ભારતે ધરતી પર ધુરંધર દેશની છાપ ઉભી કરવી હોય તો ધર્મ, ધમાલ અને ધંધાની આગળ વિચારતા શીખવું પડશે!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ધરતી પર ધર્મના ડંકા વગાડવાની ચળ ભારતીય ઉપખંડના એ હિન્દુ મુસ્લિમોમાં વધુ છે, જેમણે વિજ્ઞાન કે સ્ત્રીસમાનતા કે કલાત્મકતાના માર્ગે ખાસ વિકાસ કર્યો નથી. ભવ્ય ભારતથી દુનિયાને ઈમ્પ્રેસ કરવાનું ટેમ્પલેટ ટેમ્પલમાં નહિ, પણ ટેમ્પ્ટેશન ફોર ઇનોવેશનમાં છે!
અ મેરિકામાં હમણાં મિડ ટર્મ સંસદીય ઈલેકશન છે જેમાં પ્રેસિડેન્ટની આકરી કસોટી છે. ત્યારે હમણાં ખાસ તો દક્ષિણ ભારતીયો જ્યાં વધી ગયા છે એ ટેક્સાસમાં ૯૦ ફીટના હનુમાનજી લોકલ મિડ ટર્મ ઈલેકશનમાં ઇસ્યુ બની ગયા છે. કોઈ રિપબ્લિકન ઉમેદવારે જીતીશું તો તોડીશું ટાઈપ નારો લહેરાવ્યો છે, તો સામે અમેરિકન ફોજમાં કામ કરી ચૂકેલા રિખવ બક્ષીએ આવા ભેદભાવ માટે આ દેશની સેનામાં સેવા આપી એવો સવાલ ઉઠાવ્યો અને ઓનલાઈન દલીલોનો ખડાજંગ જામ્યો છે.
એક નવા પ્રકારની એશિયન ગેમ શરુ થઇ છે. અલગ અલગ દેશોમાં, ખાસ કરીને ઝટ માનવ અધિકારના નામે છૂટ મળી જાય એવા યુરોપ અમેરિકામાં અવનવા મંદિરો બનાવી ને હિદુત્વનું માર્કેટ પ્રોજેક્શન કરવાની હરીફાઈ છે. (જેહાદી ત્રાસવાદને લીધે નવી બનતી મસ્જીદોની છૂપી એલર્જી થઇ છે આમે વિશ્વને!) બીજાની લીટી નાની કર્યા વિના કે ખુદ માટેના અહંકાર અને અન્ય માટેના તિરસ્કાર વિના સુખની તલાશ માટે સત્ય, પ્રેમ, કરુણા, માનવતા, સર્જકતા, સમાનતા, વિશ્વબંધુત્વ, સદભાવના, શાંતિ, સૌંદર્ય, કલ્યાણ જેવા સનાતન મૂલ્યોની ચર્ચા કે કથા થાય તો ભારતની ઉત્તમ છાપ પણ પડે. પણ મોટે ભાગે કસરત સુપીરિયોરિટી કોમ્પ્લેક્સથી બીજા કરતા ચડિયાતા પુરવાર થવાની છે. સિમ્બોલ મોટા કરી ફોલોઅર્સ બેઝ વધારવાની ને સરવાળે વધુ ફાઈનાન્સ ભેગું કરવાની ભૌતિક મથામણ ધાર્મિક આદર્શો સાથે અથડામણ કરતી રહે છે. સરવાળે જગતના લોકો તો ત્યાં દેખાતા નથી, આપણી જ ઘેલી જનતાની સંકડામણ જોવા મળે છે. ત્યાં રહેતો એક વર્ગ એવો પણ છે કે જેને હવેલીની કાષ્ઠકળા કે નાગર શૈલીની ગજપીઠિકા જેવા મંદિરના સ્થાપત્યમાં સમજ કે રસ પણ નથી. પણ રજાના દિવસે ટાઈમપાસ કરવા અપુનવાલી જગહ મળી એની કિક આવે છે કે કારણ કે ભીતરથી એ લઘુમતી ફીલ કરે અજાણ્યા દેશમાં ત્યારે આવા થીમ પાર્ક સ્ટાઇલ ફૂડ ટુ ફન, લેન્ગવેજ ટુ લાઈમલાઈટ બધું ઓફર કરતા ધર્મસ્થળોમાં રિસ્પેકટેડ એન્ડ એક્સેપ્ટેડ ફીલ કરે છે.
હમણાં ટેમ્સ નદીના કાંઠે લંડનમાં ગંગા આરતી થઇ. જ્યાં સામે ગંગા નથી ત્યાં ગંગા આરતી કેવી રીતે થાય?એટલે હકીકતે તો ભારતીય શૈલીમાં દીપ પ્રગટાવી ટેમ્સ આરતી કરવામાં આવી. લંડનમાં મુસ્લિમો ઝુંડ બનાવી નમાઝ પઢે તો આપણે પણ શું કામ પાછળ રહી જઈએ? હા, ઈદી અમીને આફ્રિકામાં રહેતા ગુજરાતીઓને ભગાડયા ત્યારે ગંગાકિનારે એમને ભારતે ના વસાવ્યા પણ ટેમ્સ કિનારે એમને લંડન રહેવા મળ્યું સ્વમાનભેર. પોતાને સીધી રીતે લાગતું વળગતું ના હોવા છતાં મૂળ ભારતના સલમાન રશદી પર ઈરાની આયાતોલ્લાહે મોતનો ફતવો બહાર પડયો ત્યારે ભારતને બદલે અભિવ્યક્તિ અને સર્જકતાની આઝાદીના નામે ઇંગ્લેન્ડે એમને સુરક્ષા આપી. આવી કશી વાત પર લોકશાહી મૂલ્યો કે જાહેર શિસ્તની નકલ આપણને નહિ ગમે, પણ ધાર્મિક દર્શન પ્રદર્શનમાં તરત કોપીકેટ થઇ જઈશું.
કલ્ચરના સિમ્બોલ મંદિરો કે મૂર્તિઓ જ હોય એવું નથી. એવા ઘણા ખંડેર એથેન્સ કે રોમ કે બગદાદ કે પેટ્રામાં જોવા મળે છે. કલ્ચર જોવું હોય તો લુવ્ર જેવા યુરોપ અમેરિકાના ગમે તે નગરમાં રહેલા આર્ટ મ્યુઝિયમો કે લાયબ્રેરીઝ્ને તીર્થ સમજીને એની યાત્રા કરવી પડે. એટલે તો અબુધાબીએ દુબઈની જેમ ઈન્ટરનેશનલ ટુરિઝમ ડેવલપ કરવાનું નક્કી કર્યું ત્યારે માત્ર ગ્રાન્ડ મોસ્ક નથી બનાવી. જોડે ફેરારી વર્લ્ડની જેમ લુવ્ર મ્યુઝિયમની ફ્રેન્ચાઈઝી લઈને આખો ટાપુ ડેવલપ કર્યો છે!
લુવ્રવાળા પેરિસ અને આખા ફ્રાંસનો સિમ્બોલ કોઈ નોત્રદામ કે માઈકલ જેવા ક્લાસિક દેવળ નહિ પણ લોઢાનો બનેલો સાયન્સ મીટ્સ આર્ટ જેવો એફિલ ટાવર છે! ૧૮૮૯માં ફ્રેંચ ક્રાંતિની શતાબ્દી અને ત્યાં થનાર વર્લ્ડ એક્સ્પો (જે ચાર વર્ષ પછી ૧૮૯૩માં શિકાગો થયો એમાં તો સ્વામી વિવેકાનંદને બોલવા મળ્યું)નાં આઇકોનિક મોન્યુમેન્ટ માટે એની ડિઝાઈન ઘણા ફ્રેંચ લોકોને પસંદ નહોતી આવતી. લેખક ગાય દ મોપાંસા તો એ બની ગયા પછી એવા રેસ્ટોરાંમાં બેસતા જ્યાં ર્ફેંચ ભાષામાં આયર્ન લેડી કહેવતો એ ટાવર દેખાય નહિ. પણ બહુ ઓછાને ખબર હશે કે અમેરિકાનું પ્રતીક ગણાય એવું ન્યુયોર્કનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ફ્રાન્સે ભેટ મોકલ્યું એ પુતળાના ઘડવૈયા શિલ્પી ફ્રેડરિક ઓગસ્ટે બાર્થોલ્ડી હતા પણ એ આજે પણ ટટ્ટાર ઉભું છે એ લોખંડનું માળખું ગુસ્તાવ એફિલે જ ઘડેલું! ટિપિકલ સ્મારક કરતા કૈંક હટ કે રચવાની ધૂનથી પોતાની કંપની બનાવી એણે મોરિસ કોચલીન ને એમિલ નૌગિયર પાસે તૈયાર કરાવી એ બેજોડ હતી. ૩૦૦ મીટર ઊંચું કોઈ માનવસર્જિત સ્ટ્રક્ચર ત્યારે ધરતી પર નહોતું. અફવા છે કે લગ્ન પહેલાની પ્રેયસી એડ્રિયનની યાદમાં ગુસ્તાવ એફિલે આ પ્રકારની જગતમાં બનેલી પ્રથમ રચનાને અંગ્રેજી અને ફ્રેન્ચના 'એ' અક્ષરનો આકાર આપેલો!
પણ આ એફિલ ટાવર પર બેસીને બે મિશીલીન સ્ટાર મેળવેલા રેસ્ટોરાંનો લ્હાવો લેવો હોય તો એ બીજા મજલે સુખ્યાત ફ્રેંચ સાહિત્યકાર જુલે વર્નના નામનું કાફે છે! જેમના સાયન્સ ફિક્શન પુસ્તકો આઝાદી પહેલા મૂળશંકર મો. ભટ્ટે ગુજરાતીમાં ઉતારેલા એ! એ વખતે જ ગુજરાતીમાં વિક્ટર હ્યુગો અને એલેકઝાન્ડર ડયુમા પણ ફ્રેંચમાંથી આવેલા. અનાતોલ ફ્રાંસ, બાલ્ઝાક, આલ્બર્તો મોરેવિયા, મોંપાસા પણ આવી ગયા છે. આવી યાદી રશિયન, બ્રિટીશ, સ્પેનિશ, અમેરિકન, ઈટાલીયન, જાપાનીઝ વગરે સાહિત્યકારોની પણ થઇ શકે. આપણે આપ્યું છે આવું માન કોઈ રમેશ પારેખ કે મેઘાણીને?
પોઈન્ટ ઈઝ, હજુ ભારતમાંથી કોઈ પણ ફ્રાન્સ જાય એણે એફિલ ટાવર જવાનું કે જોવાનું મન થાય છે. ફ્રાન્સે આવીને કહેવું નથી પડતું કે અમારા કલ્ચરના પ્રચાર માટે અમને ભારતમાં એક મોન્યુમેન્ટ ઉભું કરવા દો! ઇટાલીમાં હવે આવ્યો એ બુરખા બેન સેક્યુલર ફ્રાન્સમાં ઘણા વખતથી છે જે હેરિટેજ ઈમારતોને બાદ કરતા પોતાના દેશમાં પણ ભવ્યાતિભવ્ય વિશાળ ચર્ચ બનાવતું નથી. છતાં એના સાહિત્ય અને સાયન્સમાં લોકોને રસ પડે છે. ઇટાલી અહીં આવીને પિત્ઝા પાસ્તાની જાહેરાત નથી કરતુ ને મેક્સિકોથી કોઈ અહીં નાચોઝની શ્રેષ્ઠતા પર ભાષણ નથી આપતું પણ આપણા લગ્નોમાં ને થીયેટરમાં એ પહોંચી જાય છે. મોંઘા ભાવનો આઈફોન લેવા માટે લાંબી લાઈનો લાગે છે જેન ઝીની ભારતમાં!
અમેરિકા ભારત પર ટેરિફ નાખે છે, અમેરિકા ભારતીયોના ત્યાં કામ કરવા માટેના વિઝામાં શરતો આકરી અને મોંઘી કરે છે. અમેરિકાને ભારતનો અમુક માલ જોઈએ છે અને અમેરિકાને પોતાનો માલ ભારતમાં ઠાલવવો છે. અનેક દેશોની માફક અમેરિકા ભારતમાં પણ પોતાની જાસૂસી જાળ કદાચ પાથરે છે. અમેરિકા ત્યાં રહેતા ભારતીયોને દેશ છોડવા મજબૂર પણ કરે છે. અમેરિકા અહીંની એનજીઓને ફંડ આપે છે.
પણ અમેરિકા પોતાના કલ્ચરના પ્રમોશન માટે કે પોતાનાથી અહીના લોકોને ઈમ્પ્રેસ કરવાના નામે ભારતમાં કોઈ ભવ્ય ચર્ચ બનાવે છે? કોઈ વિરાટ મેળાવડો કરે છે? ધર્મપરિવર્તનમાં રસ લેનારા જૂજ જૂથો ભૂલી જાવ. અમેરિકન પ્રજાના મોટા ભાગને કે સરકારને કે અબજોપતિઓને પણ ભારતમાં આવી છાકો પાડી દેવાનો પ્રોડક્ટ વેંચવા સિવાય રસ પડે છે? અરે, થોડા વર્ષો પહેલા ભારતીયો પણ જેની પાછળ કિડનીદીવાના છે, એવા આઈફોનનો એક સત્તાવાર સ્ટોર પણ ભારતમાં નાખવામાં એને રસ નહોતો. ડિઝનીલેન્ડ હજુ આપ્યું નથી અહીં. હા, હોલીવૂડ ફિલ્મ્સ કે પોપ મ્યુઝિક કોન્સર્ટસ જરૂર ધમધમે છે એની જગતભરમાં. કોમિક્સ ને ગેમ્સ ને ઇન્ટરનેટ ને સોશ્યલ નેટવર્ક પ્લેટફોર્મ્સ પણ.
હમણાં જાપાનની દુનિયામાં કોઈ નોંધ લે એવી ટીમે આપણને ક્રિકેટમાં જીત માટે હાંફતા કરી દીધેલા. આપણે વર્ષો સુધી મેઈડ ઇન જાપાનનો દબદબો જોયો. હજુ પણ બુલેટ ટ્રેનની ટેકનોલોજી એની લેવી પડે છે. ટચૂકડું જાપાન ઓલિમ્પિકના આયોજનો કરે છે,વર્લ્ડએક્સ્પોનું હોસ્ટ બને છે, યુપીઆઈની આપણને ફાવી ગયેલી સીસ્ટમ જેવા ડઝનબંધ આવિષ્કાર કરે છે, કાર, ટીવી, એસી બધું ભારત શું અમેરિકાને પણ ધમધોકાર વેંચે છે. એનું તો ભારત સાથે ઝેન અને બુદ્ધનું પણ કનેક્શન છે. પણ જાપાને કદી ભારત આવીને મહાન બૌદ્ધ મંદિર કે શિન્તો શ્રાઈન બનાવવાની જમીન માંગી?
જર્મનીને એક સમયે યુરોપ જીતીં લેવું હતું. આજે પણ ટેકનોલોજીમાં અવ્વલ છે એ દેશ. પ્રીમીયમ કાર હોય કે મેડિકલના સાધનો. સ્વીત્ઝર્લેન્ડ પાસે લખલૂટ ખજાનો છે. અફાટ કુદરતી સૌન્દર્ય છે. એવું જ નોર્વે , ફિનલેન્ડ વગેરે ઇનોવેશનમાં આગળ સ્કેન્ડેવિયન દેશોનું છે. નેધરલેન્ડ્સ તો આજે યુરોપની મજબૂત ઈકોનોમી ગણાય છે. એક સમયે ભારત આવવા સ્પેન અને પોર્ટુગલની જેમ એ પણ હરીફાઈમાં હતું. સ્પેન જેવા દેશોએ એક કાળમાં જ્યાં જાય ત્યાં ચર્ચો બનાવેલા. જે મોટા ભાગના લેટીન અમેરિકન દેશો તો હવે આઝાદ થઇ ગયા. ઇટાલી, ગ્રીસ વગેરે પાસે પણ ભવ્ય સંસ્કૃતિ છે. એમ તો તુર્કીનો પણ રજવાડી ઈતિહાસ છે. હંગેરી, ચેક રિપબ્લિક વગેરેના સ્થાપત્યો જેવાતેવા નથી. હવે તો આરબ દેશો પોતાને ત્યાં ગ્રાન્ડ મોસ્ક એક બે નવી બાંધે છે, પણ એથી વધુ એરપોર્ટસ કે ફ્યુચર સિટીઝ બનાવે છે. ભારતમાં ઇસ્લામિક કે અંગ્રેજી શાસન હતું એ સમયે તાજમહાલ કે લાલ કિલ્લા કે વિકટોરિયા મેમોરિયલ કે રાષ્ટ્રપતિ ભવન જેવી ઈમારતો બની એ તો અહીંના લોકો માટે. પણ પછી કોઈ ઇંગ્લેન્ડ કે ઈરાનથી આવ્યું એનો ઉત્સવ ઉજવી પ્રચાર પ્રસાર કરવા?
ઇઝરાયેલને ચલાવતા ધનાઢય યહૂદીઓ વિશ્વભરમાં મોટા સિનેગોગ બનાવે છે? આપણે જ્યાં રહેવા માટે જઈએ છીએ એ કેનેડા કે ઓસ્ટ્રેલિયા ભારત આવી પોતાના તહેવારો ઉજવે છે કે અહીં પ્રચંડ મૂતઓ બનાવે છે? ચીન આર્થિક મહાસત્તા છે ને ભારત કરતા ઊંચા દેખાવામાં રસ પણ છે. એનું તગડું બજાર ભારત છે અને અહીં ધારે તો ગલવાનની જેમ પાછલે બારણેથી ફિલ્મની રિલીઝ અટકાવી દે છે. પણ છતાં એને અહીં કોઈ ધરખમ પેગોડા બનાવવાનું કે બેનમૂન કલ્ચરલ સેન્ટર કે મ્યુઝિયમ ઉભું કરવાનું મન થાય છે? થાઈલેન્ડ કે વિએતનામ, કેન્યા કે નાઈજીરિયા, સિંગાપોર કે ઈજીપ્ત કોઈને પણ સ્વદેશની સરહદ પાર આવી ચૂલ ઉપડે છે?
સોરી ટુ સે, પણ એવો ચસ્કો વધારે આપણા લોહીમાં ઉછાળા મારે છે! દેશ છોડી બેહતર રોજગાર કે શિક્ષણ કે લાઈફની તલાશમાં પરદેશ વસ્યા બાદ આપણને ત્યાં કોઈ લાયબ્રેરી કે સાયન્સ સેન્ટર ખોલવાનું મન નથી થતું.
એક્ટીવિટી કે સ્પોર્ટ્સ કોમ્પ્લેકસની વાત જ ભૂલી જાવ. સુખદ અપવાદો બાદ કરતા પોતે જે દેશમાં દાયકાઓથી વસ્યા ત્યાના સિનેમા કે સ્પોર્ટ્સ કે સાહિત્ય કે સંગીત કે સ્વાદના મહાન નામો પણ ખબર નથી હોતા (સિવાય કે ત્યાં ભણેલી નવી પેઢી!) આપણે વિદેશમાં જઈ ત્યાના નાગરિકોની આંખે થઈએ એમ જોબ મેળવીએ ને પૈસા ધંધો કરીને કમાઈ લઈએ, પણ ત્યાના સ્થાનિક રહેવાસીઓ દંગ થઈને નોંધ લે, એવું જે તે સ્થાનિક સંસ્કૃતિમાં યોગદાન આપણે ભાગ્યેજ કરીએ છીએ! સિવાય કે અમુક અબજપતિઓ યુનિવર્સિટી કે હોસ્પિટલ વગેરેમાં થોડું દાન આપે કે ડે કેર સેન્ટર ચલાવે. કોઈકોઈ વાર કોઈ એકટર સિંગર આકટેકટ પેઈન્ટર પોએટ ઝળકે.
પણ આપણને તરત ખંજવાળ ચાલુ થઇ જાય બધે તોતિંગ ધર્મસ્થાનકો બનાવવાની. જાહેરમાં શોભાયાત્રાઓ કાઢવાની. ફટાકડા ફોડીને આખી શેરી ભાડે રાખી હોય લગ્નમાં એવો રોફ મારવાની. ઉંચી ઉંચી મૂર્તિઓ ઉભી કરવાની. જમીનો લઈને કે ખાલી ચર્ચ ખરીદીને ત્યાં ઘજાપતાકા લહેરાવી બધાને ભેગા કરવાની. ઉત્સવો ઉજવીને દેશી ભોજન સમારંભો ગોઠવવાની. ઓસ્ટ્રિયા કે ન્યુઝીલેન્ડની નદીઓમાં જઈને મૂર્તિવિસર્જન કરવાની. ત્યાં ઇદના જુલુસ કાઢવાની કે મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા કરવાની. ગુટકા ખાઈને થૂંકવાની કે ગમે ત્યાં ઉભા રહીને પરમિશન વિના ગરબા ચાલુ કરી દેવાની!
મહાત્મા ગાંધી યુગની મીઠી વિનમ્રતાને બદલે એક વિચિત્ર એરોગન્સ પ્રગટી ગઈ છે હવે આપણામાં કે બાકીના જગતની તે વળી શું નોંધ લેવાની હોય. આપણે તો છવાઈ ગયા છીએ ને હવે વિશ્વગુરુ તરીકે. ભલે ને ધરાર જેમને ચેલા માનીએ છીએ એની જનતા તો ઓળખતી પણ ના હોય કે આ કોણ છે આપણને માર્ગ બતાવનાર ગુરુ! ઘોંઘાટ, કચરાના ઢગલા, ઝાકઝમાળ કપડા, ઓવર નશો. ને ટોળે મળીને થતી ધમાલ એ ઉત્સવની આપણી કેઓસ દેખાડતી વ્યાખ્યા આપણે લલાટે લટકાવીને જ બધે પહોંચી જઈએ છીએ. એવું કશું નિર્માણ નથી કરતા જે એફિલ ટાવર કે પિરામિડ કે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કે ઓપેરા હાઉસ જેવી અજાયબી હોય, જ્યાં વિશ્વભરના પ્રવાસીઓ કુતુહલથી જોવા આવે.
રિયાલીટી એ છે કે એક મિકી માઉસ કે ડોનાલ્ડ ડકમાં આખા ભારતના પરદેશમાં ટોટલ જેટલા ધર્મસ્થળો છે એનો ફૂટફોલ સમાઈ જાય! ભારતના આવા ઉત્સવો કે ચણતરકામમાં મુખ્યત્વે આપણાવાળાઓ જ ભેગા થતા હોય. હમણાં અબજોના ખર્ચે સ્ટાર વોર્સ વાળા જ્યોર્જ લુકાસનું લોસ એન્જલ્સમાં હાઈ ટેક મ્યુઝિયમ બન્યું. જે જોવા કરોડો લોકો આવશે હવે દુનિયાના. અને આપણને હજુ એવું લાગે છે કે ધુરંધર ઓસ્કારમાં મોકલી હોત તો વટ પડી જાત બાકી! આપણા નંબર વન કે ટુ કે થ્રી કે બધા અબજપતિઓ પણ એવી કોઈ પ્રોડક્ટ કે પેટન્ટ ધરાવતા નથી જેની વિશ્વ આખાને અનિવાર્ય જરૂર પડે. ને જે પહેલી હોય.
હા, અધ્યાત્મ, યોગ, કીર્તન વગેરે સેલેબલ બનાવી અમુક વિદેશીઓને આકર્ષિત કરી લઈએ એમાં તો કૂટનીતિક જંગ જીતી ગયા હોઈએ એવો ઓડકાર આવે. ફોરેનમાં સન્માનો કે સ્થાનિક નામકરણ થાય ને એ દેશ આપણામાંથી પેદા થયો હોય એવો કેફ ચડે. બાકી, ફિલ્મ ફેસ્ટિવલોમાં સેંકડો ફિલ્મો પણ ના હોય આપણી ને બેશુમાર દર્શકો પણ ના હોય. બહાનું હોય, કે હજુ આપણે મહેનત કરી આગળ આવવાની કોશિશ કરી રહ્યા છીએ ત્યાં આ બધું ક્યાં શક્ય બને. પણ પાછી હવા તો આપણે મોટી તોપ હોઈએ ને રૂપિયા ફેંકી કંઈ પણ ખરીદી શકીએ એવી રાખવી હોય. એમ તો હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, ઓક્સફર્ડ કે કેમ્બ્રિજના લેવલનું એજ્યુકેશનલ કેમ્પસ પણ નથી બનાવી શકાય સમ ખાવા એક દોઢસો કરોડ માથા વચ્ચે! ટ્રાફિક અને સ્વચ્છતામાં તો બોલવા જેવું જ નથી. પ્રદૂષણ કે ભેળસેળમાં પણ.
પણ બહાર આપણે એવું માની લીધું છે કે ૨૦૪૭ આવી જ ગયું છે ને વિકસીત ભારત થઇ જ ગયું છે. વિકાસની આપણી વ્યાખ્યા કોઈ ક્રિએટીવ એચીવમેન્ટ કે પ્રોગ્રેસીવ થોટ્સ તો આમે નથી. ઇકોનોમિક સાઈઝ જ છે. પણ અધૂરા માસે પ્રસવ થતું બચ્ચું શરૂઆતમાં અલ્પવિકસીત હોય એમ આપણા દિમાગમાં સડિયલ સોફ્ટવેર ઘુસી ગયો છે. જેને કોઈ સર્જકતા કે સાયન્સમાં રસ નથી પડતો. માત્ર ભક્તિ ને કર્મકાંડ જ યાદ આવે છે. સદભાવ અને સેવાના સિધ્ધાંત પણ નહિ. પોતે રહેતા હોય ત્યાનું નહિ પણ પોતે જ્યાંથી આવ્યા હોય ત્યાનું કલ્યાણ! એના માટે દાન. બાકી યાદ આવે ઈવેન્ટ્સ એન્ડ પાર્ટીઝ. લગ્ન કે બર્થ ડેઝ. એમાં પણ આપણે ખાઈએ એ જ ફૂડ ને બીજું બધું તો કચરો એવી એક ગ્રંથિ જીભને બદલે મગજમાં ચડી ગઈ છે.
રહેવું છે જ્યાં લીગલ સ્ટેટ્સ ને રાઈટ્સ મળે એવા દેશોમાં નાગરિક બનીને, પણ જોડે એવી ઉદારતા ને આઝાદીના, ફ્રીડમ એન્ડ ફનના કોન્સેપ્ટ લઇ જવાને બદલે મઘ્યયુગની સામંતશાહી માનસિકતા. જેમાં પુરુષપ્રધાન સત્તા ધરાવતું પરિવારનું મોડલ હોય. લવ એન્ડ રિલેશનના ઓપન ડિસ્કશન થાય નહિ. એ ખરું કે ડ્રગ્સ કે ડિપ્રેશનથી આપણે આઘા રહીએ એને લીધે ને પ્લાન્ટ બેઝ્ડ વેજ ફૂડ પ્રમોટ થાય. પણ જોરજોરથી મોબાઈલ પર વાતો કરવાની ને આસપાસના માહોલ કે કલ્ચર ને રિસ્પેકટ આપ્યા વિના કે કર્ટસી શીખ્યા વિના બીજાને ભોટ સમજી એમને ઉલ્લુ બનાવવાના ફ્રોડને ઉસ્તાદી સમજવાની અણીટણી ઘણી જગ્યાએ વધી રહી છે. રૂપાળા કલેવર નીચે મનુસ્મૃતિની વિચારધારાનું સમર્થન કરતું જાતિવાદી માનસ દેખાય તો પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ ભારતની છાપ ખોટી પડે. એટલે એમને ઈગોનું એક્સટેન્શન કોઈ થોટ પ્રોસેસને બદલે કેવળ ધાર્મિકતાના ઓવરડોઝમાં દેખાય છે. આપણો મુખ્ય સમૃદ્ધિમંત્ર છે : પ્રદર્શન! દેખાડાનો દમામ!
બધા આવા છે એવું હરગીઝ નથી. કોમેડી નાટકો જોનાર વર્ગ છે તો સુંદર કવિતાઓને ચાહનાર વર્ગ પણ છે. લેકિન, કિન્તુ, પરન્તુ પોઈન્ટ ઈઝ ધેટ કે ધાર્મિક ઓળખના સ્મારકો અને કમાણી સાથે ટોળા ભેગા કરતા ઉત્સવો સિવાય આપણે એવું ખરેખર શું કરી બતાવ્યું છે કે આધુનિક જેન ઝીની ગ્લોબલ દુનિયા ભારતદીવાની થઇ જાય? ઘડી ઘડી પ્રેમ કે ફેશન કે સ્ત્રી વિરોધી મધ્યયુગી માથાકૂટ થાય એવું મિથ્યાભિમાન એ જ અસલી ભારત નથી, પણ સમાચારો તો વિદેશમાં એ ચિત્ર દોરશે. કારણ કે આપણે ટેકનોલોજી આધુનિક અપનાવેલી છે, પણ સાયકોલોજી હજુ જુનવાણી રાખી છે. એક સમયે યુરોપ અમેરિકામાં પણ ઘણો રંગભેદ કે લિંગભેદ હતો પણ કાયદાથી એમણે સ્થિતિ ને પેઢી સુધારી. હવે ફરી નવા નામે એવી અસમાનતા કે અવૈજ્ઞાનિકતા ક્યાંથી સહન કરશે? બધા અહીં આવીને રહે જે અનુભવે, જુએ એવું તો ટુરિઝમ પણ ક્યાં વિકસાવ્યું આપણે? થીમ પાર્ક જેવા ધર્મસ્થળો થકી પ્રાચીન વાતોને ગ્લોરિફાય કરવા એને ફોરેનના જ ઉધાર લીધેલા મોડર્ન પેકેજીંગ ને સાયન્ટીફિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટુરિસ્ટ એકસ્પિરિયન્સ તરીકે મુકવા સિવાય શું કર્યું?
અને છતાં એવો વહેમ છે કે દુનિયા આપણી પ્રગતિથી જલે છે. અરે, હજુ મોટા ભાગના જગતને ભારત શું છે એની ખાસ ખબર પણ નથી. કૃષ્ણને પણ પુરા ઓળખતા નથી હજુ બધા. ઘરમેળે આપણે જાતે જ ધારી લીધું છે કે આપણે એટલા મહાન થઇ ગયા છીએ કે દુનિયાને બળતરા થાય! દુનિયા તો આ જાણતી પણ નથી! એને અહી થતી કોમેન્ટબાજીનો ખ્યાલ પણ નથી.
આપણે પણ બિઝનેસ વોલ્યુમ પ્રોડક્શન સિવાય મોટા ભાગના પરદેશ રહેતા ને જતા આપણા ને આપણા લોકોનું ધ્યાન ખેંચવા સિવાય એક એવું ઇનોવેશન કર્યું નવું કે એઆઇ અથવા સ્માર્ટફોન કે ઈન્ટરનેટ કે લેપટોપ કે ઓટીટીની કે સોશ્યલ મીડિયાની જેમ આખા જગતે મરજી ના હોય તો પણ અપનાવવું ને વાપરવું જ પડે? અગાઉ ગાંધીજી હતા. ટાગોર હતા. સત્યજીત રાય હતા. આજે છે એવી એક વર્તમાન ભારતીય ગ્લોબલ સેલિબ્રિટી જે મેસી કે માઈકલની માફક ગ્લોબલ આઇકોન તરીકે દુનિયાભરના બિનસત્તાવાર અભ્યાસક્રમનો હિસ્સો હોય જેમ કોરિયન એન્ટરટેઈમેન્ટ કન્ટેન્ટ કે સર્બિયન સ્પોર્ટ્સસ્ટાર્સ છે?
એ થશે ત્યારે હશે આપણી સંસ્કૃતિનો લહેરાતો વિજયવાવટો!
ફાસ્ટ ફોરવર્ડ
'જે સંસ્કૃતિ પોતાને બીજા કરતા સર્વોચ્ચ માનીને અન્યને વખોડયા કરે છે, એ જીવંત રહેવાને બદલે એકલી પડીને મુરઝાઈ જાય છે.' (મહાત્મા ગાંધી)




