Ravi Purti

પગલું માંડું હું અવકાશમાં

By GS Team
4 Jul 20264 mins read
પગલું માંડું હું અવકાશમાં

વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
'પગલું માંડું હું અવકાશમાં' - વર્ષા અડાલજાની આત્મકથાના અંશો અલપઝલપ જોઈએ:
ઘાટકોપરના નાના ઘરમાં ગુણવંતરાય આચાર્ય રહે. સાથે પત્ની, દીકરો અને ત્રણ દીકરીઓ, જેમાં વર્ષા સૌથી નાની. પિતાની આજીવિકાનું સાધન- માત્ર કલમ. લેખિકાના શબ્દોમાં, 'નાના ઓરડામાં, બારી પાસે આરામખુરશીમાં ગોઠણ વાળી, પીળા ન્યૂઝપ્રિન્ટનાં કાગળોનાં પેડ નીચે લાકડાનું બાર્ડ ગોઠવી એ અવિરત લખતા. વહેલી સવારથી છેક સાંજના પાંચ છ વાગ્યા સુધી ભૂખ્યા. માત્ર ચા ભેર. વરસનાં ત્રણસો પાંસઠ દિવસ. એક પછી એક નવલકથા, વાર્તા, લેખ, કૉલમ, રેડિયો નાટક, ફિલ્મોનાં સંવાદ… નાકમાંથી નાળિયેર કાઢવાની જેમ બા ઘર ચલાવતી.' પિતા કહે, 'હું અકિંચન બ્રાહ્મણ. મારો ધર્મ છે તમને વિદ્યા આપવાનો. હું લખીશ, દિવસરાત લખીશ ત્યારે મારી સામે ન જોશો. તમે બધાં અભ્યાસ કરો, તમારી જે પણ મનગમતી પ્રવૃત્તિ હોય તે કરો, હું અને તમારી બા તમારી પડખે જ ઊભાં છીએ.' અને માટે જ વર્ષો પછી બી.એ.ના વર્ગમાં જ્યારે અમૃતલાલ યાજ્ઞિાકે નર્મદનાં જોશીલાં વચન સંભળાવ્યાં કે 'કલમ હું તારે ખોળે છઉં' ત્યારે લેખિકાની આંખેથી આંસુ ચાલ્યાં. વર્ષાબહેન તેમના પિતા ગુણવંતરાય આચાર્ય અને માતાનો વારંવાર ઋણસ્વીકાર કરે છે કે અમને પૂર્ણ સ્વતંત્રતા આપી. શ્રીમંત ઇજનેર યુવાનને પરણવાની ના પાડી, તો દબાણ ન લાવ્યા. નિમ્ન મધ્યમ વર્ગનો યુવાન પસંદ કર્યો તેને સ્વીકારી લીધો. રસોઈ-પાણી ન શીખી અને નાટકોમાં ભાગ લીધો- નો પ્રોબલેમ!
વર્ષા અડાલજાની લેખન કારકીદની શરૂઆત હતી, થોડી નવલકથાઓ પ્રકટ થઈ હતી, ત્યારે મુંબઈના પરાના એક સમારંભમાં વક્તવ્ય આપવાનું આમંત્રણ મળ્યું. બીજા સૌ પુરુષ વક્તા. ભાષણ પ્રભાવક રહ્યું. તેમના જ શબ્દોમાં, 'છેલ્લે સમાપન કરવા ગુલાબદાસ બ્રોકરે માઇક હાથમાં લીધું અને સહજતાથી કહ્યું, વર્ષા તો સરસ બોલી પણ હમણાં ઘરે જઈ કામે વળગી જશે. આ રમૂજ પર સ્ટેજ પરના વક્તાઓ હસ્યા, એકે વિશેષ ટિપ્પણી કરી, બિચ્ચારા એના વરનું શું થતું હશે! એને દહીંવડા ખાવા હોય તો શું કરે? શ્રોતાઓમાં હસાહસ. મારી ભરસભામાં મશ્કરી? હું સ્ત્રી છું એટલે? ચાલુ વક્તવ્યે એકદમ વચ્ચે જ ઊભા થઈ, મેં બ્રોકરસાહેબ પાસેથી માઇક હાથમાં લઈ લીધું, સહુ નવાઈ પામી ગયા. 'આપણે અહીં સર્જકતાની અને સાહિત્યની વાત કરવા ભેગા થયા છીએ કે રસોઈ અને વાસણ ઊટકવાની! સારી, તમને દહીંવડાની રેસિપી આપવા હું નથી આવી. આ પુરુષ વક્તાઓ અને શ્રોતાની પત્નીઓ ઘરે છે અને પતિદેવ માટે રવિવારની સવારે ભાવતા ભોજન બનાવશે. અહીં પ્રવચનો આપી બધા ઘરે જઈ તૈયાર ભાણે જમવા બેસશે… મારે તો ઘરે એઠાં વાસણ સિંકમાં પડયાં છે, પતિએ દીકરીઓ સાચવતા મને આગ્રહ કરીને મોકલી, હું સર્જક તરીકે આવી છું અને એ જ વાત થાય તો સારું. શું કહો છો બહેનો?' તાળીઓનો ગડગડાટ. વર્ષાબહેન સદાય સ્ત્રી અસ્મિતાનું ગૌરવ કરવાનો આગ્રહ રાખે છે. આત્મકથામાં નોંધે છે કે તેમના બહેન ઈલા આરબ મહેતા યુવાનવયે વક્તૃત્વ સ્પર્ધામાં અમદાવાદ ગયેલા, ત્યારે કોઈ સ્ત્રીએ નિસાસો નાખેલો, 'બિચારી! જુવાનજોધ છે અને રંડાપો આવ્યો.' ખુલાસો કરવો પડેલો કે હજી પરણી યે નથી- ચાંદલો કરવો ફરજિયાત ન હોઈ શકે.
વર-વહુએ સ્વતંત્ર ઘર માંડયું ત્યારે કેવી સમસ્યાઓ નડી તેનું નિર્દંભ આલેખન વર્ષાબહેને કર્યું છે : 'એક મિત્રપત્ની મને વાસણો અપાવવા લઈ ગયા. એ ઠરેલ ગૃહિણી અને કૂકિંગ ક્વિન. જ્યારે મેં વળી રસોડું કે વાસણકુસણ ક્યારે જોયેલા! એ બહેને તપેલાં, છીબાં, તવેથો, ઝારો, કડાઈનો ઢગલો કરાવ્યો ત્યારે હું ગભરાઈ ગઈ. આ બધું વાપરવાનું? શેમાં? કેવી રીતે? મારાથી વધુ મિત્રપત્ની હેબતાઈ ગયાં, ઘરે જઈને પતિને કહ્યું, મહેન્દ્રભાઈ ખરા ફસાઈ ગયા. આ છોકરીને કંઈ ગતાગમ જ નથી.'
આ પુસ્તકની વિશેષતા એ પણ ખરી કે લેખિકાના જીવનની પડછે સામાજિક જીવન ઊપસતું જાય છે. પિતા ગુણવંતરાય આચાર્ય સ્વાતંત્ર્ય સેનાની હતા. એક રાતે કોંગ્રેસી નેતાઓને ગાડીમાં લઈ જતા હતા, અને ગાડી ખોટકાઈ પડી. નેતાઓ પોતાની વ્યવસ્થા કરીને નીકળી ગયા, પિતાનું શું થયું તે પૂછયું સુદ્ધાં નહિ. સ્વતંત્રતા પછી પિતાએ કોઈ પદ વાંછયુ નહિ, અને નેતાઓએ પૂછયું નહિ કે ભાઈ, તારું ઘર કેમ ચાલે છે? શાળાના દિવસો દરમિયાન પડોસીઓ ૧૫ ઓગસ્ટે ટ્રક ભાડે રાખતાં અને રાતે રોશની જોવા નીકળી પડતાં. તે દિવસે ભોજનમાં અચૂક શિખંડ, પૂરી ને બટાકાનું શાક.
વર્ષા અડાલજાએ ઘણી ટીવી સીરિયલની વાર્તાઓ-પટકથા લખી છે. તેમની શૈલી એવી છે કે ઝડપભેર દ્રશ્યો બદલાતાં જાય, હ્યુમન ઇંટરેસ્ટ જળવાયેલો રહે. સંશોધન કરીને દસ્તાવેજી નવલકથાઓ પણ તેમણે લખી છે. થોડા જ દિવસો પહેલાં તેમને પન્ના નાયક પુરસ્કાર એનાયત થયો.