Sahiyar

શહેરોમાં સંકોચાતી બાળકોની દુનિયા: પ્રકૃતિથી વિમુખ થતું બાળપણ

By GS Team
21 Sep 20267 mins read
શહેરોમાં સંકોચાતી બાળકોની દુનિયા: પ્રકૃતિથી વિમુખ થતું બાળપણ
  • રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
  • 'ડિજિટલ બેબીસિટિંગ' બાળકના મગજને ઉત્તેજના તો આપે છે, પરંતુ તેની કલ્પનાશક્તિ અને શરીરને જડ બનાવી દે છે. બાળક એક એવી વર્ચ્યુઅલ દુનિયામાં જીવવા લાગે છે જ્યાં દરેક વસ્તુ ક્લિક કરતાં જ હાજર થઈ જાય છે, પરિણામે તે પ્રકૃતિની ધીમી, કુદરતી અને સહજ ગતિ સાથે તાલમેલ સાધી શકતું નથી.

આધુનિક યુગમાં વિકાસની ગતિ જેટલી તીવ્ર બની છે, માનવજીવનનું પ્રાકૃતિક સૌંદર્ય તેટલું જ સંકોચાઈ ગયું છે. આ વિકાસનો સૌથી મોટો ભોગ જો કોઈ બન્યું હોય, તો તે આપણા બાળકો અને તેમનું બાળપણ છે. માનવ ઇતિહાસમાં ક્યારેય બાળપણ આટલું બારી-બારણાં, બંધ ફ્લેટો અને ક્રોંક્રીટના માળખાઓ વચ્ચે કેદ નહોતું જેટલું આજે શહેરોમાં જોવા મળે છે. જ્યારે કોઈ નાનું બાળક બે વર્ષનું થાય અને પોતાના પગ પર ડગમગતાં ડગલાં ભરવાનું શરૂ કરે, ત્યારે તેની અંદર સમગ્ર બ્રહ્માંડને જાણી લેવાની એક અદમ્ય ઉત્સુકતા જન્મ લે છે. ઘરનો દરવાજો સહજતાથી ખૂલતાં જ તેની નજર બહારની અજાણી દુનિયા તરફ દોડે છે. તે પવનને સ્પર્શવા માંગે છે, માટીને ચાખવા માંગે છે, અજાણ્યા અવાજોની દિશામાં દોડવા માંગે છે. પરંતુ આ કુદરતી ધબકારા સામે આધુનિક શહેરી વાસ્તવિકતા એક દીવાલ બનીને ઊભી રહી જાય છે. દરવાજો ખૂલતાં જ તેની સામે કોઈ લીલુંછમ ખેતર કે ફૂલોથી લચેલો બગીચો નથી હોતો, પાકગમાં પાર્ક કરેલી મોટરસાઇકલો, સિમેન્ટની સીડીઓ, સાંકડી ગલીઓ અને ધૂમાડા ઓકતાં વાહનોનો કાફલો ખડકાયેલો હોય છે.
બાળપણનો આ સંઘર્ષ માત્ર ભૌગોલિક નથી, પરંતુ માનસિક, ભાવનાત્મક અને શૈક્ષણિક પણ છે. પ્રકૃતિથી દૂર થઈ રહેલું આજનું બાળપણ ધીમે ધીમે પોતાના મૂળિયાંથી વિખૂટું પડી રહ્યું છે. આજે બંધ બારણાં અને સતત સર્વેલન્સ તથા ભય અને સલામતીના સંતુલન વચ્ચે બાળપણ પીસાઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે ગામડાં કે કસબાઓમાં ઘરનો ઉંબરો ઓળંગવો એટલે સીધા કુદરતના ખોળામાં પહોંચવું. ત્યાં આંગણું હતું, શેરીઓ ખુલ્લી હતી અને સમગ્ર મહોલ્લો એક કુટુંબ જેવો હતો. આજે શહેરી પરિવેશમાં વાલીઓ પોતાના બાળકની સુરક્ષાને લઈને સતત ચિંતિત અને તણાવમાં રહે છે. શહેરોમાં વાહનોની અનિયંત્રિત ગતિ, અજાણ્યા લોકોનો ભય અને અસુરક્ષિત વાતાવરણને કારણે માતા-પિતા બાળકના પગલે પગલે નજર રાખવા મજબૂર બને છે.
આ સંભાળ કે સુરક્ષા પ્રેમવશ હોવા છતાં બાળક માટે એક અદ્રશ્ય 'સર્વેલન્સ' બની જાય છે. બાળક મુક્ત મને એક ડગલું પણ ભરી શકતું નથી. જ્યાં સુધી પિતા કે માતા બાળકની આંગળી ન પકડે ત્યાં સુધી તે બહાર પગ મૂકી શકતું નથી. આ સતત નિયંત્રણ બાળકની સહજ જિજ્ઞાસા, જોખમ ખેડવાની ક્ષમતા અને આત્મવિશ્વાસને શરૂઆતથી જ સીમિત કરી દે છે. બાળક સંશોધક બનવાને બદલે માત્ર આદેશોનું પાલન કરતું યંત્ર બનવા તરફ ધકેલાય છે.
ગામડાં કે અર્ધ-શહેરી વિસ્તારોમાં મોટા થતા બાળકો માટે વિવિધ પ્રકારના જીવોજેવાં કે પતંગિયાં, ભમરા, તમરાં, ચકલીઓ, કાબર, કાચિંડા, ખિસકોલીઓ અને પાલતુ પશુઓરોજિંદા જીવનનો એક સહજ હિસ્સો હતા. પરંતુ આજના મહાનગરોમાં ઊછરતા બાળકના વાસ્તવિક અનુભવ-જગતમાં માત્ર ગણ્યાગાંઠયા જીવો જ બચ્યા છે. રસ્તા પર ભટકતા કૂતરા, ગંદકી વચ્ચે ખોરાક શોધતી ગાયો અને બારીની ગ્રીલ પર ગંદકી કરતાં કબૂતરો. ક્યારેક ક્યારેક આ યાદીમાં દીવાલ પરની ગરોળી કે ઝાડની એકલદોકલ ખિસકોલી ઉમેરાય છે. બાળકોનું જીવસૃષ્ટિનું કુતુહલ જ સમાપ્ત થઈ ગયું છે. તેમને દેશ-વિદેશોના પ્રાણી સંગ્રહાલયોમાં જવાની સવલતો મળી છે પણ ઘર આંગણે આવતા પશુ-પક્ષીઓ સાથેનું સહચાર્ય જીવવા મળતું નથી.
આખી જીવંત સૃષ્ટિમાંથી બાળકની નજર સામે હવે માત્ર મશીનો અને ઈંટ-સિમેન્ટના ઢાંચા જ બચે છે. હોર્નનો કર્કશ અવાજ, ટ્રાફિકની ભાગદોડ અને ધૂળની ડમરીઓ એ જ તેનું પ્રાથમિક વાતાવરણ બની ગયું છે. જે ઇન્દ્રિયો પક્ષીઓના કલરવ, સુકા પાંદડાંના અવાજ અને ભીની માટીની સોડમ પારખવા માટે બની હતી, તે ઇન્દ્રિયો આજે એક્ઝોસ્ટ ફેનના અવાજ, એસીના ગણગણાટ અને ટ્રાફિકના ઘોંઘાટથી ટેવાઈ રહી છે. આ પરિસ્થિતિ બાળકની સંવેદનાઓને ખૂબ જ નાની ઉંમરે બોદી અને કુંઠિત બનાવી દે છે.
વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરે બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રકૃતિ સાથેના પ્રત્યક્ષ જોડાણને અનિવાર્ય ગણાવ્યું હતું. તેમણે 'શાંતિનિકેતન'ની સ્થાપના જ એ વિચાર સાથે કરી હતી કે સાચું શિક્ષણ ચાર દીવાલો વચ્ચે ગોખણપટ્ટીથી નહીં, પરંતુ ઝાડની છાયામાં, પવનના સૂસવાટા વચ્ચે અને માટીના સંપર્કમાં રહીને મળે છે. ટાગોર માનતા હતા કે બાળક જ્યારે કુદરત સાથે જોડાય છે, ત્યારે તેની ચેતના અને બુદ્ધિનો મુક્તપણે વિસ્તાર થાય છે.
જ્ઞાન એ માત્ર પુસ્તકોમાં છપાયેલા અક્ષરો નથી, પરંતુ પતંગિયાની પાછળ દોડતાં દોડતાં જમીન પર પછડાવું અને ફરી ઊભા થવું એ પણ એક ઊંડું શિક્ષણ છે. ઝાડની ડાળીને અડકીને તેના ખરબચડાપણાને સમજવું, વરસાદના પાણીમાં પગ છબછબાવવા, પાંદડા પર બાઝેલા ઝાકળના ટીપાંને અડીને વિસ્મય પામવું આ તમામ પ્રક્રિયાઓ બાળકના જ્ઞાનતંતુઓને ઉત્તેજિત કરે છે.
જ્યારે બાળકને આ જીવંત અનુભવોથી વંચિત કરીને બંધ વર્ગખંડો, ટયુશન ક્લાસીસ અને ડિજિટલ સ્ક્રીન સામે બેસાડી દેવામાં આવે છે, ત્યારે તેનો બૌદ્ધિક વિકાસ તો કદાચ સંખ્યા કે આંકડાઓમાં સારો દેખાય, પરંતુ તેનો આંતરિક અને ભાવનાત્મક વિકાસ કાયમ માટે અધૂરો રહી જાય છે. બાળકના વિકાસમાં રમત માત્ર સમય પસાર કરવાનું કે મનોરંજનનું સાધન નથી, પરંતુ તે તેના શારીરિક, માનસિક અને સામાજિક ઘડતરનો પાયો છે.
ખુલ્લા મેદાનમાં રમવાથી બાળકના શરીરમાં સ્ફૂત, રોગપ્રતિકારક શક્તિ અને લવચીકતા આવે છે. માટી અને ઘાસમાં રમવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે મજબૂત બને છે. વધુ મહત્ત્વની વાત એ છે કે પ્રકૃતિ વચ્ચે રમીને મોટું થતું બાળક સહઅસ્તિત્વનો પાઠ શીખે છે. તે સમજે છે કે આ પૃથ્વી માત્ર મનુષ્યો માટે જ નથી, પરંતુ તેમાં કીડી, મકોડા, પક્ષીઓ અને વૃક્ષોનો પણ સરખો હિસ્સો છે.
આજના શહેરી બંધ વાતાવરણમાં એકલા-અટૂલા રમકડાં કે ગેજેટ્સ સાથે રમતું બાળક આત્મકેન્દ્રી બનવા લાગે છે. સાથી મિત્રો સાથે શેરીઓમાં દોડાદોડ કરવી, હાર-જીત સ્વીકારવી, સાથે મળીને રમતોના નિયમો બનાવવા જેવી પ્રક્રિયાઓ બાળકના સામાજિકીકરણ માટે અત્યંત જરૂરી હતી, જે આજે સાવ લુપ્ત થઈ ગઈ છે. પરિણામે, બાળકોમાં સહાનુભૂતિ, ધીરજ અને સામાજિક અનુકૂલનની ભારે ખામી જોવા મળે છે.
પ્રખ્યાત લેખક રિચાર્ડ લુવે પોતાના પુસ્તક 'લાસ્ટ ચાઇલ્ડ ઇન ધ વૂડ્સ' માં એક સંકલ્પના આપી હતી જેને તેમણે 'નેચર ડેફિસિટ ડિસઓર્ડર' નામ આપ્યું હતું. આ કોઈ તબીબી બીમારી નથી, પરંતુ પ્રકૃતિથી વિમુખ થવાને કારણે બાળકોમાં જોવા મળતી શારીરિક અને માનસિક સમસ્યાઓનો સમૂહ છે. આજે શહેરી બાળકોમાં ઓબેસિટી, એકાગ્રતાનો અભાવ, બાળપણનો તણાવ, વિટામિન ડીની ઉણપ અને ચશ્માના ઊંચા નંબરો ખૂબ જ સામાન્ય બની ગયા છે. તેનું મુખ્ય કારણ એ છે કે બહાર રમવાની જગ્યાના અભાવે માતા-પિતા પણ બાળકને શાંત રાખવા માટે તેના હાથમાં સ્માર્ટફોન કે ટીવીનું રિમોટ પકડાવી દે છે. આ 'ડિજિટલ બેબીસિટિંગ' બાળકના મગજને ઉત્તેજના તો આપે છે, પરંતુ તેની કલ્પનાશક્તિ અને શરીરને જડ બનાવી દે છે. બાળક એક એવી વર્ચ્યુઅલ દુનિયામાં જીવવા લાગે છે જ્યાં દરેક વસ્તુ ક્લિક કરતાં જ હાજર થઈ જાય છે, પરિણામે તે પ્રકૃતિની ધીમી, કુદરતી અને સહજ ગતિ સાથે તાલમેલ સાધી શકતું નથી.
જો આપણે આવનારી પેઢીને માનસિક રીતે સ્વસ્થ, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ અને સર્જનાત્મક બનાવવી હોય, તો આપણે તાકીદે કેટલાક નક્કર પગલાં ભરવા પડશે. સૌથી પહેલાં તો શહેરોનું નિર્માણ કરતી વખતે માત્ર મોલ અને હાઇવે નહીં, પરંતુ દરેક રહેણાંક વિસ્તારમાં અમુક ચોક્કસ અંતરે ખુલ્લા લીલાછમ બગીચા અને રમતના મેદાનો ફરજિયાત હોવા જોઈએ જ્યાં વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત હોય. શાળાઓ માત્ર ચાર દીવાલોની કેદ ન રહેતાં બાળકોને નિયમિતપણે ખેતરો, નર્સરીઓ, જંગલો અને પ્રાકૃતિક શિબિરોમાં લઈ જાય. વર્ગખંડમાં પતંગિયાનો પાઠ ભણાવવા કરતાં બગીચામાં પતંગિયાનું અવલોકન કરાવવું વધુ અસરકારક છે.
માતા-પિતાની જીવનશૈલીમાં બદલાવ લાવવાની પણ તાકીદે જરૂર છે. વીકેન્ડ્સમાં બાળકોને શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્સ કે ઇન્ડોર ગેમિંગ ઝોનમાં લઈ જવાને બદલે કોઈ નદી કિનારે, તળાવની પાળે કે ગામડાંના ખુલ્લા વાતાવરણમાં લઈ જવાની ટેવ પાડવી જોઈએ. બાળકો માટે દરરોજ ઓછામાં ઓછો એકથી બે કલાક ગેજેટ્સ-મુક્ત ખુલ્લી હવામાં વિતાવવાનો નિયમ બનાવવો અનિવાર્ય છે.
બાળપણ એ માનવજીવનનો સૌથી સંવેદનશીલ અને મૂલ્યવાન તબક્કો છે. પ્રકૃતિ એ માત્ર ઝાડ-પાન કે પહાડો નથી, પરંતુ તે જીવન જીવવાની, સહન કરવાની અને પ્રેમ કરવાની એક જીવંત પાઠશાળા છે. શહેરીકરણ અને આધુનિકતાના નામે જો આપણે આપણા બાળકો પાસેથી માટીની સુગંધ, વરસાદના છાંટા, ઝાડ પર ચઢવાનો રોમાંચ અને પતંગિયા પાછળ દોડવાની આઝાદી છીનવી લઈશું, તો આપણે એક એવી પેઢીનું નિર્માણ કરીશું જે ટેકનોલોજીમાં ભલે હોશિયાર હશે, પરંતુ હૃદયથી સાવ સંવેદનહીન હશે. શહેરોની સાંકડી ગલીઓ અને બંધ ફ્લેટોમાંથી બહાર નીકળીને બાળકની આંગળી પકડીને તેને પ્રકૃતિના અસીમ ખોળામાં લઈ જવી એ આજના સમયની સૌથી મોટી પેરન્ટિંગની અને સામાજિક જવાબદારી છે. બાળપણને જો ખરેખર જીવંત રાખવું હોય, તો તેની સંકોચાઈ રહેલી દુનિયાને ફરીથી પ્રકૃતિનું મુક્ત આકાશ આપવું જ પડશે.