માણસો જ નહીં, હવે તો સજીવો પણ ઓબેસિટીથી પરેશાન!

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- દિલ્હીમાં સૌથી 'વજનદાર' ડોગની પસંદગી ચાલી રહી છે, તેણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. પાલતુ સજીવોમાં સ્થૂળતાએ ઝડપભેર માથું ઊંચક્યું છે
ઉ ત્તર અમેરિકામાં રહેતા ઓજિબ્વા આદિવાસીઓમાં એક દંતકથા છે. અમેરિકાના એકથી વધુ લેખકોએ લોકકથાઓના સંપાદનોમાં આ વાર્તાનો સમાવેશ કર્યો છે. પ્રાણીઓની સ્થૂળતાના સંદર્ભમાં કહેવાતી એ વાર્તા કંઈક આ પ્રમાણે છે:
વિનિબૂઝો (કે નાનાબોઝો) નામનો એક દૈવી શક્તિ ધરાવતો નાયક છે. તેનો જન્મ માનવસ્ત્રી અને દેવતાથી થયો હતો એટલે તેનામાં માનવ જેવી ચાલાકી-ષડયંત્ર અને દેવતાઓ જેવી શક્તિનો સંગમ હતો. કથાઓમાં ક્યારેક તેને કપટ કરતો બતાવાયો છે તો ઘણી કથાઓમાં તેને માનવીઓનો રક્ષક કહેવાયો છે. માનવીઓને ખૂબ ઠંડી લાગતી હતી એટલે વિનિબૂઝોએ દૂર અવકાશમાંથી સૂર્યને પકડીને પૃથ્વીની નજીક લાવી મૂક્યો હતો.
એક વખતની વાત છે. ઉત્તર અમેરિકાના એ ભાગમાં કાતિલ શિયાળો આવી રહ્યો હતો. એ પહેલાં હંસો અને બતકોએ દક્ષિણ તરફ સ્થળાંતરની તૈયારી કરી. જો આટલી મોટી માત્રામાં હંસો-બતકો ચાલ્યા જાય તો વિનિબૂઝોએ મહિનાઓ સુધી ભૂખ ખેંચવી પડે. તેણે હંસો અને બતકો માટે સરોવરને કાંઠે એક ફેરવેર પાર્ટી યોજી. તેણે એવી જાહેરાત કરી કે આજે રાતે તે એક ગીત ગાવાનો છે. એમાં નૃત્ય કરશે તે પક્ષીઓને દક્ષિણમાં ભરપેટ ખોરાક મળશે.
વિનિબૂઝોએ નૃત્ય માટે એક શરત રાખી. નૃત્ય કરતી વખતે દરેક પક્ષીને આંખે પાટો બાંધવામાં આવશે. પાર્ટીમાં પક્ષીઓને દાણા ચણવા આપ્યા અને પછી પક્ષીઓ આંખો બંધ કરીને ગોળ-ગોળ ફરવા લાગ્યા. કલાકો સુધી આ રીતે નૃત્ય કરીને હંસો-બતકો દાણા ચણતા રહ્યા. એમાંને એમાં તેમની પાંખોમાં એટલી ચરબી જામી ગઈ કે પછી નૃત્ય પૂરું થયા બાદ એ ઇડી ન શક્યા. વિનિબૂઝો એક પછી એક પક્ષીઓના ગળા કાપીને આરોગી ગયો. ખૂબ ખાવાની લાલચથી હંસો-બતકોએ જીવ આપવો પડયો. અનિયંત્રિત લાલચ અને અતિશય લોભથી જીવ ગુમાવવો પડે છે એવા બોધ સાથે આ વાર્તા ઓજિબ્વા આદિવાસીઓમાં કહેવાતી આવે છે. ડિપેન્ડ થઈ જવાથી સ્વતંત્રતા જોખમાઈ શકે છે એવો અર્થ પણ તારવવામાં આવે છે.
વેલ, પ્રાણીઓની સ્થૂળતાની વાર્તાઓ હિતોપદેશથી માંડીને યુરોપની પ્રાચીન જાતિ વાઈકિંગ્સ સહિત દુનિયાભરની કથાઓમાં જુદી જુદી રીતે કહેવાઈ છે. માનવીઓની જેમ પ્રાણીઓની સ્થૂળતા આજકાલનો મુદ્દો નથી. સદીઓ પહેલાં સર્જકોએ પ્રાણીઓની સ્થૂળતાનું નિરીક્ષણ કરીને કથાઓ બનાવી હતી, પણ હવે માણસોની જેમ પ્રાણી-પંખીઓમાં સ્થૂળતા ખૂબ જ ગંભીર મુદ્દો બન્યો છે. એમાંય પાલતુ સજીવો પર હદ બહાર પ્રેમ વરસાવતા લોકોએ તેમને બીમાર બનાવી દીધા છે. ઓબેસિટીએ માનવ શરીરમાં જે રીતે રોગોને આમંત્રણ આપ્યું છે એમ સજીવોના શરીરમાં પણ અનેક રોગ ઘર કરવા માંડયા છે.
ઓબેસિટી ગ્લોબલ મહામારી છે. ૮૦૦ કરોડની વસતિમાંથી ૧૨૦ કરોડ લોકોમાં ઓબેસિટી ગંભીર લેવલની સમસ્યા છે. ૨૫૦ કરોડ લોકો પર ઓબેસિટીનો ખતરો છે. કારણ કે આ લોકો ઓવરવેઈટ છે. એમાંય વળી ૯૦ કરોડ તો બાળકો છે જેમના પર આ ખતરો મંડરાઈ રહ્યો છે. અત્યારે દુનિયામાં ૫થી ૧૯ વર્ષની વયના ૩૯ કરોડ બાળકો-ટીનેજર્સ ઓવરવેઈટ છે. ઓલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી લઈને બદલાતી લાઈફસ્ટાઈલ, વાતાવરણમાં આવી રહેલું પરિવર્તન જેવા એક ગણતાં અનેક વિલનો આ પાછળ જવાબદાર છે. ગ્લોબલી ઓબેસિટી સામે અવેરનેસ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે આ સમસ્યા માત્ર માણસો પૂરતી જ મર્યાદિત રહી નથી. પ્રાણીઓ અને પંખીઓ પણ તેના ભરડામાં આવ્યા છે.
જેમ માનવ શરીરની ફિટનેસ માટે બીએમઆઈ (બોડી માસ ઈન્ડેક્સ) શોધાયો છે એમ સજીવોની ફિટનેસ માટે બીસીએસ (બોડી કન્ડિશન સ્કોર) નક્કી થયો છે. એ પ્રમાણે એકથી ત્રણનો સ્કોર હોય તો એ સજીવ પાતળું ગણાય. ચાર અને પાંચનો સ્કેલ હોય તો ફિટનેસ બરાબર છે એમ સમજવું. સાતનો સ્કેલ હોય તો ઓવરવેઈટ અને આઠ-નવનો સ્કેલ આવે તો એ સજીવ મેદસ્વી ગણાય. આ સ્કેલ માટે સજીવોની ઊંચાઈ, લંબાઈના આધારે વજનનું માપ કાઢવામાં આવે છે.
૨૦૦૫માં અમેરિકામાં પેટ ઓબેસિટી પ્રિવેન્શન એસોસિએશન બન્યું હતું. આ સંગઠન બે દશકાથી પાલતુ સજીવોમાં સ્થૂળતા ઘટાડવાના પ્રયાસો કરે છે. આ સંસ્થાના અહેવાલ પ્રમાણે અમેરિકામાં ૫૯ ટકા ડોગ્સ અને ૬૧ ટકા બિલાડીઓ ઓવરવેઈટ છે. લિવરપુલ યુનિવર્સિટીએ સર્વેના આધારે દાવો કર્યો હતો કે અમેરિકામાં લગભગ ૧૦ કરોડ પાલતુ સજીવો મેદસ્વી છે. મોસ્ટલી આવા સંશોધનો અમેરિકા અને બ્રિટનમાં વધારે થયા છે એટલે આખી દુનિયામાં પાલતુ સજીવોની શું સ્થિતિ છે તેનો આંકડો મેળવવો અશક્ય છે. તેમ છતાં લંડનની રોયલ વેટેનરી કોલેજના નિષ્ણાતોનું માનવું છે કે જગતના પાલતુ સજીવોની વાત હોય તો ૪૭ ટકા સ્થૂળતાનો ભોગ બન્યાં છે.
જંગલમાં રહેતા સજીવોમાં ઓબેસિટીનો પ્રશ્ન ખૂબ ઓછો કે નહીંવત છે. પાલતુ સજીવો - ડોગ્સ, કેટ્સ, ગાય, ભેંસ, બકરી, બળદો, ગધેડા ઉપરાંત પીંજરામાં રખાતા પોપટ અને કબૂતર જેવા પક્ષીઓમાં સ્થૂળતા જોવા મળે છે. પક્ષીઓના કિસ્સામાં તેમને ઉડવાની એટલી મોકળાશ રહેતી નથી. પાલતુ સજીવોને ભોજન મેળવવા માટે એટલી કવાયત નથી કરવી પડતી એટલે શારીરિક શ્રમ ઘટી જાય છે.
કોર્નેલ યુનિવર્સિટીના સંશોધકો નોંધે છે કે વન્યજીવો, અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા સજીવોમાં સ્થૂળતા અર્બન વિસ્તારોમાં રહેતા સજીવોની તુલનાએ ઓછી હોય છે. બોલો! જેમ કેટલાય લાઈફસ્ટાઈલ ડિસીસ શહેરીજનોમાં વધારે જોવા મળે છે એમ શહેરી થયેલા પ્રાણી-પંખીઓ પણ આ જ પ્રકારની સમસ્યાઓનો ભોગ બન્યાં છે.
વેલ, પાલતુ સજીવો સ્થૂળ થઈ ગયા છે એની જાણકારી ૬૦ ટકા માલિકોને હોતી નથી. એમને લાગે છે કે ખૂબ સારી સંભાળ રાખવાથી તેમના માનીતા સજીવનું શરીર ભરાવદાર બન્યું છે. કેનેડાની ઓન્ટારિયો વેટેનરી કોલેજના રિસર્ચમાં કહેવાયું કે ૩૦ ટકા સજીવોમાં ખોરાકનું સંતુલન ખોરવાતું હોવાથી વજન વધે છે. માલિકો ખૂબ વધારે ખોરાક આપી દેતા હોવાથી પ્રાણીઓને ચરબી ચડે છે.
સજીવોમાં પણ માણસોની જેમ ખાસ પ્રકારની શરીરની સિસ્ટમ હોય છે. અમુક લોકોનો ખોરાક વધારે હોવા છતાં ચરબી વધતી નથી, અમુક લોકો ઓછું ખાતા હોવા છતાં શરીર વધે છે. પ્રાણીઓમાં પણ આ પેટર્ન જોવા મળે છે. દરેક પ્રાણીની તાસીર જુદી જુદી હોય છે. વન્યજીવો તેમની શારીરિક સિસ્ટમને ફોલો કરે છે. ભૂખ લાગે ત્યારે જ ખાવાનું શોધે છે. તેની સામે પાલતુ સજીવોમાં એ સિસ્ટમ ખોરવાઈ જાય છે. તેમને માલિકો નક્કી કરેલા સમયે આહાર આપી દેતા હોવાથી બિનજરૂરી ચરબીના થર જામે છે.
અને પછી શરૂ થાય છે ચરબી ઉતારવાના નીતનવા ઉપાયો. પેટ્સને ફિટ રાખવા માટેના રમતના સાધનોથી માંડીને દવાઓ અને પેટ-જીમ બનાવવાનું માર્કેટ ધમીધમી રહ્યું છે ને તેના પરિણામે પેટ ફિટનેસનું ગ્લોબલ માર્કેટ છથી સાત અબજ ડોલરે પહોંચી ગયું છે. માણસ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી નથી શકતો ત્યાં તો પ્રાણી-પંખીઓની ફિટનેસ જોવાનું આવી પડયું છે.
દિલ્હીમાં ફેટેસ્ટ ડોગની સ્પર્ધા
હીરો, તારા અને ગોગો
ફેટેસ્ટ ડોગ ઓફ દિલ્હી. આ નામથી એક ઓનલાઈન સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામમાં પેજ બનાવવામાં આવ્યું છે અને તેને ટેગ કરીને પેટ ઓનર્સ ડોગ્સના ફોટો પોસ્ટ કરી રહ્યા છે. કોઈ વજનદાર સ્ટ્રીટ ડોગ દેખાય જાય તો પણ એના ફોટો શેર કરી શકાય છે. ફેટ ડોગ્સ ઓફ દિલ્હી નામથી પેજ શરૂ થયું એમાં ૬૪ ડોગ્સના ફોટો મૂકવામાં આવ્યા અને વોટિંગ શરૂ કરાવાયું. દિલ્હી યુનિવર્સિટીના જર્નલિઝમ ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરતાં એક યુવાને આ ઈન્સ્ટા પેજ શરૂ કર્યું છે. જોકે, તેણે ઓળખ જાહેર કરી નથી. પેજના ફોલોઅર્સનો આંકડો તો ગણતરીના દિવસોમાં જ એક લાખને પાર પહોંચી ગયો છે.
સપ્ટેમ્બરના લાસ્ટ વીકને અમેરિકામાં નેશનલ ડોગ વીક તરીકે ઉજવવામાં આવે છે. એ ઉજવણી દરમિયાન જ આ યુવાન ઈન્સ્પાયર્ડ થયો હતો. વળી, અમેરિકામાં મેદસ્વી રીંછની પસંદગી થાય છે એ જાણીને તેણે દિલ્હીમાં આ હળવું કેમ્પેઈન શરૂ કર્યું હતું. તેની ધારણાથી ક્યાંય વધારે લોકો વોટિંગ કરી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે ઓનલાઈન વોટિંગ સાથે દિલ્હીમાં ત્રણ સ્થળોએ બૂથ બનાવી વોટિંગની સુવિધા આપવામાં આવશે. હીરો, ગોગો, તારા, ચોંકી, ગોલા જેવા ચાર-પાંચ ડોગ આ તાજ જીતવા માટે ફેવરિટ છે.
લોકોએ પોત-પોતાના વિસ્તારના ડોગને વિજેતા બનાવવા માટે રીતસર મત માંગતા ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવા માંડયા છે. આ સ્પર્ધાના માધ્યમથી ઓર્ગેનાઈઝર્સનો હેતુ લોકોમાં પાલતુ ડોગ્સમાં વધતી સ્થૂળતા અંગે અવેરનેસ લાવવાનો છે.




