Ravi Purti

મિડલ ટેમ્પલની લાયબ્રેરી વલ્લભભાઈ માટે દિવસનું ઘર હતી

By GS Team
4 Jul 20264 mins read
મિડલ ટેમ્પલની લાયબ્રેરી વલ્લભભાઈ માટે દિવસનું ઘર હતી

સરદાર @150-હસિત મહેતા
લંડનના આ અભ્યાસકાળ દરમ્યાન તેમણે એ ભલા અને એમનું કામ ભલું - જેવું જીવનધોરણ દાખવ્યું. તેથી એમને પોતાની આસપાસ જોવાની, મિત્રમંડળી બનાવવાની કે પછી કોઈ સ્થાનિક સંબંધો વિક્સાવવાની ફુરસદ જ નહોતી.
વ લ્લભભાઈને બોરસદના વકીલાતકાળે અને તે અગાઉ પણ તમાકુ ભરેલો હુક્કો પીવાની ટેવ હતી. આથી ઈંગ્લેન્ડ પ્રવાસમાં આ હુક્કાની તમાકુ પોતાના સામાનમાં બાંધી લીધી હતી. તેમની આગબોટ માસૈલ્સ પહોંચી અને ત્યાંથી ડોવર સુધી તેમણે રેલ્વે પ્રવાસથી લંડન પહોંચવાનું હતું. પરંતુ ત્યાં પહોંચ્યાવેંત તેમને પેલી હુક્કાની તમાકુ નડતરરુપ થઈ. લંડનના ઓફિસરે રોકીને તેના વિશે પુછવા માંડયું, કારણ કે આ રીતે વ્યસનપદાર્થ સાથે લંડનપ્રવેશ પ્રતિબંધિત હતો.
પરંતુ ચતુર વલ્લભભઆઈ કાંઈ એમ પાછા પડે તેમ નહોતા. તેમણે પેલા ઓફિસરને પોતાની ગોળ મિશ્રિત મીઠી તમાકુને માટે વર્ણન કર્યું કે આ તો અમારી મીઠાઈ છે, તમે તે ચાખીને ખાતરી કરી શકો છો. વળી બન્યું પણ એવું જ અને પેલા ઓફિસરને તે મીઠી લાગી, એટલે તરત જ વલ્લભભાઈએ તેની આગળથી સરકી જઈને આગળ નીકળી ગયા.
કારણ કે આગળ નીકળવા માટે જ તેમણે આ ઈંગ્લેન્ડનો પ્રવાસ આરંભ્યો હતો. તેમની સામે એકમાત્ર લક્ષ્ય હતુ બૅરિસ્ટર થવું, ખૂબ કમાવવું, બાળકોને ઈંગ્લેન્ડ મોકલીને ભણાવવા, અને મોટા બૅરિસ્ટર તરીકે નામ કાઢીને પોતાનું તથા મધ્યમવર્ગીય પરિવારનું નામ રોશન કરવું. આ ધ્યેય સિદ્ધ કરવા તેઓ પહેલા દિવસથી એકાગ્રચિત્તે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માંડયા હતા. નાટકચેટક જેવા મોજશોખમાં કે પછી મનગમતાં લોકો જોડે સહેલસપાટામાં તેમને સ્હેજેય રસ નહોતો.
તેઓ લંડનમાં જ્યાં રહેતા હતા ત્યાંથી મિડલ ટેમ્પલ કૉલેજ સુધીના લાંબા રસ્તા ઉપર કેનિંગ્સ્ટન બાગ, બર્કિંગહામ રાજમહેલ, સેન્ટ જેમ્સનો બગીચો, કિલઓપેટ્રાનો સ્તંભ અને વોટરલુ પૂલ જેવાં મહત્ત્વનાં અને આકર્ષક સ્થળો આવતા હતા. બે-ચાર વખત વલ્લભભાઈને બદલવા પડેલાં પોતના જુદાં-જુદાં રહેઠાણો વખતે પણ આસપાસમાં કે રસ્તામાં ઘણાં જોવાલાયક સ્થળો આવતાં હતા. છતાં વલ્લભભાઈની નજર સામે વાંચવું, પાસ થવું અને વહેલી તકે બૅરિસ્ટરી મેળવીને ભારત પાછા જવા સિવાયની કોઈ વાત કે ઘટના મહત્ત્વની હતી નહીં. તેમણે આ સમયગાળા દરમ્યાન ઈંગ્લેન્ડથી કુટુંબીજનો ઉપર લખેલાં પત્રોમાં પણ આવા કોઈ ઉલ્લેખો નથી. લંડનનું વર્ણન સુદ્ધાં નથી, કે ત્યાંના કોઈ મહત્ત્વના સ્થળ કે આકર્ષણ પ્રત્યેનો અહોભાવ પણ નથી.
લંડનના આ અભ્યાસકાળ દરમ્યાન તેમણે એ ભલા અને એમનું કામ ભલું - જેવું જીવનધોરણ દાખવ્યું. તેથી એમને પોતાની આસપાસ જોવાની, મિત્રમંડળી બનાવવાની કે પછી કોઈ સ્થાનિક સંબંધો વિક્સાવવાની ફુરસદ જ નહોતી. પોતાના ઘરથી ખાસ્સી દૂર આવેલી મિડલ ટેમ્પલની લાયબ્રેરીમાં બેસીને તેઓ આખો દિવસ વાંચવામાં પસાર કરતાં હતા. તેમની પાસે કાયદાને લગતી તો બહુ થોડી ચોપડીઓ હતી, અને ત્યાં નવી ખરીદવી પોતાને પોસાય તેમ નહોતું. એટલે દરરોજ બે કલાક ચાલીને લાયબ્રેરીમાં વાંચવા જતાં અને આવતાં. વહેલી સવારે ૯ વાગે લાયબ્રેરી ખુલવાના સમયે પહોંચી જતાં, અને છેક સાંજે ૬ વાગે, તે બંધ થવાનો સમય થાય ત્યારે પટાવાળો આવીને તેમને ટકોરે, પછી જ ઉભા થાય. આ દરમ્યાન બપોરનું ખાણું અને સાંજનો ચા-નાસ્તો પણ તેઓ ત્યાં જ મંગાવીને ખાઈ લેતા. ઘણુખરું તો દૂધ અને બ્રેડથી ચલાવી લેતાં, પણ બહાર જવામાં સમય ગુમાવતા નહીં. દસ-બાર માઈલ દૂરથી ચાલીને આવ્યાં હોવાથી પોતાના સમયની એક-એક મિનિટનો તેઓ સઘનતાથી ઉપયોગ કરતાં.
મિડલ ટેમ્પલની લાયબ્રેરીનો પટાવાળો આવીને કહે કે ભાઈ હવે ઉઠો, હવે બધા ગયાં, લાયબ્રેરી બંધ કરવાનો વખત થઈ ગયો છે, ત્યારે જ વલ્લભભાઈ ઉઠે. એકધાર્યા નવેક કલાકનો અભ્યાસ અને દસ-બાર માઈલનું રોજનું ચાલવાનું, આવો કઠીન જીવનક્રમ સ્વીકારી-ગોઠવી દીધો હતો તેમણે.
વલ્લભભાઈના લંડનનિવાસકાળે બીજા ઘણાં નામાંકિત ગુજરાતીઓ ભણવા માટે ઈંગ્લેન્ડ આવ્યા હતા. તે પૈકી મગનભાઈ ચતુરભાઈ પટેલ, નગીનદાસ સેતલવાડ, ઈન્દ્રવદન નારાયણભાઈ મહેતા, સૂર્યશંકર દેવશંકર મહેતા વગેરે વલ્લભભાઈને લંડનમાં મળ્યાં હોય તેવી નોંધો છે. આમ છતાં એ સહુ સાથે તેમને ગાઢ પરિચય કે દોસ્તી જેવું થયેલું નહીં. તે સહુ સાથે તેમણે તો 'કેમ છો-સારું છે'નો અભિગમ જ રાખેલો. વલ્લભભાઈને જાણે કોઈ સંબંધોમાં રસ જ નહોતો. એમને રસ હતો ફક્ત વહેલામાં વહેલી તકે બૅરિસ્ટર થઈને ભારત પાછા ફરવાનો.
એ સમયે કેટકેટલાં હિંદી વિદ્યાર્થીઓ ઈંગ્લેન્ડમાં મોટી ચળવળો કરતાં હતા. જાહેરજીવનમાં સક્રીય રહેતાં હતા. છતાં વલ્લભભાઈની નજર અભ્યાસ કરવા સિવાય કશા ય ઉપર ઠરી નહોતી. પાછળથી, છેક ૧૯૩૦ સુધીમાં વલ્લભભાઈએ અંગ્રેજોની નીતિરીતિ સામે જાહેર ભાષણોમાં જે આક્રોશ ઠાલવ્યો હતો, તેનો લાવા તેમના હૃદયમાં ઈ.સ.૧૯૧૦થી ૧૯૧૩ દરમ્યાનના એ વર્ષોમાં ધકધક્તો જ હશે, છતાં તે મનમાં દબાવી રાખ્યો હશે. કારણ કે એ જ અરસામાં ત્યાં મદનલાલ ધિંગરા સર કર્ઝન વાઈલીનું ખૂન કર્યું હતું. એ જ અરસામાં વિનાયક દામોદર સાવરકરને રાજ્યવિરોધી કાવતરા માટે જન્મટીપની સજા થયેલી હતી, એ જ ગાળે બિપિનચંદ્ર પાલ ત્યાં ગરમાગરમ ભાષણો કરતાં હતા. પરંતુ વલ્લભભાઈ તો એ બધા સાથે સાવ ચડીચૂપ હતા. તેમનું ધ્યેય માત્રને માત્ર બૅરિસ્ટર થવાનું હતું.
પાછલા જીવને આવડો મોટો રાજનેતા થયેલો આ જણ ત્યારે તો એકાગ્રચિત્તે પોતાના જ જીવનમાં ખૂંપાયેલો હતો.