Ravi Purti

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે વેરનો બદલો લેવાની ઈરાનની વાતો નરી પોકળતા છે કે પછી...

By GS Team
26 Jul 20267 mins read
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સામે વેરનો બદલો લેવાની ઈરાનની વાતો નરી પોકળતા છે કે પછી...
  • હોટલાઈન-ભાલચંદ્ર જાની
  • ભૂતકાળમાં અમેરિકાના ચાર પ્રમુખ સત્તા પર હતા ત્યારે તેમની હત્યા થઈ હતી. જ્યારે બીજા સાત પ્રમુખો પર હિચકારો હુમલો તો થયો પરંતુ તેમના સદ્નસીબે તેઓ બચી ગયા!

ઈ રાન અને અમેરિકા વચ્ચે જંગ હવે બેહદ ખતરનાક વળાંક ઉપર આવી ગયો છે. જેમાં આ લડાઈ હવે અમેરિકા અને ઈરાન વચ્ચેની નહીં રહેતા ઈરાન અને પશ્ચિમી દેશોનાં નેતાઓ સુધી એટલે કે વ્યક્તિગત સ્તર સુધી પહોંચી ગઈ છે. ગયા સપ્તાહે તેહરાન નગર પાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતાં એક કટ્ટરપંથી અખબાર હમશહરીએ એક હિટ લિસ્ટ જારી કર્યું છે અને આમાં અમેરિકા, ઈઝરાયલ અને યુરોપીય દેશોનાં ૧૩ મોટા નેતાઓને પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનાં મૃત્યુ માટે જવાબદાર ગણાવીને તેમને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે અને હેડલાઈન આપવામાં આવી હતી, 'અચાનક મોત માટે તૈયાર રહો.'
આ અખબારનાં મુખપૃષ્ઠ ઉપર અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વિદેશમંત્રી માર્કો રુબિયો, રક્ષામંત્રી પીટ હેગસેથ, ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામીન નેતન્યાહૂ, રક્ષામંત્રી ઈઝરાયલ કાત્ઝ, ગિદોન સાર, બ્રિટનનાં વડાપ્રધાન કીર સ્ટાર્મર, ફ્રાન્સનાં ઈમેનુએલ મેક્રોં, ઈટાલીનાં જ્યોજયા મેલોની, જર્મનીનાં ચાંસેલર ફ્રેડરિક મર્જની તસવીરો સાથેનું એક ગ્રાફિક પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને આ તમામને ટાર્ગેટ કરવાની વાત આમાં કહેવામાં આવી હતી.
આ વિવાદિત હિટ લિસ્ટ મોઝતબા ખામેનીએ પોતાનાં પિતાની હત્યાનો બદલો લેવાની કસમ ખાઈને અમેરિકાને ખુલ્લી ધમકી આપતું નિવેદન જારી કર્યા પછી સામે આવ્યું હતું.
મધ્ય-પૂર્વમાં અમેરીકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ તહેરાન પર હુમલો કરીને ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલિ ખામેનેઈ અને ૪૦ ટોચના કમાન્ડરોનો ખાત્મો બોલાવી દીધો હતો. આ હત્યાઓનો બદલો લેવા માટે હવે ઈરાનની સંસદમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પની હત્યા માટે ૫ કરોડ યુરો (અંદાજે રૂ. ૪૫૦ કરોડ)નું ઈનામ આપવાની દરખાસ્ત પર વિચારણા થઈ રહી છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના અધ્યક્ષ ઈબ્રાહિમ અજિજિએ ઈસ્લામિક રિપબ્લિકના સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કાઉન્ટર એક્શન નામની યોજનાનો મુસદ્દો તૈયાર કર્યો હોવાની જાહેરાત પણ કરી છે. જેમાં ટ્રમ્પની હત્યા માટે પાંચ કરોડ યુરોનું ઈનામ આપવાની દરખાસ્તનો સમાવેશ થાય છે.
આ સિવાય ઈરાન સરકારના સમર્થક અલી અકબર રાએફીપુરના મીડિયા આઉટલેટ મસાફે પણ કિલ ટ્રમ્પ નામના અભિયાન માટે પાંચ કરોડ ડોલરનું ભંડોળ સુરક્ષિત કરાયું હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત હેકિંગ ગુ્રપ હંડાલાએ પણ દાવો કર્યો હતો કે તેઓ ટ્રમ્પ અને નેતન્યાહુને ખતમ કરનારાને પાંચ કરોડ ડોલર અપાશે.
બે સપ્તાહ પૂર્વે જ ઈઝરાયલે અમેરિકાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાના નવા ઈરાની કાવતરા વિશે ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. અહેવાલો અનુસાર, ઈરાન ૨૦૨૦માં કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ટ્રમ્પને નિશાન બનાવવાનો પ્રયાસ કરી શકે છે. જો કે અમેરિકાએ આવા ઈનપુટની પુષ્ટિ કરી નહોતી.
જો કે આ માહિતી એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચે લશ્કરી ઘર્ષણ વધુ તીવ્ર બન્યું છે.
અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૨૦માં યુએસ ડ્રોન હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (આઈઆરજીસી) કુદ્સ ફોર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાન સતત ટ્રમ્પ સામે બદલો લેવાની હાકલ કરી રહ્યું છે. ઈરાનના તાજેતરમાં માર્યા ગયેલા સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખોમેનીના અંતિમ સંસ્કાર દરમિયાન ટ્રમ્પ વિરોધી નારા પણ લગાવવામાં આવ્યા હતા. અંતિમ યાત્રા વખતે માર્ગમાં આવતી તમામ નાની મોટી ઈમારતો પર ''ક્લિ ડોનાલ્ડ ટ્રમ્પ'' લખેલા મોટા બેનર-પોસ્ટર જોવા મળ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું હતું કે તેમનું નામ ઈરાનની 'હિટ લિસ્ટ'માં ટોચ પર છે.
થોડા સમય પૂર્વે ઈરાને પણ એક અલગ 'એક્ઝિક્યુશન લિસ્ટ' બહાર પાડયું હોવાનું કહેવાય છે. એમાં એણે ઈઝરાયલના પ્રાઈમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુ, ડિફેન્સ મિનિસ્ટર અને આર્મી, નેવી તથા એર ફોર્સના ચીફની હત્યા કરવાની યોજના બનાવી છે. આ બાબતે સોશ્યલ મીડિયામાં જે પોસ્ટર વાઈરલ થયાં છે એના વિશે ઈરાન કે ઈઝરાયલની સરકાર તરફથી કંઈ કહેવામાં નથી આવ્યું. જો કે ઈરાનની મિલિટરી ઈન્ટેલિજન્સના એક સિનિયર ઓફિસરે કહ્યું હતું કે નેતન્યાહુ પર કદાચ હુમલો ન પણ કરવામાં આવે, પણ ઈઝરાયલના સિનિયર ઓફિસરને છોડવામાં નહીં આવે.
ઈરાનની સૂચિત ધમકીને અમેરિકન વહિવટીતંત્ર કેટલું ગંભીરતાથી લે છે એ જોઈએ. ગયા સપ્તાહે તુર્કીના અંકારામાં યોજાયેલા નાટો શિખર સંમેલનમાંથી પરત ફરતી વખતે ઈરાનના હુમલાની ભીતિએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કતાર તરફથી ભેટમાં મળેલા નવા બોઇંગ ૭૪૭-૮ જેટના બદલે તેમના જૂના એર ફોર્સ વન વિમાનમાં મુસાફરી કરી હતી. બ્રિટનના આરએએફ મિલ્ડનહોલ ખાતે થોડા સમયના વિરામ બાદ વિમાન બદલવાના આ નિર્ણયે રાષ્ટ્રપતિની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલા તણાવ બાદ યુએસ સિક્રેટ સર્વિસે રાષ્ટ્રપતિ ટ્રમ્પને વિમાન બદલવાની સલાહ આપી હતી. આ નિર્ણય કોઈ ચોક્કસ જોખમને ધ્યાનમાં રાખીને નહીં પરંતુસાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યો હતો. કતાર તરફથી મળેલા નવા વિમાનમાં હજુ સુધી એવી તમામ આધુનિક સુરક્ષા વ્યવસ્થાઓ સ્થાપિત કરવામાં આવી નથી, જે હાલના એર ફોર્સ વનના કાફલામાં ઉપલબ્ધ છે. જો કે વ્હાઈટ હાઉસે નવા વિમાનને અસુરક્ષિત ગણાવતા તમામ દાવાઓને નકારી કાઢ્યા હતા. વ્હાઈટ હાઉસના સંચાર નિર્દેશક સ્ટિવન ચેઉંગે સ્પષ્ટ જણાવ્યું કે નવું જેટ ઉચ્ચ સ્તરની સુરક્ષા વ્યવસ્થાઓથી સજ્જ છે. વિમાન બદલવા પાછળ સુરક્ષાની ચિંતાઓ જવાબદાર હોવાના દાવાને ટ્રમ્પે પોતે પણ નકારી કાઢ્યો હતો.
બે મહિના પૂર્વે ટ્રમ્પનાં પુત્રી, ઇવાન્કા ટ્રમ્પની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. ૩૨ વર્ષના મોહમ્મદ-બાકર-સાદ-દાઉદ-અલ-સાદીએ તેની હત્યાનો પ્લૉટ ઘડયો હતો. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) દ્વારા ટ્રેનિંગ મેળવેલા એક ઇરાકી નાગરિકે ઇવાન્કાની હત્યાનો સંપૂર્ણ પ્લાન ઘડી રાખ્યો હતો. જો કે, અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી એજન્સીએ ચતુરાઈપૂર્વક આ કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.
બીજી તરફ હિટ લીસ્ટની વાતોથી અકળાઇ ઉઠેલા ટ્રમ્પે એવા હરફ ઉચ્ચાર્યા છે કે ''જો મારી હત્યાનો પ્રયાસ થશે તો અમે ઇરાનને ખેદાન મેદાન કરી નાખશું. અમે ૧૦૦૦ મિસાઇલો ઇરાન પર તાકીને જ રાખી છે.'' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ''મે સૂચનાઓ આપી છે કે જો (મને) કંઇ થયું તો ઇરાન પર એવો બોમ્બમારો કરજો કે જે તેમણે ક્યારેય જોયું ન હોય.'' ડોનાલ્ડ ટ્રમ્પને તો હજુ માત્ર હત્યાની ધમકી મળી છે, પરંતુ ભૂતકાળમાં અમેરિકાના ચાર પ્રમુખ સત્તા પર હતા ત્યારે હત્યા થઇ હતી. જેમાં અબ્રાહમ લિંકન (૧૮૬૫), જેમ્સ ગાર્ફિલ્ડ (૧૮૮૧), વિલિયમ મેકકિનલે (૧૯૦૧), જ્હોન એફ. કેનેડી (૧૯૬૩) પર ઘાતક હુમલો થયો ત્યારે સમસ્ત અમેરિકામાં હાહાકાર મચી ગયો હતો.
ઉપરોક્ત જણાવેલા બદનસીબ પ્રમુખો સિવાય કેટલાંક નસીબદાર યુ.એસ.પ્રેસિડન્ટ થઇ ગયા જેમને કાળનો પંજો આંબી ન શક્યો. જેમ કે ૧૮૩૫માં એન્ડ્રુ જેક્સન પર હત્યારાએ ખૂબ નજીકથી ગોળી છોડી છતાં એ નિશાન ચૂકી ગયો એટલે જેક્સને તેમના હાથમાં હતી એ લાકડીથી તેને મારી દૂર હઠાવ્યો.
૧૯૧૨માં થિયેડોર રૂઝવેલ્ટ પ્રમુખપદની ત્રીજી ટર્મ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે હત્યારાએ તેમની છાતી પર ગોળી મારી હતી. જો કે તાત્કાલિક ઇલાજ થતા તેઓ ઉગરી ગયા હતા. ૧૯૩૩માં પ્રમુખ ફ્રેંકલીન રૂઝવેલ્ટ પર પણ ઘાતકી હુમલો થયો હતો, પરંતુ ખૂની વાર ચૂકી ગયો હતો અને બુલેટ રૂઝવેલ્ટના બદલે તેમની બાજુમાં ચાલતા શિકાગોના મેયર એન્ટોન સરમેકની છાતી સોંસરવી નીકળી ગઇ હતી. પ્રમુખ હેરી ટ્રુમેન પર ૧૯૫૦માં તેમના નિવાસસ્થાન બ્લેર હાઉસમાં ઘુસીને બે હત્યારાઓએ ગોળીબાર કર્યો હતો, પરંતુ સલામતી રક્ષકોએ તેમને મારી હઠાવ્યા હતા.
એવી જ રીતે પ્રમુખ જિરાલ્ડ ફોર્ડ પર તો ૧૯૭૫માં એક નહી બે વાર હત્યાનો પ્રયાસ થયો હતો. ૧૭ દિવસના ગાળામાં બે વાર હિચકારો હુમલો થયો તેને કારણે અમેરિકામાં સનસનાટી મચી ગઇ હતી. ૧૯૮૧માં પ્રમુખ રોનાલ્ડ રેગન પર જ્હોન હિન્કલે નામના શખ્સે ગોળીબાર કર્યો હતો. જેમાં તેઓની સાથે બીજા ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા.
અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જુલાઇ ૨૦૨૪ અને સપ્ટેમ્બર ૨૦૨૪ એમ બે મહિનાના ગાળામાં બે વાર અનુક્રમે પેન્સિલ વાનિયા તથા ફ્લોરિડામાં હુમલો થયો હતો.
જો કે અમેરિકન મિડિયામાં એવી ચર્ચા થાય છે કે ઇરાનના સત્તાધીશો ટ્રમ્પની હત્યા કરવાની વાતો માત્ર ચગાવી રહ્યા છે. જેને લીધે તેમને સ્થાનિક પ્રજાનો સપોર્ટ મળે.
એ વાત પણ સાચી છે કે ટ્રમ્પની સામે વેર વાળવાનું જે બીડું ઇરાને ઉઠાવ્યું છે તેને લીધે અમેરિકન સિક્યુરીટી એજન્સીઓમાં પણ હિલચાલ વધી ગઇ છે. અમેરિકામાં પ્રમુખની સુરક્ષા માટે સાત સ્તરીય સિક્યુરીટી બંદોબસ્ત હોવા છતાં અવારનવાર પ્રેસિડેન્ટ પર હુમલાની ઘટના બને છે. બે વર્ષ પૂર્વે એક ચૂંટણી પ્રચાર રેલીમાં ટ્રમ્પ પર હુમલો થયો તેને લીધે યુએસ સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર કિમ્બર્લી ચેટલે તરત જ રાજીનામું આપવું પડયું હતું. કારણ કે તેમની પર સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થઇ હોવાનો આરોપ મૂકાયો હતો.
કાળા કોટ- પેન્ટ, કાળા ગોગલ્સ અને આર્મડ લિમોઝીન (બીસ્ટ) સાથે પ્રમુખનો પડછાયો બનીને ફરતા સિક્રેટ સર્વિસના એજન્ટો આમ તો ખૂબ ચપળ હોય છે. યુ.એસ સિક્રેટ સર્વિસની સ્થાપના છેક તો ૧૮૬૫માં થઇ હતી. પરંતુ અમેરિકન પ્રમુખની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી તેમને ૧૯૦૨માં સોંપવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરીટીમાં હાલ ૩૨૦૦ સ્પે. એજન્ટ કામ કરે છે. જેમાં ૧૩૦૦ યુનિફોર્મ પહેરેલા ડિવિઝન ઓફિસરો છે. તેમજ બીજા ૨૦૦૦ ટેક્નિકલ અને વહિવટી કામ સંભાળે છે.
સિક્રેટ સર્વિસના એજન્ટો ફક્ત પ્રમુખ જ નહીં, અમેરિકાના ઉપપ્રમુખ, તેમના તમામ પરિવારજનો, ભૂતપૂર્વ પ્રમુખો અને તેમની પત્ની તથા વિદેશથી પધારેલા અન્ય દેશના મહત્વના રાજકીય નેતાઓ અને તેમની પત્નીની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. આ એજન્ટો પ્રમુખની સુરક્ષા કેવી રીતે સંભાળે છે તેની વિગતો લખવા બેસીએ તો બહુ લાંબી લચક યાદી બને. પરંતુ ટુંકમાં એટલું કહી શકાય કે કટોકટીના સમયમાં યુ.એસ. મિલિટરી તરફથી પણ બોમ્બ ડિસ્પોસીબલ યુનિટ, કમ્યુનિકેશન નેટવર્ક અને બીજી સહાય મળી રહે છે.
માની લઈએ કે ઈરાનની ધમકી પોકળ હોય. પરંતુ એક વાત સાચી છે કે વર્તમાન સંજોગોમાં ટ્રમ્પને માથે જોખમ તો છે જ. ટેરિફ વોર, હોર્મુઝ ખાડી, યુક્રેન, વેનેઝુએલા, ઈરાનના યુધ્ધ તેમ જ બીજા અત્યંત વિવાદાસ્પદ નિવેદનોને કારણે ટ્રમ ઘર આંગણે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અળખામણા બની ગયા છે. ક્યારેક કોઈ માથાફરેલ, વિફરેલો માણસ જીવલેણ કૃત્ય કરી બેસે તો નવાઈ નહીં.