વ્યાધિ એ ઉપાધિ નહીં, પણ અમૂલ્ય અવસર છે!

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- મુંબઈમાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થયું, ત્યારે અહિદા અને તેના માતા-પિતાને બોલાવવામાં આવ્યા અને એ સાંજ એક લાગણીભીની સાંજ બની ગઈ. રણવીરસિંઘ, અર્જુન રામપાલ અને ફિલ્મના અન્ય કલાકારોની સાથોસાથ દિગ્દર્શક આદિત્ય ધરે પણ અહિદાના કામની પ્રશંસા કરી
- માતાની વિચારધારા એ અહિદાના જીવનની પ્રગતિનો પાયો બની રહી અને માતાએ સતત પોતાની પુત્રીને યોગ્ય વાતાવરણ સાંપડે એવો પ્રયાસ કર્યો…
મા તા-પિતા એ સંતાનને જન્મ આપે છે. એ શિશુ દેહને જન્મ જ આપતા નથી, પરંતુ એના ભીતરમાં રહેલી અનેકવિધ સુષુપ્ત શક્તિઓને 'જન્મ આપવાનો' પ્રચંડ પડકાર ઝીલીને પ્રબળ પુરુષાર્થ કરે છે. માતા- પિતાની દ્રષ્ટિ જ સંતાનની સૃષ્ટિને ઘડતી હોય છે. એ સંતાનને માતા- પિતાની ઉપેક્ષા મળે તો એ શતદલ કમળ ખીલતા પહેલાં મુરઝાઈ જાય છે અને જો એને માતા-પિતાનું પ્રોત્સાહન મળે તો એ કમળની સઘળી પાંદડીઓ પૂરબહારમાં ખીલી ઊઠે છે.
અહિદા સરમાઈ 'ડાઉન સિન્ડ્રોમ' સાથે જન્મી હતી. આ એક જિનેટિક(આનુવંશિક) સ્થિતિ છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિના કોષમાં ૪૬ ક્રોમોઝોન હોય છે, પરંતુ ડાઉન સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિમાં ૨૧મા ક્રોમોઝોનની એક વધારાની નકલ(્િૈર્જસઅ ૨૧) હોય છે. આ કોઈ ચેપી બીમારી નથી કે જીવનશૈલીથી થતી બીમારી નથી. વળી એ દવા કે ઉપચારથી દૂર થઈ શકતી નથી. આથી ડાઉન સિન્ડ્રોમ ધરાવનારને જન્મજાત આનુવંશિક સ્થિતિ સ્વીકારીને એને જીવવું પડે છે.
આ બિમારીને કારણે બાળકનો શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ અને એની ભાષા શીખવાની ગતિ સામાન્ય બાળકો કરતા અત્યંત ધીમી હોય છે. સામાન્ય રીતે ડાઉન સિન્ડ્રોમ ધરાવનાર બાળકની ક્યાં તો ઉપેક્ષા થાય છે અથવા તો એને 'માંદલા બાળક' તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અહિદા સરમાઈના માતા-પિતાએ જોયું કે ભલે અન્ય બાળકોની તુલનામાં અહિદાનો વિકાસ ધીમો છે, પરંતુ એ કોઈ બીમાર બાળક નથી, પરંતુ એનામાં તો વિકાસ સાધવાની ઘણી શક્યતાઓ અને અપાર ક્ષમતાઓ છે.
માતા-પિતાએ પહેલેથી જ પોતાના આ બાળકને એક ક્ષમતાવાન બાળક તરીકે ઉછેરવાનું શરૂ કર્યું અને એનામાં પડેલાં જુદાં જુદાં કૌશલ્યને ઘાટ આપવા લાગ્યા અહિદાની મર્યાદાઓને બદલે એની ક્ષમતા પર વધુ ધ્યાન આપ્યું અને એને પરિણામે નાની વયથી જ પોતાની પુત્રીમાં એમણે કલારસ જગાડયો.
અહિદા રંગમંચ પર ભજવાતા નાટકોમાં નાની ઉંમરથી જ ભાગ લેવા માંડી અને એણે 'રામાયણ', 'આશા કી કિરણ', 'વહ ખુલા આસમાન' જેવા કલાત્મક નાટકોમાં કામ કર્યું. વળી રંગમંચ પરના આ અભિનયની સાથોસાથ અહિદા એક પ્રતિભાશાળી ચિત્રકાર તરીકે ઉભરી આવી. એના વિશેની કેટલીક શોર્ટ ફિલ્મ પણ તૈયાર થઈ. આમ અભિનય અને ચિત્રકલા પછી એણે નૃત્યકલામાં માહિર થવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો અને નૃત્યની સાથોસાથ સંગીતમાં પણ ઊંડો રસ લેવા માંડી.
આમ 'ડાઉન સિન્ડ્રોમ' ધરાવતી આ નાની વયની છોકરી નાટક, ચિત્ર, નૃત્ય અને સંગીત એમ ચાર-ચાર કલાઓમાં વિકાસ સાધવા લાગી. શારીરિક અને બૌદ્ધિક મર્યાદાઓને પાર કરીને એણે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી. આ કલામાં પારંગતતા મેળવવા માટે એ સતત પ્રેક્ટિસ કરતી રહી. આ કલાપ્રવૃત્તિમાં મળતી નિષ્ફળતાઓને એણે પ્રગતિનો માર્ગ બનાવી દીધી અને ધીરે ધીરે અથાગ પ્રયત્નથી પોતાની કુશળતાઓનો
વિકાસ કર્યો.
વિશાળ મંચ પર અહિદા એની કલા નિર્ભયતાથી ૨જૂ ક૨વા લાગી અને એણે સાબિત કર્યું કે વ્યક્તિની ઓળખ એની વિકલાંગતા નહીં, પરંતુ અથાગ મહેનત, અખૂટ ધીરજ અને નિષ્ફળતાને નકારતા વ્યક્તિત્વથી પ્રાપ્ત થાય છે. એણે વિચાર્યું કે, 'ડાઉન સિન્ડ્રોમનો વ્યાધિ વ્યક્તિઓની થોડીક ક્ષમતાઓને મર્યાદિત કરે છે, પણ એની ઊંચી ઉડાનનાં સ્વપ્નાઓને મર્યાદિત કરી શકતા નથી.'
હકીકતમાં કોઈ મર્યાદા હોય તો તે આસપાસના સમાજની મર્યાદા હોય છે, જેઓ આવા પ્રકારનાં બાળકની ઉપેક્ષા અને અવહેલના કરતા હોય છે અથવા તો એને વિશે હીનવચનો બોલતા હોય છે. માતા-પિતાનું પ્રોત્સાહન, પરિવારની હૂંફ અને જરૂરી શિક્ષણ મળે તો આવાં બાળકો સહેજે પાછા પડે તેવાં હોતાં નથી. એ કલાનું ક્ષેત્ર હોય, શિક્ષણની દુનિયા હોય કે પછી જાહેર જીવન સાથેનો સંપર્ક હોય એમાં એમને કોઈ - અટકાવી શકતું નથી. આ હકીકતને સિદ્ધ કરવા માટે અહિદાએ સ્વયં 'વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે'ના દિવસે પોતે સંદેશો આપ્યો કે આ વ્યાધિ એ જીવનમાં ઉપાધિ લાવતો નથી, બલ્કે જીવનને નવી રીતે ઘડવાનો અમૂલ્ય અવસર આપે છે.
એ રંગમંચમાં કલાકાર તરીકે કામ કરતી હતી. એણે બે શોર્ટ ફિલ્મો બનાવી, ત્રણેક જેટલાં નાટકોમાં ભાગ લીધો, 'નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોમિંગ આર્ટ'(શભઁછ) મુંબઈમાં એણે આઈસબર્ગ શીર્ષક હેઠળ પોતાનું ચિત્રકાર્ય પ્રગટ કર્યું હતું. આજે પંદર વર્ષની અહિદા સરમાઈ એક કલાકાર અને અભિનેત્રી તરીકે જાણીતી બની ગઈ છે. ફિલ્મ જગતમાં એણે મુશ્કેલીઓ પાર કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
શરારત નામના એના નૃત્યના એક વીડિયો જોઈને એને 'ધુરંધર : રિવેન્જ' ફિલ્મ માટે ઓડિશન આપવાનું નિમંત્રણ મળ્યું. એને માટે ખાસ પ્રકારનું વાતાવરણ રચવામાં આવ્યું અને એનો સાહજિક ઓડિશન એ સહુને પસંદ પડયું અને એને પરિણામે આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ ધુરંધર : ધ રિવેન્જ'માં અહિદાને અભિનય કરવા મળ્યો. એના અભિનયની દર્શકો અને સમીક્ષકોએ ખૂબ પ્રશંસા કરી.
મુંબઈમાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થયું, ત્યારે અહિદા અને તેના માતા-પિતાને બોલાવવામાં આવ્યા અને એ સાંજ એક લાગણીભીની સાંજ બની ગઈ. રણવીરસિંઘ, અર્જુન રામપાલ અને ફિલ્મના અન્ય કલાકારોની સાથોસાથ દિગ્દર્શક આદિત્ય ધરે પણ અહિદાના કામની પ્રશંસા કરી. કેટલાક એને ભેટી પડયા અને સહુએ શાબાશી આપી. કલાકારોએ એની ધીરજ અને સમજણની પ્રશંસા કરી.
આ ફિલ્મમાં એણે અર્જુન રામપાલની ઓનસ્ક્રીન પુત્રીની ભૂમિકા ભજવી હતી. આ સઘળા પ્રસંગોએ અહિદાની માતા કહે છે કે, 'આવા બાળકોને કદી દયાને પાત્ર માનવા નહીં, બલ્કે હકીકત તો એ છે કે એમને જો સમાન અવસ૨, તાલીમ અને સહુનો સ્નેહ પ્રાપ્ત થાય, તો એમની પોતિકી પ્રતિભાના બળે એ જરૂ૨ આગળ વધી શકે છે.'
માતાની આ વિચારધારા એ અહિદાના જીવનની પ્રગતિનો પાયો બની રહી અને માતાએ સતત પોતાની પુત્રીને યોગ્ય વાતાવરણ સાંપડે એવો પ્રયાસ કર્યો. આને કારણે આજે અહિદા એ સમાજમાં એવું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે કે 'ડાઉન સિન્ડ્રોમ'ની જન્મજાત વ્યાધિ ધરાવનારાઓ પણ પોતાની એક યા બીજી ક્ષમતાથી આસપાસના જગતને વધુ સુંદર બનાવી શકે છે.
આવી વ્યક્તિ શારીરિક મર્યાદાઓ ધરાવે છે, પરંતુ એનું મનોબળ એવું હોય છે કે જે સઘળી મર્યાદાઓને અને સીમાઓને પાર કરી જાય છે. એનું જીવન 'મન કે જીતે જીત'નું દ્રષ્ટાંત બની રહે છે. એની આસપાસનાં લોકો પણ સમજવા લાગ્યા છે કે આવી શારીરિક કે બૌદ્ધિક મર્યાદાઓ ધરાવનારી વ્યક્તિઓને જો સાચા અર્થમાં હૂંફ આપવામાં આવે તો એ અશક્યને શક્ય કરી શકે છે. માનવી પાસે એવું મનોબળ છે કે જે સઘળી આફતોને ઓળંગીને એને પાર જઈ શકે છે અને સિદ્ધિ હાંસલ કરી શકે છે.
અહિદા એવી સિદ્ધિનું ઉદાહરણ બની શકી છે અને એની કલા ધીરે ધીરે વિસ્તરી રહી છે. એ ચિત્રકલામાં એના ભીતરનાં ભાવો ને કંડારે છે, તો અભિનયમાં એની ક્ષમતા પૂરેપૂરી દાખવે છે. એનું નૃત્ય હોય કે સંગીત કે પછી ફિલ્મ આ બધામાં આજે એ સતત આગળ વધી રહી છે. મોડેલિંગ પછી ફિલ્મના ક્ષેત્રમાં આવી અને હવે કોઈ નવું કલાક્ષેત્ર એની રાહ જોઈને બેઠું છે !




