Dharm

ઇન્દ્રએ તપશ્ચર્યા કરી તો નરસિંહ મહેતાએ પણ અહીં શિવજીને રિઝવ્યા, જાણો ‘ઇન્દ્રેશ્વર મહાદેવ’નો ઇતિહાસ

By GS Team
11 Sep 20263 mins read
TukuTouch Logo
જૂનાગઢના જંગલમાં આવેલા પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં ઇન્દ્રદેવે શિવલિંગ સ્થાપી, બાણગંગા પ્રગટાવી કોઢ મટાડ્યો હતો. અહીં નરસિંહ મહેતાએ 6 મહિના શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કર્યા હતા. પરિસરમાં ગૌરીશંકર વૃક્ષ અને અન્નપૂર્ણા-ગાયત્રી મંદિર પણ છે. નવાબ રસૂલખાને ગૌશાળા બનાવી રસ્તો બનાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્દ્રએ તપશ્ચર્યા કરી તો નરસિંહ મહેતાએ પણ અહીં શિવજીને રિઝવ્યા, જાણો ‘ઇન્દ્રેશ્વર મહાદેવ’નો ઇતિહાસ

Indreshwar Mahadev: જૂનાગઢના જંગલમાં ઘણા શિવાલય આવેલા છે. તેમાંથી ઘણા પ્રચલિત શિવાલયોમાંનું એક શિવાલય એટલે ‘ઇન્દ્રેશ્વર મહાદેવ’નું શિવાલય. જૂનાગઢના જંગલમધ્યે બિરાજમાન છે પુરાણપ્રસિદ્ધ શિવાલય. એવી માન્યતા છે કે, નરસિંહ મહેતાએ અહીં મહાદેવને રિઝવ્યા હતા અને 6 મહિના સુધી શ્રીકૃષ્ણની રાસલીલા જોઈ હતી. આવો જાણીએ ઇન્દ્રેશ્વર મહાદેવની રોચક ગાથા…

Indreshwar Mahadev.jpg

શું છે પૌરાણિક કથા?

એક દંતકથા પ્રમાણે, સતયુગમાં જ્યારે ઇન્દ્રદેવને ગૌતમ ઋષિએ તેમના પત્ની દેવી અહલ્યા પર કપટ કરવાના પરિણામે ક્ષણભંગ(કોઢ) થવાનો શ્રાપ આપેલો. તેના નિરાકરણ માટે નારદમુનિની પ્રેરણાથી ઇન્દ્રદેવે આ અતિપૌરાણિક જગ્યા, જે જોગણિયા ડુંગર (ગિરનાર પર્વતમાળાનો એક પર્વત) પાસે આવેલી છે, ત્યાં શિવલિંગની સ્થાપના કરી હતી અને મહાદેવની આરાધના કરી હતી.

Indreshwar Mahadev (2).jpg

ઈન્દ્રેશ્વર મહાદેવના શિવાલયની સામે બાણગંગા કુંડ આવેલો છે. એવું કહેવાય છે કે, મહાદેવની સ્થાપના પછી ઇન્દ્રદેવે અહીં હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી. ત્યારપછી તેમણે મેળવેલી તપસિદ્ધિ અને નારદજીની પ્રેરણાથી તેમણે અહીં મંદિરથી દસ ડગલાં દૂર જમીનમાં બાણ મારીને ગંગા પ્રગટ કરી હતી. તેથી તે ‘બાણગંગા’ તરીકે ઓળખાય છે. ત્યારબાદ તેના ચમત્કારિક પાણીમાં સ્નાન કરતાં તેમના શરીરે થયેલો કોઢ દૂર થયો હતો અને તેઓ દેવલોક પરત ગયા હતા. આ રીતે ઇન્દ્રએ સ્થાપના કરી હોવાથી આ મહાદેવ ‘ઇન્દ્રેશ્વર મહાદેવ’ તરીકે જાણીતા થયા હતા. એવી માન્યતા છે કે, આજે પણ કોઈ કોઢગ્રસ્ત વ્યક્તિ બાણગંગાના જળથી સ્નાન કરે છે, તો તેના શરીરમાં થયેલો કોઢ દૂર થાય છે. દુષ્કાળ સમયે પણ આ કુંડમાંથી ક્યારેય પાણી ખુટ્યું નથી.

Indreshwar Mahadev (1).jpg

નરસિંહ મહેતા પર મહાદેવ પ્રસન્ન થયા હતા

એક લોકવાયકા એવી પણ છે કે, આદિ કવિ નરસિંહ મહેતા અહીં જંગલમાં ગાયો ચરાવવા આવતા હતા. ત્યારે આ સ્થળે બત્રીસ ગુણી ગાયના આંચળમાંથી દૂધની ધારાવાળી થતાં તેઓ ભાવવિભોર થઈ લિંગને બાથ ભરીને બેસી ગયા હતા. સતત સાત દિવસ સુધી તેમણે તપશ્ચર્યા કરી અને મહાદેવે આકાશવાણી સ્વરૂપે કહ્યું કે, ‘નરસિંહ તું આ લિંગ છોડી દે, હું તારા પર પ્રસન્ન છું.’ ત્યારે નરસિંહ મહેતાએ પોતાના નાગર કુળમાં કોઈ દુઃખી ન રહે અને ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરવા માટે વરદાન માગ્યું હતું. ત્યારપછી શિવજીએ તેને છ મહિના સુધી કૃષ્ણ ભગવાનની રાસલીલાના દર્શન કરાવ્યા હતા.

પરિસરમાં આવેલું છે અતિદુર્લભ ગણાતું ગૌરીશંકર વૃક્ષ

ઈન્દ્રેશ્વર મહાદેવની આ પાવન ભૂમિમાં નરસિંહ મહેતાએ એક વડલાના વૃક્ષનું વાવેતર કર્યું હતું, જે આજે પણ હયાત છે અને અહીં આવતા ભાવિકોને છાંયડો આપે છે. આ ઉપરાંત અહીં અતિદુર્લભ કહેવાતું ગૌરીશંકરનું વૃક્ષ પણ છે. જેના ફુલમાં શંકર ભગવાનનું લિંગ, થાળું અને શેષનાગ જોવા મળે છે.

પરિસરમાં મા અન્નપૂર્ણા અને મા ગાયત્રીના દર્શન

ઈન્દ્રેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આવેલા મા અન્નપૂર્ણાજીની ગુફા દર્શનીય સ્થાન છે. એક માન્યતા મુજબ, મા અન્નપૂર્ણાની સ્થાપના પણ ઇન્દ્રદેવ દ્વારા સતયુગમાં જ કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં વર્ષ 1979માં બાંધવામાં આવેલાં ઐતિહાસિક ગાયત્રી મંદિરના દર્શન કરીને ભક્તો ધન્યતા પ્રાપ્ત કરે છે.

અહીં નવાબ રસૂલખાનજીએ ગૌશાળા બનાવી હતી

આ જગ્યામાં રજવાડા સમયે નવાબ રસૂલખાનજીએ ગૌશાળા બંધાવી આપી હતી અને મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. અહીંના મહંત ત્રિગુણાનંદજીની પ્રેરણાથી જૂનાગઢથી રાજકોટ તરફ જતાં રોડ સુધીનો રસ્તો નવાબ દ્વારા બનાવી આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ નવાબે આ જગ્યા મહંત ત્રિગુણાનંદજીને તામ્રપત્ર ઉપર લખી આપી હતી.