Gujarat

પોલેન્ડની સાથે રોમાનિયા બોર્ડરે સ્થિતિ તંગ ફસાયેલા છાત્રોના વાલીઓના જીવ અધ્ધર

By GS Team
1 Mar 20222 mins read
This article was originally published on 1 Mar 2022
પોલેન્ડની સાથે રોમાનિયા બોર્ડરે સ્થિતિ તંગ ફસાયેલા છાત્રોના વાલીઓના જીવ અધ્ધર

હિંમતનગર, તા.28

યુક્રેન-રશિયાના યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓની સ્વદેશ વાપસી થઈ રહી છે પરંતુ હજુ પણ હજારોની સંખ્યામાં ભારતીય છાત્રો પોલેન્ડ અને રોમાનિયાની બોર્ડર ઉપર ફસાયા છે. પોલેન્ડની સાથે હવે રોમાનિયા બોર્ડર ઉપર અંધાધૂંધીનો માહોલ ઉભો થયો છે.

પ૦૦૦થી પણ વધુ ભારતીયોના જમાવડાથી ધક્કામૂક્કીની સ્થિતિ સર્જાયા પછી પોલીસ દ્વારા છાત્રો ઉપર લાઠીચાર્જ તેમજ હવામાં ફાયરીંગની ઘટનાથી સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના ફસાયેલા છાત્રોના વાલીઓના જીવ ઉચાટમાં આવી ગયા છે. પોલેન્ડ અને રોમાનિયાની બોર્ડરે ભારતીય છાત્રોના પ્રવેશવા ઉપર નાઈજીરીયન અને આફ્રીકન વિદ્યાર્થીઓએ વિરોધ કરતાં સ્થિતિ તંગ બન્યાના અહેવાલ છે.

યુક્રેન પર રશિયાના હુમલાથી યુક્રેનમાં સ્થિતિ દિવસે દિવસે ભયાનક બની રહી છે. ભારતીય નાગરિકોને પરત લાવવાનું અભિયાન સરકાર દ્વારા તેજ બનાવાયું છે છતાં છેલ્લા ૪ દિવસથી યુક્રેનની બોર્ડર ઉપર ફસાયેલા સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓના છાત્રોને પોલેન્ડ તેમજ રોમાનિયાની સરહદમાં પ્રવેશ મળ્યો ન હોવાથી પરિવારજનો ઘેરી ચિંતામાં સરી પડયા છે. સરકાર દ્વારા સબસલામતના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ માઈનસ ૧૧ ડિગ્રી ઠંડીમાં ઉપર આભ ને નીચે ધરતીની સ્થિતિમાં વિદ્યાર્થીઓની ધીરજ પણ હવે ખૂટવા લાગી છે જેમાં થોડાક સમય માટે બોર્ડરના દ્વાર ખોલવામાં આવે તો હજારોની ભીડ રીતસરની દોટ લગાવતી હોવાથી વિદેશની ધરતી ઉપર ભાગમભાગના દ્રશ્યો સર્જાતા હોય છે જેથી હવે પોલીસ દ્વારા વધુ કડકાઈ દાખવવામાં આવી છે. પોલેન્ડ તેમજ રોમાનિયા સરહદે સ્થાનિક પોલીસની યુદ્ધના સમયે પણ બર્બતા સામે આવી હોય તેમ લાઠીચાર્જ તેમજ છાત્રોને ડરાવવા માટે હવામાં ફાયરીંગ કરવામાં આવતાં સ્થિતિ વધુ સ્ફોટક બનવા જઈ રહી છે. ફસાયેલા છાત્રોના મોબાઈલ ચાર્જ કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે હવે એક પછી એક છાત્રો પોતાના પરિવારથી સંપર્ક ગુમાવી રહ્યા હોવાના કારણે વાલીઓની ભૂખ અને ઉંઘ હરામ થઈ છે.

નાનાચેખલાના છાત્રનો સંપર્ક તૂટયો

રશિયા-યુક્રેનના ભયાનક યુદ્ધની પરિસ્થિતિમાં માઈનસ ૧૧ ડિગ્રી ઠંડીમાં છાત્રોની હાલત કફોડી બની છે. સરહદ ઉપર ધક્કામૂક્કી અને અંધાધૂંધીનો માહોલ ઉભો થયા પછી અનેક છાત્રોએ ફોનની બેટરી ડિસ્ચાર્જ થતાં સંપર્ક ગુમાવ્યો જેમાં તલોદ તાલુકાના નાનાચેખલાના બોર્ડર ઉપર ફસાયેલા ભાવિન પટેલનો પણ ફોન બંધ થઈ જતાં ર દિવસથી પરિવાર સાથે સંપર્ક તૂટયો છે.

બોર્ડર નજીક જ્યાં જગ્યા મળી ત્યાં છાત્રોના ધામા

પોલેન્ડ-રોમાનિયા સરહદે સ્વદેશ પરત આવવા માટે ભારતીય નાગરિકોની સાથે ખાસ કરીને મેડીકલ અભ્યાસ માટે સ્થાયી થયેલા હજારોની સંખ્યામાં છાત્રોએ બંન્ને દેશની બોર્ડર ઉપર ધામા નાખ્યા છે. વાહનોની લાંબી કતારો વચ્ચે જ્યાં પણ જગ્યા મળી ત્યાં છાત્રો બોર્ડર ખૂલવાની રાહ જોઈને બેઠા છે.