દાવત : તહેવારોના દિવસોમાં મન મૂકીને માણો ખટમીઠી વાનગીઓ

મલાઈ કોફતા કઢી
સામગ્રી : ૪ મધ્યમ આકારના બટાકાં બાફેલા તેમજ મસળેલા, ૨મોટી ચમચી ચણાનો લોટ, ૧-૧૫ કાજું, ૫૦ ગ્રામ પનીર, ૨ નાની ચમચી મીઠુ, ૧ નાની ચમચી લાલ મરચાનો પાઉડર, ૧/૨ નાની ચમચી હળદર પાઉડર, ૨ નાની ચમચી ધાણા પાઉડર, ૨ લીલા મરચાં ઝીણાં સમારેલા, ૨ ડુંગળીની પેસ્ટ, ૨ મોટી ચમચી આંદુલસણની પેસ્ટ, ૧ કપ તાજા ટામેટાની પેસ્ટ, ૨ મોટી ચમચી જામેલું દહીં, ૩ મોટી ચમચી તેલ, તળવા માટેજુદું તેલ, ૧/૪ કપ ક્રીમ સમારેલ લીલી કોથમીર, ચપટી ગરમ મસાલો.
રીત :મસળેલા બટાકામાં ચણાનો લોટ, ૧/૨ ચમચી મીઠું, સમારેલ, લીલા મરચાં તેમજ પનીરને મિક્સ કરો. ત્યારબાદ નાના નાના ગોળ આકારના લૂઆ બનાવી તેને ગરમ તેલમાં સોનેરી રંગના તળી લો. ૩ મોટી ચમચી તેલ ગરમ કરો. ડુંગળી તેમજ લસણ આદુની પેસ્ટ નાખીને સાંતળો. ટામેટાની પેસ્ટ તેમજ દહીં નાખીને બાકીનો મસાલો નાખો. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળતા રહો. ૨ કપ પાણી નાખી ઉકાળો. કોફતા નાખો તેમજ એક ઊભરો આવતાની સાથે નીચે ઊતારી લો. ખૂબ ફીણેલું ક્રીમ, સમારેલી કોથમીર તેમજ મસાલો નાંખો.
સ્વીટ ફ્લેગ
સામગ્રી : ૫૦૦ ગ્રામ ગાજર, ૫૦૦ ગ્રામ દૂધી, ૨૦૦ ગ્રામ ટોપરા પાડવર, ૧.૧/૨ લીટર દૂધ. ૧ કિલો ખાંડ, ૩ ચમચી ઘી, બદામ-પીસ્તા-એલચી થોડો ખવાનો લીલો રગં, વરખ.
રીત : સૌ પ્રથમ ખાંડના એકસરખા ત્રણ ભાગ કરી નાખવા. ગાજર ધોઈને ખમણી નાખો. એક ચમચી ઘી મૂકી સાંતળો. પાણી સુકાઈ જાય ત્યાર બાદ ૧/૨ લીટર દૂધ નાખી હલાવવું. દૂધનો માવો થઈ જાય ત્યાર બાદ એક ભાગની ખાંડ તેમાં નાખી તે બરાબર કઠણ થઈ જાય ત્યારે ઉતારી લેવું.
ટોપરાનાં પાવડરમાં ૧/૨ લીટર દૂધ નાખી હલાવવું. મિશ્રણ કઠણ થતાં જ તેમાં ખાંડ નાખવી. ગળી વળે તેટલું કઠણ થતાં નીચે ઉતારી ઠરવા દેવું. દૂધીને છોલી છીણી નાખો અને ગાજરની જેમ જ સાંતળવી. તેમાં દૂધ નાખી કઠણ હલવો બનાવો. તથા તેમાં ખાવાનો લીલો રંગ નાખો. નીચે ઉતારી ઠંડું કરો. ત્રણેય વસ્તુ બની ગયા બાદ થાળીમાં નીચે ઘીનો હાથ લગાવી સૌપ્રથમ ગાજર વાળો હલવો પાથરો. પછી ટોપરાનો સફેદ હલવો પાથરો અને સૌથ ઉપર દૂધીનો લીલો હલવો પાથરીને વાટકીથી સરખી રીતે દબાવવું. ત્રણેયની એક સરખી જાડાઈ રાખવી. હવે સૌથી છેલ્લે સૂકો મેવો ભભરાવી એલચીના દાણા છૂટા પાડી દેખાય તે રીતે છાંટવા. ચાંદીનો વરખ લગાડીને તેનાં ચોરસ ચોસલા કરો. આ વાનગી કોઈ પણ પાર્ટીમાં પીરસવાથી સુંદર દેખાશે.'
વેજિટેબલ પુલાવ
સામગ્રી : ૧ કપ બાસમતી ચોખા, ૧ કપ શાકભાજી, (વટાણા, કેપ્સિકમ, ફણસી) ૧ ૧/૨ નાની ચમચી મીઠું, ૪ લવિંગ, ૨ ટુકડા તજ, ૧ મોટી એલચી, ૭-૮ કાળા મરી, ૧ નાની ચમી જીરું, ૪ મોટા ચમચા તેલ.
રીત :ચોખા ધોઈને થોડા કાચા અને થોડા રાંધેલા રહે ત્યાં સુધી બાફી લો. તે પછી ગરણીથી ચાળીને પાણી છૂટું પાડી દો. ૧ કપ પાણીમાં બધા મસાલા થોડા જાડા દળીને ઉકાળો, આ પાણીને ગાળી લો. તેલ ગરમ કરો. શાકભાજી નાખીને હલાવો. ચોખા તેમજ પાણી નાખીને ધીમા તાપ પર છૂટું રહે તેમ રાંધો.
મીઠી સુગંધિત ઈડલી
સામગ્રી : ૧ કપ રવો (સોજી), ૩/૪ કપ દૂધ, ૩/૪ કપ દહીં, ૧/૪ નાની ચમચી સોડા, ૨ મોટી ચમચી દ્રાક્ષ, ૧/૨ કપ ખાંડ, ૧ મોટી ચમચીઘી, ૧/૨ નાની ચમચી વેનીલા અથવા મનપસંદ એસન્સ.
રીત : ફ્રાઈંગ પેનમાં ઘી ગરમ કરીને રવાને સહેજ શેકીને ઠંડો પડવા દો. એક વાસણમાં દૂધ, દહીં, ખાંડ તેમજ સોડા નાખીને મિક્સરમાં મિક્સ કરી લો. રવો તેમજ એસન્સ નાખો.
ત્યારબાદ ઈડલીના મિશ્રણને ફરી એકવાર હલાવીને ઈડલી બનાવવાનાં વાસણમાં નાખો, કુકરમાં પાણી નાખીને ૨૦ મિનિટ વરાળમં રાંધો. કુકર પર સીટી લગાવશો નહીં. મિશ્રણ નાખતા સમયે ઊપરથી દ્રાક્ષ વડે સજાવટ કરો. ગરમાગરમ પીરસો.
નાળિયેરની બરફી
૨૦૦ ગ્રામ નાળિયેરનું છીણ, ૨૦૦ ગ્રામ માવો, ૨૦૦ ગ્રામ ખાંડ, ૧/૨ ચમચી કેવડાનું એસન્સ.
રીત : ખાંડમાં ૧/૨ કપ પાણી નાખી તાપ પર ચઢાવો. ત્રણ તારની ચાસણી તૈયાર થાય ત્યારે નીચે ઊતારીને માવો મસળીને ને નાખો. નાળિયેરનું છીણ તેમજ એસન્સ મેળવીને એકરસ કરો. આ મિશ્રણને ચીકાશ લગાવેલી થાળીમાં પાથરી દો. થોડીવાર પછી ચપ્પુથી કાપીને બરફીના ટુકડા કરી છૂટી પાડો.
રંગબેરંગી પેંડા
સામગ્રી : ૨ કપ માવો, ૧કપ દળેલી ખાંડ, ૧ નાની ચમચી ચોકલેટ પાઉડર, ૨ ટીપાં લાલ રંગ (ખાવાનો)
સજાવટ માટે : બદામ
રીત : માવામાં ખાંડ ભેળવીને હાથથી મસળી લો. હવે તેને ત્રણ ભાગમં વહેંચીદો. એકને સફેદ રહેવા દો. બીજામાં ચોકલેટ પાઉડર નાખીને ચોકલેટી રંગ બનાવી દો. ત્રીજા ભાગમાં લાલ રંગ મિક્સ કરીને લાલ બનાવી લો. હવે ત્રણે રંગોના ગોળ ગોળ નાના પેંડા બનાવો અને એક રંગના પેંડા મૂકી એક સાથે જોડતા જાઓ અને કાચની પ્લેટમાં મૂકી પીરસો.
પનીર મસાલા
સામગ્રી : ૨૫૦ ગ્રામ પનીર, ૨ નાની ચમચી મીઠું, ૧ નાની ચમચી મરચાનો પાઉડર, ૨ મોટી ખસખસની પેસ્ટ, ૧ કપ જામેલું દહીં, ૫૦ ગ્રામ માવો, ૧ નાની ચમચી હળદર પાઉડર, ૨ મોટી ચમચી કોથમીર તેમજ ફુદીનાની ચટણી, ૧ મોટી ડુંગળી ઝીણી સમારેલી, ૧ ટુકડો આદુ ઝીણું સમારેલું, ૨ લીલાં મરચાં ઝીણાં સમારેલાં, ૩ મોટી ચમચી તેલ.
સજાવટ માટેની સામગ્રી : સમારેલી કોથમીર
રીત : પનીરના ટુકડા કાપીને સહેજ ગરમ પાણીમાં ૧/૨ ચમચી મીઠું તેમજ હળદર નાખીને ૨૦ મિનિટ સુધી રાખો. ત્યારબાદ કાઢીને એક નેપ્કિન પર મૂકો. દરેક ટુકડાને વચમાંથી થોડું કાપી તેમાં ચટણી લગાવીને મૂકો. કડાઈમાં તેલ ગરમ કરો. ડુંગળી, આદું તેમજ લીલા મરચાં નાખી શેકો. ખસખસની પેસ્ટ તેમજ દહીં નાખી ખૂબ શેકો. મીઠું, લાલ મરચાનો પાઉડર, માવો નાખી ને હલાવો. ૧/૨ કપ પાણી નાખી ઉકાળો. પનીરના ટુકડા નાખીને હલાવો. પાંચ મિનિટ ઢાંકીને ધીમા તાપ પર રાખો. લીલી કોથમીર નાખીને પીરસો.
-હિમાની




