નોરતાંનો થાક ભુલાવી દેતો મોહક મેકઅપ

નોરતા શરૂ થવાના હોય તેનાથી કેટલાંય દિવસ પહેલાં કન્યાઓ અને યુવતીઓ નવરાત્રિ માટે જુદાં જુદાં વસ્ત્રો અને અલંકારોની ખરીદી કરવા મંડી પડે. સતત નવ રાત સુધી અલગ અલગ રીતે તૈયાર થવું સહેલંુ નથી. દિવસે કામ કરવાનું અને સાંજે ગરબે ઘુમવાનું હોય ત્યારે થાક લાગવો સહજ છે. પરંતુ આ થાક તમારા ચહેરા પર દેખાઈ આવે તો તમારા સરસ મઝાના ચણિયાચોળી અને પરંપરાગત આભૂષણો ધારણ કરવાની મઝા જ મારી જાય. આ થકાવટ છુપાવવાનો એકમાત્ર ઉપાય છે વ્યવસ્થિત મેકઅપ.
સૌંદર્ય પ્રસાધનોની ખરીદી કરવા જાઓ ત્યારે ફાઉન્ડેશનનો શેડ પસંદ કરવામાં ભૂલ ન કરો. મોટા ભાગે યુવતીઓ અહીં ચૂકી જતી હોય છે. ફાઉન્ડેશનનો શેડ તમારી ત્વચાના રંગને મળતો આવતો હોવો જોઈએ. જો શેડની સમજ ન પડે તો કાંડાના નીચેના ભાગમાં જરાક ફાઉન્ડેશન લગાવીને જોઈ લો. આ હિસ્સાની ત્વચાનો રંગ આપણા ચહેરાની ચામડીને ઘણો મળતો આવતો હોય છે.
ફાઉન્ડેશન એ મેકઅપ પૂર્વે ચહેરા પર લગાવવાનું પ્રાઈમર છે. જો પ્રાઈમરનો રંગ યોગ્ય હોય અને તેને વ્યવસ્થિત રીતે લગાવવામાં આવે તો તેના પછીનો મેકઅપ બરાબર થાય છે. જો તમારી ત્વચા એકદમ સરસ હોય તો તમે હળવા મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ પણ કરી શકો છો.
નારીના નેણનું સૌંદર્ય તેના સમગ્ર ચહેરાને વધુ આકર્ષક બનાવે છે. તમારા કલરફુલ ચણિયાચોળી સાથે ઘેરા રાખોડી રંગનું આઈશેડો અને પારદર્શક લિપ ગ્લોઝ એકદમ સુંદર લાગશે. આ સિવાય ચળકતા કાળા રંગના આઈશેડોથી આંખોને સ્મોકી લુક પણ આપી શકાય. આવા આઈશેડો સાથે રાતા રંગની લિપસ્ટિક સરસ દેખાશે. હા, તમે ઘેરા અથવા હળવા, કોઈ પણ શેડનું બ્લશ લગાવી શકો છો. સાથે આઈલાઈનર અને મસ્કરા તો ખરાં જ.
બજારમાં સંખ્યાબંધ શેડના આઈશેડો મળે છે. આમાંથી તમે તમારી ત્વચાના રંગ મુજબ, એટલે કે તમારી ચામડીના રંગ સાથે શોભે એવો શેડ પસંદ કરો. જો તમારી ત્વચા ઘઉંવર્ણી કે શ્યામવર્ણી હોય તો ચળકતું ગુલાબી બ્લશ સુંદર લાગશે. પણ જો તમારી ત્વચા ગોરી હોય તો પરવાળા જેવો લાલ અથવા અંજીરી કલર સરસ દેખાશે. આ બન્ને શેડમાં તમારા ગાલને સેક્સી લુક મળશે. આવા રંગો સાથે કાળી આઈલાઈનર શોભી ઊઠે છે. પણ જો તમને જુદાં તરી આવવું હોય તો ઇલેક્ટ્રીક બ્લુ અથવા ગ્રીન કલરની આઈલાઈનર પણ લગાડી શકાય.
- નમિતા




