષોના ચહેરાના આકારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આ માસ્ક બે હિસ્સામાં આવે છે. જેથી દાઢીધારી માણસ પણ તેને સરળતાથી વાપરી શકે છે.
ત્વચા સંભાળની દુનિયામાં ચારકોલ એટલે કે કોલસા આધારિત ઉત્પાદનો ખૂબ લોકપ્રિય બની ગયા છે.ધ મેન કંપનીએ કોલસા આધારિત સંખ્યાબંધ ઉત્પાદનો બજારમાં મુક્યા છે. કોલસો પુરૂષત્વને વ્યાખ્યાયિત કરવા માટે ઉત્તમ પદાર્થ છે અને તે કુદરતી છે. તે ક્લિનસિંગ એજન્ટ તરીકે કામ કરે છે.
એ પછી મોઇશ્ચરાઇઝર આવે છે . તમારી ત્વચાના પ્રકાર અનુસાર વિવિધ પ્રકારના મોઇશ્ચરાઇઝર્સ બજારમાં આવે છે. જો તમારી ત્વચા સૂકી હોય તો તેને મોઇશ્ચરાઇઝર ઓઇલ વડે સીંચે છે અને જો તમારી ત્વચા તૈલી હોય તો મોઇશ્ચરાઇઝર તેને ડીહાઇડ્રેટ કરી આપે છે. યુએસની કંપની કિહલ્નું ફેસિયલ મોઇશ્ચરાઇઝર ખૂબ લોકપ્રિય છે. આ કંપનીનું એજ ડિફેન્ડર કલેકશન પણ લોકપ્રિય છે. તેના એજ ડિફેન્ડર પાવર સિરમની ૭૫ મિલિની બોટલ માટે ૩,૮૫૦ રૂપિયા ખર્ચવા પડે છે.
ગયા વર્ષે જાન્યુઆરીમાં ફ્રેન્ચ લકઝરી સ્કિન કેર બ્રાન્ડ લાઓક્ટેન દ્વારા તેના ઉત્પાદનોને ફરી લોન્ચ કરવામાં આવ્યા હતા. તેની ત્વચામાં તરત શોષાઇ જતી રિવાઇટલાઇજિંગ કેડ ક્રીમની ૫૦ મિલિની બોટલના ૪૪૦૦ રૂપિયા બેસે છે. દાઢી કર્યા બાદ સવારે અને સાંજે આ ક્રીમ વાપરવાની ભલામણ કરવામાં આવે છે. જો કે, લા ઓક્ટેનની સૌથી લોકપ્રિય પ્રોડક્ટ ઇમ્મોર્ટલ રિસેટ સિરમ છે જેની દુનિયામાં દર મિનિટે એક બોટલ વેચાય છે.૩૦ મિલિની આ બોટલનો ભાવ ૪૯૫૦ રૂપિયા છે. મજાની વાત એ છે કે આ સિરમ યુવકો અને યુવતીઓ બંને વાપરી શકે છે. આમ, પુરૂષોની દુનિયા રૂક્ષ અને કઠોરમાંથી રૂપાળી અને ચમકતી બની રહી છે.
- વિનોદ પટેલ




