જુલાઈમાં સમગ્ર ભારત-ટેગ્ડ કેરીની મસ્તીમાં!

શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
આપણે રત્નાગિરિ અને સૌરાષ્ટ્રની કેરી માણી લીધી. હવે દ.ગુજરાત અને સમગ્ર ભારતના વિવિધ શહેરો ટેગિંગ કરેલી કેરી ખાવાની શરૂઆત કરી રહ્યા છે. શું ચ્હા અને ચંપલની માફક કેરીનું ટેગિંગ પણ જરૂરી છે ?
ભા રતના અનેક શહેરોમાં કેરી વિપુલ પ્રમાણમાં પાકે છે. કેરીની ગુણવત્તા જાણવા માટે તેને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન (જીઆઈ) ટેગ આપવામાં આવે છે. જીઆઈ ટેગથી ખ્યાલ આવે કે કેરી તેના મૂળ પ્રદેશમાં ઊગાડવામાં આવેલી છે કે કલમ કરીને કોપી કરવામાં આવી છે.
જીઆઈ ટેગવાળી કેરીનો સ્વાદ રંગ સ્ટાન્ડર્ડ હોય છે અને ક્વૉલિટીમાં શ્રેષ્ઠ હોય છે.
સર્વશ્રેષ્ઠ કેરીની વાત કરીએ તો આફૂસ અગ્રસ્થાને છે. મહારાષ્ટ્રના દેવગઢ અને રત્નાગિરિની આફૂસને જીઆઈ ટેગ મળેલ છે એટલે આફૂસની શ્રેષ્ઠ ક્વૉલિટી આ જીલ્લાઓની ગણાય છે.
ઉત્તરપ્રદેશની મલિહાબાદી દશેરીને પણ આવા સર્ટિફિકેટ મળેલા છે. આંધ્રપ્રદેશની બેનાગાનાપલ્લી ગુજરાતની આફૂસ જેવી જ છે અને જીઆઈ ટેગ ધરાવે છે.
ગીરની કેસર જીઆઈ ટેગ ધરાવે છે એટલે એની તોલે બીજી કોઈ કેસર ના આવે. મલગોબો અને રામપુરી સૌને ગમે છે પરંતુ જીઆઈ ટેગ મેળવવા કોઈ મેદાને પડયું નથી.
તમે લંગડા કેરીનો રસ તો પીધો છે ને ? મીઠો મધ જેવો હોવાથી દક્ષિણ ગુજરાતમાં લોકો રસની સાથે સરસીયાં ખાજા માણે છે. આપણે જે લંગડો કેરી ખાસ કરીને ચોમાસા દરમ્યાન માણીએ છીએ તે મૂળ વારાણસી વિસ્તારની 'બનારસી લંગડો' છે જેને જીઆઈ ટેગ મળેલ છે.
જાંબુડી લાલાશ રંગની મકરમ (મકારામ) કેરી સુરત, નવસારી અને વલસાડમાં જાણીતી છે પરંતુ તેને જીઆઈ ટેગ નથી મળ્યો. તે એક્સપોર્ટ થતી નથી.
વરસાદ પૂરો થવા આવે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પાછળથી એટલે કે મોડેથી આવતી કેરીની એક જાત 'પછાતિયો' તરીકે ઓળખાય છે જે પણ એક્સપોર્ટ થતી નથી અને જીઆઈ ટેગ મેળવી શકી નથી પરંતુ તેનો રસ સીઝનની પૂર્ણાહુતિ સૂચવે છે એટલે સુરતી પ્રજા તેને તીખા તમતમતાં સરસીયાં ખાજા સાથે માણે છે.
કેરી ખાતાં પહેલાં પાણીમાં થોડી વાર બોળી રાખવી એટલે તેની કોઈ આડઅસર ના થાય…!
'જીઆઈ' ટેગ વિશે આટલી વાત જાણી લો…
જીઆઈ એટલે કે 'જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન' ટેગ કે જેનો અર્થ એક પ્રકારનું સર્ટિફિકેટ થાય છે. કયા પ્રદેશમાંથી તે બને છે અને તેની ગુણવત્તા તે પ્રદેશ સાથે કેવી રીતે જોડાયેલી છે એ બાબત જીઆઈ ટેગથી ખબર પડે છે.
દા.ત. ગીર કેસર કેરી ગુજરાતના ગીર પ્રદેશની મૂળભૂત પેદાશ છે. દાર્જિલિંગ ચ્હા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પ્રદેશમાં બને છે.
આ પ્રકારના સર્ટિફિકેટથી પ્રોડક્ટ ભરોસાપાત્ર બને છે. જે તે પ્રદેશ સિવાય અન્ય લોકો તે નામ વાપરીને વેચાણ કરી શકતા નથી. આનાથી સ્થાનિક ઉત્પાદકને ટેકો મળે છે. વળી પેદાશની પરંપરા અને પદ્ધતિ જળવાઈ રહે છે. ગ્રાહક એ પ્રોડક્ટ પર વિશ્વાસ કરે છે.
૨૦૧૯ માં કોલ્હાપુરી ચંપલને પણ જીઆઈ ટેગ મળ્યો હતો. મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખાસ જીલ્લાઓમાં બનેલી આ ચંપલને જ સ્ટાન્ડર્ડ ગણાય છે. એ સિવાય અન્ય સ્થળે બનતી કોલ્હાપુરી ચંપલ ગુણવત્તા ગુમાવી ચૂકી હોય છે.









