Ravi Purti
મારું જીવન વંદા જેવું
By GS Team
25 Jul 20264 mins read

- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઈન :
પૂછો તો સબ ચંગા જેવું, મારું જીવન વંદા જેવું
કેટલી લીધી એક્ઝામો ને કેટલાં ભર્યા ફોર્મ ખબર નહીં
ખોલે એવો થાય ધડાકો, પેપર છે કે બોમ્બ ખબર નહીં
કરિયર લાગે કાવતરું ને ફ્યૂચર લાગે ફંદા જેવું
મારું જીવન વંદા જેવું
સાપ વસે છે સિસ્ટમમાં ને સમાજ પાછળ ભમરો છે,
હાલતા ચાલતા એક જ લમણું. 'જોબ મળી કે નવરો છે?'
બેઉ વગાડે વારા ફરતી મંદિરના કોઈ ઘંટા જેવું
મારું જીવન વંદા જેવું
મહિના બે મહિનામાં મારો બધ્ધો ગુસ્સો થૂંકી દઉં છું,
નેતાએ આપેલી ગૌરવની ગોળી લઈ ઊંઘી જઉં છું,
માનું છું તલવાર, મગર છે ધાર વગરના રંધા જેવું,
મારું જીવન વંદા જેવું
- દર્શન દક્ષા
આ કવિતામાં આજના લાખો યુવાનોની ભારે વ્યથા દબાયેલી છે. 'વંદો' અહીં એક એવી જિંદગીનું પ્રતીક છે જેને કોઈ પસંદ કરતું નથી. જેને વારંવાર કચડવાના પ્રયત્નો થાય છે, છતાં તે બચી જાય છે અને ફરી દોડવા લાગે છે. આજના યુવાનનું જીવન કંઈક આવું જ છે. સપનાં કચડાય છે, અરજીઓ નકારાય છે, પરિણામો અટવાય છે, ભરતીઓ રદ થાય છે, છતાં બીજા દિવસે તે ફરી નવી જાહેરાત શોધે છે, નવું ફોર્મ ભરે છે અને ફરીથી આશાનો એક નાનો ટુકડો ખિસ્સામાં મૂકી આગળ વધે છે.
પહેલાં શિક્ષણને સફળતાની ચાવી કહેવામાં આવતું હતું. હવે યુવાનોના હાથમાં ચાવીઓનો આખો ઝૂડો છે. ડિગ્રી, ડિપ્લોમા, સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ, કમ્પ્યુટર કોર્સ, ભાષાકૌશલ્ય… પરંતુ કયું તાળું કઈ ચાવીથી ખૂલશે, તેની કોઈ ખાતરી નથી. એક સમય હતો જ્યારે પરીક્ષાનું પેપર જ્ઞાન માપવાનું સાધન ગણાતું; હવે ઉમેદવારને સતત ચિંતા હોય છે કે પેપર ફૂટશે તો નહીં? પરિણામ અટવાશે તો નહીં? બોમ્બનો ધડાકો એક ક્ષણમાં બધું તોડી નાખે છે, જ્યારે અનિશ્ચિત પરીક્ષાનું પેપર ધીમે ધીમે ઉમેદવારનાં કેટલાંય વર્ષોને તોડે છે.
કરિયરનો અર્થ સામાન્ય રીતે ઉજ્જવળ આવતીકાલ સાથે જોડાય છે, પરંતુ હવે કરિયર એક કળણ જેવું થઈ ગયું છે, જેમાં માણસ જેટલો બહાર નીકળવા પ્રયત્ન કરે એટલો વધુ ફસાય છે. આજે એક સામાન્ય નોકરી માટે હજારો અરજીઓ આવે છે. યુવાનને કહેવામાં આવે છે કે કૌશલ્ય વધારો. તે કૌશલ્ય વધારે છે. પછી કહેવામાં આવે છે અનુભવ જોઈએ. તે પૂછે કે તક વગર અનુભવ ક્યાંથી લાવવો? જવાબમાં ફરી નવો કોર્સ, નવી ફી અને નવું પ્રમાણપત્ર તેની સામે મૂકવામાં આવે છે. આ રીતે કરિયર સીડી રહેતું નથી, ગોળગોળ ફેરવતી ભુલભુલામણી બની જાય છે. ભવિષ્ય ફંદા જેવું એટલા માટે લાગે છે કે દરેક આશા સાથે કોઈ શરત બાંધેલી છે અને દરેક તકની પાછળ અનિશ્ચિતતા.
સિસ્ટમ બહારથી નિષ્પક્ષ દેખાય છે, પરંતુ અંદર વિલંબ, ગેરવહીવટ, ઓળખાણ અને અસમાન તકોથી ખદબદે છે. ઉમેદવારને ખબર જ પડતી નથી કે તેની મહેનતને કયો સાપ ડંખી ગયો છે. બીજી બાજુ સમાજ ભમરાની જેમ સતત કાનમાં ગણગણ્યા કરે છે. નોકરીનું શું? ક્યાં સુધી બેસી રહીશ? ઘંટ એક બાજુથી વાગે તો બીજી બાજુ ઝૂકે અને બીજી બાજુથી વાગે તો પહેલી તરફ ઝુકે. યુવાનોની સ્થિતિ પણ આવી જ છે. સિસ્ટમ તેને એક તરફથી આઘાત આપે છે, સમાજ બીજી તરફથી.
સફળતા વિશે સૌ વાતો કરે છે, પરંતુ કોઈ એમ પૂછતું નથી કે સતત નિષ્ફળતાઓ પછી તું અંદરથી કેવો છે. તારાં સપનાં તારાં જ છે કે સમાજે તને આપેલાં છે? આપણો સમય સાંભળવામાં ગરીબ અને સલાહ આપવામાં સમૃદ્ધ છે. આપણે વિરોધને પણ ક્ષણિક બનાવી નાખ્યો છે.
નેતાએ આપેલી 'ગૌરવની ગોળી' લઈને ઊંઘી જવાની વાત ધારદાર છે. માણસના વર્તમાનમાં સુખ ન હોય ત્યારે તેને ભૂતકાળનું ગૌરવ પીરસવામાં આવે છે. રોજગાર નથી, તો કહેવાશે કે તું મહાન સંસ્કૃતિનો વારસદાર છે. આવક નથી, તો કહેવાશે કે દેશ વિશ્વમાં ગૌરવ મેળવે છે. પોતાના દેશ, ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસ માટે ગર્વ હોવો સ્વાભાવિક છે. પરંતુ જ્યારે એ ગૌરવનો ઉપયોગ ઘેનમાં લઈ જતી ગોળી તરીકે કરવામાં આવે એ ખતરનાક છે.
આ પેઢી ઓનલાઈન ફોર્મ ભરે છે, ઓફલાઇન લાઇનોમાં ઊભી રહે છે, તે વિશ્વ સાથે જોડાયેલી છે, પણ પોતાના ભવિષ્યથી કપાયેલી છે. તેની પાસે માહિતીનો મહાસાગર છે, પણ તરવા માટે હોડી નથી. જે દિવસે ગૌરવની ગોળીને બદલે રોજગારનો રસ્તો અને ઉપદેશને બદલે અધિકાર આપવામાં આવશે, એ દિવસે કદાચ આ વંદાઓ ફંદામાંથી બહાર આવશે.
લોગઆઉટ :
'પગ તળે કચડાતો નાનામાં નાનો કીડો પણ એક દિવસ પ્રતિકાર કરે છેત અને પોતાનાં બચ્ચાંને બચાવવા કબૂતર પણ ચાંચ ઉગામે છે.' - વિલિયમ શેક્સપિયર









