Ravi Purti

વસ્તી વધારો અને વનવિસ્તાર પર અતિક્રમણોથી વિવશ વનરાજો

By GS Team
2 Aug 202610 mins read
વસ્તી વધારો અને વનવિસ્તાર પર અતિક્રમણોથી વિવશ વનરાજો
  • હોટલાઈન-ભાલચંદ્ર જાની
  • એક સમયે સિંહોનું સામાન્ય વજન 160 કિલો આસપાસ હતું. જેની સરખામણીમાં હાલ ૧૨૦ આસપાસ થયું છે. સિંહને સૌથી વધુ તકલીફ કૃત્રિમ લાઇટથી થાય છે….

આ વખતે સાસણ ગીર ખાતે સિંહો સાથે દિવાળી મનાવવા પ્રવાસીઓ ઉમટી પડશે. મહિના- બે મહિના પછી જ મોટા ભાગની હોટલો, ગેસ્ટહાઉસો રીસોર્ટ હાઉસફુલ થઈ જશે. દિવાળીમાં સાસણ ગિરની વસ્તી કરતા પ્રવાસીઓની સંખ્યા વધી જશે. તાલાલા સાસણ ગિર વિસ્તારમાં આવેલ મોટાભાગની હોટલમાં પણ પ્રવાસીનો ધસારો થશે. જોવાનું એ છે કે ટુરિસ્ટોને મન સિંહોને નિહાળવા એ આનંદ પ્રમોદનું ટાણું બની જશે. પરંતુ બિચારા સિંહ પ્રવાસીઓના ઘોંઘાટ, શોરબકોરથી ત્રાસી જશે.
બે હજાર કરતાં પણ વધારે વર્ષોથી એશિયાઇ સિંહો ભારતીય ઉપખંડથી લઇને ગ્રીસ સુધી જોવા મળતા હતા. પશુઓના નાથ તરીકે ઓળખાતા આ વનરાજ શક્તિનું પ્રતિક છે અને વિવિધ કલાઓમાં તેમનો ઉલ્લેખ જોવા મળે છે તથા તેમની પ્રશંસા પણ સાંભળવા મળે છે. પરંતુ છેલ્લી બે સદીથી માનવની વધતી જતી વસતિ, શહેરીકરણ અને શિકારી વૃત્તિને કારણે એશિયાના સાવજની સલામતી સામે મોટું સંકટ આવી પડયું છે. આજે તો ભારતના રાષ્ટ્રચિહનમાં ચાર સિંહો જોવા મળે છે તે સિવાય ગુજરાતના પ્રખ્યાત ગીર રાષ્ટ્રીય સિંહ અભ્યારણ્યમાં આ વનકેસરી જોવા મળે છે.
પરંતુ આજે ગીરના સિંહોના ચિત્કારથી ગરવો ગિરનાર ધ્રૂજી ઊઠયો છે. માત્ર સૌરાષ્ટ્રની વન્યઅસ્મિતા નહીં, સમગ્ર એશિયાની વન્યઅસ્મિતા પર ઘા થયો છે, કારણકે આખા ખંડમાં માત્ર ગીરમાં જ વનરાજોની વસતિ છે.
દેશમાં વન્યપ્રાણીઓના લાલનપાલન માટે મુખ્ય કહી શકાય તેવાં ૨૫ અભયારણ્ય છે. વિશ્વભરનાં આ પ્રકારનાં અભયારણ્યોમાં ગીર અભયારણ્ય સૌથી મોટું અને શ્રેષ્ઠ છે. ૧૯૧૧માં ગીરમાં ફક્ત ૧૧ સિંહ હતા તેવું નોંધાયું છે. એ સમયે લૉર્ડ કર્ઝને જૂનાગઢના નવાબને સૂચવ્યું હતું ગીરના વિશાળ વનપ્રદેશને સિંહ અભયારણ્ય તરીકે વિકસાવવું જોઈએ, ત્યારથી એશિયાભરમાં એકમાત્ર 'સિંહ-સદન'તરીકે વિકસેલા ગીરમાં છે છેલ્લે વનરાજોની વસતિ ગણતરી થતાં ૮૯૧ સિંહો નોંધાયા હતા.
ઈ.સ. ૧૯૧૦માં દુકાળ, ગ્રામજનોનો ક્રોધ અને વૈમનસ્યથી ગીરના સિંહની વસતિને બચાવવા માટે જુનાગઢના નવાબે તે વિસ્તારમાં શિકાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સ્વતંત્રતા બાદ ઇ.સ. ૧૯૬૫માં ભારત સરકારે આ વિસ્તારને નેશનલ પાર્ક જાહેર કર્યો હતો. ૨૦મી સદીમાં અહીં સિંહોની વસતિ ઘટીને માત્ર બે ડઝન જેટલી થઇ ગઇ હતી. પરંતુ હવે છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાતના ગીરમાં સિંહની વસતિ વધી છે. અને આ ઘટના થોડી અચરજ પમાડનારી છે.
થોડા મહિના પહેલા જ ધારી પાસે આવેલા આંબરડી સફારી પાર્કમાં એક સિંહ યુગલ મેટીંગ કરતા જોવા મળ્યુ હતું. ઉનાળાની ભર બપોરે ૪૫ ડિગ્રી તાપમાં શિવ નામનો સિંહ અને શૈલજા નામની સિંહણ પ્રણયક્રિડામાં મગ્ન બન્યા હતા. સાવ સામાન્ય લાગતી આ વાત ખરેખર ખુબ જ ગંભીર છે, કેમકે સામાન્ય રીતે એશિયાટીક સિંહોનો મેટીંગ પિરિયડ ચોમાસામાં એટલે કે સપ્ટેમ્બરથી જાન્યુઆરી માસ દરમિયાન હોય છે. તેના બદલે પાછલા ત્રણથી ચાર વર્ષો દરમિયાન સિંહ વર્ષમાં ગમે ત્યારે પ્રજનન કરતા જોવા મળી રહ્યા છે. જે સિંહની પ્રકૃતિ તેમજ કુદરતની વિરૂદ્ધ છે. વર્ષમાં એક જ વાર મેટીંગ કરતા સિંહ અમુક વાર તો ત્રણ ત્રણ વાર મેટીંગના પ્રયત્નો કરતા થયા છે.
ક્લાઇમેટ ચેન્જના કારણે આવેલા ઋતુ અને પર્યાવરણીય ફેરફારની આ થોડીઘણી અસર હોય શકે પરંતુ મુખ્ય કારણ છે સિંહની વર્તણુંક અને પ્રકૃતિમાં આવી રહેલો ફેરફાર. નિષ્ણાંતોના મત પ્રમાણે દિવસેને દિવસે સિંહનો માનસિક તણાવ વધતો જાય છે. જેના લીધે તેની પ્રકૃતિમાં આવા કુદરત વિરૂધ્ધના બદલાવ આવી રહ્યા છે. ઉપરાંત કુદરતનો નિયમ છે કે, જ્યારે કોઇ પણ પ્રાણીના અસ્તિત્વ પર જોખમ આવે ત્યારે તે પ્રાણી અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન વધારે છે અથવા તો તેની પ્રજનન ક્ષમતા ઘટે છે. સિંહના વિષયમાં પણ આવું જ છે.
એક સમયે સિંહોનું સામાન્ય વજન ૧૬૦ કિલો આસપાસ હતું. જેની સરખામણીમાં હાલ ૧૨૦ આસપાસ થયું છે. સિંહને સૌથી વધુ તકલીફ કૃત્રિમ લાઇટથી થાય છે, આમ છતાં મોટી મોટી લાઇટોના શેરડા તેના પર પડે છે. શાંત અને માન મર્યાદા વાળુ પ્રાણી હવે ખિજાયોલો રહે છે. ગીરકાંઠાના ખેડૂતો અને માલધારીઓના જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી સિંહ સાથે રહેતા આવ્યા છે પરંતુ હવે તેઓ સિંહનો ભરોસો કરી શકતા નથી. આ બધા કારણોસર સિંહની વર્તણુંક બદલાઇ રહી છે જે તેના અસ્તિત્વ માટે જોખમરૂપ છે.
તે સાથે જ તેમના નહોર અને દાંત માટે કરવામાં આવતાં શિકાર, અકારણ મોતના બનાવો પણ વધતાં જાય છે. છેલ્લા પાંચ વર્ષથી અહીંના સિંહોના માથે મોત ભમી રહ્યું છે. ૧,૪૧૨ ચો.કિ.મી.ના ગીરના વનવિસ્તાર પ્રમાણે આ સંખ્યા (૮૯૧) ઘણી વધારે ગણાય છે. સામાન્ય રીતે એક વનરાજને છૂટથી હરવા ફરવા અને રહેવા માટે ૨૫ ચો.કિ.મી.નો વિસ્તાર જોઇએ. અહીં સિંહની વર્તમાન સંખ્યા પ્રમાણે તેનો વનવિસ્તાર ઘણો મર્યાદિત છે. તેથી આટલા વનકેસરીઓનો સમાવેશ ત્યાં થતો નથી. તે ઉપરાંત અહીં સાવજ તથા હરણ, ચિત્તા, જરખ, મગરમચ્છ અને શિયાળ જેવા વન્ય પ્રાણીઓ તથા અનોખી પક્ષીસૃષ્ટિ પણ વસે છે.
વર્ષોથી એક જ વાત થાય છે કે સિંહને જંગલ ટૂંકું પડે છે. જંગલ નાનું પડતું હોવાના કારણમાં સિંહની વધતી સંખ્યા-વસતી તો છેજ. બીજું મહત્ત્વનું કારણ જંગલ વિસ્તારમાં માનવીઓની, વાહનોની આવન-જાવનમાં થયેલો વધારો, જંગલ વિસ્તારમાં હૉટલ-રિસોર્ટમાં થતો વધારો છે તે વાત પણ નવી નથી.
વાત એ છે કે ગીર અને સિંહનો મામલો લોકજીભે ચડે ત્યારે દેશના 'અંગ્રેજી મીડિયા'ને જાણે ભાવતું હતું અને વૈદ્યે કહ્યા જેવું મળી જાય છે. હવે એક એવો અપપ્રચાર શરૂ થયો છે કે ગીરનું જંગલ વનરાજોને ટૂંકું પડે છે. તેઓ આ સમસ્યાના ઉકેલ માટે સિંહના સ્થળાંતરની વાતને ચગાવે છે. મધ્યપ્રદેશની સરકારે આ બાબતે ગુજરાત સરકારને મદદ કરવી જોઈએ તેવાં સૂચન 'હરખભેર' કરે છે. ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજાએ ચેતવા જેવી આ વાત છે.
ગીર નેશનલ પાર્કનું મુખ્ય મથક સાસણગીરમાં આવેલું છે. ત્યાંથી ૧૨ કિ.મી. દૂર આવેલો ૪ કિ.મી.નો વિસ્તાર ગીર ઇન્ટરપ્રિટેશન વિસ્તાર તરીકે સંરક્ષિત રાખવામાં આવ્યો છે. આ વિસ્તારમાં તો વનકેસરીદર્શન અચૂક થાય છે. ગીરના અન્ય ભાગમાં તેને જોવાનો લ્હાવો કદાચ ચૂકી પણ જવાય પરંતુ આ સુરક્ષિત વિસ્તારમાં સાવજનો ભેટો અચૂક થઇ જાય છે. વનરાજની વધતી જતી વસતિને કારણે હવે તેઓ શિકારની શોધમાં તેમના મર્યાદિત વિસ્તારમાંથી બહાર નીકળીને સાસણગીરની આસપાસના વિસ્તારોમાં હુમલા કરવા લાગ્યા છે. આના લીધે ત્યાંના ગ્રામજનો તથા તેમના પશુઓનું જીવન જોખમમાં હોવાની વાતો પણ સાંભળવા મળે છે. પરંતુ શિકારીઓ માટે આ વાત લાભકારક પુરવાર થઇ રહી છે. હવે તેમણે સિંહના શિકાર માટે જંગલમાં જવું પડતું નથી.
ગીરની ભાગોળે વસતાં માલધારીઓ અને અન્યો ઉપર સિંહના હુમલાના સમાચાર હવે છાશવારે સાંભળવા મળે છે. વધતી જતી વસતિ અને શિકાર ન મળવાને કારણે હવે સાવજો તેમના વનવિસ્તારની બહાર જોવા મળે તે સ્વાભાવિક છે. ઘણી વખત ઉના, સીમાર, સૂત્રાપાડા, વેરાવળ, પોરબંદર અને દિવના કિનારાના વિસ્તારોમાં પણ વનરાજ દેખા દે છે. આ ઉપરાંત ગીરથી ઘણે દૂર આવેલા સાવરકુંડલા, લિલિયા અને પાલીતાણા સુધી પણ ગીરના સિંહના પંજાના નિશાન જોવા
મળ્યા છે.
જોકે આ મુદ્દે કેટલાક નિષ્ણાતોનું એમ કહેવું છે કે ગીરની આસપાસ રહેલા ઘાસના વિસ્તારને વનવિસ્તાર હેઠળ લાવવાથી કેટલીક સમસ્યાઓ ઉકેલાઇ જશે. તે ઉપરાંત વન વિભાગના કેટલાક અધિકારીઓએ ગીરના બાહ્ય વિસ્તારોમાં થતાં સિંહના હુમલા ખાળવા થોડા સિંહને મધ્યપ્રદેશ મોકલાવી દેવાની યોજના પણ ગુજરાતના મુખ્યપ્રધાન સમક્ષ રજૂ કરી હતી.
બાહ્યગીરના પાંચ હજાર ચો.કિ.મી. વિસ્તારમાં પોરબંદર નજીકના બરડા ડુંગરના વનવિસ્તારનો પણ સમાવેશ થઇ જાય છે. ભૂતકાળમાં બરડામાં પણ વનકેસરીઓની સારી એવી વસતિ હતી. પરંતુ આજે બરડાનો વનવિસ્તાર માત્ર ૧૯૨ ચો.કિ.મી.માં જ પથરાયેલો છે. તે ઉપરાંત બીજી સમસ્યા એ છે કે બરડામાં હવે હરણ કે અન્ય કોઇ પશુઓ પણ રહ્યા નથી એટલે સિંહને શિકાર માટે પણ કંઇ મળતું નથી. તેથી ત્યાં સાવજોની વસતિ ઘટી ગઇ છે. અહીં આ બધાનો વિકાસ કરવામાં ૧૦-૧૨ વર્ષ તો નીકળી જ જાય. એટલે આ બધી વાતો કરવી હાલ તુરંત તો નિરર્થક છે. છતાં કેટલાક વનઅધિકારીઓ થોડા સિંહોને બરડા ખસેડવાની તરફેણ કરે છે.
બરડા સિવાય સૌરાષ્ટ્રના હિંગોળગઢ અને રામપરા વનવિસ્તારોમાં પણ સાવજોને ખસેડી શકાય. આ ઉપરાંત ગુજરાતના અન્ય વનવિસ્તારોમાં પણ ગીરના સિંહોને મોકલી શકાય એવો મત આ અધિકારીઓએ દર્શાવ્યો હતો. આ પ્રકારે મર્યાદિત વિસ્તારમાં વનકેસરીઓની વધારે વસતિ ખતરનાક નીવડી શકે છે. આની અસર માનવ વસતિ પર થવા સાથે સિંહ પર પણ થાય છે. તબીબી નિષ્ણાતોના મતે અહીં સગોત્રીય સંવનનને કારણે સિંહોની વસતિ વધી છે તેના કારણે કેટલાક સિંહના બચ્ચાઓની ચોક્કસ પ્રકારના રોગ સામેની પ્રતિકાર શક્તિ ઘટી ગઇ છે.
૨૦૨૫ની સત્તાવાર સિંહગણતરી મુજબ રાજ્યમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધીને ૮૯૧ થઈ છે, જ્યારે ૨૦૨૦માં આ સંખ્યા ૬૭૪ હતી. માત્ર પાંચ વર્ષમાં ૩૨ ટકાનો વધારો વન્યજીવન સંરક્ષણની અસાધારણ સિદ્ધિ ગણાય.
સિંહોની વધતી સંખ્યાની સાથે એમનો વિસ્તાર પણ સતત વિસ્તર્યો છે. આજે સિંહો માત્ર સાસણગીર પૂરતા સીમિત રહ્યા નથી. એમની સ્થાયી હાજરી જૂનાગઢ ઉપરાંત ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ નોંધાઈ છે અને તેઓ માનવ-વસાહતોની નજીક મુક્તપણે વિહરતા જોવા મળી રહ્યા છે.
છેલ્લાં પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં થયેલી ૩૨ ટકાની વૃદ્ધિ એક રીતે ગર્વ લેવા જેવી બાબત છે, પરંતુ સામે એ એક ચેતવણી સમાન પણ છે કારણ કે આગામી વર્ષોમાં પણ સિંહોની વસ્તી જો આ જ ગતિએ વધતી રહેશે તો મનુષ્ય તથા સિંહ વચ્ચે સીધા સંઘર્ષની શક્યતાઓ પણ બળવત્તર બનશે. સિંહ દ્વારા માનવો પર થયેલા હુમલાઓ બાબતે કેટલાક સ્થાનિકોનું એવું માનવું છે કે અગાઉ ગણ્યાગાંઠયા લોકો જ સિંહ જોવા આવતા; પણ આજે વધેલું ટૂરિઝમ, લાખો સહેલાણીઓ, જંગલની આસપાસના રિસૉર્ટ્સ અને ગેરકાયદે સિંહદર્શનને કારણે સિંહો વારંવાર માનવસંપર્કમાં આવતા થઈ ગયા છે. આ કારણે કેટલાક સિંહોમાં માણસ પ્રત્યેનો ભય ઓછો થયો હોઈ શકે, જેથી તેઓ માનવો પર હુમલાઓ કરી રહ્યા છે. જોકે આ ગંભીર મુદ્દે વધુ ઊંડા વૈજ્ઞાનિક અભ્યાસની જરૂર છે.
સિંહો માટે માનવ એક આસાન શિકાર છે અને કોઈ પણ વન્ય-જાનવરનું માનવભક્ષી બની જવું એ સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. કદાચ એટલે જ નજીકના ભવિષ્યમાં ઘટનારી આ વાસ્તવિકતાને ઘ્યાનમાં રાખીને વન્યજીવનિષ્ણાતો (ખાસ કરીને સિંહોના જીવનનો બારીકાઈથી અભ્યાસ કરનારા એક્સપર્ટ્સ) ગીરની બહાર એશિયાટિક સિંહોની બીજી સ્વતંત્ર વસાહત સ્થાપવાની ભલામણ કરતા આવ્યા છે.
૧૯૯૫માં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરાયેલા સત્તાવાર અભ્યાસમાં સિંહોના પુનર્વસન માટે મઘ્ય પ્રદેશના કુનો વિસ્તારની ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૨૦૧૩ની ૧૫ એપ્રિલે ભારતની સુપ્રીમ કોર્ટે એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપીને ગીરની બહાર બીજી જંગલી વસાહત સ્થાપીને સિંહોના સ્થળાંતરણની પ્રક્રિયા તાકીદે હાથ ધરવાનો નિર્દેશ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગીરમાં ૨૦૧૮ અને ૨૦૨૦માં જીવલેણ વાઇરસને કારણે ટપોટપ સિંહોનાં મોત થયાં હતાં. જો ભવિષ્યમાં આવો કોઈ મોટો ચેપી રોગચાળો વ્યાપક સ્તરે ફાટી નીકળે તો એશિયાટિક સિંહોની આખી પ્રજાતિ લુપ્ત થઈ જવાનું મોટું જોખમ છે. સુપ્રીમ કોર્ટે પણ આ જ સંકટના આધારે સ્પષ્ટ જણાવ્યું હતું કે સિંહોની સમગ્ર વસ્તીને એક જ ભૌગોલિક વિસ્તારમાં કેન્દ્રિત કરી રાખવી લાંબા ગાળે જોખમી સાબિત થઈ શકે છે. દુર્ભાગ્યે આજ સુધી આ કાનૂની આદેશને અમલમાં લાવવામાં આવ્યો નથી.
હવે સમયની માગ છે કે વૈજ્ઞાનિક આયોજન સાથે અન્ય રાજ્યોમાં પણ સિંહોની નવી વસાહતો સ્થાપવામાં આવે જેથી સિંહોની પ્રજાતિ ભવિષ્યના રોગો સામે વધુ સુરક્ષિત બનશે અને ગીર વિસ્તારમાં વધતા માનવ-સિંહ સંઘર્ષને ઘટાડવામાં પણ મદદ મળશે.
છેલ્લા પાંચ વર્ષમાં અહીં મરેલા સિંહોમાં બચ્ચાંઓની સંખ્યા ૫૦ ટકા જેટલી હતી. તે કારણે ઘણા નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે જો થોડા ગીરના સિંહને બીજે સ્થળે ખસેડવામાં નહીં આવે તો આ પ્રકારે સિંહોના મોતના કિસ્સા વધતા જ રહેશે.
ભારતનાં અભયારણ્યોમાં સૌથી વધુ દખલ ગીર અભયારણ્યમાં માલધારીઓની છે અને તેને કારણે એક વખતના આ ઘેઘૂર જંગલનો આજે સૌથ વળી ગયો છે. જંગલ જેવું આજે રહ્યું જ નથી. સિંહો અગાઉ ભાગ્યે જ જંગલની બહાર નીકળતા, આજે દૂર દૂર સુધી પહોંચી જાય છે કે ઇરાદાપૂર્વક તગેડી મૂકવામાં આવે છે અને મબલક નાણું કમાવી આપતી તેની ચામડીને કારણે શિકારીઓનો ભોગ બને છે.
તેમાં વળી 'રેડિયો કોલર'ના નામે સાવજોના ગળામાં ગાળિયો નાંખવામાં આવતો હોવાના મુદ્દે પણ સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ ભારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સંશોધકો દ્વારા થતાં અખતરાઓ સામે જુદી જુદી પર્યાવરણપ્રેમી સંસ્થાઓ પણ મેદાનમાં આવી છે.
અહીં છાશવારે થતાં સિંહના મોતના કારણો પણ સરકારી અહેવાલમાં જુદા-જુદા આપવામાં આવે છે. ગીરમાં કેટલાક સ્થળે સરકારી મહેમાનોના સિંહદર્શન માટે મારણ આપવાની પદ્ધતિ પણ અપનાવવામાં આવે છે તેની સામે પણ સ્થાનિકો રોષે ભરાયેલા છે.
ગીરની આસપાસ વસતા માણસોની સમસ્યા અને ફરિયાદો ઉપર પણ ઘ્યાન અપાવું જરૂરી છે. રસ્તા પહોળા ન થાય, જંગલની અંદર કાયમી માનવ વસાહત ન થાય તેવું કરવું જ જોઈએ, જંગલની આસપાસના વિસ્તારનાં ખેતરમાં કૂવાની આસપાસ પાળી કરવી, ઈલેક્ટ્રિક શોક લાગે તેવા વાયર ન લગાવવા આ બધા કાયદાનું પાલન થવું જોઈએ. સિંહ ક્યાંય દેખાય તો તેને પથ્થર મારવા, પરેશાન કરવો તેવી પ્રવૃત્તિ સામે લાલઆંખ રહેવી જ જોઈએ.
૧૦ ઓગસ્ટે 'વર્લ્ડ લાયન ડે' મનાવવામાં આવે છે. પરંતુ તેમાં સિંહ માટે પ્રેમ, અનુકંપા, આદર જાગે તેવું કોઇ પગલું લેવાતું નથી.
ખરેખર તો ગીરનું અભયારણ્ય હવે વનરાજો માટે અભય-આરણ્ય રહ્યું જ નથી અને અસંખ્ય સિંહોનો ખાતમો બોલી ગયો છે. એટલે જ વનરાજોને જોવા અનેક દિવસોની તપશ્ચર્યા કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઇ છે. જો આ અંગે સમયસરનાં પગલાં નહીં લેવાય તો એક સમય એવો આવશે જયારે ગીરનું જંગલ ટિકરના પાદર જેવું બની જશે અને વાઇલ્ડ લાઇફના નકશામાં ગીરમાં વનરાજો વસતા હતા એ ભૂતકાળનો વિષય બની જશે એવી ચિંતા પણ પશુપ્રેમીઓએ વ્યક્ત કરી હતી.