ઈશ્વરમાં ભલે ન માનો પણ તમને માણસમાં શ્રદ્ધા છે?

રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
આપણે આવા એક અનુભવના આધારે જિંદગીનો આખો મિનારો ચણવા બેસી જઈએ છીએ. દરેક સંબંધની ઈમારતમાં આપણે શ્રદ્ધા અને વિશ્વાસનો સિમાન્ટ નાખવાને બદલે ધારણા અને અવિશ્વાસની રેતી વધારે નાખી દઈએ છીએ. તેના કારણે આપણા સંબંધોના પાયા ઢીલા પડી જાય છે.
ઈશ્વરમાં ન માનનારી વ્યક્તિને કેવી રીતે કોઈનામાં શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય કે પછી તેના કહ્યે અથવા તો તેનું અનુસરણ કરીને કામગીરી કરી શકે. આપણે ત્યાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે, તેઓ ઈશ્વરમાં માનતા નથી, તેઓ નાસ્તિક છે. તમે ઈશ્વરમાં નથી માનતા તો ભલે નથી માનતા પણ ઈશ્વરનું અસ્તિત્વ જ નથી તેવો દાવો ક્યારેય ન કરવો જોઈએ. બીજી તરફ તમે ઈશ્વરમાં અનરાધાર માનો છો, તમને અપાર શ્રદ્ધા છે તેવા સમયે તમે ઈશ્વરને જોયા છે, ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે તેવો દાવો પણ ન કરવો જોઈએ. આ બંને સ્થિતિ એવી છે જેમાં લોકો ધીમે ધીમે આવા માણસો ઉપરથી વિશ્વાસ ગુમાવવા લાગે છે. ઈશ્વરમાં માનવું કે ન માનવું તે વ્યક્તિગત બાબત છે પણ ઘણી વખત આપણને માણસમાં શ્રદ્ધા જાગી જાય છે. આપણે તેને માનતા થઈ જઈએ છીએ.
આપણા જીવનમાં એવા ઘણા પ્રસંગો બનતા હોય છે કે, જેમાં આપણે ધાર્યું ન હોય તેવી વ્યક્તિ આપણી મદદ કરી જાય, આપણા કામ પાર પાડી જાય કે પછી લાભ થાય તેવું થતું જ હોય છે. આ થવા પાછળ મોટાભાગના લોકો ઈશ્વરકૃપા જ્યારે કેટલાક લોકો માનવ મદદ અથવા તો માનવ સ્વભાવને દાદ આપે છે. માણસ દ્વારા માણસનું કામ થયા છે તે અત્યારના સમયમાં તો ખરેખર ચમત્કાર જેવું જ છે. ભૌતિકતાના જમાનામાં, લેભાગુઓના યુગમાં જો કોઈ નિ:સ્વાર્થ અથવા તો પ્રામાણિકતાથી અન્ય વ્યક્તિનું કામ કરી આપે તો તેને ચમત્કાર સિવાય બીજું કશું જ ન ગણી શકાય. માણસને જો માણસમાં શ્રદ્ધા હોય તો કદાચ આ શક્ય બને તેવું કહી શકાય.
થોડા સમય પહેલાની જ એક વાત કરું. અમે લોકો પરિવાર સાથે એક રેસ્ટોરામાં લન્ચ કરવા ગયા હતા. લન્ચના સમયે સ્ટોરમાં ખાસ કોઈ નહોતું. વેઈટરને પૂછયું તો તેણે કહ્યું કે, હજી અઠવાડિયું જ થયું છે આ રેસ્ટોરાં ખુલ્યાને. અમે સ્પેશિયલ વોકલ ફોર લોકલના સૂત્રને સાકાર કરીને વાનગીઓ તૈયાર કરીએ છીએ. આવી વાતો ચાલતી હતી ત્યાં એક ભાઈ અમારી સામે જોતા હતા. તે બરાબર અમારી બાજુના જ ટેબલ ઉપર બેઠા હતા. મેં પેલા વેઈટરને પૂછયું કે, આ કોણ છે. તેણે કહ્યું કે, આ અમારી રેસ્ટોરાંના ઓનર છે. અમે સહેજ આછલકી નજર નાખી અને પાછા ઓર્ડર આપવામાં વ્યસ્ત થઈ ગયા. વેઈટર સાથે ઓર્ડર અંગે પૂછપરછ ચાલતી હતી ત્યાં પેલા ભાઈએ બુમ મારી, અંકિતા હમણા યોગેશ નામનો એક ભાઈ આવશે તેને પચાસ હજાર રોકડા આપી દેજે. આવતીકાલે છાપામાં જાહેરાત લેવાની છે. તેમણે કહ્યું અને લગભગ પાંચેક મિનિટમાં યોગેશ નામનો ભાઈ આવ્યો, કેશ કાઉન્ટર ઉપરથી પૈસા લઈને જતો રહ્યો અને અમે રેસ્ટોરાના ઓનર અને પેલા ભાઈની સામે જોઈ રહ્યા. આમ ઘટના સહજ હતી પણ અસર ત્યાં થઈ કે પેલી વ્યક્તિએ સામે પહોંચ આપી નહોતી, કોઈ ચિઠ્ઠી કે કશું જ નહોતું અને રોકડ રકમ લઈને રવાના થઈ.
ભોજન પૂરું થયા પછી અમારા બિલિંગ વખતે પેલા ઓનર કેશ કાઉન્ટર ઉપર બેઠા હતા. મેં તેમને સાહજિક સવાલ કર્યો કે તમે જે રકમ આપી તેના વિશે વધારે પૃચ્છા કરી નહીં. તેણે બિલ પણ આપ્યું નહોતું. આટલી મોટી રકમ એમ જ આપી દીધી. તમને છેતરપિંડીનો એકક્ષણ પણ વિચાર ન આવ્યો. તેમણે કહ્યું કે, જે ભાઈ પૈસા લઈને ગયો તે મારા ભાઈના મિત્રનો ઓળખીતો હતો. મને તેનામાં શ્રદ્ધા છે. માણસ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખીશું નહીં તો સંબંધ ટકશે કેવી રીતે અને સંબંધો નહીં ટકે તો સમાજ ચાલશે કેવી રીતે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, તે મિત્ર છે. તે ભલે મારા મિત્રનો મિત્ર હોય પણ મને તેનામાં શ્રદ્ધા છે. એક મિત્ર ક્યારેય તમને છેતરી શકે જ નહીં અને જો તે છેતરે તો પછી તે મિત્ર હોઈ શકે જ નહીં.
વાસ્તવિકતા એવી છે કે, કોઈ વ્યક્તિ સારી છે કે, કોઈ વ્યક્તિ ખરાબ છે તેવો અનુભવ આપણે જ્યારે જાતે થાય ત્યારે પહેલી વખત અનુમાન લગાવી શકાય છે. બીજા વખત થાય ત્યારે વિશ્વાસ બેસે છે અને કદાચ વધુ એકાદ વખત થાય ત્યારે આપણને શ્રદ્ધા બેસે છે કે, ફલાણી વ્યક્તિ ઉત્તમ છે અથવા તો ફલાણી વ્યક્તિ વિશ્વાસપાત્ર નથી. આ અનુભવો આપણી વ્યક્તિગત માન્યતાઓ અથવા તો લાગણીઓને મહોર મારે છે. તેના કારણે આપણે બધાને સાંકળી લેવા યોગ્ય નથી. કોઈ વ્યક્તિ ખરાબ હોય, ખોટી હોય કે પછી અત્યંત સારી હોય તો તેની પાછળ તે વ્યક્તિનું વાતાવરણ, તેના સંસ્કારો કે પછી તેની પરિસ્થિતિ જવાબદાર હોય છે. આપણે એક વખત વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખી જોવાનો અને જો તેમાં સાર્થક થઈએ તો આગળ વધારવાનો અને નિષ્ફળ જઈએ તો તેની નકારાત્મકતા ઉપર પણ વિશ્વાસ રાખીને તેનાથી અંતર જાળવવાનું. વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખવાનું ક્યારેય ન છોડવું જોઈએ.
વાત એવી છે કે, કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવાનો વારો આવે ત્યારે પણ ભૂતકાળના ધારો કેને આપણે ફંફોસીએ છીએ અને ભવિષ્યના ધારો કે સાથે સાંકળીએ છીએ પછી કોઈ નિર્ણય કરીએ છીએ. આ ધારો કે ઉપર સામેની વ્યક્તિ ખરી ન ઉતરે તો આપણે તેને વિશ્વાસઘાતી માની લઈએ છીએ. ભૂતકાળના ઘણા પ્રસંગો આપણા માટે ખરાબ અને પીડાદાયક હોય છે છતાં આપણા સ્વભાવ અને પ્રકૃતિને અનુકુળ કોઈ પ્રસંગ ઊભો થાય એટલે આપણે અનાયાસ તે તરફ ખેંચાઈ જઈએ છીએ. આપણને ભલે ભૂતકાળ જેવી જ પીડા થાય, વિશ્વાસઘાત મળે અથવા તો પાંચ-દસ ટકા ઈચ્છિત પરિણામ મળે છતાં આપણે ધારણાના આધારે જીવવાનું છોડતા નથી. આપણને ક્યાંક ને ક્યાંક એવો વિશ્વાસ છે કે હવે આવું નહીં થાય, હવે તો આ વ્યક્તિ આવું નહીં કરે, હવે વાંધો નહીં આવે. આ વિશ્વાસ ખરેખર તો માણસમાં મૂકાતી શ્રદ્ધા છે.
આપણા સમાજમાં, આપણી આસપાસના લોકોમાં, આપણા ગ્રૂપમાં એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેને કોઈને કોઈ તકલીફ નહીં હોય. કેટલાક લોકો પોતાની તકલીફો બીજાને જણાવે છે અને કેટલાક જણાવતા નથી. આ સ્થિતિ એવી છે જે ત્રીજા પ્રકારના લોકો માટે જોખમી છે. આ પ્રકારના લોકો એવા છે જે બીજાના અનુભવના આધારે પોતાના જીવનનો પાયો ચણતા હોય છે. કેટલાક લોકો જાત અનુભવ બાદ જ કોઈ સ્થિતિ અંગે નિર્ણયાત્મક થતા હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે ક્ષણિક અનુભવને આધારે લાંબાગાળાના નિર્ણય કરી લેતા હોય છે.
આપણી સમસ્યા એ છે કે, આપણી સાથે થયેલો એક અનુભવ આપણે સમાજ સાથે જોડી દઈએ છીએ. આપણે તેનું જનરલાઈઝેશન કરી નાખીએ છીએ. તેમાં આપણો સૌથી મોટો સાથી હોય છે ધારો કે. ઘરમાં ક્યારેક કોઈ ડોમેસ્ટિક હેલ્પરે ચોરી કરી તો આપણે સમગ્ર સમુદાયને એક જ લાકડીએ હાંકવા માંડીએ છીએ. આપણા સર્કલમાં એકાદ યુવતીની સાસુ ખરાબ હોય તો આપણે સાસુઓ આવી જ હોયનું લેબલ તૈયાર કરી લઈએ છીએ. એકાદ પતિ પોતાની પત્નીને છેતરે તેના આધારે પુરુષો લંપટ હોવાનું લેબલ આપણે બનાવી લઈએ છીએ. એકાદ પુત્રવધુ સાસુસસરાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે એટલે આખી આધુનિક પેઢી આવી છે તેવું જનરલ પિક્ચર ઉપસાવી લઈએ છીએ. સંબંધોમાં એક વખત છેતરાયેલી વ્યક્તિ પછી દરેક વ્યક્તિને છેતરામણી જ માનતી થઈ જાય છે.
આપણે ખરેખર તો વિશ્વાસ ઈશ્વરમાં રાખવાનો છે અને શ્રદ્ધા માણસમાં રાખવાની છે પણ આપણે તો ધારો કેના ચક્કરમાં સદીઓથી ઉંધું જ કરતા આવ્યા છીએ. આપણને માણસમાં વિશ્વાસ નથી અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા ફરીએ છીએ. વાસ્તવિકતા એવી છે કે, આપણે જેવું ધારીએ છીએ તેવું આપણી સાથે થાય છે. આપણે પહેલેથી નેગેટિવ વિચારી લઈએ તો આપણી સાથે એવું જ થવાનું છે. આપણે આવા એક માત્ર અનુભવના આધારે જિંદગીનો આખો મિનારો ચણવા બેસી જઈએ છીએ. દરેક સંબંધની ઈમારતમાં આપણે શ્રદ્ધા અને વિશ્વાસનો સિમાન્ટ નાખવાને બદલે ધારણા અને અવિશ્વાસની રેતી વધારે નાખી દઈએ છીએ. તેના કારણે આપણા સંબંધોના પાયા ઢીલા પડી જાય છે. ઈશ્વરમાં વિશ્વાસ ન રાખનાર વ્યક્તિ પણ શુભ તત્ત્વને માને છે, કંઈક સારું થાય છે તેવી તેને શ્રદ્ધા છે. તેને માણસમાં શ્રદ્ધા હોય છે. આવી જ શ્રદ્ધા માનવજાતને ચાલકબળ પૂરું પાડે છે.









