સ્મૃતિનો સહારો અને સંભારણાનો સથવારો : જરૂર પડશે ફરી હૂંફની ગમે ત્યારે, સ્મરણમાં કોઈના બાહુઓ સાચવી રાખો!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- મેમરીઝ જતી રહે તો ભૂતકાળ જ નહિ, સંબંધો પણ ગાયબ થઇ જાય ! એક સુંદર નવીનક્કોર એનિમેશન ફિલ્મ યાદ દેવડાવે છે કે આપણા ઘડતરનું મોટું દેખાતું પિક્ચર કેટલી બધી નાની નાની ઘટનાઓના પિક્સેલ્સથી બનેલું છે!
'ત મે માણસો બકવાસ પ્રજાતિ છો. તમારી પાસે કેટલી મોટી ગિફ્ટ છે મેમરીઝની. પણ મારી જેમ તમે એને સાચવતા નથી અને ઉજવતા પણ નથી.'
ચામાચિડિયાની જેમ ગુફામાં રહેતું અને એટલે જ બતીબા નામે ઓળખાતું એક જાદૂઈ પાત્ર એનિમેશન ફિલ્મ 'ફરગોટન આઈલેન્ડ'માં આ ડાયલોગ કહે છે, ત્યારે એ સિચ્યુએશન ગૂઝબમ્પ્સ આવી જાય એવી છે. વર્ષો પહેલા આવી જ થીમ પર જોયેલી જીમ કેરી અને કેટ વિનસ્લેટની બેનમૂન ફિલ્મ 'ઈટર્નલ સનશાઈન ઓફ એ સ્પોટલેસ માઈન્ડ' પરથી લેખ લખેલો એ યાદ આવી ગયો આ ઓસ્કારમાં ટોપ એનિમેશન માટે સ્યોરશોટ એવી ડ્રીમવર્કસની નવી ફિલ્મ જોઇને. વોટ એ બ્યુટીફૂલ ફીલિંગ !
શું છે એમાં એનો ટૂંકમાં સાર જોઈ લઈએ : જોએલ ક્રોફોર્ડ (જેની પત્ની ફિલિપાઈન્સની છે) અને જાન્યુઅલ મેરકાડો (જે ખુદ ફિલીપાઈન્સનો છે) દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફરગોટન આઈલેન્ડ એક રંગબેરંગી, મનોરંજક, કલ્પનાશીલ અને અદ્ભુત લાગણીશીલ ફિલ્મ છે જેમાં ફિલિપાઈન્સનું બેકડ્રોપ છે. આપણી પાસે પણ મેજિકલ સ્ટોરીઝ છે આપણા કલ્ચરની. પણ ધર્મથી આગળ એને જેન ઝી ને જેન આલ્ફાને ગમે એવી સ્વતંત્ર કહાની અને આધુનિક પાત્રોમાં પરોવી દેતા આપણને આવડતું નથી. આ કહાની છે જોસેફિન 'જો' યુસોન અને રાઈસા મોલિના નામના બે પરમ મિત્રોની છે. જો તોફાની છે. ભણવામાં ખાસ ઉકાળી શકે એમ નથી, પણ એનર્જીથી ભારેપૂર મસ્તીખોર છે. નાની પાસે મોટી થઇ છે. મમ્મી છે નહિ અને પપ્પા એને છોડીને, કહો કે તરછોડીને અમેરિકા ગયા છે ને ફરી કદી એની ભાળ લેવા ડોકાયા નથી.
'જો' ગ્રાન્ડમધર લોલા ફાતિમા (ડોલી દી લીઓન) પાસેથી નકાલી નામના રહસ્યમય ટાપુ અને તેના અદભુત જીવો વિશેની વાર્તાઓ સાંભળીને મોટી થાય છે. એ ક્લાસમાં બધાને કહે છે, પણ કોઈને એમાં રસ પડતો નથી. એકલી પડેલી ગુમસુમ જો ને બચપણમાં એક સખી મળે છે રાઈસા. એ ઓપોઝીટ છે, ધમાલિયા સ્વભાવને બદલે સાવ શાંત અને એકલપેટી અંતર્મુખી. પણ જોથી ઉલટું ખાસ્સી હોશિયાર. એકને ધાંધલને લીધે કોઈ બોલાવતું નથી બીજીને મૂંજી ગણીને ! એમાં બેઉ ફ્રેન્ડસ બની જાય છે. પેલી જ્યાં જાવ તો તમે ઘણું બધું ભૂલી જાવ એવા જાદૂઈ નકાલી ટાપુ વાર્તાઓ માત્ર બાળપણનું મનોરંજન બનીને નથી રહેતી, પણ 'જો'ની ઓળખનો એક અનોખો હિસ્સો બની જાય છે અને એ દરેક કિસ્સામાં એને કોઈ પ્રિયજનનો પડછાયો દેખાય છે.
જો ને રાઈસા એક બ્રેસલેટ બાંધે છે એકમેકના કાંડે જેમાં સાથે મળીને કર્યા હોય એવા ખટમીઠાં અનુભવોનું કોઈ સિમ્બોલ કાંડે લટકતું રહે. જેમ કે કોઈ ખાસ ગીતોની કેસેટ રેકોર્ડ કરીને 'છપાવી; હોય તો નાનકડી કેસેટનું પ્રતિક ઝૂલતું રહે. ફિલ્મ નોસ્ટાલ્જીક નાઈન્ટીઝમાં શરુ થાય છે જ્યારે કેસેટોનો જમાનો હતો કે પોલોરાઈડ કેમેરામાં તસવીરો લેવી જાદૂ લાગતો. પણ ઉજાગરા કરીને દોસ્તને ગમતા ગીતોની કેસેટ રેકોર્ડ કરી એને ભેટ આપી હોય એમાં એક ઉંમર પછી એ ભૂંસીને કોઈ ગણિતની બોરિંગ થિયરી રેકોર્ડ કરી લે તો ?
સાથી તેરે નામ જીવન કર જાયેંગે, તુજ બિન માર જાયેંગે જેવી ગાઢ મૈત્રી હોય એમાં એક વિલન અચૂક આવે. ટાઈમ ! સમય સાથે મોટા થવાની પ્રક્રિયા એક કડવી વાસ્તવિકતા સામે લાવે છે : કોઈ પણ સંબંધમાં, મિત્રો હોય કે મા બાપ અને સંતાનો કે પડોશીઓ કે ભાઈઓ કે બહેનો કે ભાગીદારો … બે વ્યક્તિઓ એકબીજાને ખૂબ પ્રેમ કરતી હોવા છતાં જીવનમાં જુદી જુદી વસ્તુઓ ઈચ્છી શકે છે. ગ્રોઈંગ અપ કેન બી અલ્સો ગ્રોઈંગ એપાર્ટ. તો શું એકબીજાને ખોયા વગર પોતપોતાની અલગ કેડીઓ કંડારી શકાય? અને જેને તમે પ્રેમ કરતા હોવ, તેની પાસેથી એવી અપેક્ષા રાખવી શું સ્વાર્થ ગણાય કે તે તમારી જ મંઝિલ પર ચાલે, જ્યારે તેની પોતાની સફર સાવ અલગ હોય?
આવા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ એડ્લ્ટ્સ માટે પણ કન્ફયુઝિંગ હોય છે. પણ એ બાળકો માટેની એનિમેશન ફિલ્મ આબાદ ઉઠાવે છે. એ પણ ઉપદેશની માફક નહિ. એક શ્વાસ લેવાની ફુરસદ માંડ મળે એટલી સ્પીડમાં ભાગતી રોમાંચક સાહસકથા અને એમાં ઉમેરાતા જતાં અવનવા કલરફૂલ કેરેક્ટર્સ સાથે. હેરી પોટરની જેમ મેજિક વિથ ઈમોશન્સ. રાવ્વ, બુંગી અને ભયાનક મનાંગ, ટચુકડા લોકો, વિશાળ વૃક્ષમાનવીઓ, દરિયાના તળિયે રહેતા જલપરા (પરી નહિ પણ પરો!), હાથીકાય મેઘધનુષી કૂકડો જેવા અનેક પાત્રો રીતસર સ્ટુડિયો જીબલીની જાપાનીઝ ફિલ્મો યાદ કરાવે એવી સૃષ્ટિ રચે છે !
હાઈસ્કૂલ બાદ ભણવામાં ખાસ કશું ઉકાળી ના શકેલી જો ફાંફા મારે છે નાનીના ગુજરી ગયા બાદ એકલતા સંભાળતી કશુંક કમાવા માટે. પણ સારો સ્કોર લઇ આવતી રાઈસા કોલેજ માટે અમેરિકા જવાની છે. એની પાર્ટીમાં રાઈસાના પેરન્ટસ જો ને એની કારકિર્દીની ઉડાન અટકાવતું રોકેટના છેડે લટકાવેલું વજન ગણીને એનો સંગાથ છોડવા સમજાવે છે. છતાં બંને પોતાની છેલ્લી રાતની પાર્ટી કરે છે. ત્યાંથી મેમરી ઇટીંગ યાને યાદો ગળી જતા નકાલી ટાપુનું પોર્ટલ ખુલે છે. ઈનફેક્ટ એમાં પણ આગલી રાત્રે શું કરેલું એ યાદ નથી આવતું ને એમાં પાછા પડવાની દોડ સમય સાથે શરુ થાય છે ને એક પછી એક રહસ્ય રમૂજ સાથે ઉઘડે છે.
બંને યુવતીઓના માધ્યમે દોસ્તી, એ ખોવાનો ડર અને જીવનના એક નવા પ્રકરણમાં પ્રવેશતી વખતે એકબીજાથી દૂર થઈ જવાની શક્યતા વચ્ચેના સંતુલનની મથામણ આબાદ ઉપસી છે. એક સીનમાં જો કહે છે કે બધા ફ્યુચરની વાત કરે છે કે પણ મારા જેવા લોકો પણ છે જેની પાસે કોઈ ફ્યુચર યાને ભવિષ્ય નથી હોતું. એની એ જિંદગી ખેંચ્યા કરવાની હોય છે. જે સ્પેશ્યલ નથી કશામાં. દિલથી બનેલી આ ફિલ્મમાં સાહસ સાથે એક એવો મધુર અને મહત્વનો સંદેશ છે જે ફિલ્મ પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી આપણા ચિત્તમાં ચકરાવો લઇ શકે એવું જાદૂ ઉભું કરી શકે !
યાદ છે થેનોસનો પેલો સીન 'એવેન્જર્સ એન્ડગેઈમ'નો ? જેમાં એ એકલો બેઠો છે ને કહે છે કે એક ચપટી વગાડી અડધી દુનિયાની વસતિ સાફ કરી નાખી એને લીધે એ માનતો હતો કે બાકીના અડધા શાંતિથી નિરાંતે જીવી શકશે. પણ એ ખોટો પડયો. કારણ કે, અગાઉ શું હતું અને કોણ હતા એની સ્મૃતિઓ જ્યાં સુધી માણસો પાસે હશે ત્યાં સુધી એ હવેનું પરિવર્તન સ્વીકારી નહિ શકે અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય સામે પણ ભવ્ય ભૂતકાળને ખાતર વિપ્લવ કરશે !
યસ, યાદ હશે ત્યાં સુધી કશુક બચાવી લેવા માટેનું યુદ્ધ હશે. યાદ હશે ત્યારે કોઈ વિદાય લઇ ગયેલાને મનોમન જકડી રાખીને આસપાસ હાજર હોવાની કલ્પના કરવાની રમત હશે. આપણે પણ જેને વારસો કહીએ છીએ એ કોઈ પૂર્વજોએ સમેટેલી જિંદગીના સંભારણામાંથી આવેલો જ છે ને. કોઈએ કશુક કર્યું એ સામૂહિક આદત બની એમ તો સામાજિક પરંપરાઓ આવી. કોઈએ પહેરેલા વસ્ત્રો યાદ રાખ્યા ને ફેશન આવી, કોઈએ લખેલી વાત સ્મરવા માટે તો ભાષા અને લેખન કે મુદ્રણની કળા આવી. આપણે ગાંધીજીને પણ નથી જોયા અને આપણા કોઈ પરાક્રમી દાદાજીને પણ નહી જોયા હોય, મેઘાણી કે મરીઝ કે મારિયો પુઝોને પણ ઓળખતા નથી એક રીતે આપણે. છતાં એ બધા પોતીકા લાગી શકે છે કારણ કે કોઈએ એમની યાદો સાચવીને રાખી છે આગળ આવનારી પેઢી માટે. તહેવારો એમ તો ઉજવાય છે કોઈ સંભારણા સાથે અનુસંધાન જોડવા.
બટ, સાયન્ટીફિકલી મેમરી ઈઝ ટેગિંગ. જેમ ઓનલાઈન દોસ્તોને કોઈ ફોટા કે વિડીયોમાં મેન્શન અને ટેગ કરીએ. એવી જ રીતે આપણું બ્રેઈન કામ કરે છે. મગજને આપણા જ ખાતાનો લાંબો પાસવર્ડ યાદ ભલે ના રહે પણ વર્ષો પહેલાની કોઈ ડ્રામેટિક ઘટના આખી યાદ રહી જાય છે. જે સ્મૃતિ સાથે સંવેદના જોડાયેલી હોય એ લોકરમાં સેફ રહે છે. બાકીની કહેવી પડે છે. જોજો તમારી શ્રેષ્ઠ યાદો પ્રેમ, અપમાન, ખુશી, ગુસ્સો, ભય, મૂંઝવણ, જીત, હાર, સફળતા વગેરે સાથે જોડાયેલી નીકળશે !
જ્યારે તમે કોઈ નવા શહેરમાં પહેલીવાર ગયા હોવ એ સમયને યાદ કરો. કદાચ એ કોઈ વેકેશન હશે અથવા કોઈ બિઝનેસ ટ્રીપ. પણ વર્ષો પછી ફ્લેશબેકમાં તમને એ શહેર વિશે બહુ બધું યાદ ન હોય. ધૂંધળી છબી હોય એની દ્રશ્યો, અવાજો અને કદાચ એકાદ-બે સ્વાદ, સુગંધ કે કશું સૌંદર્ય.
તમે ક્યાં રોકાયેલા ? એ કોઈ ઘર હતું કે હોટેલ ? તમને યાદ છે કે ત્યાંનો રસ્તો કેવો દેખાતો હતો ? તમને ઝાંખું યાદ છે કે ક્યાં જમ્યા હતા? જો હા, તો શું તમને યાદ છે કે એ રેસ્ટોરાં કેવા પ્રકારની હતી ? ત્યાં કેવી લાઈટિંગ હતી ? કેવું ફર્નિચર હતું ? જો શાંતિથી બેસીને ચોક્કસ સવાલોના ઊંડાણમાં જવાનું શરૂ કરો, તો ખાલીખમ વેક્યુમમાંથી યાદો જાગૃત થવા લાગે છે. પછી ખાતી વખતે શું ભાવેલું ને કોણ મળેલું એ પણ યાદ આવે છે. ઈનફેક્ટ, ફોટો આલ્બમ આ જ કરે છે ઘણી વાર આપણા માટે: રિવાઇન્ડિંગ !
કારણ કે માનવ સ્મૃતિ કોઈ શૂન્યાવકાશમાં અસ્તિત્વ નથી ધરાવતી. એ એસોસિએશન પર આધારિત છે. મોટાભાગની યાદો સુષુપ્ત અવસ્થામાં હોય છે. એમ જ યાદ નથી આવતી પણ ઉધઈ ખાઈ ગયેલું ભેજવાળું કોઈ જુનું મેગેઝીન હાથમાં આવે ને એ આખો કાલખંડ તરવરી ઉઠે છે તમારી સામે. સ્કૂલમાં જે મેમરી પ્રેક્ટીસ ગોખવાની થાય છે એમાં ઈમોશનલ બોન્ડ નથી, એટલે એક્ઝામ પછી બધું ભૂલાવા લાગે છે.
એટલે કોશિશ હોય છે કોઈ ભૂતકાળની ખજાનો સાચવવાની. સારી રહેલા વર્ષો વચ્ચે એ આપણને લઇ જાય છે એવા લોકોની વચ્ચે જેને આપણે ત્યારે ગુમાવ્યા નહોતા. એવી ઉંમરની લગોલગ જ્યારે જીવનમાં ઘણા સપનાની રંગોળી નાચતી હોવાને લીધે આશા અને આનંદનો ઉલ્લાસ છવાયેલો હતો. એટલે માણસ ને બાળપણ કે જવાનીની સફર ગમે છે. રિયુનિયન થતા રહે છે મિત્રોના. કોઈ ઉત્સવ કે જન્મદિન કે લગ્નમાં ગમતા લોકોને ભેગા કરવાનો હરખ થાય છે. પોતાની ઓળખ તલાશવા અને તરાશવા વતનથી દૂર ગયેલા ઘણા લોકોના દિલના ખૂણે 'ચિઠ્ઠી આઈ હૈ' ટાઈપ ઝુરાપો ટૂંટિયું વળીને સૂતો હોય છે.
બેટર લાઈફના ડ્રીમ સાથે એક ટીસ હોય છે ઘર છોડીને દૂર જનાર વ્યક્તિમાં. પોતાના સ્વજનોને પાછળ છોડી જવાનો ડર અને એવું શું કરીએ કે એમને એમ લાગે કે એ ભૂલાઈ નથી ગયા ! તમે ગમે તેટલા દૂર પ્રવાસ કરો, જો તમને ખબર હોય કે તમે ક્યાંથી આવ્યા છો, તો તમને એ પણ ખબર હશે કે તમારે ક્યાં જવાનું છે. અને રૂટ્સ ખાલી પ્લેસ કે કલ્ચરમાં નથી હોતા. ફ્રેન્ડસ એન્ડ ફેમિલીમાં પણ હોય છે ! મેજિક કોઈ પ્લેસ નથી. મેજિક ત્યાં બનેલી આપણી મેમેરી છે. એ સ્વીટ હશે તો એ વ્યક્તિ કે વસ્તુ કે વતન વહાલું લાગશે. બિટર હશે તો એ ગમતું બંધ થઇ જશે.
ફરગોટન આઈલેન્ડ જેવી ફિલ્મ હોય કે બર્થ ડે જેવો અવસર કાયમ એ ચહેરા યાદ આવે જે આપણી કહાનીનું કોઈ પ્રકરણ છે. એ યાદો જે ચૂપચાપ આપણા પોતાના અસ્તિત્વનો ભાગ બની ગઈ છે. એવા કેટલાય સ્થળો છે જેને આપણે એટલા માટે યાદ રાખીએ છીએ, એટલે નહિ કે એ બહુ સુંદર હતા પણ આપણા કોઈ ગમતા આપણી સાથે હતા. કોઈ મજાક. કોઈ ઊંડી વાતચીત. કોઈ જોડે જોયેલું જીવનનું સ્વપ્ન. કોઈ એવી ક્ષણ જેની ત્યારે આપણને ખબર નહોતી કે પછીથી તે મૂલ્યવાન બની જશે. મમ્મી પપ્પા જો ફેમિલીમાંથી ફોટો બની જાય તો એમની હયાતીમાં એમના વિના પસાર કરેલો સમય પ્રેત થઈને ખભે બેસી જાય ! એવું બને કે કોઈ એક ફિલ્મી સીન તમને એક ઝાટકે ઉછાળીને તમારી સ્કૂલની રિસેસમાં ફંગોળી દે કે કોઈ એક ગીત અચાનક તમને એ રાતનો ઉજાગરો યાદ અપાવે જે ફરી જીવવા તમે આખું વરસ કાઢીને આપી દો !
ડીડ યુ નોટીસ ? આપણે જીવનનો મોટો સમય ક્ષણોને કેદ કરવામાં વીતાવીએ છીએ. ફોટા પાડવા, સોવેનિયર્સ સાચવવા, મેસેજીસ સેવ કરવા, વિડીયો શૂટ કરવા કે ડાઉનલોડ કરવા. કારણ કે ફરી ફરી એ અનુભવ તાજો કરવાણી અપેક્ષાએ આપણે વહેતા સમયને વોલ્ટમાં પેક કરવા માંગીએ છીએ. એમ જ નથી બની ગયા આપણે. કેટલા લોકોએ સારા કે નરસા અનુભવો આપીને આપણને કશુંક શીખવાડી ગયા છે. કેટલાય શુભેચ્છકો, મિત્રો, ગુરુઓ, સ્વજનો, પાડોશીઓ, નગરવાસીઓ, વેપારીઓ, ટપાલીઓ, રિક્ષાવાળાઓ, શિંગવાળાઓ, ફેરિયાઓ કોઈ ને કોઈ હશે જેમને આપણે શું થઈશું ને ક્યાં હોઈશું એ ખબર નહિ હોય છતાં આપણને મદદ કરી હશે કોઈ મજા કરાવી હશે. કૈંક પાઠ ભણાવ્યો હશે. ગ્રેટીટયુડ ઉર્ફે કૃતજ્ઞાતા એમને પછીથી યાદ કરવાની જ તો મનોવૃત્તિ છે !
ગ્લોબલાઇઝેશન એન્ડ ટેકનોલોજીને લીધે લાઈફ સુપર સ્પીડમાં બમ્બાટ ફાસ્ટ ભાગે છે. એમાં ભૂલી જવું સાવ સહેલું થઇ ગયું છે. એટલું બધું ઓનલાઈન ઠલવાયા કરે છે કે કે વી કીપ ફરગેટિંગ એવરીથિંગ. આપણને માણેલું પણ ખાસ યાદ હવે નથી રહેતું કારણ કે ઉપર બીજી સેંકડો બાબતો ઓવરલેપ થઇ જાય છે. વ્યક્તિઓ ઝટ ખોવાઈ જાય છે. પોલિટિક્સ હોય કે એન્ટરટેઈનમેન્ટ આપણે ઝટ અગાઉનું ભૂલી જઈએ છીએ. જુઓ જૂની કોઈ સચિનની ઇનિંગ જેટલી યાદ આવશે એટલી વિરાટની તાજી સેન્ચ્યુરીઝ યાદ નહિ રહે. બધી વસ્તુઓમાં અતિરેકનું એક નુકસાન એ છે કે એની યાદો સરખી બનતી નથી.
એવું નહિ કે આખી જિંદગી કોઈ ઓબ્સેશનની જેમ જુનું યાદ કરવામાં વેડફી નાખીએ. બ્રાઝીલીયન રાઈટર પાઉલો કોએલ્હોએ સરસ રીતે લખેલું 'સ્મૃતિઓ નમક જેવી હોય છે, પ્રમાણસર હોય તો સ્વાદ વધારે. ઓવરડોઝ થઇ જાય તો સ્વાદ બગાડે !' ફરગોટન આઈલેન્ડ એ પણ સમજાવે છે કે ઘણી વાર યાદોને આપણે એકઝેટ સાચવતા નથી પણ એને આપણને ગમે એવી રીતે સુધારો કરીને સાચવીએ છીએ. એટલે ઘણી વાર એકદમ કોન્ફિડન્સથી કશુક સ્મરણ ઉખેળો અને ભોંઠા પાડો એવું થાય કે રિયલ ઘટના અલગ બની હોય.
એટલે વાત માત્ર મેમરીની નથી. એની સાથે જોડાયેલી મોમેન્ટસમાં ઉમેરાયેલી લાગણીઓની વધુ હોય છે. શું ખાધું એમાં ભૂલ પડી શકે. પણ કોણ સાથે હતું એમાં ના પડે ત્યાં સુધી સબ ચંગા સી. અને એ અજ્ઞાત મૂંઝવણ. મોટા થવું હંમેશાં એટલા માટે ડરામણું લાગે કે કે તમને ખબર નથી હોતી કે આગળ શું ભવિષ્યમાં થવાનું છે. પણ ક્યારેક તે એટલા માટે પણ ડરામણું લાગે છે કે તમને બરાબર ખબર હોય છે કે તમે શું ગુમાવવાના છો આવનારા સમયમાં. ચાહો તો પણ અટકાવી નથી શકવાના એને. દીકરી મોટી થતી હોય ત્યારે મા બાપ જાણે છે કે કોઈ દિવસ એ ઉડી જશે એના નવા ઘરમાં. સ્મૃતિઓ ઘટનાઓ બદલી નથી શકાતી.
જીવન બદલાતું રહે છે, લોકો મોટા થાય છે અને ક્યારેક જેમને આપણે પ્રેમ કરીએ છીએ તે લોકો અલગ રસ્તે ચાલી નીકળે છે, પરંતુ આપણે સાથે મળીને જે યાદો બનાવી હોય, એ તો હંમેશા આપણી સાથે રહે ! મિત્રતા મહેનત માંગી લે, ક્યારેક લડવું પડે એ સહિયારી યાદો ખોવાઈ ના જાય એ માટે. આજે આપણે જે વ્યક્તિ છીએ તેનો કેટલોક ભાગ ગઈકાલે આપણે જેમને મળ્યા હતા તેમનાથી આવે છે. પણ એ યાદો અચાનક ગાયબ થઈ જાય તો શું થાય? સૌથી મોટી ફરિયાદ જ એ હોય છે કે એ વ્યસ્ત થયા કે આગળ વધ્યા ને પાછળનું બધું ભૂલી ગયા.
આવું વારંવાર થાય ત્યારે શરીર એવું દેખાતું હોય તો પણ મનમાં તો મિસિંગ પીસીઝની ઘણી એમ્પ્ટી સ્પેસ બને છે. એટલે ભીતર ખાલી ખોખું બચે છે એક તબક્કે. જે લોકો આપણા પહેલા આવ્યા તેમની પાસેથી આપણે વાર્તાઓ મેળવીએ. આપણી બાજુમાં બેઠેલા લોકો સાથે આપણે યાદો બનાવીએ. આપણે જે વ્યક્તિ બનવા માંગીએ છીએ તેના સપના જોઈએ. અને આખરે, આપણે એ સમજવું પડે કે કોઈને પ્રેમ કરવાનો અર્થ એ નથી કે કાયમ એક જ રસ્તા પર જોડે ચાલવું.
ક્યારેક તેનો અર્થ એવો થાય છે કે સામેની કોઈ નિકટ સ્વજન જેવી વ્યક્તિએ તમારા જીવનમાં જે ઉમેર્યું છે તેને ક્યારેય ન ભૂલવું ! આ ફિલ્મ આ સત્યનો રિમાઈન્ડર છે. એટલે એમાં અન્ડરલાઈન છે કે વી વિલ રિમેમ્બર, સો વી આર ટુગેધર. ફિઝીકલી છુટા પડીને પણ સતત કોલ કે મેસેજ વિના પણ આપણી પાસે કોઈની સાથે શેર કરેલી મેમરીઝ હશે ત્યાં સુધી કનેક્શન બચશે.
અને ૬ ઓક્ટોબર હોય કે વિજયાદશમીની તિથિ, જેમ મોટા થઈએ એમ પાંપણોમાં અદાલત ભરતો દરેક જન્મદિન માઈલસ્ટોન બનતો જાય છે, રીઅર વ્યુ મિરરમાં પાછળ છૂટી ગયેલા સાંભરણનો ! (શીર્ષક : આદિલ મન્સૂરી)
ફાસ્ટ ફોરવર્ડ
એવી રીતે પ્રવાસની ક્ષણ ઓગળી જશે
પગલાં બની બનીને ચરણ ઓગળી જશે
પથ્થર બનીને રહી જવાની મારી વેદના
કૈં મીણ થઈને તારાં સ્મરણ ઓગળી જશે
અચાનક ધૂળમાંથી જે રીતે સિક્કો મળી આવે
અજાણી શેરીમાં એમ જ મને સ્મરણો મળી આવે
હથેળીમાં લખી એક નામ મુઠ્ઠી બંધ કર હળવે
પછી ખોલી જરા જો તો કૂણો તડકો મળી આવે
(મનોજ ખંડેરિયા)




