Sahiyar

દાવત : ઝટપટ તૈયાર થાય તેવી સાદી સરળ વાનગીઓ

By GS Team
21 Sep 20264 mins read
દાવત : ઝટપટ તૈયાર થાય તેવી સાદી સરળ  વાનગીઓ

મકાઈ - દહીંની કઢી
સામગ્રી : બે કપ મકાઈના દાણા, એક નાની ચમચી પીસેલું લાલ મરચું, અડધો ચમચો હળદર, એક નાનો ચમચો પીસેલું જીરું, ચાર મોટા ચમચા ખાટું દહીં, અડધો કપ પાણી, મીઠું અને તેલ જરૂર પ્રમાણે, બે મોટા ચમચા કોથમીર.
રીત : તેલને ગરમ કરો. એમાં મરચું, હળદર અને જીરું નાખી એક મિનિટ વઘારો. પછી એમાં મકાઈના દાણા, દહીં અને પાણી નાખી ધીમા તાપે થવા દો. જ્યારે મકાઈના દાણા નરમ થઈ જાય ત્યારે એમાં મીઠું અને કોથમીર છાંટી દો. ગરમ ગરમ ચોખા (ભાત)ની સાથે આ મકાઈ-દહીંની કઢી ખાવાથી ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

કેળાંની સેન્ડવીચ
સામગ્રી : બ્રેડની દસ સ્લાઈસ, તાજું માખણ, ૨૫ ગ્રામ, એક મોટો ચમચો ખાંડ અને બે પાકા કેળાં.
રીત : કેળાંની છાલ ઉતારી નાના નાના ગોળ ગોળ ટુકડા કરી નાખો. હવે છરીથી માખણ લઈ બ્રેડ ઉપર પાતળું પડ લગાવો. વારાફરતી પાંચ બ્રેડના ટુકડા ઉપર લગાડો પછી એની ઉપર ખાંડ ભભરાવો. હવે એની ઉપર કેળાના ગોેળ ટુકડા સરખા જમાવી દો. એની ઉપર બાકીના પાંચ બ્રેડના ટુકડા ઢાંકી દો. એટલે કેળાની સેન્ડવીચ તૈયાર થઈ જશે.
લીલા મરચાંનું અથાણું
સામગ્રી : ૫૦૦ ગ્રામ લીલા મરચાં, ૨૫ ગ્રામ વરિયાળી, જરૂર પ્રમાણે હળદર, ૫૦ ગ્રામ રાઈ, ૨૫ ગ્રામ મેથી, ૭૫ ગ્રામ દળેલું મીઠું, ૧૫૦ ગા્રમ સરસિયાનું તેલ.
રીત : હળદર, રાઈ, મેથીના પીસેલા દાણા, મીઠું. આ બધી વસ્તુઓ ભેળવીને એકરસ કરી નાખો. હવે લીલા મરચાંને સ્વચ્છ પાણીથી ધોઈને મથાળે રહેલો ભાગ તોડી નાખો. હવે વચ્ચેથી મરચામાં ચીરો પાડો અને તેમાં તૈયાર થયેલો મસાલો ભરી દો. બધા મરચાં ભરાઈ જાય ત્યારે કાચની બરણીમાં ભરી લો. ઉપરથી સરસિયાનું તેલ ભભરાવી દો. પછી બરણીમાં મરચાં નાખી હલાવી નાખો. બે કે ત્રણ દિવસ તડકામાં એ બરણી રાખી મૂકો એટલે સ્વાદિષ્ટ મરચાનું અથાણું તૈયાર થઈ જશે.

બટાકાનાં પૂડાં
સામગ્રી : ૫૦૦ ગ્રામ મોટા બટાકા, બે મોટા ચમચા ચણાનો લોટ, બે મોટા ચમચા ઘઉંનો લોટ, એક મોટો ચમચો મકાઈનો લોટ, એક ચમચો મીઠું, એક ચમચો જીરું, એક નાનો ચમચો ધાણા, ત્રણ લીલા મરચાં કાપેલા, તળવા માટે તેલ અને કોથમીર.
રીત : બટાકાને છોલીને બાફી લો. તેને મસળી નાંખીને માવો બનાવો. મકાઈનો લોટ, મીઠું, જીરું, ધાણા, લીલા મરચાં વગેરે દરેક વસ્તુ ભેગી કરી નાખી મસળીને એકરસ કરી નાખો. પછી હાથમાં તેલ લઈ બટાકાનું મિશ્રણ લઈ બે હથેળીમાં થપથપાવી નાખો. અને રોટલી જેવો આકાર બનાવો. પછી એ રોટલીને તવામાં નાખી ધીમા તાપે તૈયાર કરો એટલે સ્વાદિષ્ટ બટાકાનાં પૂડાં તૈયાર થઈ જશે.

દૂધીનું રાયતું
સામગ્રી : એક નાની દૂધી, ૨૫૦ ગ્રામ દહીં, શેકીને પીસેલું જીરું એક ચમચો, સ્વાદ મુજબ મીઠું, ચપટી પીસેલું મરચું, મીઠા લીમડાનાં પાંચ પાન, અડધો ચમચો રાઈ, એક નાનો ચમચો ઘી.
રીત : દૂધીના નાના ટુકડા કરી લો. પછી કૂકરમાં દૂધીના ટુકડા બાફી લો. પછી કૂકરમાં વધેલું પાણી કાઢી નાખો. હવે દહીંને હલાવીને એક રસ કરી નાખો. એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મસાલા નાખી દો. પછી દૂધી એમાં નાખી દો. તવા ઉપર ઘી ગરમ કરો. એમાં મીઠા લીમડાના પાન નાખો અને રાઈ ફૂટે એટલે દહીંની ઉપર વઘાર કરી નાખો.

સ્વાદિષ્ટ દહીં - ચોખા
સામગ્રી : ૫૦ ગ્રામ ચોખા, ૨૫ ગ્રામ ઘટ્ટ દહીં, ૨૫ મિલીગ્રામ દૂધ, એક ચમચો રાઈ, ચપટી હીંગ, એક અથવા બે લીલા મરચાં, આદુનો એક નાનો ટુકડો, પાંચ કે છ મીઠા લીમડાના પાન, કાચી કેરી ૧૦૦ ગ્રામ, તેલ એક ચમચો, મીઠું સ્વાદ પ્રમાણે
રીત : ચોખાને સાફ કરી પ્રેશરકૂકરમાં બાફો, દહીંને હલાવીને એકરસ કરી નાખો. એમાં મીઠું નાખી દો. મરચાં-આદુને કાપીને નાના ટુકડા કરી નાખો. આ બધી કાપેલી વસ્તુઓને દહીંમાં નાખી દો. એક તપેલીમાં તેલ ગરમ કરીને રાઈ અને હીંગનો વઘાર કરો. પછી લીમડાના પાન એમાં મેળવી દો. હવે એમાં દહીં અને ચોખા પણ નાખી દો. હવે એને તૈયાર થાય ત્યાં સુધી હલાવતા રહો. બધી વસ્તુ એક સરખી થઈ જાય ત્યારે ઉતારી લો. ગરમાગરમ દહીં ભાત ખાવાની ખૂબ મઝા પડશે.

નારિયેળની કબાબ
સામગ્રી : એક તાજું નારિયેળ, એક કિલો બટાકા, એક નાની ડુંગળી, બે કે ત્રણ મરચાં, અડધા લીંબુનો રસ, અડધો ચમચો જીરું, સ્વાદ મુજબ મીઠું, અને લાલ મરચું, બે મોટાં ચમચા તેલ, તળવા માટે ઘી.
રીત : નારિયેળની કાચલીને પીસી નાખો. બટાકાને બાફી નાખો. જીરાને તવા ઉપર શેકીને પીસી નાખો. ડુંગળી અને લીલા મરચાં કાપી લો. બે નાના ચમચા ઘી ગરમ કરી એમાં ડુંગળી વઘારી નાખો. ગુલાબી થાય ત્યાં સુધી તળો. પછી એમાં લાલ મરચાં, પીસેલું, નારિયેળ મેળવી વધારો. પછી સગડી ઉપરથી વાસણ નીચે ઉતારી લઈ ઠંડુ કરી લો. બાફેલા બટાકાને મસળી નાખો એમાં થોડું મીઠું મેળવો, પછી એના નાના ગોળા બનાવો. દરેક ગોળાની વચ્ચે નારિયેળનું મિશ્રણ ભરો. મેંદાના લોટમાં પાણી નાખી આથો તૈયાર કરો. પછી એ આથામાં તૈયાર થયેલાં ગોળા ડૂબાડી ઘીમાં તળવા માંડો. ગરમ ગરમ ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવશે.

  • હિમાની