પિતૃઓ વિષે જગતના જાણીતા ધર્મો શું-શું જણાવી રહ્યા છે?

- દુનિયામાં દશ હજારથી વધુ ધર્મો અસ્તિત્વમાં છે અને લગભગ દરેક ધર્મમાં પિતૃઓ પ્રત્યે એક યા બીજા પ્રકારે શ્રદ્ધા રાખવામાં આવેલી છે!
અધર્મ એટલે કે, જ્યાં કોઈ ધર્મ નથી પાળવામાં આવતો ત્યાં પણ અનુયાયીઓ સ્મૃતિ-સ્મરણ સ્વરૂપમાં પિતૃઓનું અસ્તિત્વ સ્વીકારે છે! - લપછપ- કૌશિક કુમાર દીક્ષિત
એ ક ચીની કહેવત છે જેનો અર્થ એવો થાય કે…પોતાના પિતૃઓને ભૂલી જનાર વ્યક્તિ સ્રોત(ઉદગમ સ્થાન) વગરની નદી સમાન તેમજ મૂળ વગરના ઝાડ સમાન છે! આફ્રિકામાં એક એવી કહેવત પ્રચલિત છે કે, જયારે પરિવારમાં એક બાળકનો જન્મ થાય છે ત્યારે એક પિતૃ પરિવારમાં પરત ફરે છે! એક અરબી કહેવત એવી છે કે, આપણા પિતૃઓ મૌન વણકર છે! અમેરિકામાં એક ગૂઢ-ગહન કહેવત પ્રચલિત છે કે, આપણે આ પૃથ્વી આપણને પિતૃઓ પાસેથી વારસામાં નથી મળી બલ્કી આપણી આગામી પેઢીઓ પાસેથી આપણે ઉધાર લીધી છે! એક જર્મન કહેવત છે જેનો અનુવાદ કરવો હોય તો એમ કહી શકાય કે…ખચ્ચર હમેશા એ વાતનું અભિમાન રાખે છે કે પોતાના પિતૃઓ ઘોડા હતા! એક ડચ કહેવત એવી છે કે, જેનાં દાદા નથી હોતા તેને કોઈ શરમ પણ નથી હોતી!
તો, પિતૃઓનો મહિમા માત્ર હિન્દુઓએ જ નથી કર્યો પણ જગતભરની સંસ્કૃતિઓમાં પિતૃઓ વિષયક સમૃદ્ધ સાહિત્ય પથરાયેલું પડયું છે. અહિ તમને જગતના વિવિધ ધર્મોમાં પિતૃઓ વિષયક શું-શું માન્યતાઓ પરાપૂર્વથી ચાલી આવેલી છે તેનું જ્ઞાન કરાવવું છે :
હિંદુ ધર્મ
હિંદુઓમાં પિતૃઓની પૂજા એક પ્રકારની આધ્યાત્મિક શક્તિ તરીકે કરવામાં આવે છે. હિંદુઓ પિતૃઓ તરફ એક પ્રકારનું કર્તવ્ય-એક પ્રકારની કૃતજ્ઞાતા રાખે છે અને પિતૃઓ પરલોકવાસી હોવાનું માને છે. પિતૃઓનું સ્મરણ સંસારમાં પુનર્જન્મની માન્યતાને દ્રઢ કરે છે. મૃત્યુ બાદ, સુયોગ્ય પિતૃકર્મ પૂરું નહિ કરવાથી પિતૃઓને પૃથ્વી પર પ્રેત સ્વરૂપે ભટકવું પડે છે તેવી એક માન્યતા હિંદુઓમાં જોવા મળે છે.
મુસ્લિમ ધર્મ
મુસ્લિમોમાં પિતૃઓને આદર આપવા-પિતૃઓનું સ્મરણ કરવા ખાસ પ્રાર્થનાઓ છે. પરંતુ, ઇસ્લામ ધર્મનો પાયો એકેશ્વરવાદ હોવાથી પિતૃઓની પૂજા-આરાધના કરવાની મનાઈ છે. પિતૃઓની પૂજા કરવામાં આવે અથવા પિતૃઓ માટે ગરદન ઝુકાવવામાં આવે તેને ઇસ્લામ 'શિર્ક' કહે છે અને પિતૃઓની ભક્તિથી અલ્લાહની ભક્તિ અખંડ રહી શકતી નહિ હોવાથી તેનો નિષેધ છે. મુસ્લિમ ધર્મની માન્યતા મુજબ, મૃત્યુ પછી આત્મા બર્ઝખમાં પ્રવેશે છે અને જીવિત પ્રાણીઓ સાથે તેનો સંબંધ સર્વથા તૂટી જાય છે તેમજ મૃત આત્માઓ પૃથ્વી પર કદાપિ પરત આવતી નથી.
ખ્રિસ્તી ધર્મ
ખ્રિસ્તીઓના મતે એક માત્ર ઇસુ ખ્રિસ્ત જ ઈશ્વર અને મનુષ્ય વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે. અધ્યાત્મિક રક્ષણ-સૌભાગ્ય કે અન્ય પ્રકારે પિતૃઓની શરણમાં જવાનો ખ્રિસ્તી ધર્મમાં નિષેધ છે. પિતૃઓને માત્ર યાદ કરી શકાય તેમજ તેમની યાદમાં સદ્કર્મો પણ કરી શકાય. ખ્રિસ્તી ધર્મ મૃત્યુને પ્રાકૃતિક દુનિયા તેમજ પરલોક વચ્ચે એક પૂર્ણ સીમા તરીકે ઓળખે છે અને તે આધારે પિતૃઓ સાથે કેવી રીતે રહેવું તેનું માર્ગદર્શન આપ્યું છે.
બૌદ્ધ ધર્મ
પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાના પ્રયત્નોને બદલે, બૌદ્ધ ધર્મમાં સદ્કર્મો કરવા તરફ વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બૌદ્ધ લોકો પિતૃઓ વિષયક પ્રાર્થનાઓ કરે છે-ધ્યાન કરે છે અને એવું કૈંક કરવાની તરફેણમાં છે કે જે કરવાથી પિતૃઓનાં કષ્ટ દૂર થવામાં સહાયક રહે! બૌદ્ધ ધર્મમાં અનેક શાખાઓ છે અને તે શાખાઓ વચ્ચે ક્યાંક-ક્યારેક મતાંતર રહે છે પણ, સમસ્ત બૌદ્ધ ધર્મ એવી એક સુદ્રઢ માન્યતા સાથે વિકસ્યો છે કે…પિતૃઓને દૂરસ્થ કે મનુષ્યથી ભિન્ન કોઈ સત્તા સમજવાને બદલે પિતૃઓને પોતાના પ્રત્યેક શ્વાસમાં-પ્રત્યેક રક્તબુંદમાં સમાયેલા જાણી -સમજી વ્યક્તિએ જીવનમાં આગળ વધવાનું છે.
અધર્મ
જેઓ કોઈ પણ ધર્મ સાથે જોડાયેલ નથી તે લોકો અધર્મ પાળી રહ્યા હોય છે. કોઈ પણ ધર્મ નહિ તે પણ એક પ્રકારનો ધર્મ જ છે. અધર્મ પાળનારા લોકો પણ પિતૃઓ જેવા વિષયમાં માને તો છે પણ, તેઓ પિતૃઓ વિષયક અલૌકિક વિષયોમાં શ્રદ્ધા નથી રાખતા! તેઓ ઐતિહાસિક દ્રષ્ટિકોણ રાખી પિતૃઓ સાથે પરલોકનો કોઈ સંબંધ હોવાની વાતને નકારી કાઢે છે. અધર્મની વાત મુજબ, પિતૃઓનું અસ્તિત્વ એક માત્ર સ્મૃતિ -સ્મરણમાં જ હોવાનું વાજબી છે.
શિન્ટો ધર્મ
૯,૦૦,૦૦,૦૦૦ (નવ) કરોડથી વધુ લોકો જાપાનમાં શિન્ટો ધર્મ પાળી રહ્યા છે. શિન્ટો ધર્મ એવું માને છે કે, પિતૃઓ પવિત્ર આત્માઓ છે અને તેઓ પોતાના જીવિત વંશજોનું રક્ષણ તેમજ માર્ગદર્શન કરતાં રહે છે. મૃત્યુ પછી મનુષ્યના આત્માને શિન્ટો ધર્મમાં 'મિતમા' તરીકે ઓળખવામાં આવે છે અને મૃત્યુ પછી પણ જીવન હોવાનો મત શિન્ટો ધર્મમાં જોવા મળે છે. પોતાના વંશજોની સાર-સંભાળ માટે તેમજ તેઓને પ્રોત્સાહન આપવા માટે પિતૃઓની તુષ્ટિ-પુષ્ટિ જરૂરી હોવાનું માનવામાં આવે છે.
તાઓ ધર્મ
તાઓ ધર્મ પાળનારા લોકો પિતૃઓ પણ જીવિત આત્માઓ સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધીને જીવી રહ્યા હોવાનું સમજાવે છે. તાઓ ધર્મમાં મૃત્યુને અંત નહિ પણ સંક્રમણ ગણ્યું છે. પિતૃઓ પોતાની પેઢીને મદદ કરી શકે છે તેમજ પોતાની પેઢીની જાળવણી પણ કરતા રહે છે. પારિવારિક સંબંધોને મૃત્યુથી પર-ઉપર ગણીને વર્તમાન પેઢીનો તેની પૂર્વ મૃત પેઢી સાથે નિરંતર સંબંધ સ્થપાયેલો હોવાનું ધર્મ માને છે. તાઓ ધર્મ પાળનારા લોકો પોતાના ઘરમાં પિતૃઓ માટે એક અલગ વેદી
રાખે છે!
યોરૂબા ધર્મ
યોરૂબા ધર્મનો ફેલાવો ખાસ કરીને આફ્રિકામાં જોવા મળે છે. યોરૂબા મુજબ, પિતૃઓ ભૌતિક વિશ્વ-દિવ્ય જગત વચ્ચે સેતુરૂપ અસ્તિત્વ ધરાવે છે. મૃત્યુ અસ્તિત્વનો અંત નથી બલ્કી એયે(ભૌતિક જગત)થી ઓરૂન(આધ્યાત્મિક જગત) તરફ ગતિ છે. યોરૂબામાં એક સાચા પિતૃ(બાબા-નલા)ની વ્યાખ્યા પણ કરવામાં આવેલી છે. તે અનુસાર, એક સાચો પિતૃ સદાચાર જીવન જીવીને દીર્ઘાયુ ભોગવી સુયોગ્ય અંતિમ સંસ્કાર પામી પોતાના સ્મારક વગેરે માટે ઉત્તમ વંશજ છોડી જાય છે. યુરૂબામાં પુનર્જન્મ 'અતુનવા' તરીકે ઓળખાય છે અને તેઓ એવું માને છે કે…ગુણવાન પિતૃઓ પોતાના પરિવારમાં પાછો જન્મ ધારણ કરે છે.
કોદૈસ્મ ધર્મ
કોદૈસ્મ ધર્મ હજુ ૨૦મી સદીમાં વિયેતનામમાં અસ્તિત્વમાં આવ્યો! ધર્મનો પાયો મજબૂત કરવા માટે પાંચ પ્રાથમિક કેળવણી તરફ કોદૈસ્મ ધર્મ ધ્યાન આપે છે અને લોકોએ દૈનિક પૂજા પ્રાર્થનાઓ-અનુષ્ઠાનો તેમજ ઘરગથ્થુ વેદીઓ રાખીને કુટુંબમાં દિવંગત સભ્યો સાથે આદરપૂર્વક સક્રિય સંબંધ સ્થાપી રાખવાનું જણાવ્યું છે. આત્માનું અસ્તિત્વ મૃત્યુ પછી પણ બરકરાર હોવાનું જણાવ્યું છે.
પારસી ધર્મ
પારસી ધર્મમાં પુનર્જન્મ જેવી કોઈ માન્યતા નથી. આત્મા(ઉરવન)ને મૃત્યુ પછી ન્યાયનો સામનો કરવાનો આવે છે એવી માન્યતા સાથે પારસી ધર્મમાં એવું માનવામાં આવે છે કે, દરેક વ્યક્તિ (પછી તે જીવિત હોય કે મૃત હોય!) નિર્મિત ફરાવશી ધારણ કરે છે. આ ફરાવશી શુદ્ધ અને અખંડ રહે છે-અક્ષુણ્ણ રહે છે. પારસી ધર્મમાં બ્રહ્માંડીય વ્યવસ્થાને 'આશા' નામ આપવામાં આવ્યું છે અને આશાને ટકાવી રાખવા માટે પિતૃઓના ફરાવશી તાકાતવર અધ્યાત્મિક સૈન્ય જેવું કામ કરે છે. સૃષ્ટિના નિર્માતાને અંધકાર સામે લડવાની તાકાત પિતૃઓ દ્વારા મળતી હોવાની માન્યતા પારસી ધર્મમાં જોવા મળે છે.
યહૂદી ધર્મ
યહૂદી ધર્મ ઈ.સ. ૫૦૦ પૂર્વે અસ્તિત્વમાં આવ્યો. ૩,૦૦૦ વર્ષ જૂના યહૂદી ધર્મમાં પિતૃઓની પૂજા-અર્ચના કે પિતૃઓને કોઈ પણ પ્રકારનો વિશેષ દરજ્જો આપવાની સખત મનાઈ છે. પરંતુ, યહૂદી ધર્મમાં પિતૃઓનંૂ અધ્યાત્મિક-સાંસ્કૃતિક-સાંપ્રદાયિક મહત્વ જરૂર સ્વીકારવામાં આવ્યું છે. પિતૃઓની નિષ્ઠા વર્તમાન-ભાવિ પેઢીઓને ઈશ્વરીય સહાય કરતી હોવાની માન્યતા છે. પેઢી દર પેઢી એટલે કે 'લડોર વડોર' યહૂદી ઓળખનો એક મુખ્ય સ્તંભ છે. પિતૃઓની પુણ્યતિથિઓ ઉજવવાની પ્રથા યહૂદીઓમાં જોવા મળે છે. યહૂદીઓમાં નવજાત શિશુઓનાં નામ તેઓનાં દિવંગત સ્વજનોનાં નામ પરથી પાડવાનો પણ
રિવાજ છે.
બહાઈ ધર્મ
૭ લાખ અનુયાયીઓનો બહાઈ ધર્મ ફારસમાં ૧૯મી સદીમાં અસ્તિત્વમાં આવ્યો હતો. આ ધર્મમાં પિતૃઓને જીવિત માનવીય સ્વરૂપમાં જ જોવામાં આવે છે તેમજ જીવિત મનુષ્યો માફક પિતૃઓ પણ પોતાની પ્રગતિ કરતાં રહેતા હોવાની માન્યતા છે. બહાઈ ધર્મ માને છે કે, મનુષ્ય મૃત્યુ પછી જીવિત રહે છે અને મૃત -જીવિત બંને પ્રકારની વ્યક્તિઓ એક અનંત યાત્રામાં શામેલ હોય છે. જીવિત વ્યક્તિઓ પોતાના પિતૃઓની ક્ષમા-ઉન્નતિ માટે પ્રાર્થનાઓ કરી શકે છે.
-દુનિયામાં બધું મળીને ૧૦,૦૦૦ આસપાસ નાના-મોટા ધર્ર્મોનું અસ્તિત્વ છે, બધા ધર્મોનો અભ્યાસ કરવા માટે એક આયખું ઓછું પડે! અહિ દુનિયાના મુખ્ય-મુખ્ય ધર્મોમાં પિતૃઓ વિશેની માન્યતાઓની વાત કરી.
અનંત નાગ
જેમને તાજેતરમાં જ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર જાહેર થયો
માન્યામાં નહિ આવે તેવી કેટલીક વાતો!
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પૂર્વે તા. ૨૨-૦૨-૨૦૨૩ના રોજ અનંત નાગ માટે બીજેપી પ્રવેશનો એક મોટો કાર્યક્રમ યોજાયેલો પણ, કાર્યક્રમમાં તેઓ આવ્યા જ નહિ!
તા જેતરમાં જ કન્નડ અભિનેતા ઉપરાંત એક સમયના સક્રિય રાજનેતા અનંત નાગરકટ્ટાને ૭૮ વર્ષની જૈફ વયે ફિલ્મજગતનો સર્વોચ્ચ 'દાદા સાહેબ ફાળકે' પુરસ્કાર જાહેર થયો. ૩૦૦ જેટલી ફિલ્મોમાં પોતાનો અભિનય કરનાર અનંત નાગ જીવનમાં કુલ ૩ ચૂંટણીઓ લડયા જે પૈકી એક જીત્યા જયારે બે હાર્યા છે. અહિ તેમના વિશે આશ્ચર્ય થાય તેવી વાતો જાણી લઈએ..
પોતે સશસ્ત્ર સૈન્યમાં જોડાવા માટે શરૂઆતમાં વલખાં માર્યા હતાં પણ, પોતાનું વજન ઓછું હોવાને લીધે અનંત નાગને તેમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા… બીજું કે, દેશની વાયુ સેનાએ તેમની આંખ ખરાબ હોવાથી તેમને નાપસંદ કર્યા હતા.
અનંત નાગે કદાપિ કોઈ ફિલ્મમાં કોઈ હીરોઈન સાથે નૃત્ય કર્યું નહિ! એમની ઉપર આટલી સમૃદ્ધ કારકિર્દી હોવા છતાં કોઈ ગીત (હીરોઈન સાથે) કદી ફિલ્માવવામાં આવ્યું નહિ! અનંત નાગ એક ઠેકાણે એવું કહી ચૂક્યા છે કે, નૃત્ય પુરુષો માટે નથી!
એમને જીવનમાં અભિનય કરતાં રાજકારણ વધુ અઘરું લાગ્યું અને તે વાત એમણે ક્યાંક કબૂલ પણ કરી છે. તેઓ કર્ણાટક વિધાનસભાની એક ચૂંટણી જીત્યા હતા અને ત્યાની સરકારમાં મંત્રી પણ બન્યા હતા.પણ, એક લોકસભાની ચૂંટણી તેમજ એક વિધાનસભાની ચૂંટણી હાર્યા પણ હતા.
બપોરની ૪૫ મિનીટની નીંદર અનંત નાગની મજબૂરી રહી છે… શુટિંગ વખતે પણ ગમે તે રીતે સમય કાઢી તેમણે સોફા પર બેઠા-બેઠા પણ આ નીંદર લઇ
લીધી છે.
મહાત્મા ગાંધી એમના પ્રિય નેતા છે અને, આનંદ આશ્રમમાં રહી દરરોજ એક કલાક રેંટીયો પણ પોતે કાંત્યો છે!
અનંત નાગ ઠંડી બિલકુલ સહન નથી કરી શકતા! એક મોટી ફિલ્મ 'વિશ્વરુપમ' એમણે એટલા માટે સાઈન નહિ કરી હતી કે…તેનું શુટિંગ ન્યુયોર્ક ખાતે થવાનું હતું.
એમણે રાજકારણ છોડયું તે પાછળ એવું કારણ જણાવ્યું હતું કે, રાજકારણમાં દરેક જગ્યાએ આંતરકલહ છે અને સઘળી વસ્તુઓ એકબીજાના અહંકાર વચ્ચે ટકરાતી રહે છે.
અનંત નાગના મંતવ્ય મુજબ, રાજનેતા બનવા કરતાં રાજનેતાની જેમ વરતવું આસાન છે…કેમ કે, એક રાજનેતાને પોતાની મરજી મુજબ વરતવાની છૂટ આપવામાં નથી આવતી હોતી.
તેઓએ ક્યાંક એમ પણ કહ્યું છે કે, હું મંત્રી હતો ત્યારે ફિલ્મોમાં અભિનય બંધ કરી દેવાની મને સૂચના આપવામાં આવી હતી!
અનંત નાગના રાજકીય ગુરુ હતા રામકૃષ્ણ હેગડે…અને, આ હેગડેને જનતા દળમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા તો પણ, અનંત નાગ જનતા દળમાં જ રહ્યા હતા, ગુરુની પાછળ-પાછળ તેમણે પક્ષ છોડી નહોતો દીધો!
અને, સૌથી અગત્યનું (જે ભાજપ સરકારે અનંત નાગને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપ્યો તે) ભાજપમાં જોડાઈ જવાનો એક મોટો સમારંભ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂર્વે તા. ૨૨-૦૨-૨૦૨૩ના રોજ બેંગ્લોર ખાતે યોજાયેલો પણ, તેઓ એ સમારંભમાં આવ્યા જ નહિ!




