આ વ્યવસાયો કેમ ખોવાયા?

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- ગામ કારીગરોને સાચવે અને કારીગરો ગામને. એ વ્યવહાર હતો. કોઈનું કામ અટકે નહિ. પરસ્પર મદદની ભાવના… કોઈનો પ્રસંગ અટકે નહિ. બધા સાથે મળીને રંગેચંગે પાર પાડતાં.
પાં ચ સાત દાયકામાં તો ચહેરે મહોરે ગામડું આખું બદલાઈ ગયું છે. એના શરીર ઉપરથી પહેરણ અને ધોતિયું ઊતરી ગયાં છે, ચણિયા અને સાડલા પણ જઉ જઉ કરી રહ્યાં છે. શહેરી પોષાક ગામડાની કાયા ધારણ કરી રહી છે. ભાણામાંથી રોટલો-કઢી-ચટણી ખીચડી-શીરો-સુખડી ખસી ગયાં છે તેની જગ્યાઓ પિત્ઝા, પનીર અને પાણીપુરી લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. ગાય-ભેંસના દૂધ-દહીં-માખણ ડેરીઓ તાણી ગઈ છે અને ડેરીમાંથી ગામ વેચાતું દૂધ લેતાં થઈ ગયાં છે. માટીની ઢોચકીને હટાવી ફ્રિજે ઘરેઘર અડ્ડો જમાવ્યો છે. પ્લાસ્ટિકની બોટલો એની અંદર પંગત પાડીને બેઠી છે. ફ્રિઝ આવતાં ગામડાને વાસી ખાવાનું માફક આવવા માંડયું છે. ફ્રિઝને અમારા સાક્ષર ભાનુપ્રસાદ ચોકસી 'એંઠી' કહેતા…ગામડાં કેટલાં બધાં સ્વાવલંબી હતાં ? આજે કેટલાં બધાં પરાવલંબી થઈ ગયા છે ? ગામડાંએ આજે મેળવ્યું ઓછું, ગુમાવ્યું ઝાઝુ છે.
ગામ કારીગરોને સાચવે અને કારીગરો ગામને. એ વ્યવહાર હતો. કોઈનું કામ અટકે નહિ. પરસ્પર મદદની ભાવના… કોઈનો પ્રસંગ અટકે નહિ. બધા સાથે મળીને રંગેચંગે પાર પાડતાં. આજના ગામડામાંથી કેટકેટલા વ્યવસાયો લુપ્ત થઈ ગયા છે ! શું કારણ હશે એનું? ગામમાં હવે બહુરૂપી નથી દેખાતા કે નથી દેખાતા વાંસ ઉપર ચાલતા નટ બજાણિયા. નથી દેખાતા ફૂલવાદી કે લાલવાદી, નથી દેખાતા સરાણિયા કે સંચણિયા, નથી દેખાતા મલ્લ કે મદારી, નથી દેખાતા ભવાયા કે નથી દેખાતા ટેલિયા ક્યાં ગયા ? એ શરણાયું ગઈ ને ઢોલ પણ ગયા.
ગામના વાળંદોએ શહેરમાં સલૂન ખોલ્યાં છે અને દરજીના દીકરા શહેરમાં જઈ ભણીગણી બાપુકો ધંધો છોડી બેઠા છે. લુહાર, કુંભાર કે સુથારનાં સંતાનો વારસાગત વ્યવસાયથી થાકી ગયા છે અથવા સંતોષકારક વળતર નહિ મળતું હોય કે અન્યત્ર વધારે કમાણી થતી હશે ? કોઈ એક કે વધારે કારણોસર ગામમાં કારીગરોની અછત ઊભી થઈ છે. ગામ તેમને સાચવી શક્યું નથી કે તેઓ ગામ છોડીને ચાલ્યા ગયા છે ? બંને કારણો પુન: તપાસ માંગે છે. ખેતીવાળા ખેડૂતોના ખેતરમાં મજૂરો કામ કરતાં, પૂળા લણવા, કાપવા, પૂળા બાંધવા, કાલાં ફોલવાં, એવાં તો કેટકેટલાં કામો! મજૂરોને ધંધો મળી રહેતો. કારીગરોને કામ પણ મળતું. ખેડૂતોની સગવડો સચવાતી… તાજાં અનાજ-પાણી-શાકભાજી બધાં ખાતાં અને ઓર્ગેનિક વાતાવરણમાં જીવતાં. એ સંવાદી જીવનરીતિનું શું થયું ? વણકર ગામમાં જ કાપડ વણતો અને બ્રાહ્મણ ગામના યજમાનોને ત્યાં ધાર્મિક વિધિ વિધાન કરાવતો. ગામમાં સૂયાણી પણ હતી અને આયુર્વેદના જાણકારો પણ હતા. સામાન્ય ખેડૂને ત્યાં એક બળદ જ હોય, તો બીજો બળદ જેને હોય તેની સાથે સૂંઢલો થતી… એ વર્કિંગ પાર્ટનર નહિ તો બીજું શું ? રોકડનો વ્યવહાર ઓછો વસ્તુનો વિનિમય ઝાઝો… બાજરી પકવનાર ખેડૂત બાજરી બીજાને આપે અને ઘઉં પકવનાર ખેડૂત ઘઉં બીજાને આપે. આ વ્યવસ્થા હતી. ઘાણીમાં તેલ કઢાવવા પણ જતા અને મોચીની પાસે બૂટ ચંપ્પલ પણ બનાવડાવતા… લાંબું ચાલે એ બૂટ-ચપ્પલ.
આજે તો ક્યાંય કલાઈ કરવાવાળા દેખાતા નથી. કલાઇવાળો ગામને ચૌટે બેસે… પિત્તળનાં વાસણો ગરમ કરી એમાં નવસાર નાખી, કલાઈ લગાવી ચકચકિત બનાવતો એ કલાઇવાળા ક્યાં ગયા? ઘંટી ટાંકવાવાળાય નથી દેખાતા. તેલના ડબ્બા વચ્ચેથી કાપીને અડધિયાં બનાવી તેનાં ઢાંકણાં કરી આપનારા પણ જોવા નથી મળતા. નટ બજાણિયા પણ ક્યાં દેખાય છે? બે વાંસ વચ્ચે બાંધેલા દોરડા ઉપર છોકરો ટેકા વગર ચાલે… લોકો જોવા આવે… છોકરાં તો વિસ્મય અનુભવે એ નટ ખેલ કરે… લોકો દાણા આપે. મુરલી વગાડી નાગ દેખાડનારા અને એકના બે કરનારા મદારીઓ પણ ઓછા થઈ ગયા છે. રામલીલાવાળા અને ભવાઈ કરનારા પણ ભાગ્યે જ દેખાય છે. શ્રાવણ મહિનામાં ટહેલ નાખીને ગામે ગામમાં ફરનારા પણ હવે તો નથી જણાતા. દેશી નાટક મંડળીઓ પણ ઊલી ગઈ જાણે! ઢાઢીલીલા પણ વસૂકી ગઈ. કઠપૂતળીવાળા પણ ક્યાં છે? સરાણિયાય નથી આવતા તેથી છરી ચપ્પાને સજાવવાની હવે બૂમો નથી સંભળાતી. જંતર વગાડનારા, રજાઈ બનાવી આપનારા, રૂ પીંજનારા પિંજારા પણ અતીત થઈ ગયા છે. ડમરું વગાડી બંદરનાચ દેખાડનારાનો દુકાળ પડયો છે. બરફગોળામાં વિવિધ રંગોનો રસ નાખીને આપનારા પણ નથી, નથી મલાઈની કુલ્ફી, ચણા મમરાવાળા ય ક્યાં આવે છે? વાસણો લઈને આવતા વાસણવાળા નથી આવતા, બંગડીવાળી, કાંસકીવાળી, ખાટલા ભરી આપનારા કે ઘર સંચવાવાળા શોધ્યા જડતા નથી. પગની ખરી કાપી આપી ઢોરના પગની સંભાળ લેનારાય ઘણાં વરસોથી જોયા નથી. ખેતીનાં ઓજારો લઈને હવે તો ગામમાં કોઈ આવતું નથી, નથી ગામમાં વલોણાં થતાં કે ગામમાં હવે દૂધની ભઠ્ઠીઓ પણ. સાયકલ ભાડે આપનારાય નથી રહ્યાં અને લાકડાની ચાલણગાડીઓ લઈને વેચવા પણ કોઈ નથી આવતું. નથી દાંતણ દેનારા આવતા કે નથી સુપડાં વેચનારા કે લીંપનારા આવતા. આવા તો કેટકેટલા વ્યવસાયો લુપ્ત થઈ ગયા હશે? આ વ્યવસાયોથી સમાજ જીવનમાં જે સદ્ભાવપૂર્ણ સંવાદ સધાતો એ સંવાદની ખોટ પડી છે. સદ્ભાવપૂર્ણ જીવનરીતિ હવે આથમી રહી છે - શું કરીશું?




