છોડની આપવીતી સાંભળી છે ખરી?

- આજકાલ-પ્રીતિ શાહ
- અવિચલ ઓઝામાને છે કે છોડના મૂળ મજબૂત થશે તો તે ચોક્કસ વિકસિત થશે. છોડ એક જીવિત તંત્ર છે, તેની સંભાળ લેશો તો તે પ્રતિક્રિયા આપશે
બ ગીચાના શોખીન લોકો પોતાના ફૂલછોડનું પોતાના જીવની પેઠે જતન કરતા હોય છે! પોતાના છોડને નિયમિત પાણી આપે, ખાતર નાખે, તડકો આવે ત્યાં ખસેડે, પાછા તેની મૂળ જગ્યાએ લાવે, કુંડા બદલે - આ બધા પછી પણ જ્યારે પાંદડા પીળાં પડવાં માંડે કે છોડ મુરઝાઈ જાય, ત્યારે નિરાશ થઈને પોતાનો જ દોષ કાઢે કે છોડ બરાબર સચવાયા નહીં. કોઈ નર્સરી ચલાવતું હોય કે માળીનું કામ કરતું હોય, તેને પણ સમજાય નહીં કે અમુક છોડને ખાસ પ્રકારના ઉપચારની જરૂર કેમ પડે છે, ત્યારે તે મૂંઝાય જાય છે, પણ આ બધાનો ઉપાય પચીસ વર્ષના અવિચલ ઓઝા પાસે છે.
ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના સાવ નાનકડા ગામ સુરાહીમાં અવિચલનો જન્મ થયો હતો. તેને માટે ખેતી એના દૈનિક જીવનનું અભિન્ન અંગ હતી. ખેતીના વાતાવરણમાં ઉછરેલા અવિચલને જુદા જુદા છોડ અને વૃક્ષનો પણ પરિચય થવા માંડયો. નોઈડામાં આવેલી એમિટી યુનિવર્સિટીમાં તેણે ખેતીના ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો. તેણે જોયું કે ચારે બાજુ ઊંચી ઈમારતો છે અને તેની બાલ્કનીઓ ખાલી છે અને ચોતરફ અત્યંત પ્રદૂષિત વાતાવરણ છે. ૨૦૧૮માં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ આંત્રપ્રિન્યોરશિપ પ્રોજેક્ટ અંતર્ગત નાના વ્યવસાયનું આયોજન કરીને તેનો અમલ કરી બતાવવાનો હોય છે. તેણે માતા-પિતા પાસેથી પાંચસો રૂપિયા લઈને થોડા છોડ ખરીદ્યા. એણે પોતાના કેટલાક પ્રોફેસરોનો સંપર્ક કર્યો. એમણે છોડ ખરીદ્યા અને ઑફિસમાં રાખ્યા તેમજ ઘરમાં પણ રાખ્યા, પરંતુ થોડા દિવસમાં તેના પર ફોન આવવા લાગ્યા કે, 'તેને કેટલું પાણી આપવું ?, 'તેનાં પાંદડા પીળા કેમ પડવા લાગ્યા છે ?', 'છોડ કેમ મુરઝાવા લાગ્યો છે ?' આ પ્રશ્નો સાંભળીને અવિચલને લાગ્યું કે છોડ વેચવા તો સહેલા છે, પરંતુ તેને જતનથી સંભાળીને ઉગાડવા મુશ્કેલ છે. છોડના વેચાણ કરતાં તે જીવિત રહે તે વધુ મહત્ત્વનું છે. એ ફોન પર માર્ગદર્શન આપતો હતો. સ્નાતકની ડિગ્રી મેળવી ત્યાં સુધીમાં તો એણે આમાંથી પચીસ હજાર રૂપિયાની આવક પણ કરી લીધી.
આ જ પૈસામાંથી સ્નાતક થયા બાદ નોઈડાની સોસાયટીઓમાં એ છોડ વેચવા લાગ્યો. ન કોઈ કાર્યાલય કે ન કોઈ ટીમ! એ પોતાના સ્કૂટર પર બે-ત્રણ છોડ લઈ જઈને જેનો ઑર્ડર હોય તેના ઘરે પહોંચાડી દેતો અને તેના અંગેની દરેક બાબત ધ્યાનથી સમજાવતો. એના ગ્રાહક પણ એને ઘણા પ્રશ્નો પૂછતા. અવિચલના કહેવા પ્રમાણે કર્યું હોય છતાં છોડ મુરઝાઈ જતો, ત્યારે તે ખાતર નાખવા માટે કહેતો, પરંતુ ઘરમાં બાળકો અને પાલતુ પ્રાણીઓ હોવાથી ઘણા લોકો રાસાયણિક ખાતર વાપરવાની ના પાડતા, તેથી અવિચલ તેના વિકલ્પ વિશે વિચાર કરવા લાગ્યો, પરંતુ કોરોના મહામારીને કારણે બધું બંધ કરીને પોતાના ગામ સુરાહી પાછા ફરવું પડયું.
તેણે 'ધ ગ્રીન વેલ્થ' નામનું ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું અને તેના દ્વારા છોડ અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. નાના નાના વીડિયો બનાવ્યા. તે વખતે લોકો પાસે સમય હતો એટલે તેઓ પણ પ્રશ્ન પૂછવા લાગ્યા અને અવિચલ માર્ગદર્શન આપતો ગયો. ૨૦૨૦ના ઑગસ્ટ મહિનામાં હાઈડ્રોપોનિક્સ વિશે ઑનલાઇન વેબિનારનું આયોજન કર્યું. દુબઈ સ્થિત એક કંપનીએ તેને તેમાં બોલવાનું આમંત્રણ પાઠવ્યું. ત્રણ બેઠકમાં બસો જેટલી વ્યક્તિઓએ ભાગ લીધો, જેમાં કેન્યા અને ન્યૂઝીલેન્ડથી ભાગ લેનારા હતા. પોતાના ગામમાં બેસીને વૈશ્વિક કૃષિ ટૅક્નૉલૉજી પર ચર્ચા કરવાનો અનુભવ અવિચલ માટે ખૂબ પ્રેરણાદાયક રહ્યો. ૨૦૨૨માં તે નોઈડા આવ્યો અને નોઈડા, દિલ્હી, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં પોતાનું કામ શરૂ કર્યું. ૨૦૨૨ના ડિસેમ્બરમાં તેણે નોઈડામાં ઑફિસ લીધી અને 'ધ ગ્રીન વેલ્થ'નું રજિસ્ટ્રેશન કરાવ્યું.
અવિચલ ઓઝાએ છોડની સંભાળ કેવી રીતે રાખવી તેની તાલીમ આપવાનું શરૂ કર્યું, તો બીજી બાજુ ૨૦૨૪માં રાસાયણિક ખાતરના બદલે પ્લાન્ટ ગ્રોથ બૂસ્ટર, ઓર્ગેનિક પોટાશ, સમુદ્રી શેવાળનું એક્સટ્રેક્ટ, ઈઝી-ટૂ-મિક્ષ નીમ ઑઇલ, રેડી-ટૂ-સ્પ્રે નીમ ઑઇલ, મસ્ટર્ડ કેક જેવાં ઉત્પાદનો બજારમાં મૂક્યાં. ફોસ્ફરસ યુક્ત જૈવિક ખાતર તેમજ મેગ્નિશીયમ સલ્ફેટનું પણ તે વેચાણ કરે છે. ઉત્પાદનોને બજારમાં મૂકતા પહેલાં ચકાસણી કરે છે.આજે દસ હજાર ઘરો સુધી તેનાં ઉત્પાદનો પહોંચ્યા છે. ધ ગ્રીન હેલ્થે વીસ સ્કૂલોમાં જાગરૂકતા અભિયાન અને પાંચથી વધુ કોર્પોરેટ કાર્યાલયો સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે. જેમાં શારદા, ગલગોટિયા, બનારસ હિંદુ યુનિવર્સિાટી અને દિલ્હી ટૅક્નૉલૉજીકલ યુનિવર્સિટી તેમજ ઈન્ફોસિસ અને ઇન્ડિયા ટુડે સામેલ છે. તે માને છે કે છોડના મૂળ મજબૂત થશે તો તે ચોક્કસ વિકસિત થશે. છોડ એક જીવિત તંત્ર છે, તેની સંભાળ લેશો તો તે પ્રતિક્રિયા આપશે. આજે દિલ્હી એનસીઆરમાં ત્રણ હજારથી વધુ ઘરોમાં તે સેવા આપી રહ્યો છે. કૉલેજ દરમિયાન માતા-પિતા પાસેથી પાંચસો રૂપિયાથી શરૂઆત કરનાર અવિચલ ઓઝાની કંપનીએ ૨૦૨૪-૨૫ દરમિયાન સત્તર લાખ રૂપિયાની કમાણી કરી છે. તે કહે છે કે તેની પાસે ધન નહોતું, પરંતુ ધીરજ હતી. જે તે ફૂલછોડ પાસેથી જ શીખ્યો છે. જો દરેક ઘરમાં કોઈ ને કોઈ છોડ હોય તો માત્ર આસપાસની હવામાં જ નહીં, બલ્કે વ્યક્તિના વિચારમાં પણ પરિવર્તન આવે છે.
જીવનને સમૃદ્ધ કરે તે સંશોધન!
અસ્મિતા પ્રભુણે સતત વિચારે છે કે વિજ્ઞાન કેવી રીતે પ્રયોગશાળામાંથી લાખો લોકોના જીવનને સુધારવાનો રસ્તો બને, કારણ કે તેઓ માને છે કે સાચું સંશોધન એ છે કે જે જીવનને વધુ સારું બનાવે
ડૉ. અસ્મિતા પ્રભુણે એમ.બી.બી.એસ. ડૉક્ટર નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરનાર સમર્થ વૈજ્ઞાનિક છે. તેઓ માને છે કે વિજ્ઞાન માત્ર પ્રયોગશાળા સુધી સીમિત ન રહેતા તેણે માનવીના જીવનને વધુુ સલામત, સ્વાસ્થ્ય અને ટકાઉ બનાવવાનું છે.
તેઓ પુણેની કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચ - નેશનલ કેમિકલ લેબોરેટરીમાં ચોત્રીસ વર્ષનો અનુભવ ધરાવે છે. માઈક્રોબાયોલોજી, બાયોસરફેક્ટેન્ટ અને સસ્ટેનેબલ બાયોટૅક્નૉલૉજી જેવાં ક્ષેત્રોમાં તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. તેમણે ૨૦૧૫માં ગ્રીન પિરામિડ બાયોટેક પ્રા. લિમિટેડની સ્થાપના કરી. તેના દ્વારા તેઓ ફૂડ સેફ્ટી, હાઈજીન, વ્યક્તિ તેમજ પાલતુ પ્રાણીઓની સંભાળ, ખેતી માટે ઈકો-ફ્રેન્ડલી અને વૈજ્ઞાનિક ઉપાયો પર સંશોધન કરવું. એવાં ઉત્પાદનો બનાવવા કે જે કુદરતને હાનિ ન પહોંચાડે. કંપનીનું સૂત્ર છે - 'ઈનોવેશન ઈન હાર્મની વિથ નેચર'.
આપણે ત્યાં કહેવાય છે કે 'એન એપલ એ ડે કિપ્સ ધ ડૉક્ટર અવે', પરંતુ તેઓ કહે છે કે કેવું સફરજન? શાકભાજી અને ફળોનાં પોષકતત્ત્વોના જે ગુણગાન ગાવામાં આવે છે, તે ખરેખર તેમાંથી મળે છે ખરા? આપણા ઘર સુધી શાકભાજી કે ફળો પહોંચે છે તે પહેલાં ખેતરમાં, તેના પરથી તોડીને તેને પૅક કરીને અન્ય શહેરોમાં પહોંચાડવામાં આવે છે, ત્યારે કેટલાં બધાં હાથમાંથી પસાર થાય છે! તેના પર થયેલાં રાસાયણિક છંટકાવના અવશેષો, ધૂળ, પ્રદૂષણની અસર તેમજ નરી આંખે ન દેખાય તેવા સૂક્ષ્મજીવાણુઓ ચોંટેલા હોય છે. આની જાણકારી હોવાથી આપણે તેને પાણીથી કે બહુ બહુ તો મીઠાના પાણીથી ધોઈને તેને વપરાશમાં લઈએ છીએ. તેનાથી તેના પરની દેખીતી ગંદકી અને મેલ તો સાફ થઈ જાય છે, પરંતુ જંતુનાશકોના અવશેષો ભાગ્યે જ દૂર થાય. રાષ્ટ્રીય સ્તર પર જે પરીક્ષણો કરવામાં આવ્યાં, તેમાં પાંચ નમૂનાઓમાંથી એકમાં જંતુનાશકોના અવશેષો મળ્યા. જે માનવસ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ડૉ. અસ્મિતા પ્રભુણે કહે છે કે આ વર્ષે જૂન મહિનામાં કેરી પર વધુ પડતાં જંતુનાશકોને કારણે નેપાળે ભારતીય કેરી પર પ્રતિબંધ મૂક્યો હતો, તો યુરોપીયન દેશો પણ આ કારણે જ ઘણી વખત ભારતીય કૃષિ ઉત્પાદનો પર પ્રતિબધ મૂકે છે. આપણે સહુ જાણીએ છીએ કે કેરળના કાસરગોડના પડરે ગામમાં કાજુની ખેતી થતી હતી. આશરે સાડા ચારથી પાંચ હજાર એકર જમીન પર થતી કાજુની ખેતી પર હેલિકોપ્ટર દ્વારા એન્ડોસલ્ફાન છાંટવામાં આવતું. તેથી એ ગામની જમીન અને પાણી એટલું બધું પ્રદૂષિત થયું કે લોકોમાં વિકલાંગતા આવી ગઈ. ૨૦૧૧માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પરંતુ તેની સામે ચાલેલા અભિયાનને કારણે કેરળ સરકારે પીડિતોને પાંચસો કરોડનું વળતર ચૂકવવું પડયું. આવી ઘટનાઓમાં સામાન્ય વ્યક્તિ શું કરી શકે ? વૈજ્ઞાનિક અસ્મિતા પ્રભુણેએ વિચાર્યું કે લોકોને શાકભાજી અને ફળોને ધોઈને, સાફ કરીને વાપરવા એમ કહેવું એ તો બરાબર છે, પરંતુ એવું કંઈક શોધવું જોઈએ કે જેનાથી જંતુનાશક અવશેષો સરળતાથી અને અસરકારક રીતે સાફ થઈ શકે. તેમણે આને માટે પાંચ વર્ષ સુધી પ્રાકૃતિક લવણો અને જુદા જુદા હર્બલ તેલનો ઉપયોગ કરી સોફેબ નામનું જૈવિક ઉત્પાદન બનાવ્યું છે. તેમના કહેવા પ્રમાણે આ સોફેબ બે-ત્રણ મિનિટમાં તાજાં શાકભાજી અને ફળો પરથી નવ્વાણું ટકા જંતુનાશકોના અવશેષ હટાવી દે છે. આ પ્રક્રિયા પણ અત્યંત સરળ છે. સોફેબને પાણીમાં મેળવીને એમાં ફળો તેમજ શાકભાજી નાખી દો. બે-ત્રણ મિનિટ સુધી તેને હલાવીને ધુઓ અને પછી બહાર કાઢીને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. થોડું વધુ પાણી નાખીને તેનો છોડ માટે પણ ઉપયોગ કરી શકાય છે. આ પહેલાં તેમણે કોરોનાકાળ સમયે ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજીના ફંડથી નેચરલ આલ્કોહોલ ફ્રી સેનીટાઈઝર શોધ્યું હતું. તેઓ અત્યારે એક પ્રકારના વાઈપ પર કામ કરી રહ્યા છે, જેથી કોઈને જામફળ કે એ પ્રકારની વસ્તુઓ ખાવી હોય તો માત્ર લૂછીને ખાઈ શકે અને નુકસાન ન કરે. તે ઉપરાંત તેઓ માંસાહારી લોકો કે જેઓ માંસ-માછલીનો ઉપયોગ કરે છે તેના પર સંશોધન કરી રહ્યા છે, જેથી તેમાં આવતા વાયરસ, બૅક્ટેરિયા કે ફૂગથી થતાં રોગોથી તેઓ બચી શકે. ગંદકી, ધૂળ અને સૂક્ષ્મ જીવાણુઓ સાફ થતાં શાકભાજી અને ફળો લાંબા સમય સુધી તાજાં રહી શકે છે. વૈજ્ઞાનિક, આંત્રપ્રેન્યોર અને ગૃહિણી ડૉ. અસ્મિતા પ્રભુણે કહે છે કે આના દ્વારા તેઓ કોઈ પૈસા કમાવા માગતા નથી, પરંતુ લોકોને મદદ કરવા ઇચ્છે છે, કારણ કે જંતુનાશકોનું પ્રમાણ વધવા લાગ્યું છે. હમણાં જ એક અધ્યયનમાં જાણવા મળ્યું કે પાલક, સ્ટ્રોબેરી અને શિમલા મિર્ચનું અધિક સેવન કરનારા લોકોના યુરીનમાં બાયોમાર્કર જંતુનાશકોનું સ્તર વધુ હતું. તેઓ એમ પણ કહે છે કે આ રીતે શાકભાજી ધોઈને વાપરવા તે કૃષિ પદ્ધતિઓ કે ખાદ્ય સુરક્ષાના નિયમોનો વિકલ્પ નથી, પરંતુ લોકોને રોજના ભોજનમાં આવી જાણકારી મદદરૂપ થઈ શકશે અને માનવીનું સ્વાસ્થ્ય વધુ સારું થશે. સોફેબના સંશોધન પાછળ પાંચ વર્ષ વીતાવનાર અસ્મિતા પ્રભુણે સતત વિચારે છે કે વિજ્ઞાન કેવી રીતે પ્રયોગશાળામાંથી લાખો લોકોના જીવનને સુધારવાનો રસ્તો બને, કારણ કે તેઓ માને છે કે સાચું સંશોધન એ છે કે જે જીવનને વધુ સારું બનાવે.




