VIDEO| ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમે ભક્તિનો મહાકુંભ: 10 લાખથી વધુ ભક્તોએ મા અંબિકાના દર્શન કર્યા, 5,550થી વધુ ધજા ચઢાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Khedbrahma Ambika Temple Bhadarvi Poonam Mela: ભાદરવી પૂનમના પાવન પર્વે સાબરકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે મા અંબિકાના ધામમાં ભક્તિમય અને ઉલ્લાસસભર માહોલ જોવા મળ્યો હતો. મા જગદંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે રાજ્યભરમાંથી લાખો માઈભક્તો, પદયાત્રીઓ અને સંઘો ઉમટી પડ્યા હતા. ભાદરવા એકમથી પૂનમ સુધીના 15 દિવસ દરમિયાન અંદાજે 10.25 લાખથી વધુ ભક્તોએ મા અંબિકાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
અડધી સદીથી આવતા પદયાત્રીઓ અને સંઘોનું આકર્ષણ
ખેડબ્રહ્મા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દૂર-દૂરથી પદયાત્રા કરીને ભક્તો માતાજીના ધામમાં પહોંચ્યા હતા. અમદાવાદના ગોતા વિસ્તારમાંથી આવતા ફાલ્ગુની પટેલ છેલ્લા 45 વર્ષથી પરિવાર સાથે દર્શનાર્થે આવે છે અને એકમથી પૂનમ સુધી ભક્તો માટે ભોજન, ચા-નાસ્તાના ભંડારાનું આયોજન કરે છે. તેવી જ રીતે વિસનગરના દિનેશ પટેલ છેલ્લા 51 વર્ષથી સતત સંઘ લઈને આવે છે, ધ્વજારોહણ કરે છે અને આગામી આસો સુદ નવરાત્રિમાં માતાજીને પોતાના ઘરે પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવે છે.

10.25 લાખ દર્શનાર્થીઓ, 5,550 ધજા ચઢાવાઈ
અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, આ વખતે ભાદરવી મેળા દરમિયાન અત્યાર સુધી આશરે 10 લાખ 25 હજારથી વધુ માઇ ભક્તોએ માતાના દર્શન કર્યા છે. 525થી વધુ વિવિધ પદયાત્રી સંઘો માતાના દરબારમાં પહોંચ્યા હતા. જ્યારે અત્યાર સુધી કુલ 5,550થી વધુ ધ્વજારોહણ કરાયું છે. તો અગિયારસથી પૂનમ સુધી પદયાત્રીઓ માટે માત્ર ₹20ના ટોકન દરે પૌષ્ટિક ભોજનની સુવિધા આપવામાં આવી હતી.
પોલીસતંત્ર પણ ભક્તિમાં લીન: ડીજેના તાલે ગરબે રમી ધ્વજારોહણ કર્યું
સાબરકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પ્રજાની સુરક્ષા, શાંતિ અને સુખાકારી માટે વિશેષ પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા, LCB, SOG સહિતના વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાથમાં ધ્વજ લઈ, ડીજેના તાલે અબીલ-ગુલાલની છાંટણા સાથે ગરબે ઘૂમ્યા હતા. ત્યારબાદ પોલીસ કાફલાએ મા અંબિકાના શિખર પર ભાવપૂર્વક ધ્વજારોહણ કરી આશીર્વાદ મેળવ્યા હતા.
120 CCTV અને ખાનગી સિક્યોરિટીથી ચુસ્ત બંદોબસ્ત
ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા અભેદ સુરક્ષા અને સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. યાત્રિકો માટે સ્નાન, શૌચાલય અને રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરાઈ હતી. સમગ્ર મંદિર પરિસર અને મેળા વિસ્તાર પર 120 જેટલા CCTV કેમેરાથી તીક્ષ્ણ નજર રાખવામાં આવી હતી. પોલીસ બંદોબસ્તની સાથે ખાનગી સિક્યોરિટી ગાર્ડ્સ પણ તૈનાત રહ્યા હતા.




