Ravi Purti

દેશમાં શિક્ષણ વ્યવસ્થાની કથળેલી સ્થિતિ માટે જવાબદાર કોણ?

By GS Team
27 Sep 20268 mins read
દેશમાં શિક્ષણ વ્યવસ્થાની કથળેલી સ્થિતિ માટે જવાબદાર કોણ?
  • આઝાદીના સાત દાયકા પછી પણ…
  • હોટલાઈન-ભાલચંદ્ર જાની
  • વધુને વધુ તરુણ-તરુણીઓ ઉચ્ચ શિક્ષણ લેશે તો દેશનું ભાવિ ઉજ્જવળ બનશે અને શિક્ષિત નાગરિકોની સંખ્યા વધવાથી આર્થિક તથા સામાજિક પ્રગતિ થશે

આ જનું બાળક આવતીકાલનો દેશનો નાગરિક છે. ભારતનું ભાવિ તેમના થકી જ ઉજ્જવળ બનશે. પરંતુ આ વિધાન સાચું ક્યારે ઠરે જ્યારે દેશમાં શિક્ષણક્ષેત્રનો માહોલ ખૂબ સારો હોય. વાસ્તવમાં પરિસ્થિતિ કંઈક જુદી છે. વિદ્યાર્થીઓએ ભણવું છે. પરંતુ તેમને શીખવાડવા માટે શિક્ષક નથી. પુરતી, સારી શાળાઓ નથી.
ગયા મહિને દિલ્હીમાં જંતરમંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીએ વિદ્યાર્થી આંદોલન ચલાવ્યું ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે ઘુસી ગયેલો ઘણો ગંદવાડ બહાર આવ્યો હતો. જેમ કે દેશના ખાનગી શાળાઓમાં ૮૭ ટકા શિક્ષકો જરૂરી ડિગ્રી ધરાવતા નથી. તાતા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સિસના સર્વેમાં આ વિગતો બહાર આવી હતી.
મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો અહીંના ૮૦૦૦ ગામડાઓમાં સ્કૂલો જ નથી. ૩૦૦૦ શાળામાં અલગ ગર્લ્સ ટોઈલેટ નથી. તો ૫૦૦૦થી વધુ સ્કૂલોમાં વીજળી નથી. ૧૪ થી ૧૮ વર્ષના ૨૫ ટકા વિદ્યાર્થીઓ બીજા ધોરણના પુસ્તકો પણ બરાબર વાંચી શકતા નથી. ભારતમાં હાલમાં ૧૪.૭ લાખ સ્કુલ અને ૨૪.૭ કરોડ વિદ્યાર્થીઓ છે. જેમને ભણાવવા એક કરોડ શિક્ષકો છે. ગામડાઓમાં આજથી દસ વર્ષ પૂર્વે માધ્યમિક શિક્ષણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હતી. આજે ૬થી ૧૪ વર્ષની અંદરના બાળકોનું એનરોલમેન્ટ ૯૮ ટકા છે.
સરકારે ઊઠાવેલા કેટલાંય પ્રશંસનીય કદમમાં નિપુણ ભારત સમગ્ર શિક્ષા પી, એસ. શ્રી, અને દિક્ષા જેવા શૈક્ષણિક કાર્યક્રમોએ દેશમાં સાક્ષરતા વધારી છે. દેશની મોટા ભાગની શાળા (૯૮ ટકા)માં હવે પીવાના પાણીની વ્યવસ્થા હોય છે. પરંતુ પર્યાપ્ત વીજળી પુરવઠો ધરાવતી સ્કુલોની સંખ્યા ઓછી છે. ૪૦ ટકા શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ઈન્ટરનેટ કનેક્શન મળતું નથી. જ્યારે માત્ર ૩૬ ટકા સ્કુલોમાં છોકરા-છોકરીઓ માટે અલગ ટોઈલેટ્સની વ્યવસ્થા હોય છે.
તાજેતરમાં પશ્ચિમ બંગાળની શાળાકીય શિક્ષણ વ્યવસ્થા અંગે સામે આવેલા આંકડા ચોંકાવનારા છે. કેન્દ્ર સરકારનાં યુડાયસ પ્લસ ૨૦૨૫-૨૬ રિપોર્ટ અનુસાર રાજ્યની ૪૧૩૩ શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી પણ ત્યાં ૧૯૫૦૨ શિક્ષકો તૈનાત છે. સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ વગરની ૫૬૬૩ શાળાઓ છે અને તે પૈકી ૭૩ ટકા શાળાઓ ફક્ત પશ્ચિમ બંગાળમાં છે.
હજુ બે દાયકા અગાઉ સુધી શિક્ષણ ક્ષેત્રને આકર્ષક પ્રોફેશન ગણવામાં આવતું હતું અને સારા વિદ્યાર્થીઓ જ શિક્ષક બનતાં હતા.પરંતુ હવે વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાની ઉજળી તકો પ્રાપ્ત થતાં શિક્ષણ ક્ષેત્રે પ્રવેશવાનો વિચાર તો સૌથી છેલ્લે કરવામાં આવે છે.છેવટે ખાનગી શાળાના શિક્ષક કરતાં પણ કોલ સેન્ટરના કર્મચારીનો પગાર વધારે હોય છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતમાં ટીચીંગને પ્રતિષ્ઠિત પ્રોફેશન તરીકે જોવામાં આવતું નથી અને ટોપર (સૌથી વધુ માર્ક મેળવનારા)આ ક્ષેત્રમાં પ્રવેશતાં નથી.જયારે ફિન્લેન્ડ ,બેલ્જીયમ ,સિંગાપુર ,દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોમાં શિક્ષકોને સારો પગાર ચૂકવવામાં આવે છે.આ દેશમાં ટોપર્સને જ ટીચર્સ ટ્રેનીંગ માટે પસંગ કરવામાં આવે છે ે એટલે અહીં પણ સ્પર્ધાત્મક વાતાવરણ જોવા મળે છે.જો કે આપણે ત્યાં ટીચીંગને માનથીજોવામાં નથી આવતું તે માટે અનેક કારણો જવાબદાર છે.જેમકે સરકારી શાળામાં જરીપુરાણી પધ્ધતિથી જ શીખવવામાં આવે છે જયારે ખાનગી શાળામાં પગાર ઓછો આપવામાં આવે છે.આ કારણે યુવાપેઢી આ ક્ષેત્રમાં પ્રવેશવા ઇચ્છતી નથી.મોટા ભાગની ખાનગી શાળાઓ વર્તમાન પગાર પંચ પ્રમાણે વેતન આપતી નથી.
એકતરફ સરકાર અનામત દ્વારા વધુને વધુ યુવાનોને શિક્ષણની ઉજળી તક મળે તે માટે પ્રયત્નશીલ છે. આ અંગે સમગ્ર દેશમાં ભારે વિરોધ પણ જોવા મળે છે. પણ સરકાર ચોક્કસ જાતિ કે પછાત વર્ગની યુવા પેઢીને અન્યાય ન થાય તથા તેમને પણ ઉજ્જવળ કારકિર્દી ઘડવાની તક પ્રાપ્ત થાય તે માટે પ્રયાસો કરે છે. જ્યારે બીજી તરફ ખાટલે મોટી ખોટ કહેવત પ્રમાણે આપણી ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા જ અત્યારે ખામીયુક્ત છે.
વધુને વધુ તરુણ-તરુણીઓ ઉચ્ચ શિક્ષણ લેશે તો દેશનું ભાવિ ઉજ્જવળ બનશે અને શિક્ષિત નાગરિકોની સંખ્યા વધવાથી આર્થિક તથા સામાજિક પ્રગતિ થશે. તે માટે આપણે આપણી યુવાપેઢી ઉચ્ચતર ક્ષમતાવાળી બને તેવી જોગવાઇ કરવી જોઇએ. અહીં પ્રશ્ન એ થાય છે કે શું આપણે યોગ્ય દિશામાં જઇ રહ્યા છીએ?
વાસ્તવમાં ૧૩૩૮ યુનિવર્સિટીઓ અને પાંચ હજારથી અધિક જાણીતી કોલેજો સાથે ભારતીય શિક્ષણ વ્યવસ્થાની વિશ્વની મોટી શિક્ષણ વ્યવસ્થામાં ગણતરી થાય છે. પણ આપણા યુવાનોનું શિક્ષણસ્તર તથા પડકારોનો સામનો કરવામાં મળતી પીછેહઠ જોતાં આ આંકડાઓ ઠાલા પુરવાર થાય છે. આ બધી સંસ્થાઓ દેશના ૧૭ ટકા યુવાનોને શિક્ષણ આપે છે. પ્રતિવર્ષ ૩૫ લાખ જેટલા સ્નાતકો બહાર પડે છે અને ત્રણ કરોડ ૪૦ લાખ યુવાનોનો વસતિમાં વધારો થાય છે.
પાઠયપુસ્તક અને અભ્યાસક્રમ બાબત પણ બધું લોલંલોલ ચાલે છે. થોડા સમય પૂર્વે પ્રસિધ્ધ થયેલા એનસીઈઆરટીના મોર્ડન ઈન્ડિયા પાઠયપુસ્તકમાં બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનાથી બાળકોનું માનસ બગડી શકે છે. તેમણે કહ્યું હતું કે આ પુસ્તકમાં દેશપ્રેમીઓને ત્રાસવાદી ગણાવાયા છે. આ મુદ્દાને લઈને આ પાઠયપુસ્તક પાછુ ખેંચી લેવાની માગણી કેટલાક સાંસદોએ કરી હતી.
થોડા સમય પૂર્વે આઠમા ધોરણના ઈતિહાસના પાઠય પુસ્તકમાંના ઈસ્લામનો ઉદય અને ખ્રિસ્તી ધર્મનો ઉદય નામનાં પ્રકરણો સામે ખ્રિસ્તીઓની અને મુસ્લિમોની ધાર્મિક સંસ્થાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે સમગ્ર પાઠયપુસ્તક જ રદ કરવાની માગણી કરી હતી. રાજ્ય સરકારે પ્રથમ ''વાંધાજનક'' વાક્યો અને પછી આખાં ને આખાં બન્ને પ્રકરણ કાઢી નાખ્યાં છે. આથી ઉત્સાહ પામીને કાશ્મીરના એક મુસ્લિમ સંસદસભ્યે આઠમા ધોરણના મરાઠી ગદ્ય-પદ્ય સંગ્રહમાંનું સર્વધર્મ સમભાવ નામનું સંત તુકડોજી મહારાજનું નિર્દોષ કાવ્ય પણ રદ કરવાની માગણી કરી હતી.
મહારાષ્ટ્રના પાઠયપુસ્તક મંડળ છબરડા માટે નામચીન છે. પરંતુ મુંબઈના આર્ક-બિશપથી માંડીને કેટલાક મુસ્લિમ આગેવાનો જે રીતે બે-ચાર શબ્દો તરફ તૂટી પડયા તેથી મુંબઈના બિનસાંપ્રદાયિક લોકોને આઘાત લાગ્યો હતો. પાનખર આવે તો વસંત થોડી પાછળ હોય? આર્ય સમાજે પણ ઝુકાવ્યું.
ઈસ્લામના ઉદયમાં મહમ્મદ પયંગબરના પ્રસ્થાન માટેના હીજરત શબ્દનું મરાઠી પાઠમાં પલાયન અંગ્રેજીમાં રન અવે એવું ભાષાંતર થયું તેથી મુસ્લિમ આગેવાનો છેડાઈ પડયા. શિવાજી આગ્રાથી નાસી છૂટયા તેને માટેય પાઠપુસ્તકમાં પલાયન શબ્દ વપરાયો છે. રનને બદલે ફ્લાઈટ શબ્દ વપરાયો હોય તો વધુ સારું હતું, પણ રાઈનો પર્વત કરવાની શી જરૂર હતી?
ખ્રિસ્તી ધર્મના ઉદયમાંનું 'ઈશુએ કહ્યું કે હું પ્રભુનો પુત્ર અને માનવીનો પુત્ર છું પણ ઈશુએ દૈવી અવતારનો દાવો કર્યો ન હતો.'' એ વાક્ય ચકચારે ચઢ્યું. પોલ દ્વારા પ્રસારાયેલો ધર્મ ઈશુના ધર્મ કરતાં ભિન્ન હતો એ વાક્ય સામે પણ વિરોધ થયો. ભવિષ્યમાં ધર્મ વિશેનાં પ્રકરણોમાં નિષ્ણાતોની મદદ લેવાવી જોઈએ. પરંતુ કાગનો વાઘ કરવાની વૃત્તિ એટલા જ ઉગ્ર પ્રત્યાઘાતો સર્જેે છે. ઇતિહાસના શિક્ષકોએ બળવો પોકારતાં કહ્યું છે કે સરકારે રદ્ કરેલા બેઉ પ્રકરણો અમે ધરાર શીખવીશું. આમ તોે હિંદુ ધર્મ અંગેના પ્રકરણમાં પણ ભૂલો છે. મુસ્લિમો ધર્માંતર કરાવતા એ હકીકત છે છતાં ''ખરાબ બાતે ક્યૂં સિખાયે?'' ની શિકાયત મુસ્લિમ નેતાઓએ કરી છે. ધર્માંધ રાજપુરુષોએ શિક્ષણને રાજકીય વાઘા પહેરાવ્યા છે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે દરેક પાઠયપુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું જ હોય છે કે આ પાઠયપુસ્તક ક્ષતિરહિત બને એ માટે પૂરતી કાળજી લેવામાં આવી છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. ગુજરાતમાં તો જાણે આ ભૂલોની પરંપરા વર્ષોવર્ષ સર્જાતી રહે છે. એક સંશોધન મુજબ એકથી ચાર ધોરણના વિદ્યાર્થીઓ સરેરાશ ૮થી ૧૪ શબ્દ સુધીનું વાક્ય સરળતાથી સમજી-વાંચી-બોલી શકે છે. ને પાંચથી બાર ધોરણના વિદ્યાર્થીઓ સરેરાશ વીસેક શબ્દનું વાક્ય સમજી બોલી શકે છે, પણ ઘણાં પુસ્તકમાં આ નિયમ સચવાતો નથી. દસમા ધોરણના ગુજરાતીના એક પાઠમાં ૭૫ જેટલા શબ્દોનું એક વાક્ય હતું. એ સમજવા અને બોલવામાં (ગોખવામાં) કેટલી તકલીફ થાય તે તમે જ વિચારી જુઓ.
ઓર એક સંશોધનનું તારણ પણ જાણો. અગાઉ ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ૧૯૪ પુસ્તક (ટાઈટલ)નો અભ્યાસ થયો હતો, જેમાં તારણ નીકળ્યું. પાંચમાં ધોરણના ગુજરાતી પુસ્તકમાં છપાયેલી કવિતા અગિયારમાંના પુસ્તકમાં પણ છપાઈ હતી. ચોંકાવનારી વાત એ હતી કે શિર સાટે નટવર શીર્ષકની કવિતા જુદાં જુદાં ચાર ધોરણોના પુસ્તકમાં છપાઈ હતી!
શિક્ષણક્ષેત્રમાં વર્ષો સુધી સેવા આપી ચૂકેલા કેટલાંક પ્રાધ્યાપકો દેશમાં પ્રવર્તતી હાલત સુધારવાના સૂચન કરે છે. તેમના કહેવા મુજબ ઉચ્ચતર શિક્ષણ વ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રનું રોકાણ વધે તો સરકારને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં સારું એવું ભંડોળ વાપરવા મળે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ભારે ફી ચૂકવતાં હોય તો તેની સામે તેઓ સારુ અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવાની અપેક્ષા રાખે છે. વધુ અપેક્ષાઓથી સ્પર્ધા વધે છે જેના કારણે ઓછા ખર્ચે ગુણવત્તામાં સુધારો થાય છે. સારું તથા ગુણવત્તાસભર શિક્ષણ આપવાની બાંધડોર સરકારના હાથમાં છે. તે નબળાં વર્ગના જરૂરિયાતમંદોને સીધી જ જરૂરી મદદ કરીને ઓછા ખર્ચે શિક્ષણના મુદ્દાને ઉકેલી શકે છે.
જ્યારે છત્તીસગઢની રચના કરવામાં આવી ત્યારે (૨૦૦૨)માં તેમણે પ્રાઇવેટ સેક્ટર યુનિવર્સિટી એક્ટ પસાર કર્યો હતો. આ કાયદાને કારણે ત્યાં રાતોરાત ઘરની પછવાડે કે શોપિંગ કોમ્પ્લેક્સમાં ૧૧૭ ખાનગી યુનિવર્સિટીઓ ફૂટી નીકળી હતી. બે વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે તેને ગેરકાનૂની જાહેર કરતાં તેમાં તાળા મારવાનો વખત આવ્યો હતો. તેથી ૧૫ હજારથી અધિક વિદ્યાર્થીઓ જેમણે પોતાનો સમય અને પૈસા તેમાં રોક્યા હતા તેમનું ભાવિ અધ્ધરતાલ થઇ ગયું હતું.
ભારતની ઉચ્ચતર શિક્ષણ વ્યવસ્થાની કથળેલી સ્થિતિ દર્શાવતું
આ એક ઉદાહરણ પર્યાપ્ત છે. નિયમોનો અભાવ, નબળું નિયંત્રણ, માળખાકીય સવલતોનો અભાવ, નિમ્નકક્ષાનું શિક્ષણ, ઉપક્રમની ઉણપ, જુનો અભ્યાસક્રમ વગેરે બાબતોએ આ આખા વિષયને વધુ જટીલ બનાવી દીધો છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ફૂટી નીકળેલી તબીબી અને એન્જિનિયરિંગ કોલેજો પણ વધતી જતી માગને પહોંચી વળવામાં અસમર્થ નીવડેલી સરકાર તરફ અંગુલી નિર્દેશ કરે છે.
હાલમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના દાયરામાં આવતી સ્ટેટ યુનિવર્સિટીની સંખ્યા ૪૭૯, રાજ્યની ખાનગી યુનિ.ની સંખ્યા ૪૫૫ ડીમ્ડ-ટુ-બી-યુનિ.ની સંખ્યા ૧૨૪ અને સેન્ટ્રલ યુનિ.ની સંખ્યા ૫૬ છે. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે, મોટાભાગની યુનિવર્સિટીઓ અને કોલેજો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) સાથે જોડાયેલી હોવા છતાં માત્ર શૈક્ષણિક દુકાનોથી વધુ કંઇ નથી.
૧૯૫૩માં યુજીસીએ પસાર કરેલા મૂળ ખરડા અનુસાર નવી યુનિવર્સિટીની સ્થાપના માટે તેમની પરવાનગી ઉપરાંત શિક્ષણ મંત્રાલયની મંજૂરી મેળવવી પણ જરૂરી છે. ખરડાના મુખ્ય નિયમોમાં કોઇ ડિગ્રીને ગેરમાન્ય ઠરાવવાનો હક પણ યુજીસીને હતો. પરંતુ જ્યારે આ કાયદાને પસાર કરવામાં આવ્યો ત્યારે આ બે જોગવાઇઓ રદ કરવામાં આવી હતી એટલે કમિશન માત્ર નામપૂરતાં કામનું જ રહી ગયું. તેનું યુનિવર્સિટીઓ પર ઝાઝું નિયંત્રણ રહ્યું નહિ તે કારણે વિવિધ સંસ્થાઓની ગુણવત્તા અને સંખ્યા પર તેની આડઅસર જોવા મળી છે.
થોડા સમય પૂર્વે વિશ્વ બેંક અને યુનેસ્કોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, વિકાસશીલ દેશોમાં ઉચ્ચતર શિક્ષણથી માત્ર વ્યક્તિગત જીવનનો જ નહીં પરંતુ સમગ્ર સમાજનો ઉધ્ધાર થાય છે. આનાથી ઉત્પાદનક્ષમતા અને રોજગારી વધે છે. જેથી વ્યક્તિ સ્વતંત્ર બને છે અને કોઇપણ રાષ્ટ્રના વિકાસ માટે આ બધી બાબતો અત્યંત જરૂરી છે.
આ ક્ષેત્રે ધરખમ ફેરફાર કરવા માટે સરકારે ખાનગી ક્ષેત્ર માટે નવી કોલેજો કે યુનિવર્સિટીઓ બનાવવામાં રોકાણ કરવાનું છોડીને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પર ધ્યાન આપવું જોઇએ. સરકારે ઉચ્ચસ્તર શિક્ષણનું ચોક્કસ સ્તર નક્કી કરવું જોઇએ. તથા રાહત દરે જમીન અને ટેક્સ હોલિડેનો લાભ આપવો જોઇએ.
બીજી તરફ વિદેશી યુનિવર્સિટીઓ અને પ્રખ્યાત પ્રોફેશનલ સંસ્થાઓને દેશમાં આવવાની મંજૂરી આપવી જોઇએ. જેથી ભારતમાં બેઠા બેઠા જ વિદ્યાર્થીઓને વિદેશી શિક્ષણનો લાભ મળે. તે માટે જરૂરી તમામ વ્યવસ્થામાં મદદ કરવી જોઇએ.
આજે ટેક્નોલોજીમાં આવેલા પરિવર્તને ડિસ્ટન્સ લર્નિંગના દ્રષ્ટિકોણમાં પરિવર્તન આણ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષાને સુવિધાજનક ગણે છે. આપણી ઉચ્ચતર શિક્ષણ વ્યવસ્થાને સુધારવા આપણે આપણા જ સફળ ઇતિહાસનું પુનરાવર્તન કરવું રહ્યું.