અસલ ઓડિસીનો ક્થાસાર : ઘાયલ મન કા પાગલ પંછી, ઉડને કો બેકરાર... પંખ હૈ કોમલ, આંખ હૈ ધૂંધલી, જાના હૈ સાગર પાર...

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ત્રણ હજાર વર્ષ જૂના વર્લ્ડ ક્લાસિક ગ્રીક મહાકાવ્ય ઓડિસી પરની ફિલ્મ ધૂમ મચાવે છે ત્યારે વાંચો એનો ઓરિજિનલ પ્લોટ!
શે ક્સપિયરનું ટેમ્પેસ્ટ, ડિઝનીનું ફાઇન્ડિંગ નિમો, સ્પીલબર્ગનું ઇટી, લુકાસનું સ્ટાર વોર્સ, અમર પરીકથા 'વિઝાર્ડ ઓફ ઓઝ', વર્જિલનું ક્લાસિક મહાકાવ્ય એનિડ, જોન મિલ્ટનનું પેરેડાઇઝ લોસ્ટ, પાઉલો કોએલ્હોનું અલ્કેમિસ્ટ, નોલાનનું ઈન્ટરસ્ટેલર, અમિતાભની ખુદા ગવાહ, મૃણાલ ઠાકુરની સીતારામમ, એનિમેશન ફિલ્મ હોમ કે એનોમોબિલ, આર્થર સી ક્લાર્ક અને કુબ્રિકની ૨૦૦૧ સ્પેસ ઓડિસી, માર્શિયન, લોસ્ટ કે એપોલો ૧૩ કે કોલ્ડ માઉન્ટન… અને આપણી રામાયણ… અને બીજી અઢળક ફિલ્મો કે કથાઓની થીમ છે : ધરતીનો છેડો ઘર.
હોમ શબ્દ જ જેના નામમાં છે એવા અંધ કવિ હોમરની અદ્ભુત, અમર કૃતિ ઓડિસી કદાચ ત્રણ મિલેનિયમ જૂની હોવા છતાં આ એવરગ્રીન પ્લોટની વેસ્ટર્ન સોર્સ ફાઇલ છે જેમાં નાયક સફરના અનેક પડાવ અને ઉતારચડાવ બાદ અંતે ઘેર પહોંચે છે કે પોતાનું ઘર શોધતો ભટકે છે. ગયા રવિવારે હોમર વિશે ને પછી ગયા બુધવારે ટ્રોયની લડાઈ પર એની રચના ઇલિયાડ વિશે વાંચ્યું હોય તો હવે આગળ વાત એની ઓડિસીની! ઇલિયાડનું સામ્ય મહાભારત સાથે છે તો યશવંત મહેતાએ રઝળતો રાજવી જેના અનુવાદનું નામ રાખ્યું એ ઓડિસીનું કંઈક અંશે રામાયણ સાથે. કારણ કે અહીં પણ ઘરથી દૂર વનવાસ છે. પ્રતીક્ષા કરતી પત્ની છે, એને ખાતર અનેક પ્રલોભનો અને સંકટોમાંથી પસાર થતો યોદ્ધાની કુશળતા ધરાવતો ને દૈવી સહાય મેળવતો રાજા છે.
ઓડિસી ત્યાંથી શરૂ થાય છે જ્યાં ઇલિયાડ પૂરી થાય છે. ઇથાકાના રાજા ઓડિસિયુસનું એની જોડે કનેક્શન એ કે ગ્રીકોના વિજય સુધી પહોંચાડવામાં એકિલસના શૌર્ય જેટલો જ ફાળો ઇથાકાના ઓડિસિયુસની ચતુરાઈનો હતો. જતા રહેવાનો દેખાવ કરીને પોલાણમાં સૈનિકો છુપાવતો લાકડાનો ઘોડો બનાવવાનો આઇડિયા એનો જ હતો. એ લડવૈયો પણ બહાદૂર હતો. પણ બળ સાથે બુદ્ધિ અને ધીરજનો ઉપયોગ કરતો એટલે જ ડહાપણની દેવી એથીનાને એ પ્રિય હતો. ઓડિસીની કહાનીમાં મોટો રોલ નીયતિનો પણ છે. જે ભાગ્ય દેવતાઓ લખે છે. બીજા શબ્દોમાં દેવતાઓની ચેસની બાજીમાં મનુષ્યો મહોરા બને છે. ક્યારેક જીતે, ક્યારેક પીટાઈ જાય!
ઓડિસિયુસ રૂપાળી ને બુધ્ધિશાળી એવી બ્યુટી એન્ડ બ્રેઇનનુ રેર કોમ્બિનેશન ધરાવતી પત્ની પેનેલોપી અને પોતે નીકળ્યો ત્યારે તો હજુ ભાંખોડિયાભેર હતો એવા પુત્ર ટેલીમાકુસને છોડીને ખરેખર તો પોતાની નહોતી છતાં ઓનર ખાતર જોડાયેલો એની ટ્રોયની લડાઈમાં ઘર છોડી નીકળ્યો એને દસ વર્ષ થઈ ગયેલા. અંતે ટ્રોયનો અભેદ કિલ્લો તૂટયો. પણ યુદ્ધને ગ્લોરી માનતો ઓડિસિયુસ કંઈ રામ નથી. એને લડવામાં કોઈ સિદ્ધાંત આડે આવતા નથી ને એ કત્લેઆમથી મળેલા વિજયને ગ્લોરી સમજે છે. ક્રિસ્ટોફર નોલાનના એન્ટી વોર વર્ઝન જેવો એ કંઈ લડાઈથી દુ:ખીનો દાળિયો થઈ ઘેર આવવા નીકળ્યો નથી. થાક્યો જરૂર છે ને ઘેર પહોંચવાની તડપ પણ પૂરી છે. છતાં વિજયી થવાનું ગૌરવ પણ છે. જે ગર્વ પ્રાઇડમાં ફેરવાઈને એને ફસાવી
પણ દે છે.
બીજા ગ્રીક રાજાઓ જેવી લૂંટફાટમાં એ પડયો નથી. નિર્દોષ સ્ત્રીઓના બળાત્કાર એણે કર્યા નથી. એ રીતે એ અમુક મર્યાદાનું પાલન કરતો શૂરવીર છે. એને એનું ઘર ને પત્ની વ્હાલા છે. બાર વહાણો ભરી સાથીઓ સાથે નીકળે છે એમાં એનું લક્ષ્ય એના ઘેર ઇથાકા પહોંચવાનું છે. જે રસ્તો આમ તો દસ દિવસનો છે, પણ ત્યાં પહોંચતા થઈ જાય છે બીજા દસ વરસ! આ જ ઓડિસીની કહાની છે. વીસ વરસની આફતો ને આકર્ષણોથી ભરેલી મુસાફરી.
શરૂઆતમાં થાક છે એટલે સાથીઓ માટે વિસામો શોધવાનો છે અને ઓડિસિયુસ 'નિશાળેથી નીકળી જવું પાંસરું ઘેર' જેવું વ્યક્તિત્વ નથી. એના સાહસમાં કુતૂહલ છે. ક્યૂરિયોસિટીથી એ એડવેન્ચર તરફ ખેંચાય છે. એમાં એને માર્ગમાં સારા નરસા પાત્રો ને અનુભવો બેઉ મળે છે. ઓડિસિયુસ કેવળ વીર નથી. યુક્તિબાજ છે. કસાયેલી કાયા સાથે કસાયેલું દિમાગ ધરાવે છે. વિચારવાન અને હોશિયાર છે. ઝટ પ્રલોભનમાં આવતો નથી ને આત્મવિશ્વાસથી થાક્યા વિના લડી શકે છે. સંઘર્ષથી દર્દ અનુભવે છે, પણ જલ્દી હાર માનતો નથી. વિવિધ સંજોગોથી ઘડાઈ ચૂકેલો છે. એટલે જ એના પર સુંદરીઓ મોહી પડે છે. એટલે જ દેવી એથીના એની તારણહાર છે.
ઓડિસીની કથા સળંગ યાને લિનિયર નથી. નોલાનના યુગો પહેલા હોમરે વિકસાવી છે એમ આગળ પાછળ કહેવાઈ છે. આરંભ કેલિપ્સોથી થાય છે ને ઘણી ઘટના ફાએશિયામાં એ ફ્લેશબેકમાં કહે છે. ફિલ્મમાં તો નેચરલી ઘણા પ્રસંગો નથી કે ફેરવી નખાયા છે. પણ મૂળ વાર્તાને એકસૂત્રે પરોવીને સાર લખીએ તો…
ઓડિસિયુસ ને એના સાથીઓ આમ પણ ઘેર જવા નીકળે ત્યારે તોફાની પવન છે. પહેલા એ ભટકતા એક ટાપુ પર પહોંચે છે જ્યાં લોકો લોટસ ઈટર યાને કમળના ફૂલ ખાય છે, જે ખાવાથી માણસને ભૂતકાળ અને ઘર યાદ રહેતું નથી. ડ્રગ એડિક્ટની જેમ એક પ્રકારના નશામાં મસ્ત થઈને આળસુ થઈ પડયા રહે છે. એમને હવે ક્યાંય જવું જ નથી હોતું. ઓડિસિયુસના ત્રણ સૈનિકો એ ફૂલ ખાઈને બધું ભૂલી ત્યાં દમ મારો દમની અદામાં પડયા રહે છે એમને બાંધીને લાવવા પડે છે.
પછી સૌથી મહત્વનો વળાંક આવે છે. ઓડિસિયુસ ને એના ચુનંદા સૈનિકો એક ટાપુ પર ખોરાક શોધતા ગુફામાં જઈ ચડે છે. જે સમુદ્રના દેવ પોસાઇડનના પુત્ર પોલીફિમસની હતી. એ પહાડ જેવડા કદનો સાયક્લોપ્સ યાને એક આંખ વાળો રાક્ષસ હતો, જે હાથી જેવડી સાઈઝના ઘેટાં ચરાવતો. ગુફામાં દૂધ ને માખણના મોટા દેગડા હતા. એ વહાણભેગા. થાય એ પહેલા એકાક્ષી અસુર આવી ચડે છે. બે સૈનિકોનો કોળિયો કરી જાય છે ને ઊંઘે છે ત્યારે એને મારી શકાય એમ છે. પણ એણે વિશાળ ગુફાના દરવાજે આડો પથ્થર રાખ્યો એ ભારે મહાકાય છે. એને ખસેડવો કેમ? અંદર મરવાને બદલે ઓડિસિયુસ ધીરજ રાખે છે. એની જોડે વાતો કરે છે ને પોતાની ઓળખ નોબડી તરીકે આપે છે. વધુ સૈનિકો મરે છે પણ રાક્ષસની એકમાત્ર આંખ ફોડી નાખે છે ઓડિસિયુસ. એ ચીસો પાડે છે ને પાડોશીઓ આવે છે, પણ હુમલાખોરનું નામ નોબડી (કોઈ નહિ) સાંભળીને હસી કાઢે છે. મોટા ઘેટાં નીચે લટકીને ઓડિસિયુસ ને એના સાથીઓ ભાગી છૂટે છે.
અહીં ટર્નિંગ પોઇન્ટ છે. ઓડિસિયુસ કંઇ વોર ટ્રોમાથી પીડાતો હતાશ સૈનિક નથી. એને તો પ્રાઉડ છે કે પોતે ટ્રોયની લડાઈ જીતવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. એટલે આંધળા થયેલા રાક્ષસ પોલીફીમસને એ બડાઈ હાંકતા પોતાનું સાચું નામ કહે છે. એ તો બચીને ભાગી છૂટે છે. પણ એ રાક્ષસ ઘરમાં ઘૂસી ચોરી કરીને એને અંધ બનાવનારની ઓળખ જાણી પોતાના પિતા સમુદ્રના દેવ પોસાઇડનને કહે છે. ને દરિયામાં સફર કરતા ઓડિસિયુસ માટે પોસાઇડન ક્રોધમાં કહે છે કે 'બેટમજી, હવે હું જોઉં છું કે તું તારા વતન ઇથાકા કેમ પહોંચે છે!' અને ઓડિસિયુસની એ પનોતી ચાલુ થાય છે કે દસ દિવસની યાત્રા દસ વરસ ખેંચાઈ જાય! ને કુલ વીસ વરસ ઘરથી દૂર ભટકવાનો શ્રાપ લલાટે લખાઈ જાય!
જો કે, તરત તો એને સારો વિસામો મળે છે. પવનોના દેવ એઓલસના ટાપુ પર એમના મહેલમાં જાય છે. ત્યાં માત્ર એઓલસનો જ પરિવાર વસે છે ને એમના દીકરા દીકરીઓ આપસમાં લગ્નો કરે છે. (દેવતાઓનું દુનિયા તો અલગ જ રંગોની હોવાની!) સારા સત્કાર બાદ ઓડિસિયુસને એક થેલી આપે છે જેમાં તમામ તોફાની પવનો કેદ હોય છે. અને કહે છે કે આ ખોલતો નહીં એટલે રસ્તે કોઈ તોફાન નહીં નડે. ઓડિસિયુસ આરામથી ઈથાકાની નજીક કિનારો દેખાય એમ પહોંચે છે. પેલી થેલી જીવની જેમ સાચવે છે. એને લીધે એના અમુક સાથીઓ માને છે કે આમાં કિંમતી ખજાનો છે જે આપણો સરદાર આપણે એના માટે મરવા તૈયાર હોવા છતાં આપતો નથી. લાલચમાં એ બધા ઓડિસિયુસ ઊંઘતો હોય ત્યારે થેલી ખોલી નાખે છે. રીતસર કાંઠે આવેલું વહાણ બુડે એમ તોફાની પવનો છૂટા થઈ જેનાથી તોફાન સર્જાય છે અને તેઓ પાછા દૂર ફેંકાઈ જાય છે. જાણે સાપસીડીની રમત શરૂ થાય છે.
પછી હાડમારી શરૂ થાય છે એક રળિયામણા ટાપુ પર જવાનું થાય અને સુંદર છોકરી દેખાય પણ ખબર પડે કે એ તો લેસ્ટ્રીગોનિયન લોકોનું ઘર છે જે વિશાળ કદના માનવ ભક્ષી પ્રજાતિના લોકો છે ડરીને ઓડિસિયુસ અને એના સૈનિકો ભાગે છે ત્યારે એ લોકો વિશાળ પથ્થર ફેંકી દે એના મોટાભાગના વહાણો ડુબાડી દે છે. બચેલા સાથીઓ સાથેનો ઓડિસિયુસ વધારે સાવધ થઈ જાય છે અને એમાં એક ટાપુ પર જાય ત્યારે એને નવાઇ એ લાગે છે કે ત્યાં સિંહ વાઘ વરુ જેવા હિંસક પશુઓ છે પણ બધા જ સાવ રાંક થઈને ડાહ્યાડમરા ફરતા હોય છે. પોતાના ભરોસાના સાથી યુરીલોકસને આગેવાની આપી એની જોડે ૨૧ સૈનિકો તપાસ કરવા માટે ઓડિસિયુસ મોકલે છે. ત્યાં એક અત્યંત સુંદર સ્ત્રી મહેલ જેવા મકાનમાં એકલી રહેતી જોવા મળે છે. એ ખૂબસૂરત નારી પ્રેમપૂર્વક બધાને આવકારે છે. યુરીલોક્સ ચેતે છે કા આ એકલી શું કામ છે. પણ બાકીના તો ભૂખ્યાડાંસ થઈને ભોજન પર તૂટી પડે છે. મજાકમાં પેલી સ્ત્રી કહે છે કે તમે તો સુવરની જેમ ખાવ છો અને ભોજન પેટમાં જતા જ બધા સાથે સાથે ડુક્કર થઈને પૂંછડી પટપટાવવા લાગે છે! હેપ્તાયેલો યુરીલોક્સ ઓડિસિયુસ પાસે જઈ ભગવાનું કહે છે. પણ ઓડિસિયુસ કહે છે કે એ માયાવી જાદુગરણીના વશમાં મારા સાથીઓ છોડીને નહીં જાઉં.
એની હિંમતને બિરદાવી દેવતાઓ નારદમુનિ માફક પગે પાંખો ઉગાડી બધે ફરતા સંદશવાહક જેવા દેવરાજ ઝિયુસનો દીકરો હર્મિસ એને મોલી નામનું જાદૂઈ ઔષધ આપે છે જેથી એ જાદુગરણીની અસર ન થાય! એ સ્ત્રીનું નામ છે સરસી. એ ઓડિસિયુસના પરાક્રમોથી પરીચિત છે. એને ઓળખીને ખુશ થાય છે. એના સાથીઓ પરનો જાદૂ પાછો ખેંચી લે છે અને બધાને ત્યાં આવકારી ભાવતા ભોજન જમાડી આરામ કરાવે છે. કાફલો એક વરસ ત્યાં રોકાય છે. સરસી ઓડિસિયુસના ગળાબૂડ પ્રેમમાં છે. પણ ઓડિસિયુસને ઘર સાંભરે છે.
સરસ એને રોકતી નથી પણ ચેતવે છે કે આગળની સફર આસાન નહીં રહે એણે ખરેખર ઘરે જતા પહેલા અંડરવર્લ્ડ યાને નરકના પાતાળલોકમાં જવું જોઈએ અને ત્યાં અમુક પ્રકારનો બલિ આપી અંધ ભવિષ્યદ્રષ્ટા ટાયરેસિયસ પાસેથી પોતાનું ભાવિ જાણી લેવું જોઈએ. એ હેડ્સન ભેદી પ્રદેશમાં ઓડિસિયુસ ને એકિલસ સહિત અનેકના પ્રેત મળે છે. યુદ્ધમાં મૃત્યુ વહાલું કરવાનો જયઘોષ કરતા એકિલસનું ભૂત એને કહે છે કે 'ધરતી પર ગુલામ મજૂર થવું સારું આમ મૃત્યુ બાદ કોઈ ફાયદો નથી. નર્યો કંટાળો છે.' રાજા આગામેમ્નોન ઘેર પહોંચી જાય છે, પણ એની પત્ની એને મારી નાખે છે. એટલે એ પણ ત્યાં ભટકે છે. ઓડિસિયુસની માને મૃત સૈનિકો પણ છે. ઓડિસિયુસને ચેતવવામાં આવે છે કે ઘરે પહોંચવું આસાન નહીં હોય. સૂર્યના સારથિ હેલિયોસ કે જેની દીકરી સરસી છે, એના ટાપુ પર જઈ એના પશુઓને ખાવા માટે મારશો તો બચી નહીં શકો.
ઓડિસિયુસને સરસી ચાહે છે, પણ રોકતી નથી. સામાન ભરી વ્હાલથી વિદાય આપે છે. ચેતવે છે કે પંખીનું શરીરને સ્ત્રીનું ધડ ધરાવતી સાયરન નામે ઓળખાતી સુંદરીઓનો ટાપુ આવશે. એનું ગીત જે સાંભળે એ પાગલ બનીને ત્યાં એમની પાછળ જતો રહે. ઓડિસિયુસમાં ઘેર જવાની આરઝૂ સાથે નવું જાણવાની ભૂખ પણ છે. બધા સાથીઓના કાનમાં મીણ ભરાવી એ ખુદ જહાજના થાંભલે બંધાઈ એ ગીત સાંભળે છે. ચીસો પાડીને એ ગીતથી અભિભૂત થઈ છૂટવા મથે છે. આગળ સીલા નામની છ માથાવાળી રાક્ષસી છે. ને એ બાજુ ન જાવ તો ચારબડીઝ નામનું કાતિલ દરિયાઈ વમળ છે. પેલા અંધ ટાયરેસિયસે ઓડિસિયુસને ચેતવ્યો છે. પણ ગભરાટ ન થાય એટલે ઓડિસિયુસ કોઈને કહેતો નથી. એ ગણતરીબાજ મહારથી છે. ઇમોશનલ ઝનૂની નથી. ૬ સૈનિકોને મરવા દે છે સીલા રાક્ષસીના રસ્તે, જેથી બાકીના બચે કારણ કે નહિ તો વમળ તમામને ભરખી જાત.
પેલો હેલિયોસનો ટાપુ આવે છે. એના સુંદર પશુઓ નિર્ભય થઈને ચરતા હોય છે. ઓડિસિયુસની આ વખતે આગોતરી ચેતવણી છતાં સૈનિકો અંતે ભૂખ્યા થઈ એકને મારી રાંધે છે. ઓડિસિયુસ લીડર એટલે છે કે એનામાં સેલ્ફ કંટ્રોલ છે. બીજાઓ ભૂખ ને થાકને લીધે જાત પર કાબૂ રાખી શકતા નથી. હેલિયોસ ક્રોધિત થાય છે. એની ફરિયાદ બાદ એકમાત્ર વહાણ બચ્યું હોય છે એના પર વીજળી પડે છે. ઓડિસિયુસે ખાધું નથી સૂર્યનું પશુ એકે એ એકલો વહાણના કૂવાથંભના લાકડે તરતો રહે છે અફાટ એકાંત દરિયાની વચ્ચે ઘાયલ હાલતમાં ઘર સંભારતો!
અને એમાં એને ઉગારે છે કેલિપ્સો! એ પણ એક દેવી છે. અત્યંત મોહક અને માદક. એ જોબનવંતી રૂપસુંદરી, પરી જેવી દેખાતી અપ્સરાના અવતાર જેવી કેલિપ્સો. એને તો કાળની થપાટો ખાઇ લોખંડી બનેલો આ એકલો રાજવી જોતાંવેંત પસંદ પડે છે. આજની ભાષામાં સેક્સ સ્લેવ કહેવાય એમ એ એને મોહપાશમાં બંધક બનાવી રાખે છે. ઓડિસિયુસ પાસે બીજો ઉપાય નથી. જીવ બચાવવો હોય તો અહીં રહેવું પડે એમ છે. એ માનસિક ગુલામી સ્વીકારી લે છે. બીજું કોઈ ત્યાં નથી. બીજી કોઈ વાતે ફિકર નથી. કોઈ વાતની કસર નથી. કેલિપ્સો તો એના પ્રેમમાં છે. બે જ વ્યક્તિ ટાપુ પર છે. આમ ને આમ સાત વર્ષ વીતી જાય છે! છતાં પણ તમામ સુખસાહ્યબી વચ્ચે ઓડિસિયુસા ઘર ભૂલ્યો નથી. પ્રિય પત્નીની યાદ પડખે કામણગારી કામિની હોવા છતાં એને સતાવે છે. દીકરો ટેલીમાકુસ જુવાન થઈ કેવો દેખાતો હશે, એની કલ્પનામાં એ ખોવાયેલો રહે છે. બધા ભૌતિક સુખ છતાં ઇથાકા અચમી પોતાના મુલક લણી યાદ એક ભીતરનો ખાલીપો ખખડાવી વિષાદ પ્રેરે એ તો આજે પણ થાય છે.
હવે એથીના વચ્ચે પડે છે. સાત વર્ષની કસોટી પછી એકલો ઓડિસિયુસા કેલિપ્સોની કેલી (ગમ્મતભરી ક્રીડા) છતાં ઘર નથી ભૂલ્યો એ જોઈ એ ઝિયુસને વિનંતી કરે છે. અને હર્મીસ દેવતાઓનો હૂકમ લઈને આવે છે કે ઓડિસિયુસને આઝાદ કરી ઘેર જવા દો.
આમ તો આ મીઠી મોહબ્બતની કેદ છે પણ છે તો સોનાનું તો યે પિંજરું! ઓડિસિયુસને કેલિપ્સો કહે છે કે 'તું તારા ઘર પરિવારને ભૂલી જા. હું તને માણસમાંથી દેવ બનાવી દઉ. મારી શક્તિઓથી તને અમરત્વ આપું. બસ તું અહીં જ કાયમ રહે ને આપણે આનંદ કરીશું. તારી પત્ની મારા જેટલી રૂપાળી નહીં હોય.' પણ ઓડિસિયુસને તો ઘર સાદ પાડે છે. એ કેલિપ્સોનો આભાર માને છે, બચાવવા ને સાચવવા માટે. પણ એ માત્ર યાત્રામાં આવેલો વિરામ છે, મંઝિલ નથી. જેવો છે એવો પરિવાર એને પોકાર કરે છે. ભાઈ મોત આવે પણ સ્વજનો પાસે વતન પાછા ફરવું છે.
કેલિપ્સોની આંખમાં આંસુ છે. પણ એ સાચે પ્રેમ કરે છે એટલે ત્યાગ અને બલિદાન આપી શકે છે. એ એને એક તરાપો બનાવવાની સામગ્રી આપે છે. ખાધાખોરાકી ને ભેટો આપે છે. એની નિર્જન એકલતામાં જે લહેરો પર તણાઈ એક પુરુષ સંગાથ બનવા આવેલો, એ ભોગવટો સાત વર્ષે પૂરો થતા એ સજળ નેત્રે ગમી ગયેલા મનુષ્યને પોતાના ઓગીગીયા ટાપુ (વર્ણન પરથી આજનું સિસિલી) વ્હાલથી વિદાય આપે છે.
પણ કેલિપ્સોનું રક્ષણ ઊઠતા જ ફરી દરિયાદેવ પોસાઇડોન ત્રાટકે છે. ઓડિસિયુસ ઇથાકા નજીક ભયંકર તોફાનમાં સપડાય છે. બધું ખેદાનમેદાન થઈ દરિયામાં ગરક થઈ જાય છે. પણ દેવી એથીના ઓડિસિયુસની મક્કમતા અને ચાલાકી પર પ્રસન્ન છે. ઇનો નામનો માનવીથી દરિયાપરી બનેલી લલના પ્રગટ થઈ લાઇફ જેકેટ જેવું કમરે વીંટાંળવાનું વસ્ત્ર આપે છે, જેથી ઓડિસિયુસ ડૂબે નહીં. બેહોશ ઓડિસિયુસ એકલો એક લાકડે તરતો કિનારે ફંગોળાઈ જાય છે.
એ કિનારે સોળ વરસની રૂડી રાજકુમારી નોસકા સહેલીઓ સાથે રમવા આવી છે. એ પેલુ વસ્ત્ર હટી ગયું છે, એવા મજબૂત ઓડિસિયુસને જુએ છે. એને એ વટેમાર્ગુ સમજી ઘેર મહેલમાં લઈ આવે છે. એ પ્રદેશ ઇથાકાની નજીકનો ફાએશિયા છે. નોસકા તો મનોમન આ ભવ્ય દેખાતા પુરુષને ચાહવા લાગે છે. તકલીફોએ અને સરસી કેલિપ્સોના પ્રેમે એને પ્રૌઢ પણ સોહામણો બનાવ્યો છે. એની લાગણી ઓડિસિયુસ સમજે છે. પણ એ વિનયથી કહે છે કે હજુ તમારી ઉંમર ઘણી નાની છે, ઘણી દુનિયા જોવાની તમારે બાકી છે. તમને બધા સુખો મળે એવી કામના પણ હું તમારા મનનો માણીગર થઈ શકું એમ નથી. હજુ સાચી ઓળખ ત્યાં કોઈને નથી. પણ મહેમાન સામે ઉત્સવ થાય એમાં જુવાનોને હંફાવે એવી પરાક્રમની રમતો જીતી જતા બધાને લાગે છે કે આ કોઈ સામાન્ય મુસાફર નથી.
અત્યાર સુધીમાં ઓડિસિયુસ દંતકથા બની ગયો છે. એના ગીતો એની નજર સામે ગવાય છે ત્યારે એની આંખો ભરાઈ આવે છે. સાચી ઓળખ આપી એ હવે જમીનમાર્ગે ઇથાકા જવા રવાના થાય છે.
આટલા વર્ષો દરમિયાન ઇથાકામાં શું થયું? ઓડિસિયુસ જેવો ધીરોદાત્ત નાયક છે, એવી જ એની સહચરી પેનેલોપી છે. એના પર માર્ગરેટ એટવુડથી એમિલી વિલ્સન સુધીના ફિદા થઈ પુસ્તકો લખી ચૂક્યા છે. ઓડિસિયુસને તો માર્ગમાં મળતી રમણીઓ સાથે પ્રેમ થાય છે. પણ પેનેલોપી તો રાજમહેલમાં એના સૌંદર્યથી આકર્ષાઈ આવતા ઉમેદવારો વચ્ચે દીકરાને ઉછેરતી ને વૃદ્ધ સસરાને સાચવતી એકલી ઝઝૂમે છે. ત્યારના કાળ મુજબ એને પરણી રાજ કરવા તલપાપડ લોકો એ પસંદ ન કરે ત્યાં સુધી રાજા વગરનું ઘર સમજી ત્યાં જ પડયાપાથર્યા રહે છે. મફતના રોટલા તોડે છે. ૧૦૮ પુરુષો આવી ગયા છે પેનેલોપીનું આંકડે મધ જોઈને એને પોતાની તરફ ખેંચવા.
પતિ જેવી જ અભય અને ચતુર પેનેલોપી સસરા માટે ખાસ પૂજાનું વસ્ત્ર ગૂંથે પછી વિચાર કરશે એવું બહાનું કાઢીને સવારે જે જે ગૂંથે એ રાત્રે વીંખી નાખે એમ વણાટ પૂરું કરે નહીં એ રીતે ટાઇમપાસ કરીને દીકરો મોટો કરે છે. દીકરો ટેલીમાકુસ બાપ જેવો સાહસિક છે. એ પિતાની ભાળ મેળવવા વેશપલટો કરી એને મળવા આવેલી દેવી એથીનાની પ્રેરણાથી પ્રવાસ કરવા નીકળે છે.
ઓડિસિયુસ ઇથાકા પહોંચી સીધો મહેલમાં નથી જતો. એ હોશિયાર છે. એટલા વર્ષે શું બદલાયું ને કોણ પોતાનું રહ્યું હોય એની ખબર હોવી જોઈએ. એથીના એને ઘરડા ભિખારીનું રૂપ આપે છે. એ ઘરડા પણ વિશ્વાસુ ભરવાડ યુમેઇયસ અને પછી એની મારફતે દીકરા ટેલીમાકુસ ને મળે છે. યોગ્ય સમયે પોતાની અસલી ઓળખ છતી કરે છે. પણ હજુ પત્નીને કહેતો નથી. ઓડિસિયુસ જોડે લડેલા સૈનિક તરીકે ઓળખાવે છે. એના જૂના સુવરના શિકાર કરતા એણે દાંત ભરાવતા પિંડી પર થયેલા જખમની નિશાનીથી વફાદાર ઘરડી દાસી રાજાને ઓળખી હરખાઈ જાય છે, પણ ઓડિસિયુસ એને ચૂપ રહેવાનો ઈશારો કરે છે.
પેનેલોપી એને માટે અધીરા મુરતિયાઓને ખાળવા સામસામે ફરસી ગોઠવી એના ફળા વચ્ચેની જગ્યામાં ઓડિસિયુસ તીર છોડતો એવું જે કરે એને પરણવાની હરીફાઈ ગોઠવે છે. એને ખાતરી છે કે આ કોઈથી નહીં થાય ને પોતાને પરણે બીજા લગ્ન નહીં કરવા પડે. ઓડિસિયુસના ધનુષની પણછ (દોરી) પણ કોઈથી ચડે એમ નથી. એન્ટિનુસ જેવો લુચ્ચો મુરતિયો એમાં ભાગ લેવા આવેલા ભિખારીને જોઈને હસે છે. પણ છેલ્લા શ્વાસ લેતો ઓડિસિયુસનો કુતરો આર્ગોસ જેને એણે ગલૂડિયાં તરીકે બચાવેલો, એ માલિકના સ્પર્શને પારખી જાય છે.
ઓડિસિયુસ પલકવારમાં શરત પૂરી કરે છે. પેનેલોપી સ્તબ્ધ થઈ જાય છે. અગાઉથી નક્કી કર્યા મુજબ દીકરો ટેલીમાકુસ ને બે વિશ્વાસુ સાથીદારો ત્યાં ઉમેદવાર સરદારોના હથિયાર છુપાવી દીવારના બચ્ચનની સ્ટાઇલમાં અંદરથી ઓરડો બંધ કરે છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેવી બટાઝટી મૂળ સ્વરૂપમાં આવેલો ઓડિસિયુસ મચાવીને મોતનું તાંડવ ખેલી પત્નીને વિધવા સમજી એના પર ડોળા ટકવા આવેલા તમામને ખતમ કરી નાખે છે. શૂરવીર તો એ છે, પણ સમય પારખવાની રાહ જુએ એવો શાણો પણ છે.
હવે પિયા મિલનની ઘડી છે અંતમાં. પણ પેનેલોપીને ભરોસો હજુ નથી. આટલા સમયે અચાનક આવેલો આ માણસ પતિ ન હોય તો. અહીં પત્ની દૂર રઝળપાટ કરી આવેલા પતિની પરીક્ષા કરે છે! સ્મિત કરી દાસીને કહે છે કે અમારા લગ્ન સમયનો પલંગ ખાસ તૈયાર કરાવો અહીં લાવીને. ઓડિસિયુસ ચોંકીને કહે છે કે, 'એ વખતે ઓલિવનું ઝાડ કાપી નીચેનું થડ અકબંધ રાખી મારી હાથે પલંગ બનાવેલો. એ ખસે કેવી રીતે? ભૂલી ગઈ?' અને માત્ર બે જણને જ ખબર હોય એ સિક્રેટ નીકળતા બે દસકાની પ્રતીક્ષાનો સંયમ છોડી, બંધ તૂટતા ફરી વળતા પાણીની ઉત્કટતાથી પેનેલોપી અંતે ઘેર તમામ ટેમ્પટેશન ને ટ્રબલ બાદ પાછા ફરેલા પિયુના બાહુપાશમાં ગૂંથાઈ જાય છે. બાપ સાથે ખભો મિલાવી લડવા જેવો ઘડાયેલો પુત્ર પણ એ જોઈ હસી પડે છે. અને કાયમની મદદગાર દેવી એથીના પણ ઓલમ્પસ પહાડ પર ખુશ છે. બધા ઓડિસિયુસન બાપને મળવા જાય છે.
ઓડિસી હોમર આમ પૂરું કરે છે. પણ આપણી વાત બાકી છે. અંતિમ ભાગ આવતા બુધવારે.
ફાસ્ટ ફોરવર્ડ
'માણસ મુસાફરી કરીને આફતો સહન કરે તો જ એનામાં શાણપણ ને શૌર્ય વિકસે છે!' (ઇથાકા પહોંચેલા ઓડિસિયુસને એથીના મળવા આવે છે રૂપ બદલીને, એની ઓળખ પડતા એણે દીકરાને પિતાની શોધ કરવા બહાર મોકલ્યો એ જાણી ઓડિસિયુસ પૂછે છે કે હું અહીં આવવાનો એની ખબર હોવા છતાં એને કેમ પ્રવાસે મોકલ્યો, ત્યારે ગ્રીસમાં એથેન્સ નામ જેના પરથી છે એ વિઝડમ ગોડેસ એથીનાનો જવાબ.)









