અર્જુનના મત્સ્યવેધ અને દ્રૌપદીના સ્વયંવરનું સાક્ષી રહ્યું છે આ ‘ત્રિનેત્રેશ્વર મહાદેવ’નું શિવાલય; ઋષિપંચમીએ કુંડમાં ગંગાજી પ્રગટતા હોવાની માન્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trinetreshwar Mahadev: મહાભારતકાળમાં અનેક શિવાલયોની સ્થાપના કરવામાં આવી હતી. જેમાંથી અમુક શિવાલયો ગુજરાતમાં આજે પણ હયાત છે. તો આજે વાત કરવી છે આવા જ એક શિવાલયની જે મહાભારતકાળનું છે અને દ્રૌપદીના સ્વયંવરનું સાક્ષી રહ્યું છે. આ શિવાલય એટલે સુરેન્દ્રનગરના તરણેતરમાં આવેલું ત્રિનેત્રેશ્વર મહાદેવ. આવો જાણીએ તેની સાથે જોડાયેલી રોચક કથા…
શું છે પૌરાણિક કથા?
ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર બે મંદિર આવેલા છે. તેમાંથી પહેલું મંદિર તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર અને બીજું હિમાલયના બદ્રીકાશ્રમ પાસે આવેલું ત્રિનેત્રતીર્થ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ વિશે લોકવાયકા છે કે, અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેમણે તેમના ગુરુ વશિષ્ઠની સૂચનાથી યજ્ઞ કર્યો હતો. તેમના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. તેનું નામ મંધાતા હતું અને આ તરણેતરનું મંદીર મંધાતાએ બંધાવ્યું હતું. આ ઉપરાંત શિવાલય સાથે મહાભારતની એક કથા પણ જોડાયેલી છે.

દ્રૌપદીનો સ્વયંવર અહીં રચાયો હતો
મહાભારતકાળમાં ગુજરાતનો હાલનો સુરેન્દ્રનગરનો વિસ્તાર પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાતો હોય છે. જેમાં કાંપિલ્ય નામનું એક નગર હોય છે અને તેનો રાજા દ્રુપદ હતો. મહાભારતની કથા અનુસાર, દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવ્યો હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવ્યા હતા અને આ સ્થળમાં જે કુંડ આવેલો છે, તેમાં જ અર્જુને મત્સવેધ કર્યો હતો. આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રસંગ આ મંદિર સાથે જોડાયેલો છે.

શિવાલય 10મી સદીનું હોવાની માન્યતા
ઐતિહાસિક રીતે જોઈએ તો, તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શક્યતા છે. મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો દસમી સદીનું હોવાનું કહે છે. કારણ કે, પ્રતિહાર રાજાઓ શિવાલય બંધાવવાના શોખીન હતા. તેથી તેમણે આ મંદીરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય તેવી માન્યતા છે. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાના પ્રમાણ ઇતિહાસમાં મળે છે.

હાલનું મંદિર લખતરના રાજવી કરણસિંહજીએ બંધાવ્યું
હાલના મંદિરનો જીણોદ્ધાર લખતરના રાજવી કરણસિંહજીએ ઇસ. 1902ના વર્ષના ઓગસ્ટ મહિનામાં કરાવ્યો હતો. તરણેતર અને થાન પંથકતે વખતે લખતર રાજની હકુમત નીચે હતા. તેમની પુત્રી કરણબાના સ્મરણાર્થે 50 હજારના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું. નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય. મંદિરનો ઘાટ જૂનો છે. તેના ઉપર નવું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરથી થોડું દૂર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે 100 વીઘા જેવી ખેતીની જમીન છે જે લખતર રાજ્ય દ્વારા આપવામાં આવી હતી.
મંદિરના ગર્ભગૃહમાં બે શિવલિંગ
તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે. જાણકારોના કહેવા મુજબ, મોટું શિવલિંગ પ્રાચીન છે. તેની બાજુમાં આવેલા નાના શિવલિંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ જીણોદ્ધાર કર્યો ત્યારે કરવામાં આવી હતી. મંદિરના ઘુમ્મટની ચારેય દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે. છતમાં એક અદ્ભુત શિલ્પ છે. તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકારમાં ગોઠવાયેલાં છે. કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધાડના મસ્તક દેખાય. શિલ્પના લાલિત્ય અને અંગભંગિમા મોહક તથા મનોહર છે.

મંદિરની ત્રણેય બાજુ ત્રિદેવના નામનાં કુંડ
મંદીરની ત્રણ બાજુ કુંડ આવેલા છે. તેને વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવોના નામ આપવામાં આવ્યા છે. મંદિરની ચારેતરફ ઉંચો ગઢ છે. એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિરોના અવશેષોને આ ગઢમાં લેવામાં આવ્યા છે. એક એકર જમીન પર ઉભેલું મંદિર પ્રમાણમાં નાનું છે, પણ તેની કોતરણી અનુપમ છે. ચારેબાજુ ઉંચો ગઢ અને વચ્ચે મંદિર જમીન નીચે ઉતાર્યું છે, તેથી સૂકી હવા અને પવનની થપાટો સામે સુરક્ષિત રહી શકે. મંદિરની બાજુમાં ગૌમુખી બારી પણ છે. શિખર પર ત્રણ દિશામાં તરાપ મારીને નીચે ઉતરતા સિંહોના શિલ્પમાં જાણે કે, શિલ્પીઓએ જીવ રેડી દીધો હોય તેવું અદ્ભુત છે. આમ રાજપૂતોની કીર્તિ અને ધર્મરક્ષકના દાયિત્વને ચરિતાર્થ કરતું આ મંદિર ખરેખર જોવાલાયક છે.
બીજી વાત એ છે કે, અહીં ભાદરવા સુદ પાંચમે તરણેતરનો મેળો યોજાય છે, જે વિશ્વકક્ષાએ પ્રસિદ્ધ છે. જેમાં આસપાસના વિસ્તારમાંથી માનવ મહેરામણ ઉમટી પડે છે. ઋષિપંચમીએ અહીં કુંડમાં સ્વયં ગંગાજી પ્રગટતા હોવાની પણ માન્યતા છે. એવું કહેવાય છે કે, તે દિવસે કુંડનું પાણી સપાટી ઉપર આવે છે. અહીં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે.









