Ravi Purti

અંધારું, આગ અને એક વાર્તા:

By GS Team
26 Sep 20267 mins read
અંધારું, આગ અને એક વાર્તા:
  • ભાષાનું જન્મસ્થળ તાપણું, વાર્તાકથન અને માનવ ઉત્ક્રાંતિ પર નવું સંશોધન
  • ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

ચા ર્લ્સ ડાર્વિને કહ્યું હતું કે અગ્નિ અને ભાષા માનવજાતની સૌથી મોટી શોધો છે. હવે વૈજ્ઞાનિકો કહે છે કે આ બંને શોધો ખરેખર એકબીજા સાથે જોડાયેલી છે. યુનિવર્સિટી ઓફ સેન્ટ એન્ડ્રુઝના પ્રોફેસર કેથરિન હોબાઇટર અને ડાર્ટમાઉથ કોલેજના પ્રોફેસર નેથેનિયલ ડોમિનીએ સંશોધનમાં અનોખો દાવો કર્યો છે. તેમના મતે, માનવ ભાષાનો જન્મ રાત્રે તાપણાની આસપાસ થયો હતો. તેમનું સંશોધન 'પ્રોસીડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટી બી'માં પ્રકાશિત થયું છે. અગ્નિ પર નિયંત્રણ મેળવ્યા પછી, પૂર્વજોનો જાગતા રહેવાનો સમય, સૂર્યાસ્ત પછી લગભગ ચાર કલાક વધ્યો હતો. આ વધારાનો સમય જ, વાર્તાકથન અને ગપસપ માટે વપરાયો હોવાનું મનાય છે. દિવસ દરમિયાન વ્યવહારુ કામ માટે ઈશારા પૂરતા હતા. પરંતુ રાત્રે તાપણા પાસે કંઈક નવું બન્યું હતું. જેણે ભાષાની ઉત્પત્તિ સમજવાની દિશા બદલી નાખી છે. મનુષ્યને હંમેશા વાર્તા કે સ્ટોરી પ્રત્યે ખૂબ જ લગાવ રહે છે. શું તેનું મૂળ કારણ પણ આ જ છે. આ સવાલનો જવાબ સમજવા, આપણે ભાષાની ઉત્પત્તિના જૂના સિદ્ધાંતો તરફ નજર કરવી પડશે. ભાષાની ઉત્પત્તિ બતાવતા સંશોધનની પાછળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ કેવી રહી છે?

ઈશારાથી શબ્દો સુધી…
મોટાભાગના જૂના સિદ્ધાંતો કહે છે કે 'ભાષા ધીમે ધીમે ઈશારા અને અવાજોમાંથી વિકસી છે.' જેમ ચિમ્પાન્ઝી અને ગોરિલા આજે પણ ઈશારાથી વાતચીત કરે છે તેમ જ. તે જાણે નાનું બાળક બોલતા પહેલાં, હાથના ઈશારાથી માંગણી કરે તેવું છે. આ સિદ્ધાંત લાંબા સમય સુધી સૌથી માન્ય મનાતો રહ્યો છે. પરંતુ તાજેતરના પુરાવા આ સિદ્ધાંતને પડકારી રહ્યા છે. ચિમ્પાન્ઝી ભાષા વગર પણ ઓજાર બનાવવાનું શીખવી શકે છે. તેઓ પોતાની ટોળીને અન્ય જૂથોની ટુકડીઓ સામે ગોઠવે છે. અન્ય જૂથો સામે 'યુદ્ધ' પણ કરે છે. આટલી જટિલ સામાજિક વ્યવસ્થા, તેઓ ભાષા વગર જ સંભાળે છે. તો પછી માણસને ભાષાની ખરેખર જરૂર શા માટે પડી? આનો જવાબ ૨૦૧૪ના એક અભ્યાસમાંથી મળ્યો છે. સંશોધક પોલી વિસ્નરે દક્ષિણ આફ્રિકાના જુ/હોઆન્સી સમુદાયના ૧૭૪ સંવાદો નોંધ્યા હતા. દિવસના સંવાદો વ્યવહારુ બાબતો પૂરતા મર્યાદિત રહેતા હતાં. પરંતુ રાત્રે તાપણા પાસે વાતચીતનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ જતું હતું. લોકો વાર્તાઓ કહેતા, ગીતો ગાતા અને ભૂતકાળની ઘટનાઓ યાદ
કરતા હતાં.
પ્રાચીન ભારતીય ઋષિ પાણિનિએ, સંસ્કૃત વ્યાકરણનો અષ્ટાધ્યાયી નામનો ગ્રથ રચ્યો હતો. તે ભાષાની રચનાનું વિશ્વનું સૌથી પ્રાચીન વૈજ્ઞાનિક વિશ્લેષણ ગણાય છે. બ્રિટિશ મનોવૈજ્ઞાનિક રોબિન ડનબારે પોતાના પ્રખ્યાત પુસ્તકમાં ગપસપને, ભાષાના મૂળ સાથે જોડી હતી. તેમના પુસ્તકનું નામ 'ગૂ્રમિંગ, ગોસિપ એન્ડ ધ ઇવોલ્યુશન ઓફ લેંગ્વેજ' છે. આ નવું સંશોધન ડનબારના એ જૂના વિચારને મજબૂત વૈજ્ઞાનિક આધાર આપે છે. પાણિનિએ સદીઓ પહેલાં શબ્દોના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આજના સંશોધકો પણ ભાષાના મૂળ સુધી પહોંચવા મથે છે. બંને વચ્ચે હજારો વર્ષનું અંતર છે. છતાં જિજ્ઞાસા એક જ છે. તાપણા પાસેની ગપસપ અને પ્રાચીન વ્યાકરણ બંને એક જ મોટા કોયડાના ટુકડા લાગે છે. ભાષા ગમે ત્યાં જન્મી હોય, માણસજાતની તેને સમજવાની જિજ્ઞાસા ક્યારેય ઓછી થઈ નથી.

ભાષાના જન્મના ત્રણ રહસ્યો
સંશોધકોએ સૌ પ્રથમ જોયું કે 'અગ્નિ પર નિયંત્રણથી માણસનો જાગવાનો સમય કેટલો વધ્યો હતો? અગ્નિની શોધ પહેલાં, માણસ સૂર્યાસ્ત સાથે જ સૂઈ જતો હતો, જેમ આજે પણ ઘણાં પ્રાણીઓ કરે છે. અગ્નિની શોધ પછી મનુષ્યને સૂર્યાસ્ત પછી વધારાના ચાર કલાક મળતા હતા. આ વધારાનો સમય જ સમગ્ર સમુદાય માટે, એકસાથે તાપણાં સામે બેસવાની પહેલી તક મળી હતી. બીજું, સંશોધકોએ પ્રકાશના વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. આપણી આંખોમાં ખાસ સેન્સર હોય છે, જે ઊંઘ લાવતા હોર્મોન મેલાટોનિનને રોકે છે. આ સેન્સર ખાસ કરીને વાદળી પ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. પરંતુ તાપણાના પ્રકાશમાં વાદળી કિરણો લગભગ નહિવત્ હોય છે. તેનો અર્થ એ કે તાપણું ઊંઘને ખલેલ પહોંચાડયા વગર જ મોડે સુધી જાગવા દેતું હતું. ત્રીજું પાસું છે : અગ્નિની ચમકતી જ્યોત. જેમ ઢોલના તાલ પર આખું ટોળું એકસાથે ઝૂમવા લાગે તેમ, મગજના દ્રષ્ટિ સાથે જોડાયેલા ભાગના ચેતાકોષોને, જ્યોતનું થરકવું, એક જ લયમાં ધબકવા પ્રેરે છે, આવી ચેતાકોષીય સમાનતાને વૈજ્ઞાનિકો 'ન્યુરલ સિન્ક્રની' કહે છે.
આવી સમાનતા ધરાવતા લોકોમાં એકબીજા પ્રત્યે લગાવ પણ વધુ જોવા મળે છે. સરળ ભાષામાં એમ કહી શકાય કે 'તાપણું લોકોના મગજને એક જ તાર પર બાંધી દેતું હશે.' ડોમિનીના મતે અગ્નિના પ્રકાશના, આ ગુણધર્મો વર્ષોથી અભ્યાસનો વિષય રહ્યા છે. પરંતુ તેની સામાજિક અસર બહુ ઓછી ચકાસાઈ છે.
ભારતીય પરંપરામાં પણ યજ્ઞા અને હવન વખતે લોકો અગ્નિની આસપાસ ભેગા થાય છે. કદાચ આ પ્રાચીન રિવાજ પણ એ જ મૂળભૂત માનવ વૃત્તિ દર્શાવે છે. સંશોધકોના મતે, આ ત્રણેય પરિબળો ભાષાના જન્મ માટે અનુકૂળ વાતાવરણ સર્જે છે. સમય, અંધારું અને જ્યોત, ત્રણેયે મળીને માણસને પહેલી વાર્તા રચવા અને કહેવા પ્રેર્યો હશે. આ સિદ્ધાંત હજુ સાબિત નથી થયો, પણ તે ચકાસી શકાય તેવી આગાહીઓ આપે છે.

અગ્નિનો પ્રકાશ મગજને શું કહે છે?
આફ્રિકાના ગાઢ વરસાદી જંગલોમાં, વર્ષોથી બે સંશોધકો ચિમ્પાન્ઝીઓની દુનિયા સમજવા મથી રહ્યા છે. કેથરિન હોબાઇટર અને નેથેનિયલ ડોમિની, બંનેએ મળીને લગભગ પચાસ વર્ષ પ્રાઇમેટ સંશોધનમાં ગાળ્યા છે. હોબાઇટર સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ સેન્ટ એન્ડ્રુઝમાં મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ વિભાગમાં પ્રોફેસર છે. જંગલી ચિમ્પાન્ઝીના સામાજિક વર્તન પર કામ કરે છે. વહેલી સવારે ધુમ્મસભર્યા જંગલમાં ચિમ્પાન્ઝીના ઈશારા નોંધતાં તેમના કલાકો પસાર થાય છે. આ નિરીક્ષણ જ, તેમને ભાષાની ઉત્પત્તિ સુધી લઈ ગયું છે. તેમણે ૬૫થી વધુ વૈજ્ઞાનિક લેખો પ્રકાશિત કર્યા છે. તેમનું કામ જેન ગુડોલના ચિમ્પાન્ઝી અભ્યાસની પરંપરાને આગળ ધપાવે છે. બીજી તરફ, ડોમિની ડાર્ટમાઉથ કોલેજમાં નૃવંશશાસ્ત્રના ચાર્લ્સ હેન્સન પ્રોફેસર છે. તેઓ જૈવિક નૃવંશશાસ્ત્રી છે. તેમને હંમેશા એ પ્રશ્ન સતાવતો રહ્યો હતો કે 'અગ્નિનો પ્રકાશ મગજ પર કેવી અસર કરે છે?' તેમનું તાજેતરનું લખાણ પ્રતિષ્ઠિત જર્નલ નેચરમા પણ પ્રકાશિત થયું છે.
બંને સંશોધકોએ સાથે મળીને અગાઉ પણ અનેક પેપર લખ્યા છે. તેમણે 'ફ્લેક્સિબલ બ્રાન્ચીસ ઇન ધ પ્રાઇમેટ ફેમિલી ટ્રી' નામનો સંશોધન લેખ પણ સાથે લખ્યો હતો. તેમનું આ નવું સંશોધન 'પ્રોસીડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટી બી માં' છપાયું છે. હોબાઇટર કહે છે કે 'ભાષાની શરૂઆત કેવી રીતે થઈ? તે વિચારવું હંમેશા રસપ્રદ રહ્યું છે.' પહેલો શબ્દ કયો હશે? પહેલી વાર્ર્તા શું હશે? એ પ્રશ્નો તેમને સતત આકર્ષે છે. તેમના મતે હવે, આ કલ્પનાઓને ચકાસી શકાય તેવા વૈજ્ઞાનિક પ્રશ્નોમાં ફેરવી શકાય છે. ડોમિની પણ સ્વીકારે છે કે 'અગ્નિ પ્રકાશના ગુણધર્મો, હજુ ઘણા ઓછા સમજાયા છે.' તેમના મતે આ પ્રોજેક્ટનો સૌથી રોમાંચક ભાગ એ ગુણધર્મોને માપવાનો છે. બંને સંશોધકોની ધીરજ, ઊંડું નિરીક્ષણ અને જિજ્ઞાસાએ આ સિદ્ધાંતને જન્મ આપ્યો છે. તેમનું કામ દર્શાવે છે કે 'વિજ્ઞાનમાં મોટા સવાલોના જવાબ ધીરજથી જ મળે છે.'

ચિમ્પાન્ઝી મહાકાવ્ય નહીં લખે
એક રસપ્રદ તથ્ય એ છે કે ૨૦૧૪ના અભ્યાસમાં ૧૭૪ વાતચીતો નોંધાઈ હતી. તેમાંથી મોટાભાગની રાત્રિ વાર્તાઓ ભૂતકાળ કે દૂરના લોકો વિશે હતી. બીજું રસપ્રદ તથ્ય એ છે કે 'તાપણાની જ્યોત જોવાથી મગજમાં ખાસ પ્રવૃત્તિ વધે છે. આ એ જ ભાગ છે જે સંગીત સાંભળતી વખતે સક્રિય થાય છે.' આ પ્રારંભિક તબક્કાનું સંશોધન ભાષાની ઉત્પત્તિ વિશેની આપણી સમજને નવી દિશા આપી શકે છે.હોબાઇટરના મતે, ચિમ્પાન્ઝી કે ગોરિલા ગમે તેટલા હોંશિયાર હોય, તેઓ બીજગણિત શોધી શકતા નથી. તેઓ કોઈ મહાકાવ્ય લખી શકતા નથી, કે અંતરિક્ષમાં યાન મોકલી શકતા નથી. આ જૈવિક અને મગજના ફેરફારને લગતો ફરક, કદાચ પ્રાચીન તાપણા પાસેની વાર્તાઓમાંથી જ જન્મ્યો હશે. આજના યુગમાં, આ સંશોધન શિક્ષણ અને સામાજિક વિકાસ માટે પણ મહત્વનું બની શકે છે.
બાળકોમાં વાર્તાકથનથી ભાષા વિકાસને પ્રોત્સાહન આપી શકાય છે. સંશોધકોના મતે 'વાર્તા સાંભળવાથી બાળકોની કલ્પનાશક્તિ અને શબ્દભંડોળ બંને વધુ ઝડપથી વિકસે છે.' શાળાઓમાં શિક્ષક અને વિદ્યાર્થીઓને પણ, સ્ક્રીન કરતાં જીવંત વાર્તાકથનનું મહત્વ ફરી સમજાવવાની જરૂર છે. શિક્ષણવિદો હવે વર્ગખંડોમાં પણ, મૌખિક વાર્તાકથનને પ્રોત્સાહન આપી રહ્યા છે. સાથે સાથે આ સંશોધન એક ચેતવણી પણ આપે છે. આજે તાપણાની જગ્યાએ મોબાઈલ અને ટીવીની સ્ક્રીન આવી ગઈ છે. આ સ્ક્રીનોનો વાદળી પ્રકાશ તાપણાથી ઊલટું, ઊંઘ અને સામાજિક જોડાણ બંનેને નુકસાન પહોંચાડે છે. કુટુંબો સાથે બેસીને વાર્તા કહેવાની પરંપરા ધીમે ધીમે ઘટી રહી છે. કેટલાક સંશોધકો માને છે કે 'માણસજાત પોતાની જૂની સામાજિક આદતથી દૂર જઈ રહી છે. શું ડિજિટલ સ્ક્રીનોએ આધુનિક માણસ પાસેથી તાપણાનું સ્થાન છીનવી લીધું છે? શું ભવિષ્યમાં કૃત્રિમ બુદ્ધિ મનુષ્યની વાર્તાકથન ક્ષમતાને પણ બદલી શકે તેમ છે? જો ભાષા ખરેખર ગપસપમાંથી જન્મી હોય, તો, શું આપણી સૌથી મોટી શોધ પાછળ કોઈ મોટો હેતુ નહોતો?