સગવડો છે, સુખ ક્યાં?

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- માનવીની ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં કેમ ઑટ વતરાય છે? ભીડ વચ્ચે પણ કેમ એકલું લાગે છે? સુખો કેમ ભ્રામક પુરવાર થતાં જાય છે?
એ ક તરફ મનુષ્ય દ્વારા સંશોધિત થયેલી ટેકનોલોજી છે બીજી તરફ માનવજાત છે. ટેકનોલોજીની શોધો કરીને માણસે એટલી બધી ભૌતિક સગવડોનો ખડકલો કરી દીધો છે કે આપણે ચકિત થઇ જઇએ ! પ્રસ્વેદથી તનને ઠારવા પંખા છે, એસી છે. ઠંડીથી તનને હૂંફ આપવા હીટર છે. જળને ઠારવા, દૂધ-દહીં સાચવવા, રાંધેલું વાસી થતું અટકાવવા ફ્રિજ છે. દૂરતા દૂર કરવા મોબાઈલ, ટેલિફોન, ટ્રેઇન, બસ કેટકેટલું !! વરાળયંત્રની શોધ માનવજીવનને કેટલી બધી ઉપકારક છે ! તેમ છતાં માનવજાત કેમ અજંપો અનુભવે છે ? સુખી કેમ નથી ? પોતાના સુખ માટે ઊભાં કરેલાં ભૌતિક સાધનો અપાર સગવડો પુરી પાડે છે છતાંય માનવી દુ:ખી કેમ છે ? દરિયા જેવડાં પાણી વચ્ચે તરસ શા માટે ? માણસજાતની હતાશા ટેકનોલોજી કેમ દૂર નથી કરી શક્તી ?
માનવીની ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં કેમ ઑટ વતરાય છે ? ભીડ વચ્ચે પણ કેમ એકલું લાગે છે ? સુખો કેમ ભ્રામક પુરવાર થતાં જાય છે ? રેલ, વિમાન, કાર જેવાં વાહનો દ્વારા અંતર ઘટાડવાની કોશિશો પણ થાય છે. રાસાયણિક દ્રવ્યો અને દવાઓના ઉપયોગો વધ્યા છે. અલબત્ત વિદ્યુતની શોધે અઢળક ફાયદા કરી આપ્યા છે પણ એક કરંટ લાગવાથી નિર્દોષ માણસ, પંખીડાં, અબોલ જીવના પ્રાણ પણ ચાલ્યા જાય છે. ડિટરજન્ટ પાઉડરે કપડાં-વાસણ ઊજળાં કરવાનો કિમિયો બતાવ્યો પણ ઊંડે ઊંડે એમાં રહેલું ફોસ્ફેટ નામના રસાયણે ઝેરનું કામ કરી, માણસની જિંદગીને કપડાંને પારાવાર નુકસાન પહોંચાડયું છે. ટેકનોલોજીએ અસલ જીવનનો ભોગ લીધો છે. અસલ સ્વાદ ગુમાવ્યો છે. ટેકનોલોજીના અતિરેકે લાગણી, મમતા જેવા વિશુદ્ધ ભાવો વિશુદ્ધ રહી શક્યા નથી, માનવી લાચાર બનતો જાય છે. એક તરફ ખૂબ સંપત્તિ છે બીજી તરફ દરિદ્રતા છે. વાંક કોનો ?
ટેકનોલોજીએ ઇશ્વર અને શ્રદ્ધા નામની અદીઠ મૂડી ઝૂંટવી લીધી છે. દયાભાવના ઓછી કરી છે. દ્વેષ, અદેખાઈનાં પ્રમાણ પણ વધ્યાં છે. ટેકનોલોજીએ નદી નાળાં, જંગલ, પર્વત, રણ, દરિયો અને ખેતરની પ્રાકૃતિક અસલિયતને અભડાવી મુકી છે. ધરતીમાતાને પૂછ્યા વગર એમાંથી ટયૂબવેલ મારતે પાણી ખેંચી ખેંચીને ધરતીને તરફડતી કરી છે, રસકસ વગરનાં ધાન અને શાકભાજી માટે ટેકનોલોજી જવાબદાર છે. ગરીબ માણસની આંખમાં આંસુ અને ભિક્ષુકની આંખમાં લાચારી માટે ટેકનોલોજી જવાબદાર છે. સંવેદનાની ધાર બુઠ્ઠી થતી જાય છે. ભાઇ-ભાઈ વચ્ચેના સંબંધો જોખમાયા છે પરિવારો રહ્યા નથી. બાળકનું બાળપણ, બાળકની સંવેદના ઉપર ટેકનોલોજીની તરાપ છે. પરિવાર ભાવના - ઉપર ટેકનોલોજીનો કારમો પંજો પડયો છે. ગામ તૂટયાં, ભાવના તૂટી, સદ્ભાવો તૂટયા માણસ શ્વસે છે - જીવતો નથી. માણસ ખાય છે - ધરાતો નથી. માણસ પીએ છે - તરસ્યો જ રહે છે. નિરાંત નામની મોંઘી જણસ માણસ પાસેથી ખોવાઈ ગઇ છે. સ્વાર્થ નામની વૃત્તિ વકરી છે. ગાડાંની જગ્યા ટ્રેકટરે લીધી. હળની જગ્યા પણ ટ્રેકટરે લીધી, મજૂરોનું કામ યંત્રો કરવા લાગ્યાં. ધરતી સાથે ચેતનાનો સજીવ સ્પર્શ ઓછો થયો. યંત્રોની જડતા વધારે જોડાઈ પરિણામે સંવેદના ઘટી. પ્રકૃતિ સાથેનો નાતો વિચ્છેદાઈ રહ્યો છે. વારસાગત વ્યવસાયો છિન્ન ભિન્ન થઇ ગયા છે. ગામડાનાં ઘર હવે મકાન બનવા માંડયાં છે. વાઢી, ટૉડલા, રવૈયા, પાણિયારાં ને આંગણાં આથમવા માંડયાં છે.
પ્રશ્ન એ છે કે માનવજાતને સુખી કરવા માણસે શોધેલી ટેકનોલોજી પોતાનું લક્ષ્ય કેમ સિદ્ધ કરી શક્તી નથી ? વિજ્ઞાન જે ગતિએ વિકસી રહ્યું છે. એ ગતિમામ માનવચેતનાની પ્રગતિ નથી… આ સમાંતર હોવું જોઇએ. ગતિશીલ ઊર્ધ્વ માનવચેતના હશે તો તેને ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં આવડશે. બંને વચ્ચે અંતર નહિ રહે તો જ ઊજળાં પરિણામો દેખાશે. વિજ્ઞાન વિકાસને કેન્દ્રમાં રાખી વિકસે - અગ્નિ દ્વારા રોટલા શેકાય એ શોધ છે. પછી એ અગ્નિથી જીવતા માણસને સળગાવીએ તો ? એમાં ટેકનોલોજી શંગ કરે ? માનવચેતના એના સમાંતર વિકસે તો ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ અવશ્ય થાય. ધરતી અમૃત પણ પકવે છે. ને ઝેર પણ. બંનેની આવશ્યકતા છે. આપણે અમૃતની જગ્યાએ ઝેરનો ઉપયોગ કરીએ તો ? અનર્થ જ થાય. માનવ પાસે આંતરજ્ઞાન હોવું જોઇએ. બહારનો વિકાસ વિકાસ નથી. ભીતર ડોકિયું કરવું જોઇએ.
વિજ્ઞાને દૂધ વધારવા જરસી ગાયો, અનાજનું ઉત્પાદન વધારવા રાસાયણિક ખાતરોની શોધો કરી એ સારું છે - પણ એના ઉપયોગના અતિરેકથી એમાંથી સાત્વિક્તા ચાલી જાય છે. આજે સ્વાદ વગરનાં શાકભાજી, અનાજ એવી જે બૂમો સંભળાય છે એ વિવેક વગરના ટેકનોલોજીનું કારણ છે. કેળવણી વગર માનવેતર પાત્રો પાસે પોતાની અસલિયત જળવાઈ છે. કૂતરા, ઘોડાની વફાદારી ઘુવડની રાત્રે જોવાની તાકાત, કાગડાની ચપળતા, પંખીઓની મમતાના માળા બનાવવાની કુશળતા હેમખેમ છે. ટેકનોલોજીનો આડેધડ ઉપયોગ કરીને માણસે પોતાની અસલિયતને ખોઈ નાખી છે. ખૂબ તટસ્થતાપૂર્વક વિચારવા જેવી વાત છે. ટેકનોલોજીના વિકાસની ઝડપ સાથે, માનવચેતનાનો વિકાસ એટલો થવો જરૂરી છે. આ સમતુલન નથી જળવાતાં એની સમસ્યાઓ છે. બહારની સમૃદ્ધિ સગવડો ટેકનોલોજીનો ઉપયોગ જરૂર મુજબ માણસે કરવાનો છે જ્યારે આજે ટેકનોલોજી જ માણસને ગળવા માંડી છે - શું કરીશું ?









