સત્યનું વ્રત અને તંત્રબીજનો અસ્ખલિત પ્રભાવ!

સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
સત્યનું વ્રત અર્થાત્ વાણી થકી હંમેશા શુદ્ધ સત્યનું ઉચ્ચારણ. પોતાના શબ્દો થકી કોઈનું અહિત ન થાય, એમના હૃદયને ઠેસ ન પહોંચે એ પ્રકારની વાણી સાધકનો ઉદ્ધાર કરે છે
જ ન્મથી જ મહામૂર્ખ એવા સત્યવ્રતની કથામાં ગયા અઠવાડિયે જોયું કે ગામવાસીના અપમાનજનક વેણથી કંટાળીને ઉતસ્થ જંગલમાં સ્થાયી થયો અને તેણે આજીવન સત્યનું ઉચ્ચારણ કરવાનો સંકલ્પ લીધો, જેના લીધે તે સત્યવ્રત તરીકે ઓળખાયો. કોઈક શિકારીએ એક દિવસ ભૂંડનો શિકાર કરવા માટે તેના ઉપર બાણ છોડયું, જેનાથી ઘાયલ થયેલું ભૂંડ દોડીને સત્યવ્રત પાસે આવી પહોંચ્યું.
પોતાની કુટિરમાં લઈ જઈને સત્યવ્રતે તેની ઈજા ઉપર હળદર લગાવી અને 'ઐ… ઐ… ઐ…'' બોલતાં બોલતાં તેને પંપાળવા લાગ્યો. તેને ખ્યાલ જ નહોતો કે અજાણપણે પોતે દેવી મા સરસ્વતીના પ્રચંડ શક્તિશાળી તાંત્રિક બીજમંત્ર 'ઐં' (અનુસ્વાર વગર - ઐ)નું ઉચ્ચારણ કરી રહ્યો છે. ૧૪ વર્ષથી સત્યભાષી હોવાને લીધે એક અદ્ભૂત અને અલૌકિક ઘટના એવી બની કે સત્યવ્રતે માત્ર પાંચ જ વખત 'ઐ'નું ઉચ્ચારણ કર્યુ હશે, ત્યાં તો દેવી મા સરસ્વતી તેના ઉપર પ્રસન્ન થઈ ગયા. વાગ્દેવીની કૃપા સત્યવ્રતની જિહ્વા પરથી વહેવાની શરૂ થઈ ગઈ. મા સરસ્વતી હવે તેના કંઠમાં પોતાનું નિવાસસ્થાન બનાવી ચૂક્યાં હતાં.
સત્યવ્રતના રોમેરોમમાં જ્ઞાનનો પ્રવાહ વહેવા લાગ્યો. ગણતરીની ક્ષણોમાં પેલો શિકારી સત્યવ્રતની કુટિરના દ્વાર પાસે આવીને ઊભો રહી ગયો. તેને જાણ નહોતી કે અંદર સત્યવ્રત ભૂંડને પંપાળી રહ્યો છે, તેની ઈજા પર મલમપટ્ટી કરી રહ્યો છે.
શિકારીએ દ્વાર ખખડાવ્યું. સત્યવ્રત બહાર આવ્યો.
'શું આપે મારા ભૂંડને જોયું છે? મારો પરિવાર ભૂખ્યો છે. એમને જમાડવા માટે મારે શિકાર લઈ જવો પડશે, નહીંતર આજની રાત એમના માટે માત્ર પાણી પીને સૂવાનો વખત આવશે.' શિકારીએ નરમ ઘેંસ જેવા અવાજે કહ્યું.
હવે ખરેખર ધર્મસંકટ પેદા થઈ ચૂક્યું હતું. જો સત્યવ્રત તેને સાચો જવાબ આપે, તો ભૂંડને મરવાનો વારો આવે અને જો ખોટું બોલે તો તેના સત્ય બોલવાના વ્રતનો ભંગ થઈ જાય!
… પરંતુ અચાનક તેની જિહ્વા પર દેવી મા સરસ્વતી વિદ્યમાન થયા. આટઆટલા વર્ષોથી માત્ર સત્યનું ઉચ્ચારણ કર્યુ હોવાને કારણે માત્ર અમુક જ વખત ઉચ્ચારણ થયેલાં વાગ્બીજે પોતાનો પ્રભાવ દેખાડવાની શરૂઆત કરી દીધી.
સત્યવ્રતના મુખમાંથી એક શ્લોક સ્ફૂર્યો,
માત્ર એક શ્લોકમાં સત્યવ્રતે ચતુર ઉત્તર આપી દીધો. તેણે કહ્યું કે, 'જે આંખો દ્રશ્ય નિહાળી શકે છે, એ બોલી નથી શકતી… અને જે મુખ બોલી શકે છે, તેની પાસે દ્રષ્ટિ નથી.'
નરો વા કુંજરો વા! સત્યવ્રતે પોતાનું સત્ય શિકારી સમક્ષ ઉજાગર કરી દીધું. આમ છતાં, શિકારી બિચારો મહાજ્ઞાની ન હોવાને લીધે સત્યવ્રતના વિધાનનો મર્મ ન સમજી શક્યો અને હતાશ વદને બીજો શિકાર શોધવા માટે જંગલમાં રવાના થઈ ગયો.
શ્રીમદ્ દેવીભાગવતમ્ ગ્રંથમાં આ સુંદર કથા વર્ણવવામાં આવી છે. કથાનો સાર એ છે કે સાધક ભલે ગમે એટલી સાધના કરતો રહે, ગમે એટલા લાખો કે કરોડો વખત મંત્રનો જાપ કર્યે રાખે, પરંતુ જો એ સત્યનંિ ઉચ્ચારણ નથી કરતો, તો તેની સઘળી સાધનાનો પૂર્ણ પ્રભાવ મળી શકવો શક્ય નથી. સત્યનું વ્રત અર્થાત્ વાણી થકી હંમેશા શુદ્ધ સત્યનું ઉચ્ચારણ. પોતાના શબ્દો થકી કોઈનું અહિત ન થાય, એમના હૃદયને ઠેસ ન પહોંચે એ પ્રકારની વાણી સાધકનો ઉદ્ધાર કરે છે. જો સાધકની વાણીમાં આટલી પવિત્રતા આવી જાય, તો પછી તેના મુખમાંથી માત્ર પાંચ કે છ વખત લેવાયેલું ઈશ્વરનું નામ અથવા મંત્રનું ઉચ્ચારણ પણ ફળીભૂત થઈને પોતાની અસર જરૂરથી દર્શાવે છે.









