Sabarkantha

હિંમતનગર નજીક બેફામ સ્કોર્પિયોએ અંબાજી જતા 12 પદયાત્રીઓને અડફેટે લીધા, 1નું મોત, અનેકની હાલત ગંભીર

By GS Team
21 Sep 20263 mins read
TukuTouch Logo
સાબરકાંઠાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે સ્કોર્પિયો કારે અંબાજી જતા 12 પદયાત્રીઓને અડફેટે લીધા. આ ગમખ્વાર અકસ્માતમાં 1નું મોત થયું, જ્યારે 11 ઈજાગ્રસ્ત થયા. ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલક ભરત પટેલને માર મારી પોલીસને સોંપ્યો અને કારને સળગાવી દીધી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિંમતનગર નજીક બેફામ સ્કોર્પિયોએ અંબાજી જતા 12 પદયાત્રીઓને અડફેટે લીધા, 1નું મોત, અનેકની હાલત ગંભીર

Sabarkantha Road Accident: સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા દોલગઢ પાટિયા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ફોરલેન હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્કોર્પિયો કારે ભાદરવી પૂનમ માટે અંબાજી દર્શન કરવા જતાં 12 પદયાત્રીઓને અડફેટે લેતાં સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ છે. ઈજાગ્રસ્ત પદયાત્રીમાંથી 1નું મોત થયું છે તો 11 ઈજાગ્રસ્તમાંથી ઘણા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

પ્રાથમિક વિગતો મુજબ, મૃતકની ઓળખ નાના ચેખલા ગામના રહેવાસી મોહનભાઈ રમણભાઈ વાઘેલા તરીકે થઈ છે. ઈજાગ્રસ્તોમાંથી ત્રણ લોકોને હિંમતનગરની પ્લૂટો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય આઠ લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માત સર્જનાર કારને સળગાવી દેવાઈ

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ભરત પટેલે વાહન લઈને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘટનાથી ઉશ્કેરાયેલા પદયાત્રીઓ અને સ્થાનિક લોકોના ટોળાએ કારને ઝડપીને રોકી લીધી હતી. પદયાત્રીઓને કચડીને ભાગવાનો પ્રયાસ કરનાર ચાલકના કૃત્યથી રોષે ભરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર કારની તોડફોડ કરી સ્થળ પર જ આગ ચાંપી દીધી હતી, જેથી કાર ભડભડ સળગીને ખાખ થઈ ગઈ હતી.

image.png

ડ્રાઈવર ભરત પટેલને લોકોએ માર મારી પોલીસને સોંપ્યો

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, વિફરેલા ટોળાંએ ડ્રાઈવર ભરત પટેલને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો, રોષે ભરાયેલા લોકોને શાંત પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જીઆરડી જવાનો પર કાર નાખી, આગળ જતાં પદયાત્રીઓને અડફેટે લીધા

પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી મુજબ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનની હદની અંદર ઢોળાસર ગામ પાસે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, જીઆરડી જવાનોએ કારને આગળ જતી રોકી હતી, પરંતુ સ્કોર્પિયોના ડ્રાઈવરે જીઆરડી જવાનો પર કાર નાખી પુરપાટ ઝડપે દોડાવી હતી. જે બાદ લગભગ અઢી કિલોમીટરના અંતરે અલગ અલગ પદયાત્રીઓને અડફેટે લીધા હતા.

image.png

હાઇવે પર પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું અમલમાં હોવા છતાં, બેફામ અને આડેધડ દોડતા વાહનોના કારણે પદયાત્રીઓ સતત પરેશાની અને ભયના ઓથાર હેઠળ ચાલવા મજબૂર બન્યા છે. નિયમો હોવા છતાં વાહનચાલકોની બેદરકારીના કારણે વારંવાર આવા અકસ્માતો સર્જાતા હોવાથી સ્થાનિકો અને પદયાત્રીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

image.png

ઈજાગ્રસ્તોના નામ

  1. દિલીપકુમાર સજ્જનસિંહ પટેલ, રહે. પંચમહાલ રોડરા
  2. મહેશભાઈ મગનભાઈ પટેલ, રહે. નાના ચેખલા
  3. કાર્તિકકુમાર રતિલાલભાઈ સોલંકી, રહે. ઉકેડીના મુવાડા, કપડવંજ
  4. મોહનભાઈ રમણભાઈ વાઘેલા, રહે. નાના ચેખલા (મૃત જાહેર કરવામાં આવ્યા)
  5. ચેતનાબેન મોહનભાઈ વાઘરી, રહે. નાના ચેખલા
  6. સુનિલભાઈ નગીનભાઈ બારીયા, રહે. કણાજી પાણી, તાલુકો ઝાંબુઘોડા
  7. વકતુભાઈ ગલબાભાઈ વાઘરી, રહે. નાના ચેખલા
  8. મુકેશકુમાર નટવરભાઈ પટેલ, રહે. ધાણોતરા, તાલુકો ગોધરા
  9. રમેશભાઈ ચંદ્રસિંહ પરમાર, રહે. ધાણોતરા, તાલુકો ગોધરા
  10. આશાબેન મહેશભાઈ પટેલ, રહે. નાના ચેખલા
  11. રણજીતભાઈ રમેશભાઈ વાઘેલા, રહે. નાના ચેખલા
  12. વિજયભાઈ ધીરુભાઈ પટેલ, રહે. ધાણોતરા, તાલુકો ગોધરા

જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

કારને આગ ચાંપવામાં આવ્યા બાદ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ બોલાવવી પડી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં સાબરકાંઠા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જેમાં ડીએસપી, ગ્રામીણ પોલીસ કર્મચારીઓ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો. આ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે પણ સ્થળ પર પહોંચી બનાવ અંગે તપાસ શરૂ છે. બીજી તરફ, એ ડિવિઝન પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી જ્યાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓએ પણ હોસ્પિટલની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.