Ravi Purti
જીવતરની લારીને આગળ ધકેલીએ
By GS Team
26 Sep 20264 mins read

- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઈન
હળવેથી, ચાલ, ધની! લારીને આગળ ધકેલીએ,
જીવતરના માળામાં બેઠેલી ગૂંચને ઉકેલીએ.
કંતાને ઢાંકેલા રોટલાના ટૂકડામાં ફળફળતા
ફોલ્લાના ડાઘા
લીલાંછમ્મ ઓરતાને અંધારું આપીને ભીતરથી
હડસેલે આઘા
કમખાના આયનામાં વણજોયાં સપનાંને મેલીએ.
ચાલ, ધની! લારીને આગળ ધકેલીએ…
ઉન્નાળો, કડકડતી ઠંડી, ને વરસાદી મોસમના
ખાધેલા ચાબખા
વસ્તરમાં સાચવીને કાઢી લે જન્મારો, ઢાળ હોય
તોય લાગે આંચકા
ઓણસાલ દીકરીનું હૈયું ય ઉકેલીએ,
ચાલ, ધની! લારીને આગળ ધકેલીએ…
- અરવિંદ વેગડા
ક વિતામાં એક દંપતી લારીને સાથે ધકેલી રહ્યાં છે. લારીમાં કદાચ શાકભાજી, ફળ કે ઘરવખરીનો સામાન હશે; પરંતુ કવિની નજરે તેમાં આખો સંસાર છે… રોટલાની ચિંતા, હથેળીના ફોલ્લા, ઋતુઓએ મારેલા ચાબખા, સ્ત્રીનાં વણજોયાં સપનાં અને દીકરીના ભવિષ્યની ગૂંચ. સ્ત્રીનું નામ 'ધની' છે, અહીં આ નામ પર ધ્યાન આપવા જેવું છે. જેની પાસે ધન નથી તેનું નામ ધની કહીને કવિ અહીં કટાક્ષ કરતા હોય તેમ લાગે છે. પુરુષ સ્ત્રીને હળવેથી લારીને આગળ ધકેલવાની વાત કરી છે, તેની વાતમાં આદેશ નથી, અનુરોધ છે; ઉતાવળ નથી, કાળજી છે.
લારી અહીં માત્ર રોજગારનું સાધન નથી; જીવનનું પ્રતીક છે. તેનાં પૈડાં પતિ અને પત્ની છે. એક પૈડું અટકી જાય તો લારી આગળ જઈ શકતી નથી. ચઢાણ આવે ત્યારે બંનેએ જોર લગાવવું પડે અને ઢાળ આવે ત્યારે બંનેએ તેને સંભાળવી પડે. અગ્નિની સાક્ષીએ ફેરા ફરવા કરતાં જીવન આપણને ચકરડે ચડાવે ત્યારે મજબૂત રીતે હાથ પકડી રાખવો વધારે અગત્યનો હોય છે.
જીવનને કવિએ માળો કહ્યો છે. માળો તણખલાંથી બને છે. આ દંપતીનો માળો પણ નાની નાની વસ્તુઓથી બનેલો છેત પરંતુ તેમાં ચિંતાની ગૂંચ છે. એક સાંધો ત્યાં તેર તૂટે તેવી અગવડો છે. આજની કમાણી, ગઈ કાલનું દેવું, આવતી કાલની બીમારી, ઘરનું ભાડું અને દીકરીની ચિંતા. તેમ છતાં તેઓ ગૂંચને ઉકેલવા મથી રહ્યા છે. આ સહવાસપૂર્વકની મથામણ જ પ્રેમને અજવાળતી હોય છે.
શેકાયેલા રોટલા પર ચાઠા હોય છે, જે તાવડી પર શેકાતી વખતે થયા હોય છે. જિંદગી પણ આ રોટલા જેવી જ હોય છે, તે આપણને રોજ શેકે છે, તેના ચાઠા ક્યારેક દેખાય, ક્યારેક ના દેખાય. પણ અહીં કવિ રોટલા દ્વારા આ દંપતીના જીવન પર પડેલા ચાઠા આપણને બતાવે છે. શહેરોની સમૃદ્ધિ આવા અસંખ્ય ફોલ્લા પર ઊભી છે. આપણે લારીવાળા સાથે બે રૂપિયા માટે ભાવતાલ કરીએ છીએ, પણ મોટી હોટલોમાં મોંઘું બિલ ચુપચાપ ચૂકવી દઈએ છીએ. લારીમાં આપણને માત્ર શાકભાજી દેખાય છે; તેને અહીં સુધી લાવવામાં વેઠાયેલો તડકો, ભૂખ અને થાક દેખાતાં નથી. જોકે કવિ આપણને ઉપદેશ આપતા નથી, માત્ર રોટલાના ડાઘ પાસે લઈ જઈને ઊભા રાખે છે.
છોડને ઊગવા માટે હવા, પાણી, પ્રકાશ જોઈએ. અંધારામાં રહેલા છોડ લીલોતરી નથી પામતા. શ્રમજીવી પરિવારો અંધારામાં ઊગતા છોડ જેવા હોય છે. લીલોતરી તેમના ભાગ્યમાં હોતી નથી. ઘણીવાર તો આંખ સામે હોય, આસપાસ હોય, પણ જીવનમાં નથી હોતી. એકએક ઈંટ મૂકીને બંગલો ચણનાર મજૂરના નસીબમાં સારું ઝૂંપડું સૂધ્ધાં નથી હોતું. આ જ છે સમાજનો કડવો વિરોધાભાસ. કમખાના આયનામાં વણજોયાં સપનાં મેલવાની વાત ઘણું બધું કહી જાય છે.
ઘણાએ ઉનાળો, ઠંડી અને વરસાદ મુજબ પ્રવાસો ગોઠવેલા હોય છે. તેમના માટે ઋતુઓ આનંદની રીતો હોઈ શકે; પણ લારી ધકેલનારાઓ માટે તે ચાબખા સમાન છે. ઉનાળો પીઠ બાળે, શિયાળો હાડકાં ધુ્રજાવે અને વરસાદ બધા કર્યા કારવ્યા પણ પાણી ફેરવી નાખે. વરસાદ બધાં પર સરખો પડે છે, પરંતુ છત બધાની સરખી હોતી નથી. પ્રકૃતિ ભેદભાવ ન કરતી હોય, પણ પ્રકૃતિના પ્રહારથી બચવાની શક્તિમાં સમાજે મોટો ભેદ ઊભો કર્યો છે.
ગરીબના જીવનમાં સારો સમય પણ નિશ્ચિંતતા લઈને આવતો નથી. થોડા પૈસા બચ્યા હોય ત્યાં બીમારી આવી પડે; દેવું ચૂકવાય ત્યાં છત ટપકેત ઘરમાં જરાક સ્મિત ઊગે ત્યાં ચિંતા બારણું ખખડાવે. એટલે ગરીબીએ ચઢાણમાં જ નહીં, ઢાળમાં પણ હાથ મજબૂત રાખવો પડે છે. આ બધાની વચ્ચે સંતાનોની ચિંતા પણ ઉકેલવાની હોય છે. દીકરીને ભણાવવી, લગ્નલાયક થાય ત્યારે વળાવવી.
આ કવિતાની સાચી સુંદરતા એ છે કે તેમાં દુ:ખ છે, પણ પરાજય નથી; ગરીબી છે, પણ દીનતા નથી; થાક છે, પણ અટકી જવાની ઇચ્છા નથી. પતિ-પત્ની પાસે જીવન બદલવાની મોટી શક્તિ નથી, છતાં તેઓ એકબીજાનો હાથ છોડતા નથી. તેઓ રાજમહેલ ઊભો કરવાનું સપનું નથી જોતા; ફક્ત લારી થોડી આગળ જાય, ગૂંચ થોડી ઉકેલાય અને દીકરીનું હૈયું હળવું થાય એટલું જ ઇચ્છે છે. જીવનની લારી કોઈ એક મોટા ધક્કાથી આગળ વધતી નથી; તે પ્રેમ, ધીરજ અને પરસ્પર સહકારના નાના નાના ધક્કાઓથી આગળ વધે છે. અરવિંદ વેગડાની જ પંક્તિઓથી લોગઆઉટ કરીએ..
લોગઆઉટ
ખીલવું છે તોય હવે ખીલીએ રે કેમ?
અમે તૂટેલી ડાળખીનાં ફૂલ.




