Sahiyar

બાલ્કની 'નિરાંતની' પળ કે પળોજણ?

By GS Team
5 Oct 20263 mins read
બાલ્કની 'નિરાંતની' પળ કે પળોજણ?
  • તારી અટારીએ ટહુક્યો મોરલીયો….

જુના ઘરોનાં આંગણાનું સ્થાન થોેડા સમયથી 'બાલ્કની' એ લઈ લીધું છે. શહેરોમાં બંધાતા નાનકડાં ઘરોમાં બાલ્કનીનું એક આગવું મહત્ત્વ હોય છે. દરેકને પોતાના ઘરમાં એક બાલ્કનીનું હોેવું એ ખુશનસીબી લાગે છે.
સુંદર ફુલ છોડથી સજાવેલી બાલ્કનીમાં આરામ ખુરશીને અઢેલીને બેસવું અને બે ઘડી આરામની પળો માણવી એવું દરેક શહેરીજનનું સ્વપ્ન હોય છે. ખુલ્લી જગ્યામાં આવતી તાજી હવા દિવસભરનો થાક ભૂલાવી મનને પ્રફુલ્લિત કરે છે.
બાલ્કની એટલે ઘરનો એક એવો હવા-ઊજાસ ધરાવતો ભાગ કે જે ઘરની દરેક વ્યક્તિને ગમતો હોય. ત્યાં બેસીને વાંચવું દરેક વિદ્યાર્થિનીને પ્રિય હોય છે. શુદ્ધ તાજી હવા અને ઘરેલું અવાજથી થોેડી દૂર એવી, વાંચવા માટેનું નાનકડું એકાંત પૂરતી જગ્યા એટલે બાલ્કની. જ્યેષ્ઠ નાગરિક માટે નિરાંત મને ચિંતન-મનન કરવાની જગ્યા એટલે ઘરની બાલ્કની. ગૃહિણી માટે ફૂલ છોડની સંગત એટલે બાલ્કની અને દિવસભરની દોડાદોડીથી થાકેલા પુરૂષને બે ઘડી નિરાંતની ક્ષણ મેળવી આપે તે જગ્યા એટલે ઘરની નાનકડી બાલ્કની.
શહેરી જનજીવનમાં બાલ્કનીવાળું ઘર નસીબદારને જ મળતું હોય છે. જેને ફૂલ-છોડથી સજાવાય છે. અને થોડું રાચરચીલું ગોઠવી આરામદાયક બનાવાય છે. પરંતુ આ બાલ્કની ઘણીવાર પળોજણનું કારણ બની જાય છે. કેટલાંક શહેરીજનોના મતે ઘરે લઈએ અને સજાવીએ ત્યારે શરૂઆતમાં બાલ્કની (છજું/ અટારી) બહુ ગમે પણ જેમ જેમ દિવસો વિતતા જાય તેમ તેમ એની સાફસફાઈ અને જાળવણી કરવી હેરાનગતિવાળું કામ થાય છે. સહુથી વધુ ત્રાસ ખૂલ્લી બાલ્કનીમાં પંખીડાઓનો થાય છે. બાલ્કનીમાં તેમને બેસવાની પર્યાપ્ત જગ્યા મળી રહેતી હોવાથી ચકલી જેવા પંખીઓ સવારમાં કલબલાટ કરી મૂકે છે જ્યારે કબૂતરો આખો દિવસ વણનોતર્યો મહેમાનોની જેમ બાલ્કનીમાં આવીને અડ્ડો જમાવી દે છે સાથોસાથ ગંદકી પણ કરતાં રહે છે.
એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર રસ્તે ચાલતા રાહદારીઓ પર બાલ્કનીમાંથી નંખાતો કચરો કે ધૂળ માનસિક સંતાપ નોતરે છે. એક રાહદારીએ મનનો ઉકળાટ ઠાલવતાં કહ્યું હતું કે જે ગૃહિણીને બાલ્કનીવાળું ઘર મળે છે એ ક્યારેય તેના ઘર નીચેથી ચાલીને જતાં રાહદારીઓનું ધ્યાન નથી રાખતી. ફૂલછોડને પાણી આપતી વખતે સવારના સમયે ઓફીસ કે કામધંધે જતાં માણસો પર કુંડામાંનું માટીવાળું પાણી પડતું હોય છે. ઘરનો વળાયેલો કચરો બાલ્કનીમાંથી નીચે જોયા વગર ફેંકાય છે જે રાહદારીના માથા પર પડતો હોય છે. અરે ઘણીવાર તો બાલ્કનીમાં રહેલી વ્યક્તિ ઉપરથી જોયા વગર થૂંકે છે જે રાહદારી પડે છે. આ ખરાબ કારણોસર શહેરીજનોમાંથી બાલ્કની પ્રત્યે રોષ વ્યક્ત થતો હોય છે.
ખૂલ્લી બાલ્કની સાવચેતી માટે પણ બાધારૂપ બનતી હોય છે. બાળકો બાલ્કનીમાંથી નીચે પટકાવાના કિસ્સા ઘણીવાર બનતા હોય છે. તેમ જ મોટા માણસો પણ ઘણીવાર સંતુલન ગુમાવી બેસતાં બાલ્કનીમાંથી નીચે પટકાઈને જીવ ખોઈ બેસે છે.
ઘણાં રહેવાસીઓ સમય સરતાં બાલ્કનીને પડદા વડે ઢાંકી દેતાં હોય છે. અથવા પાળી ઉપર બારીઓ ફીટ કરાવી દઈ બાલ્કનીનું નાનકડા રૂમમાં રૂપાંતર કરી લેતાં હોય છે જેથી કરીને ઉપરોક્ત તમામ પળોજણમાંથી મુક્તિ મળતી હોય છે. પરંતુ જ્યારે તમે બાલ્કનીને પેક કરી લો છે એ સમયે બાલ્કનીની સંપૂર્ણ વ્યાખ્યાનો (હવા ઉજાસવાળો ઘરનો ભાગ) છેદ ઊડી જતો જણાય છે.