ઈડરની હસનપુરા શાળામાં મધ્યાહન ભોજનમાંથી મૃત ગરોળી મળી, 37 બાળકોની તબિયત લથડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Idar School Children Food Poisoning: ઈડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાં સોમવારે (10મી ઓગસ્ટ) મધ્યાહન ભોજનમાં મગ ચાટનું ભોજન કર્યા બાદ 37 બાળકોની તબિયત લથડતા તમામ અસરગ્રસ્ત બાળકોને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાળકોએ આરોગેલ ભોજનમાંથી મૃત ગરોળી મળી આવ્યાનું સામે આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યો હતો
મળતી માહિતી અનુસાર, હસનપુરા પ્રાથમિક શાળામાં સોમવારના રોજ બાળકોને મધ્યાહન ભોજન પીરસાયું હતું. જેમાં મગ ચાટની વાનગી પીરસવામાં આવી હતી. આ ભોજનમાં મગ ચાટની ડોલમાં છેલ્લે મૃત ગરોળી જોવા મળતા મધ્યાહન ભોજનના સ્ટાફ સહિત શાળાના શિક્ષકોના હોશ ઊડી ગયા હતા. ઉપસ્થિત પૈકી કોઈકે ચાલાકી દાખવી ગરોળીનો બારોબાર નિકાલ કરવા પ્રયાસ કર્યો હતો. મૃત ગરોળીને શાળા બહાર ફેંકી દીધી હતી. જોકે આ ગરોળીને મગની ડોલમાં નજરોનજર જોનાર કેટલાક બાળકોએ પીછો કરી ગરોળી સાથેનો કાગળ પરત લાવી વાલીઓને બોલાવ્યા હતા. અને વાલીઓએ આવી સમગ્ર બાબતની વીડિયો ગ્રાફી કરી હતી.
બાદમાં શાળાના 1થી 8 ધોરણના 166 પૈકી 37 બાળકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. અને ઉલટી ઉબકા તેમજ પેટમાં દુ:ખાવાની ફરિયાદો ઉપસ્થિત થઈ હતી. જેને કારણે તમામ અસરગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં તાબડતોડ ઈડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલમાં હાજર તબીબ સહિત ખાનગી હોસ્પિટલના તબીબે મળી તમામ બાળકોની સારવાર હાથ ધરી હતી. દરમિયાના આ ઘટનાની જાણ થતાં જ નાયબ કલેક્ટર રોનક પટેલ, મામલતદાર પૂજા જોશી અને તાલુકા આરોગ્ય અધિકારી ધ્રુવ પટેલ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
નાયબ કલેક્ટરે બાળકોની સારવાર બાબતે માહિતી મેળવી બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. સાથોસાથ સિવિલમાં ઉપસ્થિત બાળકોના વાલીઓ સાથે મીટીંગ કરી તમામ બાળકો ભયમુક્ત હોવાનું અને યોગ્ય સારવારની ખાતરી આપી હતી. આ ઘટના બાબતે ફૂડ અને ડ્રગ્સ વિભાગે પણ સેમ્પલ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભોજન ચાખવાની જવાબદારી હોય છે
શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને રોજેરોજ અવનવી વાનગી પીરસવામાં આવે છે. મધ્યાહન ભોજનના કર્મચારી દ્વારા તૈયાર કરવામાં આવતું આ ભોજન ચાખવાની અને યોગ્યતા ચકાસવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય કે શિક્ષકની હોય છે. ત્યારે હસનપુરા પ્રાથમિક શાળામાં બનાવાયેલ આ મગ ચાટ કોઈએ ચાખી હતી કે સીધુ બાળકોને પીરસી દેવાયું જેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. આ બાબતે યોગ્ય તપાસ બાદ જો કોઈ બેદરકારી દાખવાઈ હોવાનું સામે આવે તો આકરી કાર્યવાહી કરવાની માંગ ઊભી થઈ છે.
જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે
આ ઘટના બાદ પ્રાંત અધિકારી રોનક પટેલને મામલતદાર સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. અધિકારીએ અસરગ્રસ્ત બાળકો બાબતે તબીબ પાસેથી વિગતો મેળવી તમામને યોગ્ય અને જરૂરી સારવાર મળી રહે તે માટે તાકીદ કરી હતી. સાથે જ આ ગંભીર ઘટના માટે જવાબદારી ફિક્સ કરી જે કોઈ પણ જવાબદાર હશે તેની સામે આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
સિવિલમાં વાલીઓના ટોળા ઉમટ્યાં
ફૂડ પોઈઝનિંગની આ ઘટના સામે આવ્યા બાદ અસરગ્રસ્ત 37 બાળકોને ઈડર સિવિલમાં લવાયા હતા. આ બાબતની બાળકોના વાલીઓને જાણ થતાં માતા-પિતા સહિત સગા સંબંધી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ચિંતાતુર વાલીઓને તબીબો અને અધિકારીઓએ તમામ બાળકો ભયમુક્ત હોવાની ખાતરી આપતાં રાહત અનુભવી હતી.
ગરોળીનો નિકાલ કરવા પ્રયાસ કરાયો
મધ્યાહન ભોજનમાં બનાવાયેલ મગ ચાટની ડોલમાંથી ગરોળી નીકળી હતી. ઘણાં બાળકોને પીરસી દીધા બાદ ગરોળી હોવાનું જાણવા મળતાં મધ્યાહન ભોજનના સ્ટાફ અને શિક્ષકના હોશકોશ ઊડી ગયા હતા. કોઈએ સમગ્ર બાબતને છુપાવવા ગરોળી કાગળમાં વીંટી નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. જોકે કેટલાક બાળકોની સતર્કતાથી બેદરકારીની આ સમગ્ર ઘટના સામે આવી ગઈ હતી.









