Ravi Purti

જવા દઈશું તને...

By GS Team
25 Jul 20267 mins read
જવા દઈશું તને...
  • સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
  • 'મારો દીકરો મરી રહ્યો હતો ત્યારે તું ક્યાં હતો? મારો હેમ્નેટ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તું મારી પડખે કેમ નહોતો?'

ઊ ઘડતાં દ્રશ્યમાં જ એક યુવાન સ્ત્રી વિશાળ વૃક્ષની છાયામાં લગભગ ટૂંટિયું વાળીને સૂતી દેખાય છે. અજન્મ શિશુ જે રીતે માતાના ગર્ભમાં ટૂંટિયું વાળીને સૂતું હોય તેમ. સ્ત્રીની આ મુદ્રા સાંકેતિક છે. ધીમે ધીમે એ વાત ઊઘડતી જવાની છે કે આ સ્ત્રી પ્રકૃતિનું સંતાન છે. જંગલનાં વૃક્ષો સાથે, ફૂલો-વનસ્પતિઓ સાથે, પશુ-પક્ષીઓ સાથે એ વિશેષ સંધાન ધરાવે છે.
આ સ્ત્રીનું નામ એગ્નેસ છે. જેની વાત માંડી છે તે અદ્ભુત ફિલ્મનું નામ 'હેમ્નેટ' છે. છેલ્લા ઓસ્કર સમારોહમાં એગ્નેસનું પાત્ર ભજવનાર જેસી બકલીએ બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર જીતી લીધો હતો. હા, 'હેમ્નેટ' એટલે 'હેમ્લેટ' નામનું બીજું રૂપ. મહાન સર્જક શેક્સપિયરે સવા-ચારસો વર્ષ પહેલાં લખેલું 'હેમ્લેટ' નાટક આજે પણ વિશ્વભરમાં વંચાય છે ને ભજવાય છે. વિશાલ ભારદ્વાજની ખૂબ વખણાયેલી ફિલ્મ 'હૈદર' (૨૦૧૪) 'હેમ્લેટ' પર આધારિત હતી. હેમ્નેટ શેક્સપિયરના એમના દીકરાનું નામ છે. થોડા દિવસો પછી, ૧૧ ઓગસ્ટે, હેમ્નેટની મૃત્યુતિથિ આવશે. આડવાત પૂરી થઈ. હવે ફિલ્મ પર પાછા ફરીએ.
ફિલ્મમાં યુવાન શેક્સપિયર હજુ લેખક બન્યા નથી. બે પૈસા કમાવા એ છોકરાઓને ટયુશન ભણાવે છે. વરણાગી એગ્નેસને જોતાં જ એમના પ્રેમમાં પડી જાય છે. એગ્નેસને પણ શેક્સપિયર ગમે છે. એ શેક્સપિયરનો હાથ પોતાના હાથમાં લે છે અને જાણે કશુંક પામી ગઈ હોય તેમ ભવિષ્ય ભાખે છે: જોજે, તું ભવિષ્યમાં બહુ મોટો માણસ બનીશ… અને તું મરીશ ત્યારે બે સંતાનો તારી પડખે હશે.
શેક્સપિયરની મા એને કહે છે: તને ખબર નથી, એગ્નેસ તો ડાકણ છે, આખો દા'ડો જંગલમાં ફર્યાં કરતી હોય છે. પણ શેક્સપિયરને આ 'ડાકણ' બહુ વહાલી છે. એગ્નેસ ગર્ભવતી બને છે એટલે નછૂટકે શેક્સપિયર સાથે એને પરણાવી દેવી પડે છે. એગ્નેસ મીઠડી દીકરીને જન્મ આપે છે. એનું નામ પાડવામાં આવે છે, સુઝાના.
એગ્નેસને સમજાય છે કે મારો વર આ ગામડાગામમાં મૂંઝાઈ રહ્યો છે. એના જેવા પ્રતિભાશાળી માણસની કદર મોટા શહેરમાં જ થઈ શકે. એ શેક્સપિયરને લંડન મોકલી આપે છે. શેક્સપિયર શહેર જઈને લેખક-એક્ટર બનવા સ્ટ્રગલ શરૂ કરે છે, ને વચ્ચે વચ્ચે પોતાને ગામ આવતો-જતા રહે છે. એગ્નેસ ફરી ગર્ભવતી બને છે. આ વખતે એ બે સંતાનોને જન્મ આપે છે - એક બાબો, એક બેબી. છોકરો તંદુરસ્ત અવતર્યો, પણ છોકરીના શરીરમાં પ્રાણ નથી. એ કદાચ જન્મતાં પહેલાં જ મૃત્યુ પામી છે, પણ એગ્નેસ માનવા તૈયાર નથી. નહીં-નહીં-નહીં… એ કહે છે, મારી દીકરી એમ મરી ન શકે. એ અચેતન બાળકીને છાતીએ ચાંપે છે, અન જાણે ચમત્કાર થયો હોય તેમ, બાળકી રુદન કરી ઉઠે છે. જોડિયાં સંતાનોનું નામાંકરણ થાય છે. દીકરી જુડિથ, ને દીકરો હેમ્નેટ. શેક્સપિયરને ત્રણેય સંતાનો માટે ખૂબ પ્રેમ છે, પણ હેમ્નેટ એમને વિશેષ વહાલો છે. એ ટાબરિયા હેમ્નેટને તલવારબાજી શીખવે છે. હેમ્નેટ કહે છે, પિતાજી, હું પણ મોટો થઈને તમારી જેમ નાટકોમાં કામ કરીશ… તમારી નાટક કંપનીમાં જોડાઈશ.
…પણ ઉપરવાળાની ઇચ્છા કંઈક જુદી છે. દીકરી જુડિથ પ્લેગનો ભોગ બને છે. એગ્નેસ પોતાનાથી બનતું બધું જ કરી છૂટે છેે.નાનકડો હેમ્નેટ પોતાની જોડિયા બહેનની બાજુમાં લપાઈને કહે કહે છે: જો, આપણે છેને આમ બાજુબાજુમાં માથે ઓઢીને સૂઈ જઈશુંને તો મોત તને લેવા આવશે તોય એને ખબર નહીં પડે આપણા બેમાંથી કોણ જુડિથ છે ને કોણ હેમ્નેટ છે! આપણે મોતને છેતરીશું!
એવું જ થાય છે. જુડિથ તો સાજી થઈ જાય છે, પણ હેમ્નેટની તબિયત અચાનક બગડવા જાય છે. નાનકડા ફૂલ જેવા માસૂમ દીકરાને ભયંકર રિબાતો જોઈને એગ્નેસ ઘાંઘી થઈ ગઈ છે. એ દવાદારૂ કરે છે, જાતજાતની જડીબુટ્ટીઓ અજમાવે છે, પણ આખરે દીકરો એના ખોળામાં જ જીવ છોડે છે. એગ્નેસ તૂટી જાય છે. હું અંત:સ્ફૂરણાથી બધું કળી લઉં છું, જે બીજાઓ જોઈ શકતા નથી તે મને દેખાઈ જાય છે… પણ કાળમુખું મોત મારી દીકરાની નજીક આવી રહ્યું હતું એ મને કેમ દેખાયું નહીં? હું ક્યાં થાપ ખાઈ ગઈ? મેં શું ભૂલ કરી નાખી? એક કારમું સત્ય એગ્નેસની આંખ સામે છાતી કાઢીને ઊભું રહી ગયું છે: કુદરતનો પોતાનો લય છે, એના પોતાના અકળ નિયમો છે, જે કોઈને સમજાતા નથી. કુદરત કોઈ પણ જાતના ખુલાસા કરવા કે આગોતરી ચેતવણી આપવા બંધાયેલી નથી. તમે સંતાનને ગમે તેટલો પ્રેમ કેમ ન કરતા હો, તમે એનું જીવનકવચ બની શકતા નથી…
શેક્સપિયર હાંફળાફાંફળા ગામ પહોંચે છે. વહાલા દીકરાનું મોત એમના પર પણ વીજળીની જેમ ત્રાટક્યું છે. એગ્નેસે વર્ષો પહેલાં ભવિષ્યવાણી ઉચ્ચારીને એને કહ્યું હતું કે તારી અંતિમ પળે તારાં બે સંતાન હાજર હશે. આ ભવિષ્યવાણી ક્રૂર રીતે સાચી પડી છે. હેમ્નેટ ત્રીજું સંતાન હતું, એણે જવાનું જ હતું…
શેક્સપિયર એગ્નેસને કહે છે: તમે મા-દીકરીઓ મારી સાથે લંડન ચાલો, મેં ત્યાં મોટું મહેલ જેવું ઘર ખદીદ્યું છે, આપણે સૌ સાથે રહીશું. એગ્નેસ એને તમાચો મારી દે છે: મારો દીકરો મરી રહ્યો હતો ત્યારે તું ક્યાં હતો? મારો હેમ્નેટ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તું મારી પડખે કેમ નહોતો?
શેક્સપિયર પાસે કશો જવાબ નથી. એ પાછા લંડન જતા રહે છે. એકલા. સંતાનનું મોત પતિ-પત્નીને એકબીજાથી નિકટ લાવી દે તે એક વિશફુલ થિંકિંગ થયું. સંતાનનું મોત પતિ-પત્ની એકબીજાથી દૂર ધકેલી દે, એમ બને. મૃત્યુ પામેલું સંતાન પતિ-પત્નીના સંબંધ પર ભયાનક પ્રહાર કરી શકે છે. શેક્સપિયર એક નાટયકાર તરીકે સફળ થઈ ચૂક્યા હતા, પણ હેમ્નેટના અણકલ્પ્યા મૃત્યુને કારણે બધું અર્થહીન બની ગયું છે. એમને જીવ ટૂંકાવવાની ઇચ્છા થાય છે, પણ એમ માગ્યું મોત પણ ક્યાં મળે છે?
જીવવું પડે છે. હૃદયનો ટુકડો કુદરતે છીનવી લીધો હોય તો પણ પોતાની જાતને સમેટીને જીવવું પડે છે. શેક્સપિયર પોતાની જાતને કામમાં ડૂબાડી દે છે. તેઓ એક નાટક લખે છે. આ નાટક એટલે 'હેમ્લેટ'.
આ બાજુ એગ્નેસને ખબર પડે છે કે શેક્સપિયરે પોતાના દીકરા પરથી એક નાટક લખ્યું છે. ફક્ત હેમ્નેટનું હેમ્લેટ કરી નાખ્યું છે. એગ્નેસ પોતાના ભાઈને લઈને લંડન પહોંચે છે. એને એમ કે મારો વર પેલા મહેલ જેવા ઘરમાં રહેતો હશે, પણ એને ખબર પડે છે કે એ તો ભંડકિયા જેવી સાદી ઓરડીમાં રહે છે. એ નાટક જોવા પહોંચી જાય છે. આજે નાટકનો પહેલો જ શો છે. ગામડાગામની અભણ બાઈને નાટક-બાટકમાં શું ગતાગમ પડે? શરૂઆતમાં મંચ પર હેમ્લેટ અને અન્ય પાત્રો સંવાદો બોલવાનું શરૂ કરે છે, પણ એગ્નેસને કશું સમજાતું નથી. પણ ધીમે ધીમે સૂર પકડાતો જાય છે, ને એ નાટકના કથાપ્રવાહ સાથે વહેવા લાગે છે. શેક્સપિયર દીકરાને તલવારબાજી શીખવતા, અહીં નાટકનો હીરો હેમ્લેટ પણ તલવારબાજી કરે છે. નાટકના અંતમાં યોદ્ધો હેમ્લેટ મૃત્યુ પામે છે. મરતાં મરતાં એ પોતાના દોસ્તને કહે છે: ના, તારે મારી સાથે મરવાનું નથી. તારે જીવવાનું છે ને બધાને સચ્ચાઈ કહેવાની છે કે રણમેદાનમાં ખરેખર શું બન્યું હતું. મેં મારી ફરજ બજાવી લીધી છે. મારે હવે કશું વધારે કહેવાનું કે કરવાનું નથી. ધ રેસ્ટ ઇઝ સાયલન્સ…
આ કરૂણ સંવાદ પછી હેમ્લેટ બનેલો એક્ટર છેલ્લો શ્વાસ લેતાં લેતાં પોતાનો હાથ આગળ લંબાવે છે. મંચની સાવ ધાર પાસે ઊભેલી અને ભાવવિભોર થઈ ગયેલી એગ્નેસ એક્ટરનો હાથ પોતાના હાથમાં લે છે. વર્ષો પહેલાં શેક્સપિયરનો હાથ આ જ રીતે એણે પોતાના હાથમાં લીધો હતો. એગ્નેસ ફરી કશુંક કળી લે છે. એને સમજાય છે કે દીકરાના મૃત્યુથી એકલી હું જ દુખી નથી, મારો વર પણ મારા જેટલો જ પીડાયો છે. હા, એની રીત અલગ છે પોતાની પીડા વ્યક્ત કરવાની. એ લખીને પોતાની વેદનાને વાચા આપવાની કોશિશ કરી રહ્યો છે…
એગ્નેસે અભિનેતાનો હાથ પોતાના હાથમાં લીધો હતો તે જોઈને આસપાસ ઊભેલા પ્રેક્ષકો પણ અનાયાસ પોતાનો હાથ લંબાવે છે. કલાકાર અને ભાવક જાણે કે અનુભૂતિના સમાન સ્તર પર મૂકાઈ ગયા છે. વિંગમાં ઊભેલા શેક્સપિયર (પૉલ મેસ્કલ) આ જોઈને રડી પડે છે. પોતાનું નાટક સફળ થયું છે તેમ જાણીને નહીં, પણ એગ્નેસ આખરે પોતાની પીડાને સમજી છે ને સ્વીકારી છે, તે જાણીને. આ નાટક એમનું કેથાર્સિસ હતું. પોતાની વેદનાને એમણે કળામાં પરિવર્તિત કરી હતી. આ બિંદુ પર 'હેમ્નેટ' ફિલ્મ પૂરી થાય છે.
કોલ ઝાઓ નામનાં ડિરેક્ટરે બનાવેલી આ અત્યંત સંવેદનશીલ અને માતબર ફિલ્મ તક મળે ત્યારે જોજો.
શો સ્ટોપર
હું કંઈ પણ કરું, પ્રોબ્લેમ થઈ જાય છે. કોઈ કહેશે, તમે મોઢું શા માટે ખોલતા નથી? કોઈ વળી કહેશે, તમે મોઢું બંધ જ રાખો. આમાં મારે કરવું શું?

  • રજનીકાંત