F.D.I હાલને તબક્કે Investment માટે કયાં-કયાં ક્ષેત્રોને Favourite સમજે છે?

- લપછપ - કૌશિક કુમાર દીક્ષિત
- FERA ૨૫ વર્ષનું આયુષ્ય ભોગવીને ભારતના અર્થજગતમાં નામશેષ થઇ ગયો જયારે FEMA હજુ પણ અસ્તિત્વમાં છે અને તેનું આ ૨૬મું વર્ષ ચાલી રહ્યું છે !
- હા લ, સરકારને 100% F.D.I. મંજૂર હોય તેવાં ક્ષેત્રો પણ જોવા મળી રહ્યાં હોવા છતાં આપણો દેશ F.D.I. બાબતે વિશ્વના દેશોમાં ૧૧મા નંબર પર આવે છે!… પ્રજા -સરકાર બન્નેએ કારણોમાં ઊંડાં ઉતરવું જોઈએ…
એ ક દેશની પ્રજાને બીજા દેશમાં પણ પોતાના રૂપિયા લગાવી પરદેશમાં ધન કમાવાની લાલસા જોવા મળે છે. પણ, પોતાના દેશમાં રૂપિયા લગાવવા જેટલી આઝાદી બીજા દેશમાં રૂપિયા લગાવવા માટે હોઈ શકે નહિ ! એમાં બે દેશો વચ્ચેની સરકારો-સરકારી નીતિઓ ટકરાતી જોવા મળે છે તો પણ, દુનિયાના દેશોને હવે બીજા દેશોમાં આર્થિક રોકાણની તકો શોધ્યા વગર અને તે તકો ઝડપ્યા વગર ચાલ્યું નથી-ચાલતું નથી-ચાલવાનું નથી…જમાનો ઝડપભેર આગળ વધી રહ્યો છે !
આંતરરાષ્ટ્રીય આર્થિક નીતિઓ બાબતે આપણા ભારત દેશમાં ઈ.સ.૧૯૯૧ પહેલાંનાં વર્ષો 'પ્રતિબંધિત યુગ' તરીકે ઓળખાય છે. 'ફેરા' એવો કાયદો હતો કે જે અંતર્ગત બહારના દેશો દ્વારા આપણા દેશમાં આવતું આર્થિક રોકાણ પ્રતિબંધિત કરવામાં આવતું હતું અને તેને લીધે દેશનું અર્થતંત્ર સાવ શુષ્ક રહેતું હતું.
ઈ.સ.૧૯૯૧ની સાલમાં તે વખતના ફાયનાન્સ મિનિસ્ટર ડો. મનમોહન સિંઘની દીર્ઘ દ્રષ્ટિને પરિણામે એફ.ડી.આઈ.નો સત્તાવાર આરંભ થયો…સરકારે વૈશ્વિક મૂડીનું સક્રિય રીતે સ્વાગત કરવા માટે તેમજ દેશભરનાં અમુક બંધ-માંદાં વ્યાપાર એકમોને ખોલવા માટે અથવા સ્વસ્થ કરવા માટે તેમજ દેશને વિશ્વ બઝારમાં સ્થાન અપાવવા માટે 'ફેરા'ને બદલે 'ફેમા'નો કાયદો ૧૯૯૯ દરમ્યાન ઘડયો ! અને, એફ.ડી.આઈ.એ જે વાટ પકડી તે આજે ઊંચાં આસમાન સ્પર્શવા માટે ઉપર ને ઉપર જઈ
રહી છે…
FERA અને FEMA
વચ્ચેનો ફરક સમજવા જેવો !
૧૯૭૩નો ફેરા એક કડક-સખત કાયદો હતો જેનું ઉલ્લંઘન મોટો ગુનો સમજવામાં આવતો હતો જયારે, ૧૯૯૯નો ફેમા (જેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપવાનો હોવાથી) એક ઉપકારક કાયદો રહ્યો જેમાં કાયદાનું ઉલ્લંઘન કોઈ મોટો ગુનો નહિ પણ, દંડને પાત્ર કામ સમજવામાં આવે છે ! ફેરામાં ૮૧ જટિલ-કઠોર કલમો હતી જયારે ફેમામાં માત્ર ૪૯ સુવ્યવસ્થિત આશાવાદી કલમો આવી ! ફેરા ૧૯૯૮ દરમ્યાન વાજપાઇ સરકારે કાઢી નાખ્યો હતો અને, ફેરાને બદલે ફેમા આવ્યો ! ફેરાનો દ્રષ્ટિકોણ બીજા દેશોનું આર્થિક રોકાણ વિનાશકારી હોવાનું સમજાવતો હતો જયારે ફેમાનો દ્રષ્ટિકોણ બીજા દેશોનું આર્થિક રોકાણ ઉપકારક હોવાનું સમજાવવા લાગ્યો. ફેરામાં બેન્કોને અધિકૃત વ્યક્તિ સમજવામાં નહોતી આવતી જયારે ફેમામાં બેન્કોને પણ અધિકૃત વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો. ફેરાના અપરાધીને કાયદાનું કોઈ શરણું આપવામાં આવ્યું નહોતું જયારે ફેમામાં અપરાધીને કાયદાકીય લડત લડવાનો અધિકાર આપવામાં આવ્યો. ફેરા મુજબ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પૂર્વ મંજૂરી અનિવાર્ય હતી જયારે ફેમા મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પૂર્વ મંજૂરીની વ્યવસ્થા કાઢી નાખવામાં આવી. ફેરા અંતર્ગત ઇન્કમ ટેક્સ એક્ટ આવતો નહોતો જયારે ફેમા અંતર્ગત ઇન્કમ ટેક્સ એક્ટની જોગવાઈઓનું પાલન કરવાની જવાબદારી આવી…ફેરાનો ગર્ભિત હેતુ એવો હતો કે, ભારતમાં કે ભારત બહાર વસતા ભારતીયોએ કમાયેલું વિદેશી ધન ભારત દેશની જ મૂડી ગણાય અને તે તમામ મૂડી ભારતીયોએ દેશની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સોંપી દેવાની હોય…! સાચી દેશભક્તિ 'ફેરા'માં પ્રતિબિંબિત થાય છે કે 'ફેમા'માં તે નક્કી કરવું આસાન નથી. તો પણ, ફેરા ૨૫ વર્ષનું આયુષ્ય ભોગવીને ભારતના અર્થજગતમાં નામશેષ થઇ ગયો જયારે ફેમા હજુ પણ અસ્તિત્વમાં છે અને તેનું આ ૨૬મું વર્ષ ચાલી રહ્યું છે !
F.D.I. (પ્રત્યક્ષ વિદેશી રોકાણ)
કોને કહેવાય?
કાયદાની જોગવાઈઓ મુજબ, એવી કોઈ વ્યક્તિ/સંસ્થા જે દેશ બહાર વસે છે પણ તે ઇક્વિટી (એક પ્રકારનો હિસ્સો !)ના માધ્યમથી કોઈ અનલિસ્ટેડ (શેરબજારમાં) કંપનીમાં રોકાણ કરે છે તો તે એફ.ડી.આઈ. કહેવાય. એટલું જ નહિ પણ, કોઈ લિસ્ટેડ (શેરબજારમાં) કંપનીમાં જો કંપનીની કુલ ઇક્વિટીના ૧૦%થી વધુ રોકાણ કરે છે તો પણ તે એફ.ડી.આઈ. અંતર્ગત આવે છે. આમ, અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણની કોઈ ન્યુનતમ મર્યાદા નથી પણ લિસ્ટેડ કંપનીઓ પૂરતું તે ૧૦%થી વધુ હોય તો જ એફ.ડી.આઈ.ના દાયરામાં આવે. લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં ૧૦%થી ઓછું રોકાણ એફ.ડી.આઈ.ના દાયરાની બહાર હોવાનું સમજી શકાય.
F.D.I. વધુમાં વધુ રોકાણ
કયાં કયાં રાજ્યોમાં જોવા મળી રહ્યું છે?
ઈ.સ. ૨૦૦૦ (એપ્રિલ)થી ઈ.સ.૨૦૨૬(માર્ચ) વચ્ચે ભારતમાં સૌથી વધુ એફ.ડી.આઈ. મેળવનાર રાજ્ય મહારાષ્ટ્ર છે…૮,૫૯,૧૯૬ કરોડ રૂપિયા (૧૦૭.૦૯ અબજ અમેરિકન ડોલર) કુલ એફ.ડી.આઈ.નો ૩૧.૩૫% હિસ્સો ! એફ.ડી.આઈ. ક્ષેત્રે ભારતનું બીજા ક્રમનું રાજ્ય કર્ણાટક છે જ્યાં અંતિમ ૨૫ વર્ષ દરમ્યાન ૫,૫૮,૩૮૩ કરોડ રૂપિયા (૭૦.૫૮ અબજ અમેરિકન ડોલર) ભારત બહારથી આવ્યા ભારતના કુલ એફ.ડી.આઈ.નો ૨૦.૬૬% હિસ્સો રહ્યો ! અંતિમ ૨૫ વર્ષ દરમ્યાન, એફ.ડી.આઈ. પ્રાપ્ત કરનાર દેશનું ત્રીજા ક્રમનું રાજ્ય ગુજરાત છે જ્યાં ૩,૯૮,૨૩૬ કરોડ રૂપિયા (૫૦.૬૨ અબજ અમેરિકન ડોલર) આવ્યા જે કુલ એફ.ડી.આઈ.નો ૧૪.૮૨% હિસ્સો છે ! તમિલનાડુમાં અંતિમ ૨૫ વર્ષો દરમ્યાન ૧,૫૬,૫૪૪ કરોડ રૂપિયા (૧૯.૩૪ અબજ અમેરિકન ડોલર) આવ્યા જે કુલ એફ.ડી.આઈ.નો ૫.૬૬% ગણાય અને આમ, તમિલનાડુ દેશનું ૪થા નંબરનું રાજ્ય છે જ્યાં એફ.ડી.આઈ.ના રૂપિયા વહી રહ્યા છે !
F.D.I. ચાલુ વર્ષ દરમ્યાન કયાં ક્ષેત્રોને
પોતાનાં Favourite સમજે છે?
ચાલુ વર્ષ દરમ્યાન, ભારતમાં એફ.ડી.આઈ.નું સર્વોચ્ચ પસંદગીનું જો કોઈ ક્ષેત્ર હોય તો તે સંચાર એટલે કે કોમ્યુનિકેશન વિષયક છે. કોમ્યુનિકેશન ક્ષેત્રે ૧૩૯.૩ બિલિયન ડોલર એક જ વર્ષમાં વહાવી દેવાની એફ.ડી.આઈ.ની તૈયારી જણાઈ રહી છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ૭૩.૩ બિલિયન અમેરિકન ડોલર -કોલસો,ઓઈલ,ગેસ ક્ષેત્રે ૪૪.૭ અમેરિકન ડોલર-સેમી કન્ડકટર ક્ષેત્રે ૩૮.૮ બિલિયન અમેરિકન ડોલર એફ.ડી.આઈ. દ્વારા ઠલવાઈ રહ્યા છે. એફ.ડી.આઈ.નું પાંચમું પ્રિય ક્ષેત્ર ટ્રાન્સપોર્ટ-વ્હેર હાઉસ છે જેમાં ચાલુ વર્ષે ૨૪.૯ બિલિયન અમેરિકન ડોલરની તૈયારી છે. રિયલ એસ્ટેટ તો, એફ.ડી.આઈ.નું છઠ્ઠું પસંદીદા ક્ષેત્ર છે જ્યાં ૨૩.૯ બિલિયન અમેરિકન ડોલર રોકાણ કરવાની તૈયારી ચાલુ વર્ષે એફ.ડી.આઈ. કરી ચૂક્યું છે ! એફ.ડી.આઈ. ભારતમાં ૭મું પ્રિય ક્ષેત્ર ધાતુઓને સમજી રહ્યું છે અને ૨૩.૭ બિલિયન અમેરિકન ડોલરના રોકાણની યોજનાઓ બહાર પડી ચૂકી છે. ઔદ્યોગિક સાધનો ક્ષેત્રે ૧૪.૬ અમેરિકન ડોલર-ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ ક્ષેત્રે ૧૩.૭ અમેરિકન ડોલર- સોફ્ટવેર અને આઈટી ક્ષેત્રે ૧૩.૭ બિલિયન અમેરિકન ડોલર રોકવાની તૈયારીઓ સાથે હાલ એફ.ડી.આઈ. આપણા દેશમાં નેવર-એવર જેવા સર્વોચ્ચ આંકડાઓ પર પહોંચી ગયેલું જોવા
મળે છે !
આટલું બધું છે તો પણ, એફ.ડી.આઈ. બાબતે ભારત હજુ ૧૧મા નંબરે છે તે પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ !
દાદી (હઝલ)
દાદાની યાદો પીએ છે,
તેથી તો દાદી જીવે છે.
ગમતી બહુ દાદાને તેથી,
ફાટે તો સાડી સીવે છે.
દાદા આવે સપનામાં તો,
દિન આખો દાદી ખીલે છે.
શોખ હતો દાદાને તેથી,
જોડીમાં ફોટા ભીંતે છે.
વ્હાલ કરે દાદી ફોટાને,
તો સ્વર્ગે દાદા રીઝે છે.
વાંક વિના પણ ખૂબ વઢી'તી,
એ ખેદ દાદીને જીભે છે.
દાદી નાખે જો કાગવાસ,
તો દાદા હોંશે ઝીલે છે.
- સંજય બાપોદરિયા 'સંગી'
जात कहां हो अकेली गोरी…
NASA દ્વારા બરાબર ૫૦ વર્ષ પૂર્વે મોકલવામાં આવેલા આ શબ્દો હજુય Spaceમાં ગુંજી રહ્યા છે અને, કાયમ માટે ગુંજ્યા કરશે!
લગ્ન-વ્યવસ્થા તેમજ જીવનસાથી-પતિ-પ્રેમી જેવા કોઈ પણ પાત્રમાં તેમને જરાય રસ નહોતો એટલે, કેસરબાઈ આજીવન અપરિણીત રહ્યાં.
સુ પ્રસિદ્ધ સંગીતકાર ઈલાયારાજા હાલ આપણા દેશની રાજ્યસભાના નામાંકિત (નોમિનેટેડ) સાંસદ છે અને, તેઓ હાલ ૮૩ વર્ષના છે. તેમણે પોતાની સગી બહેનની દીકરી જીવા સાથે લગ્ન કર્યા હતાં અને કુલ ૩ સંતાનોના તેઓ પિતા બન્યા હતા…કાર્તિક-ભવતારિણી અને યૌવન ! એ જીવાને ગુજરી ગયાને પણ પંદરેક વરસ વીતી
ગયાં છે…
ઈલાયારાજા આપણા દેશના એક માત્ર સંગીતકાર છે જેમણે માત્ર આરોહી સ્વરોમાં જ પોતાનું સમગ્ર સંગીત આપ્યું છે ! એમના સંગીતવાળી ફિલ્મ 'નાયકન'ને ટાઈમ મેગેઝીન દ્વારા સર્વ કાલિક ૧૦૦ સર્વ શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 'નાયકન' ભારતની એક માત્ર ફિલ્મ છે જે આવું ગૌરવ મેળવી શકી છે.
ઈલાયારાજા માટે એક બહુ જ મોટી ગલતફહેમી ઘણા લોકો ધરાવે છે કે…જાત કહાં હો અકેલી ગોરી !? આ ગીતમાં ઈલાયારાજાએ સંગીત આપ્યું હતું ! ઈલાયારાજા ૧૯૪૩માં જન્મ્યા હતા અને કેસરબાઈ ૧૯૭૭માં સ્વર્ગે સિધાવી ગયાં હતાં, આમ કેસરબાઈ મૃત્યુ પામ્યાં ત્યારે ઈલાયારાજા ૩૪ વર્ષના હતા અને સંગીતકાર તરીકે તેમની ખ્યાતિ પણ તે સમયે જરૂર હતી પણ 'જાત કહાં હો અકેલે ગોરી?' ગીતમાં સંગીત ઈલાયારાજાનું નહોતું! ઈલાયારાજા પોતાને મળી રહેલી આ અણહક્કની ક્રેડીટ માટે સતર્ક પણ નથી, એમણે જાહેરમાં ક્યાંક કહેવું જોઈએ કે કેસરબાઈએ ગીત 'જાત કહાં હો અકેલી ગોરી ?' મારા સંગીત નિર્દેશનમાં નથી ગાયું બલ્કી તે સમગ્ર રચના કેસરબાઈની જ છે…
કેસરબાઈ કેરકર ! ગોવામાં જન્મેલાં, એમના મૃત્યુને ૫૦ વર્ષ થવા આવ્યાં !…તેઓ હજુ હયાત હોત તો, આજે ૧૩૫ વરસનાં હોત ! લગ્ન વ્યવસ્થા તેમજ જીવનસાથી-પતિ જેવા કોઈ પાત્રમાં તેમને જરાય રસ નહોતો એટલે આજીવન અપરિણીત રહ્યાં. કેસરબાઈએ અનેક શબ્દોને પોતાનો કંઠ આપી સ્વરબદ્ધ-સંગીતબદ્ધ કર્યા છે અને તે બધાંમાં એમનું 'જાત કહાં હો અકેલી ગોરી ?' માત્ર બે જ લીટીનું ગીત તમે આખું સાંભળો તો તમને એમ જ લાગે કે આ કોઈ મનુષ્ય-કંઠ નથી બલ્કી બ્રહ્માંડના કોઈ અજ્ઞાત સ્રોત તરફથી ધ્વનિ-તરંગો આવી રહ્યાં છે ! ભૈરવી રાગમાં કેસરબાઈએ આ ગીત પહેલવહેલી વાર ૧૯૫૩ની સાલમાં ગાયેલું અને તેમાં આશરે સાડા ત્રણ મિનીટ જેટલો સમય લીધો છે. ૧૯૬૦ દરમ્યાન કેસરબાઈએ જાહેરમાં ગાવાનું કાયમ માટે છોડી દીધું હતું.
૧૯૭૭માં કેસરબાઈ ગુજરી ગયાં તેને થોડા જ દિવસો પહેલાં નાસાએ 'વોઈજર(૧) અને વોઈજર(૨)' સ્પેસમાં તરતાં મૂક્યાં… જેની અંદર કુલ ૩૧ રચનાઓ છે. આ ૩૧ રચનાઓ નાસા માટે નક્કી કરવામાં તેની સહાયક એવી કોર્નલ યુનિવર્સિટીને ૧ વરસથી વધુ સમય લાગ્યો હતો. પૃથ્વી ઉપર જીવન-સંસ્કૃતિ વગેરેના વૈવિધ્યને બ્રહ્માંડ સ્તરે દેખાડવામાં માટે આ એક ટાઈમ કેપ્સ્યુલ છે !
કેસરબાઈનું 'જાત કહાં હો અકેલી ગોરી ?' માત્ર બે જ લીટીનું ગીત આ વોઈજરની ૩૧ રચનાઓમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે ! નાસા મારફત બ્રહ્માંડ સ્તરે જેમનો કંઠ વહેતો -તરતો મૂકવામાં આવ્યો હોય એવી એક માત્ર ભારતીય વ્યક્તિ કેસરબાઈ જ છે ! એ આખું ગીત આ મુજબ છે :
'જાત કહાં હો, અકેલી ગોરી,
જાને ના પઈયાં ?
કેસર રંગ કે માથ ભયે હોય,
હોરી ખેલત કાન્હા રે !'
તમારે કેસરબાઈનું આ ગીત જીવનમાં એક વખત અવશ્ય ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ.અને, સંગીતના સાધકોની સાધના તો આ ગીત સાંભળ્યા વગર અધૂરી જ સમજવી જોઈએ…જો, કેસરબાઈ થયાં જ નહિ હોત તો નાસા દ્વારા તેમના આ ગીતને બદલે ભારતીય સંગીતની બીજી કઈ રચનાને બ્રહ્માંડ સ્તરે સ્થાન આપવામાં આવ્યું હોત ? ગીત સાંભળ્યા પછી તમે આ પ્રશ્નનો ઉત્તર વિચારવાની કોશિશ કરજો !!! કેસરબાઈનું 'જાત કહાં હો અકેલી ગોરી ?' ગીત તમને યુ-ટયુબ પર સર્ચ કરવાથી જરૂર સંભાળવા મળી જશે !




