Ravi Purti

શબ્દો અને વિચારોનું મુલ્ય

By GS Team
4 Jul 20263 mins read
શબ્દો અને વિચારોનું મુલ્ય

લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
'સ્વપ્નો ક્યારેય જાદુ થકી સાકાર નથી થતા પણ પરસેવો, સંકલ્પ અને સખ્ત પરિશ્રમથી થાય છે.'
'હું સાવ એકલો છું પણ એક તો છું. હું બધું ના કરી શકું પણ કશુંક તો કરી શકું. અને જ્યારે હું બધું તો નથી જ કરી શકતો ત્યારે હું કશુંક કરી શકું છું-તે કરીશ.

  • એડવર્ડ એવરેટ્ટ હાલે
    ક્યારેક એકાદ વ્યક્તિ અંતરંગ સાદ સાંભળે છે, સ્વપ્ન જુએ છે, સંકલ્પ કરે છે અને સમગ્ર બદલાહટ લાવે છે. રૂપાંતરણો કે ક્રાંતિ સૂચનો, અભિપ્રાયો અને સર્વેક્ષણોથી નથી આવતાં પણ એકાદ બોલ્ડ એક્શનથી આવે છે. વિજેતા એ લોકો નથી જે ક્યારેય નિષ્ફળ નથી ગયા પણ એ લોકો છે જે નિર્ધારેલ ક્ષેત્રને છોડીને તેઓ ભાગ્યા નથી પણ લડયા છે. કોલીન પોવેલ કહે છે, 'સ્વપ્નો ક્યારેય જાદુ થકી સાકાર નથી થતા પણ પરસેવો, સંકલ્પ અને સખ્ત પરિશ્રમથી થાય છે.' આવો, મળીએ એક સંકલ્પવાન વ્યકિતને. જેણે એક પળમાં નિર્ણય કર્યો અને પુસ્તકોનું સમગ્ર વિશ્વ બદલી નાખ્યું.
    સર એલેન લેન (૨૧.૦૯.૧૯૦૨-૦૭.૦૭.૧૯૭૦). તેઓ બોડલે હેડ પ્રકાશનના ડાયરેક્ટર હતા. તેઓ વિખ્યાત સર્જક આગાથા ક્રિસ્ટીને મળીને લંડન પાછા ફરી રહ્યા હતા, સેન્ટ ડેવિડના એક્સેંટર રેલ્વે સ્ટેશન પર ઉભા હતા- તેમને થયું કે કશુંક સારું વાંચવાનું મળી જાય તો સારું. પણ તેમને થોડાંક સામયિકો અને નબળી ગુણવતાવાળા અખબારો સિવાય કશું હાથ લાગ્યું નહીં. તેને વિચાર આવ્યો કે રેલ્વે પ્લેટફોર્મ પર એકાદ સારા પુસ્તકની ઈચ્છા-અપેક્ષા રાખવી એ કોઈ ગુનો નથી. તેમને થોડો ગુસ્સો આવ્યો-થોડાંક હતાશ થયા. પણ હા, તેમણે સંકલ્પ કર્યો કે સારાં ગુણવત્તાવાળા પેપરબેકસ પુસ્તકો હું છાપીશ અને તેની કિંમત પણ સિગારેટના ખોખાં જેટલી રાખીશ. આમ ત્રણ ભાઈઓ; એલન, જોહન અને રિચાર્ડે ક્રમશ: પેલીકન, પફીન અને પેંન્ગ્વીન પ્રકાશન કંપનીઓ સ્થાપી. તેમણે સૌ પ્રથમ દસ પુસ્તકો જ છાપેલાં. આજે તેઓ દર વરસે ૧૫,૦૦૦થી વધારે પુસ્તકો છાપે છે. તેમના સૂચિપત્રમાં ૧,૦૦,૦૦૦થી વધારે પુસ્તકો છે. અલબત્ત ઈ.સ. ૧૯૭૦માં તેઓ કેન્સરથી મૃત્યુ પામ્યા. એક જ માણસનો સંકલ્પ કેવો ઊર્જાવાન અને ઉજાસમય બની શકે તેનું તેઓ દ્રષ્ટાંત છે.
    આ જગત પર શ્રધ્ધા રાખવા જેવી છે કારણ કે તેમાં શબ્દો અને વિચારોનું મુલ્ય છે. ૧૭મી સદીના સર્વાન્ટીસના ગ્રંથ 'ડોન ક્વિગઝોટ'ની ૫૦૦ મિલીઅન કોપી વેચાઈ છે તો જે. કે. રોલિંગના હેરી પોટરની પણ ૫૦૦ મિલીઅન કોપી ખરીદાઈ છે. પુસ્તકો હંમેશા સર્વપ્રિય રહ્યા છે. આ પળે કલેરેન્સ ડેનું એક અવિસ્મરણીય અવતરણ કંઠસ્થ કરવા જેવું છે. તેનો અનુવાદ સ્વ. શ્રી જયંત મેઘાણીનો છે : પુસ્તકોની દુનિયા એ મનુષ્યનું સહુથી આગવુ નિર્માણ છે. માનવી બીજું જે કાંઈ સરજે છે એ નાશવંત છે. સ્મારકો ભસ્મીભૂત થાય છે, રાષ્ટ્રોનું પતન થાય છે, અને એક અંધકારયુગના ઓળા ઉતર્યા પછી નવો મનુષ્ય નવેસરથી સર્જન આરંભે છે. પુસ્તકોની સૃષ્ટિ મનુષ્યની ચડતી-પડતીનું આ ચક્ર સાક્ષી ભાવે જોયા કરે છે. અને છંતા એ પોતે તો ચિરયુવાન રહે છે અને હજુ હમણાં જ એ ગ્રંથો રચાયા હોય એવી તાજગી તેમાંથી ફોર્યા કરે છે. મનુષ્યનો પ્રત્યેક નવો અવતાર સૈકાઓ જુના પુરાગામીઓ સાથે જાણે ગોઠડી ન કરતો હોય.