Ravi Purti

'ઘરની દીવાલોને સમજી બેઠા છીએ આકાશ આપણે..'

By GS Team
27 Sep 20267 mins read
'ઘરની દીવાલોને સમજી બેઠા છીએ આકાશ આપણે..'
  • જેલમાં ચોક્કસ નંબરની ઓરડીઓ હોય છે, જેને 'સેલ' કહેવાય છે. આપણું મન પણ કેટલાય પૂર્વગ્રહો, ડર, જૂની માન્યતાઓ, આદતો અને રૂઢિચુસ્તતાના સેલમાં કેદ નથી?
  • હોરાઈઝન-ભવેન કચ્છી
  • આપણે એવા કેદી છીએ જે પોતાની જેલની ચાવી ખિસ્સામાં લઈને ફરે છે અને છતાં બહાર આવવા માંગતા નથી!

થો ડા દિવસો પહેલા અમદાવાદની મધ્યસ્થ જેલની ઊડતી મુલાકાત લેવાની તક મળી. ઊંચી-ઊંચી કાળઝાળ દીવાલો, લોખંડના ભારેખમ દરવાજા અને એની પાછળ ધબકતી એક અલગ જ દુનિયા. ત્યાં કેદીઓ ખુલ્લા સંકુલમાં આમથી તેમ આંટા મારી રહ્યા હતા, કોઈ પથ્થરની બેન્ચ પર ચૂપચાપ બેસીને શૂન્યમાં તાકી રહ્યું હતું, તો કોઈ જેલના રસોડામાં ચૂલા આગળ પરસેવો પાડી રહ્યું હતું.
બહારથી જોનારને આ એક કેદ લાગે, પણ જેવી નજર એ કેદીઓની દિનચર્યા પર પડી, મન એક વિચિત્ર વિચારોના વમળમાં વલોવાતું ગયું. કેદીઓના અક્ષમ્ય કૃત્યો, કલંક અને મુક્તિના એહસાસથી તેઓ વંચિત છે તે પાસાઓને બાજુએ મૂકીને આપણે પણ જે બંધિયાર જીવન જીવીએ છીએ તેની જેલની દુનિયા સાથે મનોમન સરખામણી થઈ ગઈ. સ્વગત પુછાઈ ગયુ કે 'આપણે જે બહારની સામાન્ય દુનિયામાં જીવીએ છીએ, શું એ કોઈ મોટી જેલ નથી?' તો ચાલો આપણે જ ઉભી કરેલી બહારની દુનિયાની આ જેલની લટાર લગાવીએ.
માનસિક બંધિયારપણું : જેલમાં ચોક્કસ નંબરની ઓરડીઓ હોય છે, જેને 'સેલ' કહેવાય છે. આપણું મન પણ કેટલાય પૂર્વગ્રહો, ડર, જૂની માન્યતાઓ અને રૂઢિચુસ્તતાના સેલમાં કેદ નથી?
વિચારોની મર્યાદા : આપણે સમાજ શું કહેશે એના ડરથી આપણા સપનાંઓને એ ઊંચી દીવાલોની અંદર જ પૂરી દઈએ છીએ.
વર્ચ્યુઅલ જેલ : આજનો માનવી સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની સ્ક્રીનની એવી તો જેલમાં કેદ છે કે તેને વાસ્તવિક દુનિયા અને મુક્ત આકાશ દેખાતા જ બંધ થઈ ગયા છે.
મન મુક્ત હોય તો પક્ષીની જેમ આકાશમાં ઉડી શકાય છે ત અને જો મન જ બંધિયાર હોય તો ખુલ્લા મેદાનમાં ઊભા રહીને પણ ગૂંગળામણ અનુભવાય છે.
'જેલ જેવી શિસ્ત' : ઘણા લોકો એમ કહે છે કે આપણું જીવન બહુ અસ્તવ્યસ્ત છે, પણ જરા ઊંડાણપૂર્વક વિચારો. સવારે એલાર્મ વાગતાની સાથે જ પલંગ છોડવો, ટ્રાફિકમાં ફસાતા-ફસાતા સમયસર ઓફિસે પહોંચવું, બોસના ટાર્ગેટ પૂરા કરવા અને રાત્રે થાકીને ચૂર થઈને સૂઈ જવું - આ કોઈ જેલની સખત શિસ્તથી કઈ રીતે અલગ છે?
સમયપત્રકનું ગુલામ : કેદીઓને સમયસર જમવાનું અને સૂવાનું મળે છે, અને આપણી પણ મોટાભાગની જિંદગી ઘડિયાળના કાંટા પર જ ચાલે છે. ફરક માત્ર એટલો છે કે તેઓને સમય પાળવાની સજા મળે છે અને આપણે પ્રગતિના નામે એ સજા સ્વેચ્છાએ ભોગવીએ છીએ.
ખોરાકનું નિયંત્રણ : જેલમાં કેદીઓને ડાયેટ ચાર્ટ મુજબ સાત્વિક કે મર્યાદિત ખોરાક મળે છે. પણ બહારની દુનિયામાં જરા નજર કરો! ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલના ડરથી આજે લાખો લોકો હોંશે હોંશે નહીં, પણ મજબૂરીથી પોતાની મનપસંદ રસોઈ છોડીને મોળું અને ઉકાળેલું ખાવા મજબૂર છે. જીભના સ્વાદ પર ડૉક્ટરની અને બીમારીની એવી તો જેલ જેવી સરહદો બંધાઈ ગઈ છે કે મનગમતું ખાવાની કલ્પના પણ ગુનો બની જાય છે.
સીમિત ભૌગોલિક વ્યાપ : જેલના કેદીઓ એક નિશ્ચિત ક્ષેત્રમાં જ ફરી શકે છે. પણ સામાન્ય માણસનું જીવન પણ ક્યાં મોટું છે. ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર, અઠવાડિયામાં એકાદ વાર મોલ કે શાકભાજીની માર્કેટ - આપણા જીવનનો મહત્તમ હિસ્સો આ બે-ત્રણ કિલોમીટરના વ્યાપમાં જ વીતી જાય છે. મોટાભાગના નાગરિકો કહેવાય છે તો એમ કે તેઓ મોટા શહેરમાં વસે છે પણ તેઓએ આજીવન તેમના જ શહેરના કેટલાય વિસ્તારો જોયા જ નથી હોતા. તેઓ તેના પરગણા (સબર્બ)માં જ રહે છે. આપણે જીવનમાં કેટલા ગામ કે શહેરો કે દેશ જોયા છે.
ના, તમે કેદી નથી : તો હવે સવાલ એ થાય કે આપણે જેલવાસી જેવા જ છીએ તેમ માનીને હતાશ થવું? ના આ લેખ તમને જેલમાંથી મુક્ત કરવા માટે છે.
ઉપર જણાવ્યા મુજબની એકની એક દિનચર્યાની જિંદગીમાં પણ એક નવી દ્રષ્ટિ ઉમેરવાથી પણ મુક્તિનો એહસાસ થાય છે. ઓફિસ જતાં બહારનું જનજીવન જુઓ, વરસાદ પડતો હોય તો તેને માણો. બસમાં બેઠા હોવ તો બારી બહાર પ્રકૃતિ નિહાળો, સંગીત સાંભળો, ચા કોફીની ચુસ્કી લો. ઋતુમાં જે જામે તે નાસ્તો દસ પંદર મિનિટ ઉભા રહીને કરી લો. સિનેમાની જગ્યાએ કોઈ વખત નાટક કે સ્ટેન્ડ અપ કોમેડી જોવા જાવ, આખી દુનિયા છૈં ની ચર્ચા કરે છે તો તેના પરનો કોઈ લેખ કે પુસ્તક વાંચો. લાઈબ્રેરી, મ્યુઝિયમ કે કલા પ્રદર્શન જોવા પરિવાર સાથે જાવ, ઓ. ટી. ટી. શ્રેણીઓની જગ્યાએ કોઈ વખત રમતનું પ્રસારણ કે ડોક્યુમેન્ટરી જુઓ. આપણે કેલીડોસ્કોપ દૂરબીનની જેમ અવનવી રંગીન કાચના ટુકડાથી બનતી ડિઝાઇનની દુનિયા જોતા રહેવાની છે. યંત્રવત જીવતી જિંદગીમાં વિવિધતાનો આપણા જીવનમાં ભરપૂર સ્કોપ હોય જ છે.
જેલમાં વ્યક્તિની સ્વતંત્રતા કાયદેસર રીતે છીનવાયેલી હોય છે. બહારના માણસ પાસે પસંદગીની ઘણી વધુ શક્યતાઓ હોય છે. તે નોકરી બદલી શકે છે, શહેર બદલી શકે છે, કોઈ સંબંધમાંથી બહાર આવી શકે છે, નવી વસ્તુ શીખી શકે છે, પ્રવાસ કરી શકે છે, જીવનશૈલી બદલી શકે છે. કેદી પાસે આવી પસંદગીઓ મર્યાદિત હોય છે. એટલે જેલ અને સામાન્ય જીવનને સંપૂર્ણ સમાન ગણવું યોગ્ય નથી. પરંતુ આપણને એ પ્રશ્ન જરૂર થવો જોઈએ કે આસપાસની જે દીવાલો મેં જાતે ઊભી કરી છે તેમાં બદલાવ લાવી શકાય અથવા તેમાં મારી કુતુહલ દ્રષ્ટિ ઉમેરી જીવનના વિવિધ રંગો માણી જ શકાય.
મુક્તિનો એહસાસ : જેલની સજામાં એક મોટો ફરક એ છે કે ત્યાં 'કલંક' છે, જ્યારે આપણી અદ્રશ્ય જેલોમાં આપણને સુખ અને સુરક્ષાનો ભ્રમ છે.
ભારતીય આધ્યાત્મ અને તત્વજ્ઞાન કહે છે કે 'આ સંસાર પણ એક માયાની જેલ જ છે, જ્યાં જીવ મોહ-માયા, અહંકાર અને વાસનાઓની બેડીઓમાં જકડાયેલો છે. સાચો મુક્ત પુરુષ તે છે જે ભૌતિક પરિસ્થિતિઓમાં બંધાયેલો હોવા છતાં મનથી આકાશ જેટલો મુક્ત હોય.'
અષ્ટાવક્ર ગીતામાં જનક રાજાએ પ્રશ્ન પૂછયો હતો કે મુક્તિ શું છે? ત્યારે અષ્ટાવક્રજીએ કહ્યું હતું કે : 'જો તું માનતો હોય કે તું બંધાયેલો છે, તો તું બંધાયેલો જ છેત અને જો તું માને કે તું મુક્ત છે, તો તું આખી દુનિયાનો સૌથી મુક્ત માનવી તું છે.'
હવે તમને સવાલ એ થઈ શકે કે 'એમ તો જેલની બહાર જેઓ છે તેઓને ચોક્કસ સમયે તેમની ફરજ પર જવું જ પડે. તે બધુ જ મનગમતું તો કઈ રીતે કરી શકે. નિયમિતતા, પરેજી અને જવાબદારી તો નીભવવી જ પડે ને.' તો એનો જવાબ આવો હોઈ શકે કે
મુક્તિ એટલે શું : મુક્તિ એટલે બધી જવાબદારીઓમાંથી છૂટકારો નહીંત જવાબદારીઓ વચ્ચે પણ પોતાને ગુમાવી ન દેવું તેને કહેવાય.
મુક્તિ એટલે મનગમતું બધું મેળવી લેવું નહીં; ક્યારેક શું ન જોઈએ તે ઓળખવું પણ મુક્તિ છે.
આપણે જે પણ આદત કે ઉછેરને વશ ન કરવા જેવું કરતા હોઈએ તો તેમાંથી છુટકારો મેળવી આપણી પ્રગતિ શેમાં છે તે વિચારીને અમલમાં મૂકવું તે મુક્તિ કહી શકાય. આપણને એવો સવાલ થવો જોઈએ કે ખરેખર જીવું છું કે માત્ર જીવન પસાર કરું છું?'
આ સવાલનો જવાબ આપવા માટે બધું છોડવાની જરૂર નથી. નોકરી છોડવાની કે શહેર બદલવાની જરૂર નથી. મુક્તિ ઘણી વાર નાની બાબતોથી શરૂ થાય છે. મોબાઇલ બાજુ પર મૂકીને પરિવાર સાથે વાત કરવી. કોઈ જૂનો શોખ ફરી શરૂ કરવો. પુસ્તક વાંચવું. થોડો સમય એકલા બેસવું. બીજાની જિંદગી સાથે પોતાની સરખામણી ઓછી કરવી. જરૂરી જગ્યાએ 'ના' કહેવું. લાંબા સમયથી મનમાં રહેલી કોઈ ઈચ્છાને ફરી તક આપવી. મારા હિતનું શું છે તે કોઈના પ્રભાવમાં આવ્યા વગર વિચારતા થવું. આળસની બેડી તોડી નાંખવી.આવી તો જડ કરી ગયેલી માનસિકતા અને આદતોની યાદી બનાવી શકાય.
જ્યારે જવાબદારી વચ્ચે માણસ પોતાને જ ભૂલી જાય છે ત્યારે તે કેદી જેવો બની જાય છે.
સ્વતંત્રતાની પાંખો : ભારતીય તત્ત્વચિંતનનો સંયમનો વિચાર પણ અહીં યાદ કરવા જેવો છે. સંયમ એટલે દરેક ઈચ્છાને દબાવી દેવી નહીં, પરંતુ ઈચ્છાઓ આપણને ચલાવતી ન બને એટલી જાગૃતિ મેળવવી. 'મને જે ગમે તે કરીશ' અને 'મારા માટે જે યોગ્ય છે તે પસંદ કરીશ' - બંને સ્વતંત્રતા જેવા લાગે છે, પરંતુ બંને વચ્ચે મોટો તફાવત છે. સ્વતંત્રતા એટલે મનસ્વી ઉડાણ નહીં આ દિશામાં હું નહીં ઊંડું તે નક્કી કરીને અમલમાં મૂકીએ તો તેને પણ સ્વતંત્રતા જ કહેવાય.
સૌથી પહેલાં પોતાને પૂછવું'મને ખરેખર શું જોઈએ છે?
જવાબ તરત ન મળે તો પણ ચાલે. સવાલ જીવંત રહે એ વધારે મહત્વનું છે.
સાબરમતી જેલની એ મુલાકાતે મને સમજાવ્યું કે દીવાલો ઈંટોની બને કે આદતોની, કેદ હંમેશાં કેદ જ છે. ફરક માત્ર એટલો છે કે જેલના કેદીઓ બહાર આવવા ઝંખે છે, અને આપણે અંદર પુરાઈને સુરક્ષિત હોવાનો દાવો કરીએ છીએ.
જ્ઞાન પોસ્ટ
આપણે એવા કેદી છીએ જે પોતાની જેલની ચાવી ખિસ્સામાં લઈને ફરે છે અને છતાં બહાર આવવા માંગતા નથી! જેઓનું જીવન શુષ્ક યંત્રવત હોય અને પોતાનામાં મૃત્યુ સુધી પરિવર્તન લાવવા ન માંગતા હોય તેઓને આજીવન કેદી કહી શકાય?
અને છેલ્લે કવિ જલન માતરીનો એક ખૂબ સુંદર શેર યાદ કરીએ :
'ઘરની દીવાલોને સમજી બેઠા છીએ આકાશ આપણે,
શ્વાસ લેવાની છૂટ છે એટલાને વિકાસ માની બેઠા છીએ આપણે.'