Explainer: કળિયુગનો અંત અને સતયુગનો પ્રારંભ, જાણો ક્યાં અને કેવા સ્વરૂપે પ્રગટ થશે ભગવાન કલ્કિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kalki Avatar : કલ્પના કરો કે દુનિયામાં ચારે તરફ અન્યાય, પાપ અને અધર્મનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સજ્જનો પર અત્યાચાર થઈ રહ્યા છે અને ધર્મનું નામોનિશાન ભૂંસાઈ રહ્યું છે. આવા ઘોર કળિયુગના અંતમાં માનવજાતનું રક્ષણ કરવા અને ન્યાયની પુનઃસ્થાપના કરવા માટે એક દિવ્ય શક્તિનો ઉદય થશે.
જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન વિષ્ણુના 10મા અને અંતિમ 'કલ્કિ અવતાર' વિશે. લોકો હજુ પણ આ અવતાર ક્યારે થશે, ક્યાં થશે અને તેમનું સ્વરૂપ કેવું હશે તે જાણવા માટે અત્યંત ઉત્સુક છે. ચાલો, શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને કલ્કિ પુરાણમાં વર્ણવાયેલા આ રહસ્યોને સરળ શબ્દોમાં સમજીએ.
ધર્મની સ્થાપના માટે ભગવાનનો સંકલ્પ
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે પણ પૃથ્વી પર ધર્મનું પતન થાય છે અને અધર્મ વધે છે, ત્યારે તેઓ ધર્મની પુનઃસ્થાપના માટે અવતાર લે છે. હિન્દુ શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અને બુદ્ધ એમ 9 અવતારોનો ઉલ્લેખ છે. આ શ્રેણીમાં શ્રીમદ્ ભાગવત મહાપુરાણના 12મા સ્કંધમાં કલ્કિને ભવિષ્યના 10મા અવતાર માનવામાં આવ્યા છે.
ભગવાન કલ્કિનો જન્મ ક્યાં થશે?
પુરાણો અનુસાર, ભગવાન કલ્કિનો જન્મ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ પાસે આવેલા 'શંભલ' (શંભલા) નામના ગામમાં થશે. તેમના પિતાનું નામ વિષ્ણુયશ હશે, જે એક તેજસ્વી બ્રાહ્મણ અને વેદ-પુરાણોના મહાન જ્ઞાતા હશે. તેમની માતાનું નામ સુમતિ હશે. રામાવતારની જેમ જ આ અવતારમાં પણ તેમને સુમન્ત, પ્રાજ્ઞ અને કવિ નામના 3 મોટા ભાઈઓ હશે.
ભગવાન કલ્કિને 2 પત્નીઓ હશે. તેમની પ્રથમ પત્ની માતા લક્ષ્મીનો અવતાર 'પદ્મા' હશે અને બીજી પત્ની માતા વૈષ્ણોદેવીનો અવતાર 'રમા' હશે. (માનવામાં આવે છે કે માતા વૈષ્ણોદેવી રામાવતારના સમયથી ભગવાન સાથે વિવાહ માટે તપસ્યા કરી રહ્યા છે.) લગ્ન બાદ તેમને જય, વિજય, મેઘમાલ અને બલાહક નામના 4 પુત્રો પ્રાપ્ત થશે.
ભગવાન કલ્કિનું સ્વરૂપ અને તેમના ગુરુ
ધાર્મિક ગ્રંથો મુજબ, ભગવાન કલ્કિ એક દિવ્ય અને શક્તિશાળી યોદ્ધા સ્વરૂપે પ્રગટ થશે. તેઓ 'દેવદત્ત' નામના દિવ્ય સફેદ ઘોડા પર સવાર હશે અને તેમના હાથમાં એક ચમકતી તલવાર હશે.
કલ્કિ અવતારની કથામાં મહર્ષિ પરશુરામજીનો ખાસ ઉલ્લેખ છે. ચિરંજીવી ભગવાન પરશુરામજી કલ્કિ ભગવાનને શસ્ત્રવિદ્યા અને યુદ્ધકળાનું જ્ઞાન આપશે, જ્યારે તેમના પારિવારિક પુરોહિત યાજ્ઞવલ્ક્ય ઋષિ હશે.
કલ્કિ અવતાર ક્યારે થશે?
શાસ્ત્રો અનુસાર કળિયુગનો સમયગાળો ખૂબ જ લાંબો (4,32,000 વર્ષ) દર્શાવવામાં આવ્યો છે અને વર્તમાનમાં તેનો માત્ર પ્રારંભિક તબક્કો જ પૂરો થયો છે. તેથી કલ્કિ અવતાર માટે હાલમાં કોઈ ચોક્કસ વર્ષ નક્કી કરી શકાતું નથી. પરંતુ, ‘કલ્કિ પુરાણ’ અનુસાર ભવિષ્યમાં જ્યારે કળિયુગ તેના અંતિમ તબક્કામાં પહોંચશે, ત્યારે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી(શ્રાવણ સુદ-5)ના રોજ ભગવાન કલ્કિનો જન્મ થશે. આ જ ભવિષ્યવાણીના આધારે દર વર્ષે આ પવિત્ર તિથિએ 'કલ્કિ જયંતિ' ઉજવવામાં આવે છે.
કળિયુગના અંત પછી શું થશે?
જ્યારે પૃથ્વી પર પાપ અને અરાજકતા ચરમસીમાએ પહોંચશે, ત્યારે ભગવાન કલ્કિ પોતાની દિવ્ય તલવારથી દુષ્ટો અને પાપીઓનો સંહાર કરશે. અધર્મનો નાશ થતાં જ ન્યાય અને સત્યની પુનઃસ્થાપના થશે. આ ઘટના માત્ર એક યુગનો અંત નથી, પરંતુ એક નવા દિવ્ય યુગની શરૂઆત હશે. કળિયુગની સમાપ્તિ સાથે જ પૃથ્વી પર ફરીથી પવિત્ર 'સતયુગ'નો મંગળ પ્રારંભ થશે.
આમ, ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર માત્ર એક પૌરાણિક કથા નથી, પરંતુ જગતના કલ્યાણ, ધર્મની પુનઃસ્થાપના અને યુગ પરિવર્તન માટેની એક સર્વોચ્ચ ધાર્મિક માન્યતા છે.




