Ravi Purti

કટકું બટકું ખાજે, પણ રાણકપુર જરૂર જાજે

By GS Team
26 Sep 20266 mins read
કટકું બટકું ખાજે, પણ રાણકપુર જરૂર જાજે
  • પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
  • જાણે નંદિશ્વર દ્વીપનો અવતાર હોય એવું આ તીર્થ જૈનધર્મની આરાધના-ભક્તિનું ઉત્કૃષ્ટ શિખર છે. પ્રબળ ધર્મભાવના ધરાવનારને માટે આ આરાધનાનું ઉત્કૃષ્ટ સ્થળ છે

રા ણકપુર તીર્થ વિશેની આ પ્રચલિત લોકોક્તિ એ સંકેત કરે છે કે ઉદરપૂર્તિની પરવા કર્યા વિના પરમાનંદની પ્રાપ્તિ માટે શ્રી રાણપુર તીર્થની યાત્રાએ જરૂ૨ જજો.
રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં અરવલ્લીની પશ્ચિમ બાજુની ખીણમાં ગાઢ વનરાજીઓથી વીંટળાયેલું શ્રી રાણકપુર તીર્થ એક અનુપમ તીર્થ છે. આ તીર્થને વિશેષણ મળ્યું છે ત્રિભુવનતિલક. એવું આ અપૂર્વ સૌંદર્યમય તીર્થ પોતાની રમણીયતા, પ્રાકૃતિક મોહકતા અને આધ્યાત્મિક ઉલ્લાસથી યાત્રાળુઓનાં ચિત્તને ઉલ્લાસના રંગે રંગી દે છે. આ તીર્થની એકબાજુ પાપ પખાલ એટલે કે પાપ ધોઈ નાખતી એવી મધાઈ નદી એના કલકલ મધુર અવાજે વહે છે, તો એની બીજી બાજુ રાણા પ્રતાપ અને વીર દાનેશ્વરી ભામાશાનું સ્મરણ કરાવતા અરવલ્લીના ડુંગરાઓ હાથમાં હાથ ભેરવીને ઉન્નત મસ્તકે ત્રણ બાજુએ ઊભા છે.
એની વચ્ચે માદ્રી પર્વતની તળેટીમાં રાણકપુર તીર્થ આવેલું છે. અહીં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન અહીં મૂળનાયક તરીકે બિરાજમાન છે અને આ ચૌમુખ જિનમંદિર 'ધરણવિહાર' તરીકે અનુપમ કલાસૌંદર્ય અને શિલ્પસમૃદ્ધિ સજાવીને ઊભું છે.
હવે વાત કરીએ સ્થાપત્યના અણમોલ રત્ન સમાન સ્તંભોનું નગર કહેવાતા રાણકપુરના રચિયતા ધરણાશાહની. ધર્મપરાયણ ધરણાશાહે પોતાના મનમાં જેનું દર્શન પામ્યા હતા એવું નલિનીગુલ્મ વિમાન જેવું જિનમંદિર રચવાનો સંકલ્પ કર્યો. ધર્મપરાયણ ધરણાશાહે શત્રુંજય તીર્થનો સંઘ કાઢયો હતો અને એ પછી એણે રાણકપુર મંદિર ઉપરાંત અજારી, પીંડવાડા, સાલેર આદિ સાત ગામોમાં નવા સાત જિનાલયો બંધાવ્યાં અને અનેક જિનમંદિરોનો જિર્ણોદ્ધાર કર્યો હતો. મંત્રીશ્વર શ્રેષ્ઠિવર્ય ધરણાશાહ બુદ્ધિશાળી અને ધર્મનિષ્ઠ હતા અને આચાર્યશ્રી સોમસુંદરસૂરીશ્વરજીની પ્રેરણાથી એમણે આ જિનાલય સર્જવાનો વિચાર કર્યો અને એ માટે મેવાડના રાણા કુંભા પાસેથી જમીન મેળવી.
સ્વપ્નમાં નિરખેલી ભવ્ય સૃષ્ટિને સાકાર કરે એવો શિલ્પી દેપા મળ્યો અને સાચદિત ધાર્મિક માનવીઓ માટે જ ઉત્કૃષ્ટ શિલ્પકૃતિ રચવી, નહીં તો આરસને ટાંકણાં મારવા નહીં, એવો સંકલ્પ ધરાવનાર શિલ્પી દેપા શ્રેષ્ઠિ ધરણાશાહની ઉત્કૃષ્ટ ધર્મપરાયણતા જોઈને પ્રસન્ન થયો અને એણે બારમા દેવલોકના નલિનીગુલ્મ વિમાન જેવો નકશો તૈયાર કર્યો. વિ. સં. ૧૪૪૬માં અઢી હજાર કારીગરોએ આ તીર્થના નિર્માણકાર્યને માટે પચાસ વર્ષ સુધી કામ કર્યું અને અંતે 'ત્રિભુવનતિલક' જેવા વિશેષણોથી વર્ણવાયેલા આ ચતુર્મુખ જિનપ્રાસાદનું નિર્માણ થયું.
કોઈએ આ તીર્થને નંદિશ્વર દ્વીપના અવતાર જેવું કહ્યું, તો એ સમયના શિલાલેખોમાં એને 'ત્રૈલોક્યદીપક' કે 'ચતુર્મુખયુગાદિશ્વર વિહાર' એવું નામ આપ્યું, વિ. સં. ૧૪૯૬માં પાંચસો સાધુઓનો પરિવાર ધરાવતા આચાર્યશ્રી સોમસુંદરસૂરીશ્વરજી મ. સા.ના હસ્તે આ જિનાલયની પ્રતિષ્ઠા થઈ. એ સમયે શ્રેષ્ઠી ધરણાશાહે ગરીબોને ખૂબ દાન આપ્યું. પ્રતિષ્ઠા- મહોત્સવ નિમિત્તે જનોપયોગી કાર્યો પણ કર્યા. આ સૂકા પ્રદેશમાં પાણીની અછત ઓછી કરવા માટે કૂવા, વાવ અને તળાવ ખોદાવ્યાં અને હૈયાના ઉમંગથી સાધર્મિક વાત્સલ્ય કર્યાં. ધરણાશાએ એક સમયે દુષ્કાળપીડિત લોકોને માટે અન્નક્ષેત્ર ખોલ્યાં હતાં.
આ રાણકપુર તીર્થ એના સ્તંભોની ભવ્યતા અને વિપુલ સંખ્યાને કા૨ણે યાત્રાળુઓને સ્તબ્ધ કરે છે. ૪૮,૦૦૦ ચોરસફૂટમાં આવેલું સેવાડી અને સોનાણા પથ્થરમાંથી બંધાયેલું આ મનોહર બાંધણી અને મજબૂત ઘાટવાળું સ્તંભોનું નગર જ લાગે. ૧,૪૪૪ સ્તંભોને આડી અને ઊભી રીતે જુદી જુદી હારમાં એવા યોજનાપૂર્વક ગોઠવવામાં આવ્યા કે મંદિરમાં કોઈપણ સ્થળેથી કશાય અવરોધ વિના દર્શનાર્થી ભગવાનના દર્શન કરી શકે છે. ભોંયરાની અંદર અને મંદિરના પાયામાં આવેલા સ્તંભોની કુલ ગણતરી ૧૪૪૪ સ્તંભની થાય છે. એના નકશીકામની સૂક્ષ્મતા, સમૃદ્ધિ અને સપ્રમાણતા આશ્ચર્ય પ્રેરે છે. એની ઉત્કૃષ્ટતાનું વર્ણન કર્યા પછી કવિ મેહ જેવા સમર્થ કવિ અંતે કહે છે કે, 'આનું વર્ણન મારા જેવા એક જીભે તો ન જ કરી શકે.'
ધરણવિહાર તરીકે ઓળખાતા આ જિનમંદિરમાં ભગવાન ઋષભદેવ આદિનાથ - પહેલાં તીર્થ કરનારા એટલે તીર્થંકરનું સ્મરણ થાય છે. પ્રથમ રાજા, પ્રથમ સાધુ, ભિક્ષાચાર, પ્રથમ જિન અને પ્રથમ તીર્થંકર મૂળનાયક ભગવાન ઋષભદેવની શ્વેત આરસની ૫૧ ઈંચ ઊંચી ભવ્ય પ્રતિમા ચાર દિશામાં પરિકર સાથે દ્રષ્ટિગોચર થાય છે. એની ત્રણ દિશામાં હાથી ૫૨ બિરાજમાન મરુદેવી માતાની શિલ્પાકૃતિ છે. જિનાલયના ભવ્ય સભામંડપ જેવી રચના અન્ય જિનાલયોમાં દ્રષ્ટિગોચર થતી નથી, કિંતુ એનો અત્યંત સુંદર કોતરણીયુક્ત ચાલીસ ફૂટથી વિશેષ ઊંચો મેઘમંડપ એની કમનીય શિલ્પકલાની ગવાહી પૂરે છે. વળી એના એક સ્તંભમાં આ તીર્થના નિર્માતા મંત્રી ધરણાશાહની બે હાથ જોડીને ભગવાન ઋષભદેવ ૫૨ દ્રષ્ટિ સ્થિર કરી વંદન કરતી દસ ઈંચની શિલ્પાકૃતિ મળે છે. મેઘમંડપના અનેક સ્તંભો હોવા છતાં પાઘડી, ખેસ, આભૂષણો અને હાથમાં માળા ધરાવતા જૈન શ્રાવક ધરણાશાહની દ્રષ્ટિ સીધી પ્રભુ ઋષભદેવ પર પડે છે. એમના અંતરનો ભાવ એમની આંખોમાં છલકે છે!
રાયણવૃક્ષ અને ગિરનાર અને શત્રુંજય વગેરે તીર્થોની શિલાપટમાં કોતરણી અહીં મળે છે. અનુપમ એવી સહસ્ત્રફળા પાર્શ્વનાથની સાડા ચાર ફૂટના વ્યાસવાળી અખંડ વર્તુળાકાર શિલા એના સૂક્ષ્મ કલા-સ્થાપત્ય માટે મંત્રમુગ્ધ કરે છે. સહસ્ત્રફળા નાગનું છત્ર પાર્શ્વનાથ ભગવાનનું મસ્તક ઢંકાય એ રીતે ઉપસાવવામાં આવ્યું છે અને આ શિલ્પાકૃતિ એની મૌલિકત્તા, સૂક્ષ્મતા અને સપ્રમાણતા માટે શિલ્પકલાનો અદ્વિતીય નમૂનો ગણાય.
મંદિરના ઉપરના મજલે ઘુમ્મટની છતમાં ફુલવેલની સુંદર આકૃતિ છે અને એમાં વેલની નાની મોટી વર્તુળાકાર હાર જોવા મળે છે, પણ એકાગ્ર બનીને જોઈએ તો એક જ વેલની સળંગ આકૃતિ છે. નંદિશ્વર દ્વીપનું યંત્ર, ભવ્ય કમળ પર બિરાજમાન સરસ્વતીદેવીની મૂર્તિ, નાગદમનનું મોહક શિલ્પ અને ત્રણેક કિલોમીટર સુધી જેનો રણકાર સાંભળી શકાય એવા અઢીસો-અઢીસો કિલોગ્રામ વજનવાળા બે ઘંટનો ધ્વનિ આરતીના સમયે વાતાવરણને મંગલધ્વનિથી ગૂંજતું કરી દે છે.
'ધરણવિહાર' એ મારુગુર્જર સ્થાપત્યનું એક અનન્ય અણમોલ સૌંદર્યમંડિત રત્ન છે અને એમાં શિલ્પી દેપાની નૂતન અને મૌલિક પ્રતિભાનો ઉન્મેષ અનુભવાય છે.
આ જિનાલયના તોરણો એ સમયની કલાસમૃદ્ધિની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. આજથી સાડા પાંચસો વર્ષ પૂર્વે ૯૯ લાખ સુવર્ણમુદ્રાનો ખર્ચ કરીને આ જિનમંદિરનું નિર્માણ થયાનો ઉલ્લેખ મળે છે. મંત્રીશ્વર ધરણાશાહને એમની અંતિમ ઘડીઓમાં જિનમંદિરનું થોડું બાકી રહેલું કાર્ય પૂર્ણ કરવાનું વચન એમના મોટાભાઈ રત્નાશાએ આપ્યું હતું. દીર્ઘાયુષી રત્નાશાએ ધરણાશાના અવસાન પછી આઠ-દસ વર્ષ સુધી કલાત્મક મંડપોનું કમનીય શિલ્પકાર્ય કરાવ્યું અને તીર્થની શોભામાં વધુ પૂર્ણતા આણી.
મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની ઉપરના ભાગમાં એક હાથીની પાછળ બીજી હાથીની આકૃતિ છે અને તેના ઉપર ધરણાશા અને તેમના પત્ની તથા રત્નાશા અને તેમના પત્ની એમ ચારેયની શિલ્પાકૃતિ જોવા મળે છે. આ શિલ્પાકૃતિ પણ કેવી છે! તેઓ ભગવાનની સન્મુખ બેસીને ચૈત્યવંદન કરતા હોય તેવી મુદ્રામાં! અને હા, નાનાભાઈ ધરણાશાની ભાવના પૂર્ણ કરનાર મોટાભાઈ રત્નાશાની એક જુદી મૂર્તિ મંદિરના દક્ષિણ દિશાના પ્રવેશદ્વાર પાસે પણ મળે છે.
રાણકપુર તીર્થના મુખ્ય મંદિર ધરણવિહારની બાજુમાં તીર્થંકર ભગવાન શ્રી નેમિનાથ ભગવાનનું કલાસૌંદર્યની સૂક્ષ્મતા ધરાવતું શિખરબંધ જિનાલય છે, તો એની નજીક વીસ ઈંચ ઊંચી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ધરાવતું અન્ય જિનાલય છે.
શ્રી રાણકપુર તીર્થની રચના પછી મુગલ સમ્રાટ ઔરંગઝેબના આક્રમણને કારણે અતીતમાં વિલિન થઈ ગયેલા આ તીર્થનો જીર્ણોદ્ધાર કલાવંત, કાર્યદક્ષ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ કર્યો અને શ્રી આણંદજી કલ્યાણજી પેઢીએ એની જવાબદારી ઉપાડી લીધી હતી. અગિયાર વર્ષ સુધી એના જિર્ણોદ્ધારનું કાર્ય ચાલ્યું.
આ અનુપમ જિનમંદિર સાથે કેટલીક આશ્ચર્યજનક બાબતો પણ સંકળાયેલી છે. આ તીર્થના રચયિતા મેવાડના મંત્રીશ્વર શ્રેષ્ઠિવર્ય ધરણાશાહ પોરવાલના વંશજો આજે પણ ચૌદમી પેઢીએ જિનાલય પર નવી ધજા ચડાવે છે. એ સમયે ચિત્તોડથી પૂજારી (ગોઠી) લાવવામાં આવ્યા હતા. આજે એના વારસો પૂજારી તરીકે સેવાપૂજા કરે છે અને એ સમયે મંદિરની સુરક્ષા કરનાર ચોકીદારની પણ આજે ચૌદમી પેઢી મળે છે. આમ સતત ચૌદ-ચૌદ પેઢીઓથી આ પરંપરા અસ્ખલિત વહેતી આવી છે.
જાણે નંદિશ્વર દ્વીપનો અવતાર હોય એવું આ તીર્થ જૈનધર્મની આરાધના-ભક્તિનું ઉત્કૃષ્ટ શિખર છે. પ્રબળ ધર્મભાવના ધરાવનારને માટે આ આરાધનાનું ઉત્કૃષ્ટ સ્થળ છે. કલામર્મજ્ઞાને માટે અત્યંત ઝીણવટભરી કોતરણી અને સૌંદર્યની સમૃદ્ધિથી ખચિત એવું આ તીર્થ છે. ઇતિહાસવિદ્ન માટે રાજસ્થાન અને ભારતના ઇતિહાસની ધર્મ-કર્મની ગૌરવગાથા છે, તો વિદેશી પ્રવાસીઓને માટે શિલ્પમાં સર્જેલા અનુપમ કલાસૌંદર્યનો આ અસબાબ છે અને કુશળ સ્થાપત્ય-રચના અને સૂક્ષ્મ કોતરણીને કારણે ભારતીય મંદિર-સ્થાપત્યનું એક અનન્ય સર્જન છે.