ઘરમાં સીતાફળ, લીમડો, લીંબુ જેવા છોડ વાવી પતંગિયા આકર્ષી શકાય

- પ્રદૂષણ અને વધુ પડતા બાંધકામના કારણે શહેરોમાં પતંગિયા ઘટી રહ્યા છે ત્યારે શહેરી બાગોમાં તેમને આકર્ષતા ફૂલના પટ્ટ ઉગાડવા જોઈએ
મુંબઈ ગુજરાતમાં બર્ડ વોચીંગ એટલે કે દૂરબીન લઇને પક્ષી નિરીક્ષણ કરવાની પ્રવૃત્તિ કરનારા ઘણા પક્ષીરસિકો છે જેમની ટૂર પણ યોજાતી હોય છે અને ન્યૂઝલેટર પણ બહાર પડતા હોય છે. પરંતુ હવે પક્ષીનિરીક્ષણ પછી પતંગિયા નિરીક્ષણની પ્રવૃત્તિ અમદાવાદના પ્રકૃતિરસિકો માટે રસનો વિષય બની છે. ઉલ્લેખનીય છે કે પતંગિયા જોવા માટે ઓક્ટોબર મહિનાનો ગાળો વર્ષનો શ્રેષ્ઠ સમય ગણાય છે.
એક સ્થાનિક પ્રકૃતિવિદે પતંગિયા દેખાવાની ચાલુ સીઝનમાં અમદાવાદ ઉપરાંત ડાંગ અને માઉન્ટ આબુના જંગલમાં પતંગિયા નિરીક્ષણ પૂરુ કર્યું છે. તેમણે કોમન ઇવનીંગ બ્રાઉન, બ્લુટાઇગર, સ્ટ્રાઇપ્ડ ટાઇગર, પ્લેનટાઇગર, બ્લુ પેન્સી, કોમન રોઝ,પેલગ્રાસ બ્લુ, યલો ઓરેન્જ જેવી પ્રજાતિઓનું નિરીક્ષણ-દસ્તાવેજીકરણ કર્યું છે. તેઓ કહે છે કે મોટા શહેરોમાં વધુ પડતા બાંધકામને કારણે કુદરતી રીતે ઉગતા ફૂલો વાળા ઝાડી ઝાંખરા, ખેતરના પટ્ટા ખતમ થઇ ગયા છે.
ઉપરાંત પ્રદૂષણને કારણે પતંગિયાનું પ્રમાણ ઓછું થયું હોય તેમ લાગે છે પરંતુ જ્યાં ફૂલો ઉગતા હોય તેવા શહેરના અટીરા અને બીજા કેટલાક બાગ વિસ્તારોમાં સવારના સમયમાં વિવિધ જાતના પતંગિયા જોવા મળી જાય છે. પતંગિયા સૂર્યોદય બાદના એક કલાક પછી ખૂબ સારી રીતે જોઇ શકાય છે. તેમના નિરીક્ષણ માટે આ શ્રેષ્ઠ સમય હોય છે કારણ કે પછી બપોરના સમયે તેઓ એક સ્થાને સ્થિર થઇ જાય છે.
એ બહુ ઓછું જાણીતુ છે કે પતંગિયામાં બટરફલાય અને મોથ એમ બે પ્રકારની ઉપજાતિ છે. પતંગિયા પાંખો ભેગી કરીને બેસે છે અને દિવસના સમયે પ્રવૃત્ત હોય છે જ્યારે મોથ પાંખો ફેલાવીને બેસે છે અને રાત્રિના સમયે પ્રવૃત્ત હોય છે. પ્રકૃતિરસિકોની ટ્રેકીંગ ટૂર જ્યારે જંગલ વિસ્તારમાં જાય છે ત્યારે પતંગિયારસિકોને ખાસ તો મોથને જોવાની મજા પડે છે કારણકે પાંખ ફેલાવીને બેસતું હોવાથી તેને નિરખવાની અને તેનો ફોટોગ્રાફ લેવાની અનૂકૂળતા પડે છે. પ્રકૃતિપ્રેમી અને ત્રણ વર્ષોથી પતંગિયા નિરીક્ષણ કરતા એક પ્રકૃતિપ્રેમી કહે છે કે પાંખ ફેલાવની બેસતું એક પ્રજાતિનું મોથ પતંગિયુ પાંખ પર આંખો દોરેલી હોય તેવી ડિઝાઇન ધરાવે છે અને તેનાથી જાણે તે જોઇ રહ્યું હોય તેમ લાગતા તેને પરેશાન કરવા મથતા જીવો દૂર રહે છે. પતંગિયાના ફોટોગ્રાફ પાડવા માટે આછા રંગના કપડા પહેરીને તેમનો ધીરજથી પીછો કરતા રહેવું પડતું હોય છે.
આ સિવાય પતંગિયાને ઘરઆંગણે બોલાવવા હોય તો છેવટે કુંડામાં પણ ચોક્કસ પ્રકારના ફૂલો ઉગાડવાથી તેમને આકર્ષી શકાય છે. પતંગિયા પીળા, ગુલાબી, જાંબલી રંગના ફૂલોથી આકર્ષાતા હોય છે. સીતાફળ વાવો તો તેના પર ટેઇલ્ડ જય નામનું ઝડપથી ઉડતું પતંગિયુ આવીને બેસે છે. અમલતાસ પર સ્થળાંતર કરતા પતંગિયા આવી બેસે છે, કડીપત્તા કે લીંબુ પર કોમન મોર્મમ કે લાઇમ બટરફલાય પ્રજાતિના પતંગિયા આવી બેસે છે, સૂરજમુખી પર મેરીગોલ્ડ અને કોસ્મોસ પ્રજાતિના પતંગિયા આવી બેસે છે.શહેરના બાગોમાં પણ ક્યાંક પતંગિયા બાગ બનાવી શકાય કે જેમાં પતંગિયા આકર્ષાય તે પ્રકારના છોડ એક સાથે મોટી સંખ્યામાં વાવી શકાય. પતંગિયાનો મોટા ફોટોગ્રાફ, તેમનું જીવનચક્ર જેવી રસપ્રદ વિગતોનું ત્યાં જીવતુ પ્રદર્શન થઇ શકે. હાલ તો પતંગિયા નિરીક્ષણ માટે ડાંગ, આબુ જેવા સ્થળોએ ફૂલોના છોડના વિશાળ પટ્ટોમાં ટ્રેકીંગ, કેમ્પીંગ કરીને પતંગિયા નિરીક્ષણ કરવું પડે છે.









