રોશિબિના દેવી : માર્શલ આર્ટ વુશુમાં ભારતની ઓળખ બની રહેલી ખેલાડી

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- મણીપુરના નાનકડા ગામમાં જન્મેલી રોશિબિનાના આક્રમક અંદાજ અને દ્રઢ મનોબળની સામે તમામ વિઘ્નો વામણા સાબિત થયા : સળંગ ત્રણ એશિયન ગેમ્સમાં ચંદ્રક જીતવાની સીમાચિહ્નરૂપ સિદ્ધિ
અ પને હી દેશ મેં હમ હૈ પરદેસી…. કોઈ ના પહેચાને …. - સફળતાના શિખરે પહોંચવાની સાથે પ્રસિદ્ધિ પણ મળી જ જાય તેવી સહજ માન્યતા ઘણી વખત ખોટી પણ સાબિત થતી હોય છે. દરેક વેળાએ સફળતા મેળવનારને આવી ઓળખ મળી જ જાય તેવું જરુરી નથી. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતને આગવી ઓળખ અપાવનારા ખેલાડીઓને ઘણી વખત પોતાના જ દેશમાં પોતાની ઓળખ ઉભી કરવા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે. વૈશ્વિક સ્પર્ધાઓમાં ચંદ્રકો જીતવાની સાથે ભારતનું નામ રોશન કરી રહેલા ખેેલાડીઓને ઓળખનારા દેશવાસીઓની સંખ્યા જૂજ જોવા મળેે છે અને ક્રિકેટ સિવાયની તમામ રમતોના ખેલાડીઓની હાલત આવી જ જોવા મળી રહી છે અને તેમાનું એક નામ એટલે રોશિબિના દેવી.
વૈશ્વિક સ્તરે ભારતને વિવિધ રમતોમાં સફળતા અપાવનારા ખેલાડીઓમાં ઉત્તર-પૂૂર્વના ખેલાડીઓનું પ્રદાન અત્યંત મહત્વનું રહ્યું છે અને રોશિબિના દેવી નાઓરેમનું નામ તેમાં અગ્રહરોળમાં સામેલ છે. મણીપુરની ૨૫ વર્ષીય ખેલાડી રોશિબિના દેવી વુશુની ઓછી જાણીતી રમતમાં આંતરરાષ્ટ્રીય સ્તર કાઠુ કાઠયું છે. ચીની કુંગફૂ તરીકેની ઓળખ ધરાવતા વુશુમાં રોશિબિના દેવીએ જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતને વધુ એક ચંદ્રક અપાવ્યો છે. આ સાથે તેણે ભારતના મહાન ખેલાડીઓ પી.ટી. ઉષા, પ્રદ્યુમન સિંઘ બ્રાર, હરિન્દર પાલ સંધુ તેમજ જ્યોતિ સુરેખા વેન્નમની હરોળમાં સ્થાન મેળવી લીધું છે. રોશિબિનાએ વુશુની રમતમાં સતત ત્રીજી એશિયન ગેમ્સમાં ભારતને ચંદ્રક અપાવ્યો છે અને તે સતત ત્રણ કે વધુ એશિયાડમાં ચંદ્રક જીતનારા દિગ્ગજોની હરોળમાં સ્થાન
ધરાવે છે.
રોશિબિનાએ ૨૦૧૮માં યોજાયેલી જકાર્તા અને પાલેેમબાગ એશિયન ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અને ત્યાર બાદ તેણે ૨૦૨૨માં હાંગઝોઉમાં યોજાયેલા એશિયાડમાં રજત ચંદ્રક હાંસલ કર્યો હતો. ભારત જેવા દેશમાં માર્શલ આર્ટની રમતમાં પ્રોફેશનલ ખેલાડી તરીકે આગળ વધવાનું સ્વપ્ન જૂજ ખેલાડીઓ જોતા હોય છે,ત્યારે તેમના માટે રોશિબિના પ્રેરણારુપ બની શકે છે. જોકે, જન સામાન્યમાં કોઈ વિશેષ ઓખળ ન ધરાવતી હોય તેવી વુશુની રમતમાં મર્યાદિત સાધનો અને કોચિંગ છતાં પોતાની પ્રતિભાના બળે આગળ વધવાનું સાહસ રોશિબિનાએ કરી બતાવ્યું છે અને તે જ દર્શાવે છે કે, જો કોઈ લક્ષ્યને હાંસલ કરવાનો મક્કમ નિર્ધાર કરી લેવામાં આવે તો હિમાલયને સર કરવો એ પણ અશક્ય નથી.
એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો એથ્લેટિક્સ, શૂટિંગની સાથે સાથે કુસ્તી, બોક્સિંગ તેમજ વેઈટલિફ્ટિંગ જેવી રમતોમાં રહેેતો હોય છે. જોકે માર્શલ આર્ટની વાત આવે, ત્યારે મેડલ વિજેતાને શોધવા મુશ્કેલ બનતા હોય છે. જોકે, રોશિબિનાએ સખત મહેનતના સહારે એશિયન ગેમ્સની વુશુની સ્પર્ધામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી લીધી છે. તેણે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપથી લઈને સાઉથ એશિયન ગેમ્સમાં પણ ચંદ્રક વિજેતા ખેલાડી તરીકે આગવી ઓળખ ઉભી કરી છે અને તેની આ જ વિશેષતા તેને ભારતના માર્શલ આર્ટમાં સફળતા મેળવનારા જૂજ ખેલાડીઓની યાદીમાં સ્થાન અપાવે છે.
ચીનમાં શોધાયેલા વુશુ માર્શલ આર્ટમાં મુખ્યત્વે બે ભાગ છે. તાઓલુ અને સાન્ડા. તાઓલુમાં ખેલાડીને નિયમબદ્ધ રીતે આગવી શૈલીનું પ્રદર્શન કરવાનું હોય છે. જ્યારે સાન્ડા એ આમને-સામને લડવાની શૈલી છે. રોશિબિનાએ સાન્ડા શૈલીમાં તમામ સફળતા મેળવી છે. મણીપુરમાં આવેલા વિષ્ણુપુર જિલ્લામાં ક્વાકસિફાઈ માયાઈ લેકાઈમાં એક અત્યંત સાધારણ ખેડૂત પરિવારમાં રોશિબિનાનો જન્મ થયો હતો. તેના પિતા દામુ સિંઘની પાસે ક્વાશિફાઈ ગામમાં થોડી જમીન છે, જેના પર ખેતી કરીને તેઓ ગુજરાન ચલાવે છે. જ્યારે રોશિબિનાની માતા રોમિલા દેવી તેમના પતિની મદદ કરીને ગુજરાન ચલાવે છે. રોશિબિના પણ તેની મોટી બહેનની સાથે ખેતરમાં જતી અને તેની સાથે રમતી.
રોશિબિના બાળપણથી ખુબ જ એક્ટિવ હતી અને તે જેકી ચેનની ફ્લ્મિથી ખાસ્સી પ્રભાવિત હતી. આ કારણે તેના પિતાએ ઘરમાં જ જૂના કપડાંથી એક પંચીગ બેગ બનાવી દીધી.રોશિબિના જેકી ચાનની ફિલ્મના સ્ટંટની નકલ કરતી અને પંચીગ બેગને મુક્કા અને કીક મારતી. આ પછી ધીરે ધીરે તેની રુચી સ્પોર્ટ્સ તરફ વળવા માંડી હતી. આ દરમિયાન જ રોશિબિનાના ગામની માલેન્ગાન્બી દેવીએ વુશુમાં સફળતા મેળવી હતી અને તેને જે પ્રકારે સ્થાનિકોમાં આવકાર મળ્યો, તેની અસર રોશિબિના પર ઘેરી થઈ. તેના ચંદ્રકની ચમક પણ રોશિબિનાના આકર્ષણનું કારણ બની. તેણે વુશુની શરૂઆત તેની આદર્શ સમાન માલેન્ગાન્બી દેવીની દેખરેખમાં તાલીમ શરુ કરી અને ત્યાર બાદ થોડો સમય સ્થાનિક કોચ રોનેલ સિંઘ પાસે પણ માર્ગદર્શન મેળવ્યું હતુ.
ત્યાર બાદ તેની સાથે તાલીમ મેળવતી એક છોકરીએ રોશિબિનાને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો રસ્તો દેખાડયો અને ત્યાં વુશુના કોચ મૈબામ પ્રેમકુમારના માર્ગદર્શનમાં તેની પદ્ધતિસરની તાલીમ શરુ થઈ. પાયાની જરુરિયાતોની સાથે સાથે રોશિબિનાને યોગ્ય ડાયેટ પણ મળવા માંડયો અને તેના કારણે તેની રમતમાં જબરજસ્ત નિખાર આવવા માંડયો. રાષ્ટ્રીય સ્તરની જુનિયર થી લઈને સિનિયર ઈવેન્ટ્સમાં તેણે આગવી સફળતા મેળવતા ભારતીય ટીમમાં સ્થાન મેળવી લીધું. પ્રેમકુમાર રોશિબિનાની આર્થિક હાલતથી પણ પરિચિત હતા. રોશિબિનાની મહેનત અને લગનને જોતા તેમણે ઘણી વખત તેની આર્થિક મદદ પણ કરી અને તેની કારકિર્દી સતત આગળ વધતી રહે તેનું ધ્યાન રાખ્યું.
માત્ર બે જ વર્ષની સખત તાલીમ અને મહેનત બાદ રોશિબિનાની પસંદગી ૨૦૧૬ની જુનિયર વુશુ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે થઈ અને ત્યાં તેણે કાંસ્ય ચંદ્રક હાંસલ કરી બતાવ્યો. આતરરાષ્ટ્રીય સ્તરની સફળતા બાદ તેની આર્થિક હાલતમાં સુધારો થયો, તેની સાથે સાથે તેની તાલીમની સુવિધાઓ વધુ બહેતર બનવા માંડી. તેણે ૨૦૧૮ની જકાર્તા એશિયન ગેમ્સમાં પણ કાંસ્ય ચંદ્રક જીતી બતાવ્યો. આ ઉપરાંત જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં તેમજ મોસ્કોમાં યોજાયેલી યુવા પ્રતિભાઓની સ્પર્ધામાં સુવર્ણ સફળતા મેળવી બતાવી. સાઉથ એશિયન ગેમ્સમાં નોંધપાત્ર સફળતા મેળવ્યા બાદ તેણે સખત મહેનત જારી રાખી.
કોરોનાની મહામારીની વિદાય બાદ તેણે ૨૦૨૨માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં રજત ચંદ્રક હાંસલ કરી બતાવ્યો. આ સમયે મણીપુરમાં બે સમુદાયો વચ્ચે લોહિયાળ ટકરાવ ચાલી રહ્યો હતો. એક તરફ પરિવારની ચિંતા હોવા છતાં તેણે એશિયન ગેમ્સ પર ધ્યાન કેન્દ્રીત રાખ્યું અને આખરે દેશ માટે સફળતા મેળવી. જોકે પરિવારની ચિંતાના કારણે તેના ચહેરા પર ચિંતાની રેખો સ્પષ્ટ જોઈ શકાતી હતી. તેના આ લડાયક મિજાજ અને બહાદૂરીની સરાહના કરતાં તેને વુશુમાં અર્જુન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ પછી ૨૦૨૬ની જાપાન એશિયન ગેમ્સની વુશુની ટ્રાયલ્સમાં તે ખાસ પ્રભાવ પાડી શકી નહતી. જોકે ભારતીય ટીમમાં સામેલ દિવ્યાંશી ચૌધરી ઈજાગ્રસ્ત બની જતાં આખરે રોશિબિનાને તક આપવામાં આવી અને તેણે પસંદગીકારોના ભરોસા પર ખરા ઉતરતાં ચંદ્રક જીતવાની સાથે એશિયાડમાં ચંદ્રકની હેટ્રિક સર્જી હતી.




