Dharm

મસા મટાડવા લોકો આ મહાદેવની માનતા રાખે છે! 500 વર્ષ જૂનું ‘મસિયા મહાદેવ’નું શિવાલય

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડ નજીક બોરિયાવી ગામે 500 વર્ષ જૂનું સ્વયંભૂ 'મસિયા મહાદેવ' શિવાલય આવેલું છે. લોકવાયકા મુજબ, એક મહંતને સપનામાં દર્શન થતાં ખોદકામ કરતાં શિવલિંગ પ્રગટ થયું હતું. અહીં મીઠું, મરી, ગોળનો પ્રસાદ ચડે છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો મસા મટાડવા બાધા રાખે છે અને શ્રાવણ અમાસે ભવ્ય શોભાયાત્રા નીકળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મસા મટાડવા લોકો આ મહાદેવની માનતા રાખે છે! 500 વર્ષ જૂનું ‘મસિયા મહાદેવ’નું શિવાલય

Masiya Mahadev: મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડથી ત્રણ કિમીના અંતરે આવેલા બોરિયાવી ગામે બિરાજમાન છે ‘મસિયા મહાદેવ’. મહાદેવ અહીં સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે પ્રગટ્યા હોવાની લોકવાયકા છે. આ ઉપરાંત શિવાલય 500 વર્ષ જૂનું હોવાની પણ માન્યતા છે. મંદિરમાં મીઠું, મરી, ગોળનો પ્રસાદ ચડાવવામાં આવે છે. શ્રાવણ મહિનામાં મંદિરમાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે. મહાદેવની બાધા રાખવાથી મસા મટતા હોવાની આસ્થા છે. આવો જાણીએ આ શિવાલયનો રોચક ઇતિહાસ…

Masiya Mahadev.jpg

શું છે પૌરાણિક કથા?

લોકવાયકા પ્રમાણે, ઘણાં વર્ષો પહેલાં ગામની પશ્ચિમે 6 કિલોમીટર દૂર આવેલા ખારા ગામની ટેકરીના મહંતની ઘોડીને મસો થયો હતો. કંઈ કેટલાય ઉપચાર કર્યા, પરંતુ મસો મટતો નહોતો, તેથી મહંત ચિંતિત રહેતા હતા. આ દરમિયાન એક દિવસ રાતે મહંતને સપનું આવ્યું કે, બોરિયાવી ગામની ઉત્તર બાજુએ વાયવ્ય ખૂણામાં એક આંબલીનું વૃક્ષ આવેલું છે. તેની નીચે કંથેરનું ઝાડું અને ઉકરડો છે. તે જગ્યા સાફ કરાવી મીઠાની ગુણ ચડાવજો. તેનાથી ઘોડીને મસો મટી જશે. મહંતે દૃઢ વિશ્વાસ અને આસ્થા સાથે સ્વપ્ન પ્રમાણે કર્યું.

Masiya Mahadev (1).jpg

મસા મટાડવા રાખે છે મહાદેવની માનતા

તે દરમિયાન ઝાડું ખોદતી વખતે મહંતને કોદાળી વાગતાં લોહીની ધારા નીકળી હતી અને સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારબાદ તેની પ્રાણપ્રતિષ્ઠા કરી લોકો ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવા લાગ્યા હતા. ત્યાંથી આ મહાદેવની ખ્યાતિ ગામેગામ વધતી ગઈ હતી. ત્યારબાદ લોકો મસા માટેની બાધા-માનતા રાખતા હતા અને લોકોની માનતા પૂરી થવા લાગી હતી.

Masiya Mahadev (2).jpg

શ્રાવણની અમાસે ભરાય છે મોટો લોકમેળો

શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે. દર સોમવારે અહીં મેળો ભરાય છે તેમજ શ્રાવણ અમાસે અહીં ગામમાં મસિયા મહાદેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં હજારો ભાવિકભક્તો આજુબાજુના ગામોમાંથી ઊમટી પડે છે. આ ભવ્ય શોભાયાત્રા આખા ગામમાં ફરે છે. ગામનાં સેવાભાવી લોકો દ્વારા લીંબુ શરબતના કેમ્પ કરી સેવા કરતા હોય છે. મહાદેવની ટેક રાખી ગામના વતનીએ મોટું શિવાલય બનાવડાવ્યું છે, તેમજ આ મંદિર સંકુલમાં સત્સંગ હોલ, કોમ્યુનિટી હોલ, ધર્મશાળા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.